: સંસ્કૃતિ : : નાનાભાઇ : શિક્ષણ ક્ષેત્રના મહર્ષિ :

નાનાભાઇ ભટ્ટ શિક્ષકોને સંબોધન કરતા એક સુંદર વાત કહે છે :

‘‘ એક વખત ભાવનગરમાં મોટી આગ લાગી. આગે ભયંકર રૂપ લીધું. સદાકાળ જાગૃત એવા સર પ્રભાશંકર પટ્ટણી ઘટના સ્થળે હાજર છે અને આગને નિયંત્રણમાં લેવાના કાર્યને દોરવણી આપે છે. આગ લાગી તેની નજીકમાંજ દરબારગઢ હતો. આગને નિયંત્રણમાં લાવવા દરબારગઢની ભીંત તોડવાની જરૂર ઊભી થઇ. તોડવાના પ્રયાસો કર્યા. ભીંત તુટતી ન હતી. રાજ્યની તોપમાંથી પૂરા બળ સાથે તોપગોળા ભીંતને તોડવા માટે છોડ્યા. આમ છતાં ભીંતે મચક ન આપી. પિંતાબર મિસ્ત્રી નામે એક ભાઇ પટ્ટણી સાહેબ પાસે ઊભા ઊભા આ બધી પ્રક્રિયા જોઇ રહ્યા હતા. એકાએક તેમણે પટ્ટણી સાહેબને સંબોધીને કહ્યું : સાહેબ, મારા બાપ પોચા મિસ્ત્રીએ આ ભીંત બાંધી છે. તોપગોળાથી એ ભીંતો ન પડે ! ’’ આ વાત કર્યા પછી નાનાભાઇ ઉમેરે છે કે ‘મારા બાપે બાંધી છે તેથી તુટશે નહિ’ એમ કહેનાર આ મિસ્ત્રીની જેમ આપણે (શિક્ષકો) વિશ્વાસપૂર્વક કહી શકીએ કે ‘મેં ભણાવ્યા છે તેથી તે (વિદ્યાર્થી) ખોટું નહિજ કરે’ છોકરાઓને તો ધર્મ તરીકે ભણાવીએ અને એ શિક્ષણકાર્યનું આપણે ગુમાન અનુભવીએ. (અર્વાચીન અગત્સ્ય : સંપાદક : ભરત ભટ્ટ) ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનની સ્મૃતિમાં ઉજવાતો શિક્ષક દિવસ હમણાંજ ગયો. ડૉ. રાધાક્રિષ્નનની સાથેજ આપણામાંથી અનેકને ગુજરાતના શિક્ષણવીર નાનાભાઇ ભટ્ટની સ્મૃતિ થઇ હશે. નાનાભાઇના ઉલ્લેખ કે તેમના યોગદાનની હકીકતોને લક્ષમાં લીધા સિવાય શિક્ષણનો ઇતિહાસ પૂરો થતો નથી. શિક્ષકોમાં કેવો આત્મવિશ્વાસ પ્રગટવો જોઇએ તે માટે નાનાભાઇએ ટાંકેલું આ ઉદાહરણ સ્મૃતિમાંથી ખસે તેવું નથી. આજના સંદર્ભમાં આપણે ક્યાં ઊભા છીએ ! દાદા ધર્માધિકારીએ એક પ્રવચનમાં કહેલું કે તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણમાં શોધવાનો આપણો પ્રયાસ હતો. પરંતુ શિક્ષણ સ્વયં એક સમસ્યા બનીને ઊભું રહ્યું. વખતોવખત શિક્ષણ સુધારવાના પ્રયાસો થતા રહ્યા પરંતુ સમસ્યાનો ઉકેલ ન આવ્યો. શિક્ષણ સુધારવાના અનેક પ્રયોગો થયા તેનો ફાયદો જરૂર થયો. આમ છતાં એક આદર્શ તેમજ સર્વ વ્યાપક બની શકે તેવી કાર્યક્ષમ રાષ્ટ્રીય શિક્ષણની વ્યવસ્થા એ દૂર ને દૂર રહી. હાલમાં જેની ઘણી ચર્ચાઓ થાય છે તેવી નેશનલ એજ્યુકેશન પૉલીસીનો અમલ કરવાની બાબત પણ આ દિશામાંજ કરવામાં આવતો એક મહત્વનો પ્રયાસ છે. 

શિક્ષક તથા વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ એ ગુરૂ-શિષ્ય જેવો રહ્યો છે કે કેમ તે એક મહત્વનો પ્રશ્ન છે. પોતાના વિદ્યાર્થી તરફ માત્ર શિષ્યનો દ્રષ્ટિકોણ નહિ પરંતુ તેનાથી પણ વિશેષ આદરનો તથા સ્નેહનો ભાવ નાનાભાઇ રાખતા. તેઓ કહેતા પણ ખરા કે મારા મતે તો દરેક વિદ્યાર્થી એ ભગવાનનું રૂપ છે. કારણકે ભગવાન દક્ષિણામૂર્તિ કયા વિદ્યાર્થીના સ્વરૂપમાં મારી પરીક્ષા લેશે તેની મને ખબર નથી. શિક્ષક તથા વિદ્યાર્થી વચ્ચેના આદર તથા સ્નેહના સંબંધો આજે ક્ષીણ થયા છે. નજીકના ભૂતકાળમાં અને મહદ્દ અંશે આજે પણ વિદ્યાર્થી તથા શિક્ષક એકબીજાને મળી શકતા નથી. પ્રત્યક્ષ શિક્ષણ એ કોરોના કાળમાં જોખમી બન્યું છે. આ કારણો પણ શિક્ષકો – વિદ્યાર્થીઓ વચ્ચેની તીરાડ વધારવામાં કારણભૂત બન્યા હશે. અલબત્ત, સમયની માંગને કારણે એ અનિવાર્ય ગણી શકાય તેવું છે. વિદ્યાર્થીઓના ‘સ્ક્રીન ટાઇમ’ માં ઝડપી વધારો થતાં તેના પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. બાળકનો પૂર્ણ વિકાસ એ મોટો પ્રશ્નાર્થ છે. ટેકનોલોજીની મદદને કારણે શિક્ષણ કાર્ય જાળવી રાખી શકાયું તે નિ:શંક છે. એક રીતે આ પ્રમાણમાં નવી બાબતને અપનાવી લેવા માટેની સાનુકૂળતા કરવાનું કામ શિક્ષકો – વિદ્યાર્થીઓ તથા વાલીઓએ સાથે મળીને નિષ્ઠાથી કર્યું છે. આ બાબતની નોંધ લેવી જોઇએ.

શાળાઓનું એક સ્વરૂપ એ ઇંગ્લાંડની હેરો સ્કૂલ જેવું હતું. હેરોની સ્થાપના ૧૫૭૨માં થઇ હતી અને તેનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અગ્રતાના સ્થાને છે. પંડિત જવાહરલાલ નહેરુ હેરો સ્કૂલના વિદ્યાર્થી હતા. જે લોકોને આર્થિક રીતે પરવડે તેવા મર્યાદિત કુટુંબો માટે આ સ્કૂલનો વિકલ્પ રહેતો હતો. આપણાં દેશમાં દૂન સ્કૂલ એ પણ આવુંજ એક ઉદાહરણ છે. દૂન કે હેરો જેવી સ્કૂલો મર્યાદિત હોય તથા તેનો લાભ લઇ શકે તેવા લોકો પણ આંગળીના વેઢે ગણી શકાય તેટલા હોય. નાનાભાઇ જેવી સર્વ સમાવેશક દ્રષ્ટિવાળા માનવીનેતો સૌને સુલભ બને તેવું શિક્ષણનું માળખું વિકસાવવામાંજ રસ હોય તે સ્વાભાવિક છે. ૧૯૧૦ આસપાસના સમયમાં નાનાભાઇ ભાવનગરની શામળદાસ કોલેજમાં અધ્યાપક હતા. અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓમાં તેમની એક અભ્યાસુ તેમજ નિષ્ઠાવાન અધ્યાપક તરીકેની છાપ હતી. સારો પદ, પગાર તેમજ પ્રતિષ્ઠા ધરાવતા આ કામથી નાનાભાઇ મનથી સંતુષ્ટ ન હતા. અંતે અનેક જરૂરિયાતમંદ લોકોના શિક્ષણના કામમાં લાગવા તેમણે સારી નોકરી છોડી ભાવનગર રાજ્યના દીવાન સર પટ્ટણીની મદદથી એક જર્જરીત ધર્મશાળાના મકાનમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનનો પ્રારંભ કર્યો. છાત્રાલય સાથે વિદ્યાલય પણ શરૂ કરીને ક્રમશ: સંસ્થાનો વિકાસ કરતા ગયા. રાજ્ય તરફથી શાળા તથા છાત્રાલયના મકાનો બાંધવા માટે જમીન મળી. દાતાઓના સહયોગથી ૧૯૧૦થી એક દાયકામાં દક્ષિણામૂર્તિનો સારો એવો વિકાસ થયો. નાનાભાઇ સાથે હરભાઇ ત્રિવેદી, ગિજુભાઇ બધેકા તથા તારાબહેન મોડક જેવા સાથીઓ જોડાયા. ત્રણ દાયકાના ગાળામાં સંસ્થા એક વટવૃક્ષ સમાન બની રહી. માત્ર સિધ્ધાંતોની વાત કે વિવાદ કર્યા સિવાય નાનાભાઇએ કેળવણીનો એક નવો વિકલ્પ ઊભો કર્યો હતો. મહાત્મા ગાંધી પણ આ સંસ્થાની મુલાકાત લઇને નાનાભાઇના કાર્યથી પ્રસન્ન થયા. કવિ ઉમાશંકર જોશી કહે છે તેમ નાનાભાઇને તમે સહરાના રણમાં મૂકોતો પણ થોડા સમયમાં જોશો કે તેમની આસપાસ સંસ્થા જામી ગઇ હશે. 

શિક્ષણના ક્ષેત્રમાં આપણે નાનાભાઇ કે ડોલરરાય માંકડ જેવી દ્રષ્ટિ રાખીને શિક્ષણના મૂળ ઊંડા તથા મજબૂત કરવા પડશે. તેમના વિચારોના સત્યને સમજીને જે હાલમાં પણ પ્રાસંગિક હોય તેને નિષ્ઠાથી અનુસરવામાં કશું ગુમાવવાનું રહેતું નથી. નાનાભાઇ તો ૧૯૬૧માં ગયા પરંતુ શિક્ષણ પરત્વેના તેમના વિચારો તથા પ્રતિબધ્ધતા આજે પણ માર્ગદર્શક બને તેવા છે.

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૦૬/૦૯/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑