ક્ષણના ચણીબોર:અર્જુનનાલક્ષવેધજેવીએકાગ્રતા: કાંતિભાઈ:

ગાંધી વિનોબાની વિદાય પછી પણ સમાન નિષ્ઠા તથા ઉત્ક્ટતાથી તેમના વિચારો જન જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કેટલાક ધન્યભાગી લોકોએ કર્યું. આ લોકોના સ્મરણ માત્રથી પણ હૈયામાં પ્રસન્નતાનો ભાવ થાય છે. આવી વિશિષ્ટ યાદીમાં કાંતિભાઈ શાહ (પિંડવળ)નું નામ અગ્રસ્થાને મૂકી શકાય તેમ છે. મહાનગર મુંબઈમાં ૧૮ ઓગસ્ટ, ૧૯૩૩ ના રોજ જન્મ લેનાર કાંતિભાઈ અભાવગ્રસ્ત વિસ્તાર તેમજ સુવિદ્યાવંચિત સમાજ વચ્ચે જીવનપર્યંત રહ્યા. ધરમપુર વિસ્તાર એ તેના જંગલો તેમજ વરસાદની છત માટે જાણીતો છે. આ વિસ્તારમાં જ ધૂણી ધખાવીને વિનોબા વિચારના દોહન તથા તેના વિસ્તારનું કાર્ય કાંતીભાઈએ જીવનભર કર્યું. ‘ભૂમિપુત્ર’ સામયિકને ચલાવવામાં તેમજ તેને મજબૂત કરવામાં કાંતીભાઈનો ફાળો અમૂલ્ય હતો. યજ્ઞ-પ્રકાશનના પ્રકાશનો મારફત મારા જેવા અસંખ્ય ભાવકોને સારા પુસ્તકોની અમૂલ્ય ભેટ મળી. પુસ્તકો પ્રસિદ્ધ કરવામાં કે સામાયિક ચલાવવામાં જે “કાંતિ-દ્રષ્ટિ”નો અનુભવ સૌને થયો તે અનન્ય ગણી શકાય તેવો છે. ઓગસ્ટ માસનું એક વિશેષ મહત્વ આપણાં દેશ માટે છે. મહામૂલ્ય મુક્તિનો અનુભવ દેશને થયો. મહાત્માનું તપ તેમજ અનેક ક્રાંતિવીરોના બલિદાનનું ઉજળું પરિણામ આવ્યું. પરંતુ આ થયા પછીના પ્રશ્નો મહત્વના હતા. શાસકોમાં તો ફેરફાર થયો. કેટલાક હોદ્દાઓના નામાભિધાન પણ બદલાયા. નાગરિકોને પોતાના પ્રતિનિધિ પસંદ કરવાનો મહત્વનો અધિકાર પણ મળ્યો. આ બધું થયા હોવા છતાં કેટલાક પ્રશ્નો અનુત્તર રહ્યા. કેટલીક મહત્વની બાબતો જે ગાંધી-વિનોબાએ સૂચવી હતી તેની વ્યવહારમાં અવગણના થઇ. છેવાડાના માનવીને નજરમાં રાખીને જ વાડીલાલ ડગલીએ લખ્યું છે તેમ ‘રંકનું આયોજન’ કરવાની વાતને જોઈતી અગ્રતા ન મળી. આ બાબત જે સ્પષ્ટ રીતે દેખાવા લાગી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું તથા તેનો ઉપાય શોધવાનો જાગૃત પ્રયાસ કાંતિભાઈ કે જુગતરામભાઇ જેવા અનેક લોકોએ જુસ્સા તેમજ દ્રઢતાથી કર્યો. શાસકો બદલે પરંતુ શાસન વ્યવસ્થા ન બદલે તો ઠેરના ઠેર જેવી સ્થિતિ થાય તે વાત કાંતિભાઈ જેવા સંવેદનશીલ લોકો સમજ્યા હતા. સમજીને પણ તેઓ બેસી ન રહ્યા. ડર્યા તો નહિ જ. સતત આગળ વધતા ગયા. સમાજના સર્વાંગી સ્વાસ્થ્ય માટે તેમણે કમર કસી. “ન દૈન્યં ન પલાયનમ’ સ્વધર્મે નિધન શ્રેય:” એ તેમનો જીવનમંત્ર રહ્યો. તેમના આચાર વિચારમાં કોઈ માઇકાંગલાપણું ન હતું. ગાંધીએ પ્રબોધેલી વીરની અહિંસાને તેઓ વરેલા હતા. વિચાર તેમજ વીરત્વનો સુભગ સમન્વય કાંતીભાઈના નિષ્કામ કર્મયોગમાં દેખાતો હતો. ભગવદ ગીતાએ પ્રબોધેલો કર્મયોગ તેઓ વાસ્તવમાં જીવી ગયા હતા. જીવનના કેન્દ્રમાં પ્રેમને સ્થાન આપીને તેઓ વિકસ્યા તથા સાથીઓને વિકસતા રહેવાની સતત પ્રેરણા આપી. વિચાર તથા પ્રેમ એ કાંતીભાઈના જીવનના ચાલકબળ સમાન છે. આમ છતાં વ્યક્તિત્વમાં કોઈ કૃત્રિમ ભારેખમતા નહિ. આઈસ્ક્રીમ ખાવાના કે સિનેમા જોવાના પ્રસંગો સાથીઓ સાથે સહજ રીતે ઉભા કરે અને માણે.

          ‘ભૂમિપુત્ર’ સામયિકના પહેલા પાનાનું એક આગવું મૂલ્ય છે. સંકલન કરવાની તેમજ સંપાદન કરવાની કાંતીભાઈની ભિન્ન દ્રષ્ટિ છે. વિનોબાજીના વિચારોથી ભૂમિપુત્રનું પહેલું પાન રળીયામણું બને છે. આ પહેલા પાનના લેખોના ચયનમાંથી જ કેટલાક ઉત્તમ પુસ્તકો આપણી માતૃભાષાને મળ્યા છે. જીવનમાં ઉત્તમ કાર્યો કરતાં સંઘર્ષ પણ આવે છે. સંઘર્ષમાં સ્વસ્થતા એ કાંતીભાઈના વ્યક્તિત્વનો એક ભાગ છે. ૧૯૭૫માં દેશમાં કટોકટી જાહેર થઇ. વિચારોના પ્રચાર-પ્રસારને રોકવાનો શાસને પ્રયાસ કાર્યો. ‘ભૂમિપુત્ર’ પર નિયંત્રણ લદાયું. ગુજરાત હાઇકોર્ટમાં જઈને પોતાના અધિકારને સુરક્ષિત કરવા કાંતિભાઈ લડ્યા. દરૂ સાહેબ-સી.ટી.દરૂ-પોતાની સંપૂર્ણ ક્ષમતાથી ભૂમિપુત્રનો કેસ તર્કબદ્ધ રીતે રજુ કરતાં હતા. સફળતા પણ મળી. પુરા દેશમાં ‘ભૂમિપુત્ર’નો કેસ તે ગાળામાં ચર્ચાસ્પદ થયો. શાસનના અનુચિત નિયંત્રણોને તાબે ન થવાનો આ મજબૂત સંકલ્પ હતો તેમ કરતા જે કંઈ પરિણામ આવે તે ભોગવવાની તૈયારી હતી. કાંતીભાઈના અંતરમાં સતત દૂરના અને અગવડતાઓ ધરાવતા વિસ્તારના લોકો માટેની ખેવના હતી. તેમની એડવોકસી કોણ કરે? ગાંધીના ગોવાળો જે છેવાડાના માનવીઓ વચ્ચે જાતને હોમીને પણ રચનાત્મક કામો કરતા હતા તે આખી પેઢી પુરી થઇ. આવા કામો હૈયાની હોંશ તથા મજબૂત મનોબળથી કરનારા નવા લોકો ઘણાં ઓછા થયા. આથી એક શૂન્યાવકાશનું સર્જન થયું. કાંતિભાઈ જેવા જૂજ લોકોએ આ અવકાશ પૂરો કરવા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. વિનોબાજીએ સૂત્રાત્મક રીતે કહ્યું કે “ભાવનગરમાં નહિ, અભાવનગરમાં કામ કરજો !” બાબાના સૂચનથી યથાર્થતા પામીને ૧૯૭૪-૭૫ના સમયગાળામાં કાંતિભાઈ વડોદરા છોડી તકલીફોની વચ્ચે જીવતા ભાંડુઓ સાથે રહેવા ધરમપુર તાલુકા(વલસાડ જિલ્લો)ના પિંડવળ બાજુ ગયા. આ વિસ્તારના લોકોની જરુતિયાત સમજીને લોકભાગીદારીથી કામો કરવાનું શરુ કર્યું. નહિવત આરોગ્ય સેવાઓને ધ્યાનમાં રાખી તેના પર કામ કર્યું. શિક્ષણની વ્યવસ્થાને પણ વિકસાવવામાં સહભાગી થયા. લોકોને રોજી રોટી માટે વતનનો ત્યાગ ન કરવો પડે તે માટે અંબર ચરખાની મદદથી ખાદી ઉદ્યોગનો વિકાસ કર્યો. ગામડાઓમાં રહીને લોકોની જરૂરિયાતો સમજી તેમાં ઉપયોગી થવાનો આ ક્રમ એ ગાંધી વિચારધારાના મૂળમાં રહેલો છે. જે કાંતીભાઈએ કર્યું તેવું જ સેવાભેખધારીનું કામ જુગતરામ દવે કે બબલભાઈ મહેતાએ કર્યું. કચ્છના રાપર વિસ્તારમાં મણીભાઈ સંઘવીએ કર્યું. સમાન વિચારધારાના જ આ ભિન્ન ભિન્ન સ્વરૂપો તથા સ્થળો છે. છેવાડાના ગામના નાગરિકોને પોતાના જ દેશમાં ‘અરજદાર’ શા માટે થવું પડે? નાગરિક સમાજના એક મોટા ભાગની આ નિઃસહાયતા સામે એક પરિપક્વ વ્યવસ્થા કરવા આ સૌ લોકો જીવનભર ઝઝૂમ્યા. તેઓ સફળ થયા કે નહિ તેનો નિર્ણય તો કાળને કરવા દઈએ પરંતુ તેમના આ પ્રયાસો ઓળખવા તથા સમજવા જેવા છે. અનુસરવા જેવા તો છે જ. 

વસંત ગઢવી

તા. ૨૯ ઓગસ્ટ ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑