વાત માન્યામાં કદાચ ન પણ આવે પરંતુ સાચી છે. વાત કહેનારને કે જેમના વિષે વાત કહેવામાં આવે છે તેમને પ્રસિદ્ધિ કે દુન્વયી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની કોઈ ખેવના નથી. તેથી કોઈ અતિશયોક્તિને અહીં સ્થાન પણ નથી. ‘તાપસ વેશ વિશેષ ઉદાસી’ વાળું તુલસીદાસજીનું વર્ણન જેમને લાગુ પડે છે તેવા હાંસબાઈ માની આ વાત છે. માતાજી ભૂતનાથ મહાદેવ મંદિરનું પુનઃનિર્માણ કરાવે છે. માતાજી ભૂતનાથ મહાદેવને પોતાની શ્રદ્ધાના કેન્દ્ર તરીકે સ્વીકારે છે. આથી ક્યારેક ભાવાવેશમાં આવીને હાંસબાઈમા ભૂતનાથ મહાદેવના શિવલિંગ સામે જોઈને કચ્છી બોલીમાં કહે છે:
“જો મને કોઈ મંદિર બનાવવાનો અનુભવ નથી. તારે ખપતું(જોઈતું) હોય તેવું (મંદિર) તું જ બનાવી લે જે ! પછી મને કોઈ (મંદિર વિશે) ફરિયાદ કરતો નહિ. !”
સીધો સંવાદ અને તે પણ દેવોના દેવ મહાદેવ સાથે ! જાણે રામકૃષ્ણ દેવ મા કાલી સાથે સંવાદ કરતા હોય તેવી આ ઘટના છે. જેમણે હાંસબાઈ માતાજીની નિર્દોષતાના દર્શન કર્યા છે તેમને આ વાત સહેજે સમજાશે. યુવાન નરેન્દ્રનાથને આવું જ દર્શન પોતાના સમર્થ ગુરુ રામકૃષ્ણદેવમાં થયું હતું તે વાતની અહીં સ્મૃતિ થાય છે. અદાણી ફાઉન્ડેશનમાં કામ કરતા અમારા એક વરિષ્ઠ સાથી ભાઈ માવજીભાઈ બારૈયા આ વાત ભાવથી કરે છે. કારણ કે તેમણે એવો સીધો સંવાદ મહાદેવ સાથે કરતા હાંસબાઈ માતાજીને નજારોનજર જોયા છે. માતાજી સાથે તેઓ છેલ્લા ૩૨ વર્ષોથી શિષ્યભાવે જોડાયેલા છે. હાંસબાઈ માતાજીની વિદાય પછી પણ તેઓ ખીમશ્રીમા તથા ધનામા સાથે એક જ સરખા ભાવથી જોડાયેલા છે. માતાજી તો ગયા પરંતુ તેમની ચેતના રતડીયામાં મ્હોર્યા કરે છે. પોન્ડિચેરી આશ્રમ વાળા માતાજી કહેતા કે અરવિંદ સદેહે ગયા પરંતુ તેમની ચેતના તો અહીં મ્હોર્યા કરે છે. તેથી મહર્ષિ અરવિંદ અહીં ઉપસ્થિત નથી તેવી વાત કરવાનો કોઈ અર્થ નથી. અરવિંદની ઓળખ એ તેમની ચેતના છે, તેમનો વિચાર છે અને તેથી તે કાયમી છે. આથી રતડીયામાં હાંસબાઈમા નથી તેમ કહેવું અસ્થાને છે. માતાજીના તપની, તેમના આતિથ્યભાવની તેમજ તેમની સાદગીના ગુણોની સુગંધ આજે પણ રતડીયામાં પ્રસરતા રહે છે. ખીમામા તેમજ ધનામા આ ઉજ્વળ મશાલને ધારણ કરીને અડીખમ ઉભા છે. ‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’ એ વાતમાં માનનારા હાંસબાઈમાના બંન્ને શિષ્યાઓ આંગણે આવેલાને જાતે પરિશ્રમ કરીને રોટલો ખવડાવે છે. કેટલા લોકો માતાજીના દર્શન કરવા આવશે તેનું કોઈ આગોતરું આયોજન થઇ શકતું નથી. આમ છતાં પ્રસાદ ગ્રહણ કર્યા સિવાય કોઈને ન જવા દેવા તેવો આગ્રહ પણ રહે છે. આ પ્રસાદી ભાવપૂર્વક તેમજ આગ્રહપૂર્વક ગ્રહણ કરાવવાની વાત કોઈ એક દિવસની કે કોઈ એક ખાસ પ્રસંગની નથી. વર્ષના તમામ દિવસોએ આ આઈના દ્વાર અતિથિઓને આવકારવા ખુલ્લા રહે છે. બળદેવભાઈ નરેલાએ લખ્યું હતું કે “દેવી છે દયાળુ જેના સ્થાનકે મળે છે થાળી” આ વાત જે આઈ શ્રી સોનબાઈમાના સંદર્ભમા લખાયેલી છે તે અહીં પણ ચરિતાર્થ થતી જોવા મળે છે. સમગ્ર સમાજને પણ તેઓએ પોતાના આંગણે ૧૯૮૨માં નોતર્યો હતો. વરૂડીના સ્વરૂપનું જાણે અહીં પુનઃ પ્રાગટ્ય થાય છે. મા હાંસબાઈની જગામાં આજે પણ કોઈ દાન પેટી કે ભેટ ધરવા માટેની પેટી નથી. ‘લેવાના હેવા નહિ’ એ સોનલચરિત્રના તેઓ વારસદારો છે. વજા ભગત અને થાર્યા ભગતની વાણી અહીં સતત વહેતી રહી છે. વાતચીત કરવાની ફાવટ માતાજીને કચ્છીમાં જ હતી. કોઈ શાળાકીય અભ્યાસ નહિ. આમ છતાં હરિરસ, દેવીયાણ કે હનુમાન ચાલીસાનો મુખપાઠ કરતા. રામાયણ-મહાભારતના પ્રસંગો સુંદર રીતે કહેતા રહેતા હતા. પોતાના મધુર કંઠે તેઓ ભજન ગાતા તે સાંભળવા તે પણ એક લ્હાવો હતો. “સુખી કરશો તો સુખી થશો” એવો જીવનમંત્ર આપતા રહેતા હતા. ૧૯૨૯ના વર્ષમાં વસંતપંચમીના શુભ દિવસે તેમનું પ્રાગટ્ય થયું. જગતમાં વાસંતી ખુશ્બુ પ્રગટાવી તથા પ્રસરાવીને ફેબ્રુઆરી-૨૦૧૩માં હાંસબાઈમાએ મહાપ્રયાણ કર્યું. એક જ્યોતિ મહાજ્યોતીમાં વિલીન થઇ. કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કરતો હતો ત્યારે પ્રસંગોપાત માતાજીને મળવાનું થતું હતું. તેમના દર્શન કરવા એ પણ એક લ્હાવો હતો. માતાજીએ લગભગ ૧૯૯૦ કે ૯૧માં પશુઓના દુષ્કાળ સમયે નિભાવ માટે ઢોરવાડો શરુ કર્યો હતો. આવી પ્રથા કચ્છમાં તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં લાંબા સમયથી ચાલી આવે છે. ઢોરવાડાનો પ્રારંભ થાય તે પળે માતાજીના આગ્રહથી મારે હાજર રહેવાનું થયેલું. મૂંગા પ્રાણીઓની માતાજીને સતત ચિંતા રહે. રતડીયા ગામના કેટલાક આગેવાનોએ કહેલું કે માતાજી પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા ન હોવા છતાં આ સેવાનું કામ તેમણે માથે ઓઢી લીધું છે. ‘ગણેશના કામ ગણેશ કરશે’ તેવી શ્રદ્ધા તથા આત્મવિશ્વાસના બળે તેઓ પગલાં ભરે છે. આ ઉજળી પરંપરાના જ એક ભાગ તરીકે તાજેતરમાં એક વિષ્ણુયાગનું આયોજન રતડીયામાં થયું. પ્રાણીઓમાં ફેલાયેલા ‘લમ્પી’ નામના મહારોગ સામે પ્રાણીઓની સ્વસ્થતા તેમજ શાંતિ માટેનો આ પ્રયાસ હતો. પ્રાણીમાત્ર માટે આટલી સંવેદના એ હાંસબાઈમાના સંસ્કાર હતા. આ સંસ્કાર અને સંવેદનશીલતાની સીધી અસર હાલ વ્યવસ્થા સાંભળતા બંને માતાજીઓમાં નજરોનજર જોઈ શકાય છે. ભગતબાપુએ લખ્યું છે તેમ આપણી આ દેવીઓ “કરુણાને ઉજળે કાંઠે ઝબૂકે જ્યોત જોગણી’ જેવી છે. સાદું જીવન અને ઊંચા વિચારો એ આ પરંપરામાં કેન્દ્રસ્થાને છે.
ઐતિહાસિક રીતે જુઓ તો અનેક ચારણ આઇમાતાઓને સમાજના દરેક વર્ગનો આદર સત્કાર મેળવેલા છે તેના દેખીતા કારણમાં જુઓ તો આઈઓનો સ્નેહ સર્વ માટે કોઈ નાત જાતના ભેદ સિવાય વહેતો રહેલો છે. મઢડાનાં મુરબ્બી દાદભાઈ મોડ પાસેથી એક પ્રસંગ આઈ સોનભાઈમા વિષે સાંભળ્યો છે. આ પ્રસંગના દાદભાઈ નજરોનજર સાક્ષી છે. મઢડાનાં વંચિત સમાજના એક બહેનની ડિલિવરી માટે માતાજીએ પોતાનો પહેલેથી નક્કી થયેલા પ્રવાસમાં વિલંબ કર્યો. સર્વ પ્રથમ પોતાના વાહનમાં આ બહેનને કેશોદ હોસ્પિટલ પહોંચાડી. ત્યારબાદ જ પોતાના પ્રવાસનો પ્રારંભ કર્યો. સોનબાઈમાની અકાળે વિદાય થયા બાદ અનેક લોકો માટે હાંસબાઈમા પથદર્શક સમાન બન્યા હતા. સોનબાઈમાની પરંપરાને જાળવવા તથા તેમના વચનોનું પાલન કરવા તેઓ દરેક સોનલબીજે માંડવી બોર્ડિંગ સમારંભોમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપતા હતા. ચારણ આઇઓની સંવેદનશીલતા, પવિત્રતા તથા સાદગીને કારણે તેઓ સમાજમાં માન્યતા તેમજ અપાર આદરને પામ્યા છે. હાંસબાઈમા તેમજ આઈ સોનબાઈમા એ બંને આ સંસ્કારી ધારાનાં જ ઉજળા વાહકો છે. આપણી નજરે જોયેલા આ તેજમૂર્તિ સમાન વ્યક્તિત્વ હતા. સમગ્ર સમાજનું સંસ્કાર સાથે ઉત્થાન એ તેમનો જીવનમંત્ર હતો. હાંસબાઈમાની વિદાય પછી પણ આજે રતડીયામાં તેમની સ્મૃતિ રહી છે તે સમગ્ર વાતાવરણને શુશોભિત તથા સુગંધિત કરે છે. માતાજીના બંને સમર્થ શિષ્યાઓ માતાજીએ બતાવેલી રાહે જ જીવન વ્યતીત કરે છે. પ્રસિદ્ધિથી કે આપ-વડાઈ કરવાથી સતત દૂર રહે છે. આ જાગૃતિ એ જ તેમની અનોખી આધ્યાત્મિક ઊંચાઈનું દર્શન કરાવે છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી હાંસબાઈમા બહારના મોટા પ્રસંગોમાં જવાનું ટાળતા હતા. આ વલણ આજે પણ જળવાઈ રહ્યું છે. નવરાત્રીના ઉજળા દિવસો છે. શક્તિ ઉપાસનાના આ પવિત્ર પર્વ ઉપર મા હાંસબાઈની સ્મૃતિને વંદન કરીએ. તેમની સ્મૃતિ થકી વ્યક્તિગત તથા સામુહિક રીતે નવચેતના પ્રગટાવવાનો જાગૃત પ્રયાસ કરીએ. ભગતબાપુએ લખ્યું હતું કે “માડી અમે છોરું કછોરુ સાંભળ્યા છે પણ માવડી ન માયા મેલેરે જી” હાંસબાઈમાની દયા-માયાનો સ્ત્રોત સમગ્ર સૃષ્ટિ માટે જીવંત છે અને વહેતો રહેલો છે.
વસંત ગઢવી
તા. ૨૫ ઓગસ્ટ ૨૦૨૨
Leave a comment