“મારા ખાસ બે શોખ-ચાલવાનો અને ચર્ચા કરવાનો. આ બેમાંથી કયો શોખ વધારે પ્રિય એ કહેવું મુશ્કેલ છે… ચર્ચા કરું છું ત્યારે જીંદગી જીવવા જેવી લાગે છે… ચર્ચા કરવાનું ચાલતા ચાલતા હોય તો વધારે ઉત્તેજક બને. ચાલતા ચાલતા ચર્ચા કરું તો ‘મોસાળમાં માં પીરસે’ તેવો બેવડો લાભ મળે છે.” વાડીલાલ ડગલી (૧૯૨૬થી ૧૯૮૫)ના આ શબ્દો તેમણે પોતાના સુવિખ્યાત પુસ્તક ‘શિયાળાની સવારનો તડકો’માં લખ્યા છે. આ થોડા શબ્દોમાં ભલે વાડીલાલ ડગલીનું સમગ્ર વ્યક્તિત્વ બહાર ન આવે પરંતુ તેમના વ્યક્તિત્વનો એક અંદાજ જરૂર મેળવી શકાય. ચાલતા રહેવાનો શોખ ધરાવનાર વાડીલાલ ડગલી પોતાના જીવનમાં પણ સતત ગતિશીલ રહ્યા છે. ગતિશીલ રહ્યા છે તેથી વિકસતા પણ રહ્યા છે. તેમના ઘણાં લખાણોમાંથી એ બાબત સ્પષ્ટ થાય છે કે અકર્મણ્યતા સામે તેમનો ઊંડો અણગમો છે. વાડીલાલ ડગલી આપણાં એક અગ્રણી અર્થશાસ્ત્રી, સુવિખ્યાત પત્રકાર, સર્જનાત્મક સાહિત્યકાર, એક જાગૃત વિચારક, સામાજિક-રાજકીય ક્ષેત્રનાં વિશ્લેષક તથા એક કવિ હ્ર્દયના માણસ હતા. આવા બહુમુખી વ્યક્તિત્વ ઓછા જોવા મળે છે. તેમણે કરવાની થતી કામગીરીનું સ્વરૂપ જોતાં તે મહદંશે અંગ્રેજી ભાષામાં કરવાની હતી પરંતુ ગુજરાતી પ્રત્યેનો તેમનો સ્નેહ ઊંડો રહ્યો છે. વાડીલાલ ડગલીનું યોગદાન તો અનેક ક્ષેત્રોમાં છે. આવું યોગદાન મહત્વનું પણ છે. આમ છતાં માત્ર એક ‘પરિચય પુસ્તિકા’ની હરોળ સર્જવાનું એક માત્ર કાર્ય તેમણે કર્યું હોત તો પણ તેઓ આપણી સ્મૃતિમાં લાંબા કાળ સુધી આદરથી સચવાઈને રહ્યા હોત. લગભગ ૩૨ પાનામાં કોઈ પણ એક સાંપ્રત અથવા મહત્વના વિષયને કેન્દ્રમાં રાખીને જે તે વિષયના નિષ્ણાત વ્યક્તિ પાસે લખાણ કરાવીને તેને પ્રગટ કરવાનો આ ક્રમ લાંબા વર્ષો સુધી જળવાઈ રહ્યો. મહિનામાં બે અને બાર મહિનામાં ચોવીસ પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાનો આ વિચાર ‘પરિચય ટ્રસ્ટ’ના માધ્યમથી વાડીલાલભાઈએ શરુ કરાવ્યો અને આ જ્ઞાનયજ્ઞ નિયમિત રીતે ચાલતો રહ્યો. જ્ઞાનવર્ધન તથા જ્ઞાનપ્રસારના આ ઉપરાંત બીજા કેટલાક નોંધપાત્ર પ્રયાસ ગુજરાતમાં થયા છે તેની અહીં સ્મૃતિ થાય છે. થોડા અલગ દ્રષ્ટિકોણથી પણ સરવાળે લોકો સુધી સારા પુસ્તકો પહોંચાડવાનો એક મહત્વનો પ્રયાસ ભિક્ષુ અખંડાનંદે કર્યો હતો જેનો પ્રસાદ આજે પણ આપણને મળતો રહે છે. વાંચન માટેની પરબ શરુ કરનાર મહેન્દ્રભાઈ મેઘાણીએ પણ અરધી સદીની વાચનયાત્રાના ચાર ભાગ બહાર પાડીને વાચનયજ્ઞને ખરા અર્થમાં પ્રજવલિત રાખવાની સફળ કોશિષ કરી. મહેન્દ્રભાઈ શતાયુ થઈને હમણાં જ આપણી વચ્ચેથી ગયા પરંતુ વાચનમાળાઓના પ્રસારથી તેઓ આપણી સ્મૃતિમાં જીવંત રહેવાના છે. આ રીતે જ એક ઇન્સ્ટિટ્યુશનલ વ્યવસ્થા ઉભી કરીને વિશ્વકોશની ભેટ ગુજરાતને આપનાર ધીરુભાઈ ઠાકર પણ આ જ્ઞાનવર્ધનના કાર્યમાં મજબૂત માધ્યમ બન્યા. આવા બધા ઉજળા દ્રષ્ટાંતો સાથે જ પરિચય પુસ્તિકાના વાડીલાલ ડગલીના યોગદાનને યાદ કરવાનું રહે. અનેક અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ માટે પરિચય પુસ્તિકાઓ જ્ઞાનપ્રાપ્તિનું એક મહત્વનું સાધન બની રહી છે. વાડીલાલ ડગલી જેવા વિચારક તથા કાંતદ્રષ્ટાને જ આ પ્રવૃત્તિ ભવિષ્યની પેઢીઓ માટે જરૂરી લાગે. યોગ્ય વાંચન થકી સમાજ સ્વસ્થ બને છે. સમાજ સ્વસ્થ હોય તો જ લોકશાહી શાસન વ્યવસ્થા વધારે અસરકારક અને જવાબદેહી બની શકે છે. વાડીભાઈનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના નાના એવા રોજિદ ગામમાં થયો હતો. વાડીલાલના ઘડતરમાં સી. એન. વિદ્યાલયે મહત્વનો ભાગ ભજવ્યો છે. અમદાવાદની આ શાળાનું ઐતિહાસિક મહત્વ છે. અનેક યુવાનોનું ઘડતર આ સંસ્થામાં થયું છે. “વિદ્યાવિહારે મને વિદ્યામાં વિહરતો કર્યો ” તેવું વાડીભાઈનું તારણ યથાર્થ છે. સી.એન. વિદ્યાલયમાં ઘડતર થયું એ વાતના સંદર્ભમાં એક બીજી બાબત પણ સાથે સાથે યાદ આવે છે. ભાલ પ્રદેશના રોજિદ જેવા ખોબા જેવા ગામડામાંથી અમદાવાદની સી. એન. વિદ્યાલયમાં સેટલ થવાની પ્રક્રિયા સરળ ન હતી. પહેરવેશ તેમજ ગામઠી ભાષાના કારણે શાળામાં આ નવો આગંતુક જરા જુદો તરી આવે. આવા ગામઠી પહેરવેશ વાળાની મજાક પણ થાય. આ જોતા એમ લાગે છે કે ‘રેગિંગ’ની આજે ચર્ચાઓ થાય છે તેના મૂળ ઘણાં ઊંડા હોવા જોઈએ. પરંતુ આ ગામઠી છોકરો ગભરાય કે પાછો પડે તેવો ન હતો. એક તો અભ્યાસમાં ખુબ તેજસ્વી અને સાલસ સ્વભાવ એટલે એ સૌનો માનીતો થઇ ગયો ! વાડીભાઈના કુટુંબની બિલકુલ સામાન્ય સ્થિતિ હતી. આથી સી. એન. વિદ્યાલયની નજીવી ફી ભરવામાં પણ મુશ્કેલી પડતી હતી. આ બધી તકલીફો વચ્ચે વાડીભાઈ જયારે માત્ર ૧૪ વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી. વેદના, વ્યથા અને અનેક પ્રકારની વીટમ્બણાઓનીવચ્ચે પણ મહોરી ઉઠેલું આ વ્યક્તિત્વ મજબૂત તથા મક્કમ હતું.
માતાની હૂંફ તથા મજબૂત મનોબળ તેમના જીવનમાં માર્ગદર્શક બન્યા હતા. આવા ઘડતરના કારણે જ અમેરિકામાં બે છેડા ભેગા કરવા માટે જરૂર હોય ત્યાં શારીરિક શ્રમના કામો પણ તેમણે કર્યા અને વિકટ પરિસ્થિતિ સામે કદી હાર ન માની. ગરીબી જોઈ હતી, અનુભવી હતી અને તેથી સમગ્ર જીવનમાં તેમને નિર્ણયો કરતી વખતે સામાન્ય લોકોની સ્થિતિનો વિશેષ ખ્યાલ રહ્યો. તેમના એક પુસ્તક ‘રંકનું આયોજન’માં આ વિચારો તેમણે સ્પષ્ટ કર્યા છે. ભાલના ગામડામાંથી આવતા હોય તેને પાણીનું મહત્વ કદી સમજાવવું ન પડે. પાણીની અછત એ તેમણે હંમેશા અનુભવી હોય. તેઓ કહેતા કે “મારું ચાલે તો પાંચમી પંચવર્ષીય યોજનાને હું ‘પાણીયોજના’ જાહેર કરું. પાણીની સમસ્યાના કાયમી ઉકેલમાં તેમનો રસ હતો. અર્થશાસ્ત્રી તો હતા જ પરંતુ દરિદ્રનારાયણના મેનેજમેન્ટમાં તેમનો જીવ હતો. એક અગ્રણી પત્રકાર તરીકે તેમને જેટલી તક મળી ત્યાં વંચિતોના પ્રશ્નોને તેઓ તર્કબદ્ધ વિગતો સાથે વાચા આપતા રહ્યા. તેમના જીવનનું એક બીજું મહત્વનું પાસું એ તેમની બિનસાંપ્રદાયિક વિચારધારા હતી. સંપ્રદાયના તેમજ ક્રિયાકાંડના ચોકઠાની બહાર તેઓ હંમેશા જાગૃતિપૂર્વક રહ્યા. પંડિત સુખલાલજીના વિચારોની અસર તેમના પર જીવનભર રહી. પત્રકારત્વના પાઠ તેઓ ફ્રેંક મોરાઇસ પાસેથી શીખ્યા. જાગૃત તથા સંવેદનશીલ તંત્રી તરીકે મોરાઇસ જાણીતા છે. જયપ્રકાશ નારાયણના પ્રશંસક એટલે દેશમાં લાદવામાં આવેલી કટોકટી સામે અવાજ ઉઠાવ્યો. તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરાજીને મળ્યા ત્યારે પણ પોતાના વિચારો તેમને નિખાલસ રીતે જણાવ્યા. સ્વામી આનંદ કે પંડિત સુખલાલજીનું સાનિધ્ય એ તેમના જીવનની ધન્ય પળો છે તેમ સમજતા હતા. વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યા સિવાય ‘હા જી હા’ કરનાર સમાજની સંસ્કૃતિ લાબું ટકતી નથી તેવું તેમનું અવલોકન કોઈપણ કાળમાં પ્રસ્તુત છે. તેઓની આ જાગૃત ચેતના તેઓ જ્યાં ગયા ત્યાં પ્રસરાવી હતી. ‘કામ કરે તે સુખિયા અને કામ ટાળે તે દુખીયા’ એ તેમના જીવનની ચેતના હતી. ગંભીર વિષયને પણ હળવાશથી રજુ કરવાની તેમની ગદ્યશૈલી હતી. તેમના નિબંધો આજે પણ વાંચીએ તો પ્રાણવાન લાગે છે. તાણવાળા જીવનમાં એ મહોરી ઉઠેલી ચેતના સમાન હતા.
જીવનમાં આવતાં અનેક પ્રતિકૂળ સંજોગો તેમજ મુશ્કેલીઓએ વાડીભાઈનું મજબૂત ઘડતર કર્યું છે. ભાલના એક નાના એવા ગામડામાંથી નીકળીને અમેરિકાની વિખ્યાત બર્કલી યુનિવર્સીટીમાંથી એમ. એ. ની પદવી મેળવવાની વાડીભાઈની જીવનયાત્રા અનેક ચડાવ-ઉતારથી ઘડાયેલી છે. આમ છતાં દરેક બાબતને હેતુલક્ષિતા તેમજ હળવાશથી લેવાની તેમની આદત વાડીભાઈને વિશેષ પ્રભાવી અને એક સારા સંવાદકર્તા તરીકે સ્થાપિત કરે છે. તેઓ હળવાશથી કહેતા કે મને અનેક લોકો પૂછતા હોય છે કે તમે આ પરિચય ટ્રસ્ટ ઉભું કરીને પ્રવૃતિઓ કેવી રીતે શરુ કરી? “મારો ટૂંકો અને સાચો જવાબ છે: ચાલતાં ચાલતાં” પછી તેઓ ઉમેરે છે કે આ કોઈ ચાલાકીથી ભરેલો જવાબ નથી. સાચો જવાબ છે. આગળ આ વાત સ્પષ્ટ કરતા લખે છે: “પરિચય ટ્રસ્ટ સ્થપાયું તે પહેલા મુંબઈ શહેરના સાંતાક્રુઝ, શિવાજી પાર્ક તેમજ મરીન ડ્રાઈવના રસ્તાઓ ઉપર હું તથા યશવંત દોશી કેટકેટલા દિવસ તેમજ કેટકેટલા માઈલો ચાલ્યા હોઈશું ! પરિચયનું નામ પણ ચાલતાં ચાલતાં જ સૂઝ્યું હતું. ” ‘ચાલ્યા જ કર’ (શેષના કાવ્યો) એ તેમનું પ્રિય કાવ્ય છે.
બેસે છે ભાગ્ય બેઠાનું,
ઉભું ઉભા રહેલનું,
સૂતેલાનું રહે સૂતું
ચાલે ભાગ્ય ચલન્તનું.”
તેમના જીવનના મહત્વના વળાંકો પરથી તેઓ સતત આગળ વધતા રહ્યા. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ જેવા મહત્વના અખબારની ફાઇનાન્સિયલ એડિટરની કામગીરી સંભાળી. જાણીતા અંગ્રેજી સાપ્તાહિક ‘કોમર્સ’ના તેઓ મેનેજીંગ તંત્રી થયા. કેટલાક મહત્વના સંપાદનો તેમણે કર્યા. ગાંધીયુગની અસર તે સમયમાં તીવ્ર બનતી જતી હતી. વાડીભાઈ તેમાંથી બાકાત કેવી રીતે રહી શકે? ૧૯૪૨ની ગાંધીજી પ્રેરિત સ્વાતંત્ર્ય માટેની લડતમાં તેમણે ઝંપલાવ્યું. લડત દરમિયાન અભ્યાસને પણ તેમણે તિલાંજલિ આપી. લડતમાં અનેક સાથીઓ તથા સહકાર્યકરો મળ્યા.
વાડીલાલ ડગલીના ઉચ્ચ અભ્યાસ માટેના અમેરિકા ગમનમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનો મહત્વનો ફાળો હતો. પંડિત સુખલાલજી માટે આપણે સૌ ગૌરવનો ભાવ અનુભવી શકીએ છીએ. જીવનમાં તરુણ વયે શીતળાના પ્રકોપથી દ્રષ્ટિ ગુમાવનાર પંડિત સુખલાલજીના અંતરચક્ષુ ખુલી ગયા હતા. જૈન ધર્મ તથા જૈન દર્શનના પ્રકાંડ વિદ્વાન પંડિત સુખલાલજી હરતા ફરતા વિદ્યાલય સમાન હતા. તેમની કંઠસ્થ કરી લેવાની શક્તિ અદભુત હતી. વાડીલાલ ડગલીમાં રહેલું હીર પંડિતજી પારખી શક્યા હતા. પંડિતજીની પ્રેરણાથી જ વાડીભાઈ ૧૯૪૮માં અમેરિકા અભ્યાસ કરવા માટે ગયા. વિદેશ-ગમનનાં સમયે મહાત્મા ગાંધીના માતાએ ગાંધીજી પાસે બે સંકલ્પ કરાવ્યા હતા કે વ્રત લેવરાવ્યા હતા તે જાણીતી વાત છે. અહીં વાડીભાઈને પણ પંડિત સુખલાલજીએ બે સંકલ્પ વિદેશ જતાં પહેલા કરાવ્યા. આ સંકલ્પ આ પ્રમાણે હતા:
૧. વિદેશમાં રહીને અભ્યાસ પૂરો કર્યા પછી સ્વદેશ પાછા આવીને દેશના ખપમાં આવવું.
૨. પારકી ભાષામાંથી સંપાદન કરેલું જ્ઞાન પોતાની માતૃભાષામાં પોતાના દેશબંધુઓ સુધી પહોંચાડવું.
વિચાર કરતાં પણ આદર તેમજ અચંબો થાય છે કે પંડિત સુખલાલજીની સમજ કેટલી વ્યાપક તેમજ સર્વને માટે હિતકારી તેવી હશે ! આ બંન્ને સંકલ્પોનું વાડીભાઈએ નિષ્ઠાથી પાલન કર્યું.અમેરિકાથી ભારત પાછા આવ્યા બાદ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (P T I ) સાથે પણ કામ કર્યું. વાડીભાઈના મન પર ગાંધીજી તેમજ પંડિત સુખલાલજી વિચારોની ઊંડી છાપ હતી. આથી બેંકમાં કામ કરતાં તેમના ધ્યાનમાં એ વાત આવી કે બેંકોમાંથી ધિરાણની સગવડ અમીરોને વધારે સરળતાથી મળી રહે છે. ગરીબોના નસીબમાં ઘણાં ભાગે ધક્કા ખાવાનું રહેતું હતું. આપણાં માટે આજ પણ આ બાબત થોડા વધતાં અંશે ચિંતાનો વિષય છે. આથી વાડીલાલનો આ અફસોસ યથાસ્થાને છે. વાડીભાઈએ ગરીબી જોઈ હતી. આથી તેઓની આ બાબતમાં વિશેષ અનુભૂતિ હતી.
વાડીલાલ ડગલીનો રાજકીય જીવનમાં પ્રવેશ એ પણ એક મહત્વની ઘટના છે. ૧૯૬૭માં લોકસભાની ચૂંટણી તેઓ સુરેન્દ્રનગરથી લડ્યા. પરંતુ તે સમયના જુવાળને કારણે તેમની ચૂંટણીમાં હાર થઇ. આપણી જે ચૂંટણી પ્રથા છે તેની અનેક શક્તિઓ હોવા છતાં કેટલીક મર્યાદાઓ પણ છે જેનું દર્શન વાડીભાઈ જેવા લોકોના પરાજયમાં દેખાય છે. આમ છતાં લોકોનો નિર્ણય એ સૌને શિરોધાર્ય હોવો જોઈએ તે બાબત સર્વત્ર સ્વીકારવી જોઈએ.
વાડીલાલ ડગલીનું ગદ્ય ખુબ જ રસાળ તેમજ સરળ છે. તેમને વાંચવા હંમેશા ગમે છે. પોતાના એક નિબંધમાં તેઓ લખે છે કે આપણાંમાં રહેલો વિસ્મય ઉછળતો રહેતો હોય ત્યારે તેને તૃપ્ત કરવા માટે આપણે અસહાય હોઈએ છીએ. જયારે આવી શક્તિ પ્રાપ્ત થાય ત્યારે વિસ્મયતા રહી હોતી નથી ! કદાચ ‘જિંદગીમાં જેટલા સફળ તેટલો વિસ્મય ઓછો’ એવું આપણું ગણિત છે. ક્યારેક કોઈ મહત્વની બાબત પર તેઓ મૌલિક વિચાર કે પ્રશ્ન રજુ કરતા હોય છે. તેઓ લખે છે કે પરદેશ જતાં વિમાનો મધ્યરાત્રીએ જ શા માટે ઉપાડતા હશે? તેમને સાજા માણસને માંદા પાડવા જેવો આ સમય લાગે છે ! જો કે એરપોર્ટ પરની બુકશૉપ એ તેમનો થાક ઉતારે છે. એક મહત્વનું તારણ રજુ કરતા તેઓ લખે છે કે અનેક સત્તાધારી તેમજ આર્થિક રીતે વગદાર લોકો એરપોર્ટમાં મળતા હોય છે. ચર્ચાઓ કરતા હોય છે. પછી ઉમેરે છે: “મારો એવો અંદેશો છે કે સામાન્ય માણસ પર રાજ કેવી રીતે કરવું તેને લગતા ઘણાં ખરા નિર્ણયો એરપોર્ટ પર જ લેવાય છે.” બ્રિટિશ રાજ્યના મોટા અમલદારો સાંજે કે રવિવારે કલબમાં મળે ત્યારે ઘણાં મહત્વના નિર્ણયો પણ કરી લેતા હતા તેવું એક અવલોકન છે. આ અવલોકન યથાર્થ હોવાનો સંભવ છે. વગદાર લોકોએ અવિધિસર ચર્ચાઓના આધારે કરેલો કોઈ નિર્ણય ઉચિત ન ઠરે તો પણ તેનો ભોગ તો સામાન્ય લોકો જ બનતા હોય છે.
આપણાં આ કવિ તથા અર્થશાસ્ત્રીએ કવિતાઓ ઉપર પણ ઘણાં લખાણ કરેલા છે. આ બાબત તેમના ઊંડા અભ્યાસની ઝાંખી કરાવે છે. “કવિતા ભણી” એ પુસ્તકમાં તેમણે એક સુંદર વાત લખી છે: “જીવન તે અનુભવ છે. કવિતા તે શબ્દો છે. જીવનના અનુભવોની સ્મૃતિને જાગૃત કરે એવા શબ્દો કવિતાનું હાર્દ છે.” ઉષ્મા તથા સ્નેહનો એક પ્રવાહ વાડીભાઈના જીવનમાં વહ્યા કરે છે. કવિ પ્રહલાદ પારેખની તોળી તોળીને વહાલ કરવાની રીત સામેનો અણગમો તેમને ગમે છે.
હે જી એવું હૈયું
હોય તોયે શું ને ન હોય તો એ શું.
માપેલો શોક જેનો તોળેલો
આનંદને કદીયે ન ઘેલું બનીયુ.
કવિ નિરંજન ભગત વિશે લખતા વાડીભાઈ કહે છે કે નિરંજન ખંડમાં પ્રવેશે એટલે તરવરાટ પ્રવેશે. “નિરંજને એના જીવનમાં બે જ દુન્વયી કાર્યો કર્યા છે: ભણવાનું અને ભણાવવાનું.” ભગત સાહેબના આ શબ્દો જે ડગલી સાહેબને ગમ્યા છે તે આપણને પણ ગમી જાય તેવા છે.
પૂનમને કહેજો કે
પાછી ન જાય,
ઉગી ઉગીને આમ
આછી ન થાય.
સતત કામમાં રહેનારા અને કામને જ માનનારા આ કર્મવીર પત્રકારને કામના લીધે ઉભી થતી તાણનું સંગીત માણવું ગમતું હતું. કામનો ઉકેલ આવે અને આવું અલૌકિક સંગીત આપોઆપ તેમની ચેતનામાં પ્રગટ થતું રહેતું હતું. તાણવાળા જીવનમાં જ ચેતના મહોરી ઉઠે છે તેવું તેમનું દ્રઢ મંતવ્ય હતું. ઉત્સાહથી ગમે તે કામ કરવાની અમેરિકાની શૈલી તેમણે જોઈ હતી તેથી તેના પ્રશંસક હતા. તેઓના ગદ્યમાંથી આ બધી બાબતો સ્પષ્ટ થાય છે. તેઓ કહે છે કે ઘણુંખરું અંગ્રેજીમાં લખતો પરંતુ એક દિવસ કવિ શ્રી હરીન્દ્ર દવેએ કહ્યું કે “તમે અંગ્રેજીમાં લખો તે પત્રકારત્વ છે પરંતુ ગુજરાતીમાં લખશો તો તે સાહિત્ય થશે” ગુજરાતીમાં ‘સમર્પણ’ સામાયિક માટે લખવાની હરીન્દ્ર દવેની માંગણી તેમણે સ્વીકારી અને આપણી ભાષાને એક પછી એક એવા સુંદર નિબંધો મળતા ગયા.
પોતે જગત પાસેથી જે પામ્યા છે તેથી અનેકગણું વિશેષ જગતને આપી જવાનો તેમનો જીવનભરનો પ્રયાસ રહ્યો. એકવાર બીમાર પડ્યા ત્યારે હોસ્પિટલમાં જ મનમાં એક વસવસો તેમણે અનુભવ્યો. તેઓ લખે છે:
આવ્યો એવો પામિયો, ભાણું હું તૈયાર,
ચાનકીએ જો દઈ શકું, હૈયે હળવો ભાર.
ભલે તેમને આ વસવસો હશે પરંતુ આપણાં પત્રકારત્વ તેમજ સાહિત્યમાં વાડીલાલ ડગલીનું પ્રદાન ભાતીગળ છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પત્રકારત્વના ધોરણો બાબત આજે અવારનવાર ચર્ચા થયા કરે છે. મૂલ્યાંકનો પણ થતા રહે છે. એક સામાન્ય માટે એવો છે કે સ્થાપિત તેમજ સમગ્ર સમાજના સ્વાસ્થ્યને હિતકારક હોય તેવા ધોરણ આજે મહદંશે જળવાતા નથી. આવા માહોલમાં આ નપાણીયા પ્રદેશના પાણીદાર માનવીની વાતો કાન માંડીને સાંભળવા જેવી છે.
વસંત ગઢવી
તા. ૨૯ ઓગસ્ટ ૨૦૨૨
Leave a comment