ઓક્ટોબર માસમાં માહિતી અધિકારના કાયદા તથા તેની ઉપયોગીતા પર એક વિશેષ નજર કરવી જોઈએ. આખરે તો કાયદો ગમે તેટલો લોક ઉપયોગી હોય તો પણ તે કાયદાની સમજૂતી લોકો સુધી ન પહોંચે તો આવા કાયદાઓનો ખરો લાભ લોકોને થતો નથી. માહિતી કમિશનર તેમજ મુખ્ય માહિતી કમિશનર તરીકેના મારી કામગીરીના જાત અનુભવે કેટલીક બાબતો મનમાં સ્પષ્ટ થઇ છે. આથી જ માહિતી આયોગ ગુજરાત તરફથી ઓક્ટોબરની ૧૦મી તારીખે(૨૦૨૨) એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું તેમાં ભાગ લેવાનો આનંદ થયો. આમ થવા પાછળનું મહત્વનું કારણ એ હતું કે જેઓ ગાંધીનગર સચિવાલયમાં મહત્વના હોદ્દાઓ પર બેસીને માહિતી અધિનિયમનું ખરા અર્થમાં અમલીકરણ કરે છે તેમની સાથે માહિતી અધિકારના કાયદા વિષે વાત કરવાની કે ચર્ચા કરવાની તક મળી. ગુજરાત માહિતી આયોગના મુખ્ય કમિશનર તેમજ તેમની સમગ્ર ટીમ આવા આયોજન માટે આપણાં અભિનંદનના અધિકારી બને છે. સચિવાલયના વિવિધ વિભાગોએ પણ ઉત્સાહથી પોતાના પ્રતિનિધિઓને આ વર્કશોપ માટે મોકલ્યા તે બાબત અભિનંદનીય છે. કાયદા પાછળ રહેલા SPIRITને સમજીને જો કામ થાય તો તેવા કાયદાના અમલીકરણમાં વિશેષ અસરકારકતા આપોઆપ આવે છે. ગુજરાતની વિવિધ સરકારોએ જો કે શરૂઆતથી જ માહિતીના અધિનિયમના અમલીકરણમાં સતર્કતા દાખવી છે. શરૂઆતના તબક્કે પડતર કેસોની સંખ્યામાં વિશેષ પ્રમાણમાં રહેતી હતી. તેનું એક મહત્વનું કારણ માળખાકીય સુવિધાઓને લાગતું હતું. જેમ ન્યાયતંત્રમાં ન્યાયધિશોની કેટલીક જગાઓ એક અથવા બીજા કારણસર ખાલી રહે છે તેમ માહિતી કમિશનરોની જગાઓ ખાલી રહેવાની સ્થિતિ ગુજરાતમાં એક તબક્કે હતી. આમ છતાં હાલની સ્થિતિ જોઈએ તો ગુજરાત સરકારે પ્રો-એક્ટિવ રહીને કમિશનરોની જગાઓ ભરી છે તથા છેલ્લા પાંચ વર્ષનું આ બાબતનું ચિત્ર ભૂતકાળના પ્રમાણમાં વિશેષ સારું છે. શરૂઆતના થોડા વર્ષોમાં કમિશનને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જોગવાઈ યથાર્થ પ્રમાણમાં ન હતી. પરંતુ તેમાં પણ હવે મહત્વના સુધારા થયા છે. ઓનલાઇન કેસ ચલાવવાની જે પ્રથા દાખલ કરવામાં આવી તેના કારણે લોકોને દુરદુરથી ગાંધીનગર આવવું પડતું હતું તે સ્થિતિ હવે રહી નથી. જેમને માહિતી જોઈએ છે તેમના માટે તેમજ સરકારના જુદા જુદા વિભાગોના અધિકારીઓ માટે ઓનલાઇન કેસો ચાલવાથી વિશેષ સરળતા થઇ છે. જિલ્લાના અધિકારીઓને માહિતી આયોગની સુનાવણી દરમિયાન પ્રવાસ કરવો પડતો નથી તેથી પણ તેઓના દૈનિક કામ ઉપર અસર પડતી નથી. જિલ્લાના કે સચિવાલયના જુદા જુદા વિભાગોના કર્મયોગીઓનો પણ મહત્વનો ફાળો આ અધિનિયમના અમલીકરણમાં રહેલો છે. રેકોર્ડ વ્યવસ્થિત રીતે રાખીને તેની જાળવણી પણ થવી જોઈએ તેવી સમજ માહિતી અધિનિયમના અમલીકરણ પછી વધી છે. આ પણ એક મહત્વની વિધેયાત્મક અસર છે. રેકોર્ડનું વર્ગીકરણ કરીને તેને જાળવવાની વ્યવસ્થા તથા તેને સંબંધિત નિયમો તો ઘણાં જુના છે પરંતુ તેના અમલીકરણમાં જોઈએ તેવી કાળજી લેવાતી ન હતી. માહિતીના ધારાના અમલ પછી આ રેકોર્ડની જાળવણીનો વિષય વિશેષ પ્રકાશમાં આવ્યો છે.
માહિતી અધિનિયમના અમલીકરણની શરૂઆતમાં કર્મચારીઓ-અધિકારીઓના મનમાં ઊંડે ઊંડે પણ એક ભયની લાગણી હતી. સરકારની ફાઈલો કે તેના પત્રવ્યવહારની વિગતો લોકોને કેવી રીતે આપી શકાય? આમ કરવા જતાં કેવા પરિણામો આવશે? કોઈ વ્યક્તિ માહિતીનો દૂર ઉપયોગ કરશે તો શું થશે? આ પ્રકારના અનેક પ્રશ્નો કાયદાના પ્રારંભના સમયે હતા. આવી લાગણી સ્વાભાવિક પણ છે. કારણ કે સૌકાઓથી આપણે માહિતીની ગુપ્તતા જાળવવાની બાબત સાથે જોડાયેલા હતા. OFFICIAL SECRET ACT -નું એ સીધું પરિમાણ હતું. પરંતુ દેશના સંરક્ષણ જેવી મહત્વની બાબતોને બાદ કરતા બાકીની રેકોર્ડ આધારિત માહિતી પ્રાપ્ત કરવાનો લોકોનો અધિકાર છે. બંધારણની રચના કરનાર આપણાં દીર્ઘદ્રષ્ટિવાળા વિદ્વાનોએ નાગરિકોને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આપ્યું. લોકોના હાથમાં આ એક મહત્વનું હથિયાર છે. પરંતુ આ અભિવ્યક્તિનો હક્ક કે અધિકાર લોકો ત્યારે જ યથાયોગ્ય રીતે ભોગવી શકે કે જયારે તેમની પાસે માહિતીનો સ્ત્રોત ઉપલબ્ધ હોય. આ રીતે માહિતીનો કાયદો બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની પરિપૂર્તિ સમાન છે.
કોઈ પણ કાયદાના અમલીકરણમાં તે કાયદાનો દુરુપયોગ થાય તેની શક્યતા રહેલી છે. કેટલાક તત્વો પોતાના અંગત હેતુઓ કે સ્વાર્થ માટે આવું કરતા હોય છે તેવો આપણો અનુભવ છે. મહિલાઓના શોષણને અટકાવવા ડાવરી એક્ટની અમલવારી શરુ કરવામાં આવી. મહિલાઓ તરફથી લગ્ન સમયે શ્વસુર પક્ષના લોકોને કરિયાવર આપવાની ફરજ પાડવામાં ન આવે તેવો આ કાયદાનો ઉમદા આશય હતો. જેમની સામે આવી ફરિયાદ થાય તેમને કડક શિક્ષા મળે તેવી પણ જોગવાઈ સારા હેતુ માટે કરવામાં આવી હતી. આ કાયદાની જોગવાઈના અનેક ફાયદા પણ થયા. આમ છતાં આ કાયદાનો દુરુપયોગ કરીને કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિગત દ્વેષ કે ક્ષુલ્લ્ક કારણોસર કેટલીક ફરિયાદો થઇ. થોડા કિસ્સાઓમાં નિર્દોષ લોકો પણ તેનો ભોગ બન્યા. આમ છતાં માત્ર આવા દુરુપયોગને કારણસર જ કોઈ સારા હેતુ માટે ઘડાયેલા કાયદાને નિરર્થક ઠરાવી શકાય નહિ. દુરપયોગ સામે લોક જાગૃતિ ઉભી કરવાની ફરજ સરકારની સાથે જ સ્વૈચ્છીક સંસ્થાઓની રહે છે. લોકજાગૃતિ ઉભી કરવામાં પણ ‘માહિતી પહેલ’ જેવી સ્વૈચ્છીક સંસ્થાઓએ નોંધપાત્ર કામગીરી કરી છે. સામાન્ય રીતે આરટીઆઈ હેઠળ માહિતી મેળવવા ઇચ્છતા નાગરિકોના મનમાં કેટલાક પ્રશ્નો થાય છે. આથી માહિતી પહેલ દ્વારા એક હેલ્પલાઇન સેન્ટર ચલાવવામાં આવે છે જે નાગરિકોના મનમાં ઉભા થતાં પ્રશ્નો કે મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં મદદરૂપ થાય છે. રાજ્ય સરકારની સંસ્થા SPIPA તરફથી પણ જાહેર માહિતી અધિકારી તથા અપીલ અધિકારીઓ માટે નિયમિત રીતે તાલીમની વ્યવસ્થા કરવામાં આવે છે. માહિતી અધિનિયમના અસરકારક અમલીકરણ માટે આપણી કટિબદ્ધતા જરૂરી છે.
વસંત ગઢવી
તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૨
Leave a comment