વાટે…ઘાટે:વિદ્યુતસમાનવ્યક્તિત્વ: લોકમાતાનિવેદિતા:

કાળની એ બલિહારી છે કે જયારે કોઈ સમર્થ વ્યક્તિત્વનું એ નિર્માણ કરે છે ત્યારે તેવા વ્યક્તિત્વનું કાર્ય આગળ વધારવા એક વ્યવસ્થા કે અન્ય પૂરક વ્યક્તિઓનું પણ નિર્માણ કરે છે. વિરજાનંદ સરસ્વતી જેવા દ્રષ્ટિવાન સંન્યાસીનું સ્વપ્ન જગતમાં ચરિતાર્થ કરનારા મહાન સન્યાસી સ્વામી દયાનંદ થયા. ખરી વૈદિક પરંપરાનું જ્ઞાન મહર્ષિ દયાનંદે જગતને કરાવ્યું. વિરજાનંદ સરસ્વતીની વિદ્યાનો ધવલ પ્રવાહ જગતના ચોકને પવિત્ર કરી ગયો. કાલિમા સાથે સંવાદ કરી શકે તેવી ઉચ્ચતમ આધ્યાત્મિક સ્થિતિ ધરાવતા રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદ જેવા સમર્થ શિષ્ય મળ્યા. મહાત્મા ગાંધીના સર્વોદયના વિચારને રાજ્ય વ્યવસ્થામાં પડ્યા સિવાય આગળ વધારનાર વિનોબાજી જેવા સમર્થ કર્મયોગી મળ્યા. નાનાભાઈ ભટ્ટને દર્શક મળ્યા. કાળની આ રોમાંચક વ્યવસ્થા છે. આ વણલિખિ વ્યવસ્થામાં પણ એક સાતત્ય છે. જેના ફાયદાઓ જગતને થયા છે. આજ પરંપરામાં સ્વામી વિવેકાનંદને ભગિની નિવેદિતા મળ્યા. કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું કે નિવેદિતા ખરેખર તો લોકમાતા હતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓએ સ્વામી વિવેકાનંદના વિચારો અસરકારક રીતે જગતને પહોંચાડ્યા. જીવનના પાંચ દાયકા પણ તેઓ પુરા કરી શક્યા નહિ. હિમાલયના ખોળામાં તેઓએ પોતાના જીવનની અંતિમ ક્ષણો પસાર કરી. દાર્જિલિંગ પાસે આવેલી તેમની પવિત્ર સમાધિ પર લખાયું છે: 

        ‘અહીં સિસ્ટર નિવેદિતા સૂતાં છે, જેમણે તેમનું સર્વસ્વ ભારતને અર્પણ કર્યું છે.’

      જે રીતે વિગતો મળે છે તે જોતાં ૧૮૯૫ના નવેમ્બર માસમાં મિસ માર્ગારેટે સ્વામી વિવેકાનંદને લંડનમાં પહેલીવાર મળ્યાં.  મિસ માર્ગારેટ જે ભગિની નિવેદિતા તરીકે સુપ્રસિદ્ધ થયા તેઓ લંડનની એક શાળામાં પ્રિન્સિપાલ હતા. શિક્ષણના ક્ષેત્રમાં તેમની ઊંડી સૂઝ હતી. ગુરુ તથા શિષ્યા વચ્ચેની પ્રથમ મુલાકાત જ ભાવિ પથનું નિર્માણ કરવા માટે પૂરતા બની રહ્યા. સ્વામીજી સાથેની પોતાની મુલાકાતનું સચોટ દર્શન ભગિનીના શબ્દોમાં જ પ્રગટે છે. તેઓ વિવેકાનંદ સાથેની આ પ્રથમ મુલાકાતના સંદર્ભમાં લખે છે:

            “સ્વામીજી અમારી વચ્ચે ભગવો ઝભ્ભો પહેરીને બેઠા હતા. જાણે દૂર દૂરની કોઈ ભૂમિમાંથી સંદેશવાહક આવ્યો હોય તેમ લાગતું હતું. વારંવાર શિવ-શિવ એવું રટણ કરવાની તેમની કુતુહલપ્રેરક ટેવ હતી. ઘણો સમય ધ્યાન અવસ્થામાં રહેતા હોય તેવી પ્રતીતિ તેમને જોતાં થતી હતી. તેઓના મુખ પર તેવા સૌમ્ય તથા ઉચ્ચ ભાવના દર્શન થતા હતા… આવો જ ભાવ કદાચ ચિત્રકાર રાફેલે ઈશુના મુખ પર મુક્યો છે.” મિસ માર્ગારેટના જીવનનું આમૂલ પરિવર્તન કરવામાં આ પ્રથમ મુલાકાતનો મહત્વનો ફાળો રહ્યો. જે ધર્મ સર્વ ધર્મો પ્રતિ સહિષ્ણુતા દાખવવાનું શિક્ષણ આપે અને સત્ય તરફની ગતિને પ્રેરણા આપે તેવા ધર્મદર્શનથી માર્ગારેટ પ્રભાવિત થયા. ભારતભરમાં ભ્રમણ કરતા પરીવ્રજક સન્યાસીના જીવનકાર્યની પરિપૂર્તિ માટે ભગિનીએ નીર્ધાર કર્યો. માર્ગારેટનો રસ તેમજ કાર્યનિષ્ઠાનું દર્શન થતાં સ્વામી વિવેકાનંદે તેમને ભારત આવવા માટે સંમતિ આપી. ભારતની મહિલાઓના ઉત્થાનની ચિંતા સ્વામીજીને ઊંડે સુધી હતી. આથી ભગિની નિવેદિતાના લોખંડી વ્યક્તિત્વમાં તેમનું મન ઠર્યું હતું. ભગિની આ કસોટીમાં ખરા પણ ઉતાર્યા હતા. 

               વર્ષ ૧૮૯૮ના માર્ચ માસમાં રામકૃષ્ણ મિશનના એક સમારંભમાં સ્વામીજીએ મિસ માર્ગારેટની ઓળખ પોતાના અસંખ્ય અનુયાયીઓને આપી. ઇંગ્લેડની અત્યંત અમૂલ્ય ભેટ તરીકે તેમણે નિવેદિતાને ઓળખાવ્યા. મિશનના વિશાળ પરિવારે ભગિનીનો સંપૂર્ણ સ્વીકાર કર્યો. માં શારદામણિદેવીએ તેમને પુત્રી તરીકે સ્વીકારીને સંપૂર્ણ વિશ્વાસ તથા ઉત્તેજન પુરા પડ્યા. 

             સામાજિક સેવાના ક્ષેત્રમાં રામકૃષ્ણ મિશનનું એક આગવું નામ તથા સ્થાન છે. મિશનરી સ્પીરીટથી આ બધા કાર્યો સ્થાનિક જરૂરિયાત પ્રમાણે થાય છે. સેવાકાર્યોનાં મૂળમાં સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિ છે. ભગિની નિવેદિતાએ પણ પોતાના જીવન થકી આ બાબતમાં ઉજળું ઉદાહરણ પૂરું પાડેલું છે. ભારત આવ્યા પછી તેમણે કલકત્તામાં પ્લેગના ફેલાવાની ભયજનક સ્થિતિ જોઈ ત્યારે તેઓ સંપૂર્ણ રીતે લોક-સેવાના કાર્યોમાં સમર્પિત થયા. આયરિશ સન્નારી નિવેદિતાને કલકત્તાની ગંદી ચાલીઓમાં જવાની કોઈ સૂગ ન હતી. પોતાના ગુરુના આદેશો મુજબ ગંદા બાળકોની સેવામાં તેમને પરમેશ્વરની સેવા કરવાનો સંતોષ મળતો હતો. આ કપરા કાળમાં રોગીઓની સેવા શુશ્રુષા કરવામાં તેમણે રાતદિવસ એક કર્યા હતા. ભગિનીએ રોગ અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે પત્રિકાઓ લખી. આ પત્રિકાઓ બંગાળી ભાષામાં છપાવીને તેનું વિતરણ કર્યું. આજ રીતે મહિલાઓની સ્થિતિ સમજવા તેમણે ભારતની ગૃહજીવનની વ્યવસ્થાનો ઊંડો અભ્યાસ કર્યો. બંગાળના તત્કાલીન રૂઢિચુસ્ત સમાજના લોકોને સમજાવીને મહિલાઓના શિક્ષણ માટે પ્રયાસ તેમણે આદર્યો. એક શાળા પણ શરુ કરી. કેટલાક લોકો ભગિનીની ધીરજપૂર્વકની સમજાવટના કારણે પોતાની પુત્રીઓને શાળામાં મોકલવા તૈયાર થયા. આ બાબત એ પણ મિશનની મોટી સફળતા હતી. નિવેદિતાનો તેમાં મુખ્ય ફાળો હતો. માં શારદામણીદેવીના વરદ હસ્તે મિશનની શાળાનું ઉદઘાટન ભગિનીના પ્રયાસોથી થયું. સતત લોકસંપર્ક એ તેમની સફળતાના મૂળમાં રહેલી બાબત હતી. મિશન દ્વારા યોજવામાં આવતી સભાઓમાં પણ પ્રવચનો આપીને તેઓ લોકોને સમજાવતા હતા. સાદું તથા તપોમય જીવન જીવતા ભગિનીએ સન્યાસીને છાજે તેવું જીવન જીવ્યા હતા. તેઓ સંપૂર્ણ ભારતીય જીવનશૈલીને અપનાવીને મહત્વનું યોગદાન આપી ગયા.

                  ભગિનીનું ભારત માટેનું સમર્પણ સંપૂર્ણ હતું. સુવિખ્યાત વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝના પત્ની અબલા બોઝે સરસ વાત ભગિની માટે લખી છે. તેમણે લખ્યું છે કે ૧૮૯૮ની કલકત્તાની પ્લેગની બીમારીમાં પ્લેગમાં સપડાયેલા નાના બાળકને ભગિનીના ખોળામાં છેલ્લા શ્વાસ ભરતું જોઈને પ્રતીત થતું કે તેઓ જ આ બાળકના માતા છે. સમર્પણની આ કક્ષા એક વિરલ ઘટના છે. માત્ર ૪૪ વર્ષના ટૂંકા આયુષ્યમાં તેઓ એક યુગનું કાર્ય કરી ગયા. સ્વામીજીના વ્યક્તિત્વને સમજવા માટે ભગિનીએ THE MASTER  AS I SAW HIM લખ્યું જે તેમની વૈચારિક સજ્જતાનું દર્શન કરાવે છે.

             ૧૯૧૧ના ઓક્ટોબર માસમાં ભગિની નિવેદિતાએ સ્વામીજીની જેમ જ અકાળે વિદાય લીધી. ત્યાગ તથા સેવાને વરેલા આ મહિલા સ્વામી વિવેકાનંદના ખરા પ્રતિનિધિ હતા. ઓક્ટોબર માસમાં તેમના તેજપુંજ સમાન વ્યક્તિત્વને ફરી નમન કરવાનો સમય છે.

વસંત ગઢવી

તા. ૬ સપ્ટેમ્બર ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑