ઓક્ટોબર માસના આ ઉત્સવોની દીપમાળામાં વૈકુંઠભાઈનું વિશેષ સ્મરણ થાય છે. વૈકુંઠભાઈનો જન્મ ઓક્ટોબરની ૨૬મી તારીખે(૧૮૯૧) ભાવનગરમાં થયો હતો. ભાવનગર એ ખરા અર્થમાં ‘બહુરત્ના વસુંધરા’ છે.
ભાવનગરના રેલ્વે સ્ટેશન પર એક ટ્રેન આવીને ઉભી રહે છે. દેશ હજુ આઝાદ થયો ન હતો. ટ્રેન ઉભી રહી. વહેલી સવારનો સમય હતો. મુસાફરો એક પછી એક ટ્રેનના ડબામાંથી બહાર નીકળતા હતા. પોતપોતાના બેગ, બિસ્તરા કે પોટલાં ઉંચકી સૌ મુસાફરો રેલ્વે સ્ટેશનની બહાર નીકળતા હતા. એક યુવાન પ્રથમ વર્ગના ડબામાંથી બહાર નીકળે છે. એક નાની બેગ યુવાન પાસે છે. આ યુવાન મુસાફર ‘ટ્રેનના પ્લેટફોર્મ પર નજર ફેરવી કુલીને શોધે છે. ફૂલી…ફૂલી એવી બુમ પણ પાડે છે. બરાબર આજ સમયે એ યુવાન ઉતર્યો તેની પાસેના ડબામાંથી એક બીજી વ્યક્તિ પણ ઉતરે છે. મુસાફર યુવાનથી થોડી મોટી ઉંમરના છે. એ સજ્જનના હાથમાં એક થેલી છે. આ વ્યક્તિએ કુલીને શોધતા યુવાનની સૂટકેસ ઉંચકી લીધી અને સ્ટેશનથી બહાર જવાના રસ્તે સ્વસ્થતાથી ચાલવા લાગ્યા. યુવાન મુસાફરે આ સૂટકેસ ઉંચકીને ચાલનાર ‘ફૂલી’ની પાછળ ચાલવા માંડ્યું. ફૂલી મળી ગયો તેના સંતોષમાં સિગરેટ પણ સળગાવી અને સિગરેટનો ધુમાડો કાઢવા લાગ્યો. યુવાન તથા ફૂલી જયારે બહાર નીકળ્યા ત્યારે આ યુવાન મુસાફરનો ભ્રમ ભાંગી જાય છે. તે ડઘાઈ જાય છે. ડરી પણ જાય છે. કારણ કે આ ‘ફૂલી’ને સ્ટેશને સત્કારવા ત્રણ ચાર માણસો ઉભા છે. તેને ઝૂકીને નમન કે નમસ્તે પણ કરે છે. સામે જ ભાવનગર રાજ્યની વૈભવી ગાડી ઉભી છે. આ ‘ફૂલી’ના પિતા ભાવનગર રાજ્યના દીવાન છે. તેઓ પણ પુત્રની રાહ જોતા ગાડીમાં બેઠા છે. હવે આ ફૂલી પેલા યુવાનને મંદ હાસ્ય કરતા સહેજ પણ અણગમો વ્યક્ત કર્યા સિવાય કહે છે:
“આપણું કામ જાતે કરતા શીખો. સૂટકેસમાં ઝાઝો ભાર નથી. તમારે તો હજુ ઘર, ગામ તથા દેશનો ભાર ઊંચકવાનો છે.” આટલું કહીને સામે ઉભેલી રાજ્યની ગાડીમાં બેસી જનાર આ સજ્જન વૈકુંઠભાઇ મહેતા છે. તેના પિતા લલ્લુભાઇ મહેતા ભાવનગર રાજ્યના દીવાન છે. સાદગી અને સંસ્કાર વૈકુંઠભાઇને વારસામાં મળેલા છે. યુવાન વયે જ ગોપાલકૃષ્ણ ગોખલેના વિચારોથી પ્રભાવિત થનાર વૈકુંઠભાઇ ગાંધીજીની વિચારધારાના અગ્રજ વાહક હતા. આજે સામાજિક ક્ષેત્રોમાં ઊંડા ઉતરીને લોકોના ખરેખરા હિતમાં હોય તેવા કાર્યકર્તાઓની અછત ઉડીને આંખે વળગે તેવી છે. આથી આ સંદર્ભમાં પણ પ્રેરણા મેળવવા માટે વૈકુંઠભાઇ જેવા સામાજિક અગ્રણીનું સ્મરણ થતું રહે છે.
પિતા લલ્લુભાઈનો વસવાટ ભાવનગરથી મુંબઈ થતા વૈકુંઠભાઇ મુંબઈ આવ્યા. મેટ્રિક થયા પછી મુંબઈની પ્રસિદ્ધ કોલેજ એલ્ફિસ્ટન કોલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં કોલેજમાં તેમને બે આજીવન મિત્રો મળ્યા. તેમાંના એક તે અબ્દુલા બ્રેલવિ અને બીજા મહાદેવભાઈ દેસાઈ- ગાંધીજીના સમર્પિત સચિવ. ત્રણે મિત્રોમાં એક વસ્તુ કોમન હતી. ત્રણેય મિત્રો અભ્યાસમાં સ્કોલર હતા. પરીક્ષાઓના પરિણામમાં તેઓ હંમેશા મોખરે રહેતા હતા. જોગાનુજોગ એવું થયું કે કોલેજની ઇન્ટરમિડિયેટ પરીક્ષામાં મહાદેવભાઈ કરતા વૈકુંઠભાઇને બે ચાર માર્ક્સ વધારે મળ્યા. પ્રથમ ક્રમાંક જે વિદ્યાર્થી પ્રાપ્ત કરે તેને સ્કોલરશીપ મળે તેવો નિયમ હતો. મહાદેવભાઈની આર્થિક સ્થિતિ નબળી હતી. આથી સ્કોલરશીપ ન મળે તો આગળનો અભ્યાસ ચાલુ રાખવો તે તેમના માટે મુશ્કેલ હતું. કોઈની મદદ માંગીને આગળનો અભ્યાસ કરી શકાય પરંતુ મદદ માંગે તો એ મહાદેવ શાના? મિત્રના કહ્યા સિવાય મિત્રની મુશ્કેલી સમજી શકનાર વૈકુંઠભાઇ કોલેજના પ્રિન્સિપાલને મળીને પોતાનો સ્કોલરશિપનો હક્ક જતો કરે છે. પ્રથા અનુસાર પ્રથમ ક્રમે આવનાર સ્કોલર-શિપનો લાભ ન લે તો તે લાભ બીજા ક્રમે આવનાર ને મળે. બીજા ક્રમે મિત્ર મહાદેવ હતો તેથી ગણતરીપૂર્વક આ નિર્ણય વૈકુંઠભાઈએ કર્યો હતો. આ નિર્ણયને વૈકુંઠભાઇના પિતા લલ્લુભાઈએ ખુશ થઈને વધાવી લીધો. સંસ્કાર તથા સંવેદશીલતાનું આ એક ઉજળું ઉદાહરણ છે. વૈકુંઠભાઈએ જીવનભર એલ્ફિસ્ટન કોલેજ સાથેનો સંબંધ જાળવી રાખ્યો હતો. માતાનું અવસાન થતાં વૈકુંઠભાઇ તથા બે નાના ભાઈઓને મોટાબહેન સુમતિબહેને જનેતા જેવો સ્નેહ આપ્યો હતો.
બ્રિટિશ હિન્દમાં ખેડૂતોના પ્રશ્નો વ્યાપક તથા ગંભીર પ્રકારના હતા. આથી તેના ઉકેલ માટે સહકારી પ્રવૃત્તિનો વિકાસ એક સ્થાયી વ્યવસ્થા તરીકે કરવાનો પ્રયાસ જાગૃત લોકોએ કર્યો હતો. સરકારે પણ આ માટે એક ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં વૈકુંઠભાઇ મહેતાના પિતા લલ્લુભાઇ હતા. બાકીના અંગ્રેજ અધિકારીઓ હતા. પિતાના આ કામમાં મદદ કરતા કરતા જ વૈકુંઠભાઇને સહકારી પ્રવૃત્તિમાં રસ પડવા લાગ્યો. તેઓ આ સંદર્ભમાં જ બોમ્બે સેન્ટ્રલ કોઓપરેટીવ બેંકમાં જોડાયા જે ભવિષ્યમાં મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટીવ બેંક તરીકે જાણીતી થઇ. વૈકુંઠભાઇ મુંબઈ રાજ્યના નાણામંત્રી થયા ત્યાં સુધી આ મધ્યસ્થ બેંકને વિકસાવી અને અને મજબૂત કરી.
વૈકુંઠભાઈનો મહત્વનો ફાળો સહકારી સંસ્થાઓમાં કામ કરતા લોકોની તાલીમની વ્યવસ્થા ઉભી કરવામાં રહ્યો હતો. તેમને મન સહકાર એટલે એક જીવનપદ્ધતિ(way of life) હતી. રાજ્યથી સ્વતંત્ર એવી મજબૂત સહકારી સંસ્થાઓ વિકસાવવાનું તેમનું સ્વપ્ન હતું. જો કે વૈકુંઠભાઇ આપણી વચ્ચેથી વહેલા ગયા. ૧૯૬૪ના ઓક્ટોબરમાં આ દીપનિર્વાણ થયું. આથી ઘણી બધી બાબતો જે તેમને કરવી હતી તે અધૂરી રહી.
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા તેમજ મહાત્મા ગાંધીની ઈચ્છાને માન આપીને વૈકુંઠભાઇ મુંબઈની ધારાસભામાં ગયા. રાજ્યના નાણામંત્રી પણ બન્યા. પરંતુ તેઓ રાજકારણના આટાપાટાથી ઘણાં દૂર હતા. સહકાર અને ખાદી ગ્રામોદ્યોગ ક્ષેત્રના તેઓ ભેખધારી હતા. ઢેબરભાઈ વૈકુંઠભાઇને વ્યવહારુ સમજશક્તિ ધરાવતા પ્રખર અર્થશાસ્ત્રી તરીકે ઓળખાવે છે. વૈકુંઠભાઈનું સ્મરણ પ્રેરણાદાયક છે.
વસંત ગઢવી
તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨
Leave a comment