ભારતના એક સમયના નાણામંત્રી તરીકે સફળતાંને વરેલા આઈ સી એસ અધિકારી તેમજ ચરોતરના સપૂત એચ.એમ. પટેલ લખે છે: “મારા માટે બાને ખુબ લાગણી. મને મગસ ખુબ ભાવે. ઠેઠ વિલાયત(લંડન) ભણવા ગયેલો ત્યાં પણ મને મગસ મોકલવાનું ભૂલ્યા નથી.” એક સમર્થ વહીવટકર્તા તેમજ સરળ વ્યક્તિત્વ ધરાવતા હીરુભાઈનું આ વિધાન માતા તરફની ઉત્કટ લાગણીનું પ્રતીક છે. સાથે સાથે જ એ વાતનું સ્મરણ થાય છે કે આજે પણ ગુજરાતના અનેક તરુણો તથા તરુણીઓ કારકિર્દીના વિકાસ માટે વિદેશમાં જાય છે ત્યારે આ નાસ્તાના પેકેટ્સ કે ડબ્બા તેમના લગેજનો અનિવાર્ય ભાગ બને છે. યાદ કરીને અથાણાં કે મસાલા મોકલવાની પ્રથા તો ખરી જ. દુનિયા એક વિશાળ બજાર છે. આથી બધી વસ્તુઓ લગભગ દરેક સ્થળે કદાચ મળી પણ રહેતી હશે. પરંતુ આ નાના એવા પ્રયાસમાં અંતરમાં રહેલી લીલીછમ્મ લાગણીઓ વ્યક્ત કરવાનો એક પ્રસંગ હાથવગો થતો હશે. તેના કારણે પ્રિયજનો માટે કંઈક કર્યાનો નિર્ભેળ આનંદ મળતો હશે. એચ.એમ. પટેલ સાહેબનો જન્મ ૧૯૦૪માં ૨૭ ઓગસ્ટના રોજ ધર્મજ ખાતે થયો. ઓગસ્ટની શ્રાવણી ભીનાશના માસમાં સાહેબનું તેમજ તેમના શ્રેષ્ઠ યોગદાનનું પુનઃ સ્મરણ થયું. દિલાવરસિંહજી જાડેજાએ હીરુભાઈના અક્ષરદેહનું સંપાદન કર્યું છે. આ ‘ગુર્જર ભારતવાસી’ એચ. એમ. નો પરિચય દરેક ભારતવાસીએ કરવા જેવો છે. વિશાળ અને વૈવિધ્ય ફલક પર કામ કરનાર આવા ઓછા લોકો હશે. કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી તરીકે અને તે પણ આઝાદીના આગમનના મહત્વના સમયગાળામાં રહેવું તે એક અસાધારણ વહીવટી કારકિર્દીનું દર્શન કરાવે છે. આઈ.જી. પટેલે ખુબ મહત્વનું અવલોકન કર્યું છે. આઈ.જી. કહે છે કે દેશમાં આર્થિક ઉન્નતિ થઇ છે પરંતુ વહીવટી તથા રાજકીય ધોરણો ક્ષીણ થયા છે. લોકોમાં એક પ્રકારે વિશ્વાસની કટોકટી ઉભી થઇ છે. આથી એમ કહી શકાય કે લોકોની શ્રદ્ધા તથા વિશ્વાસને પુનઃ જાગૃત કરવાની સમયની માંગ છે. આ બાબતમાં પ્રેરણા કે દિશાનિર્દેશ હીરુભાઈના જીવનમાંથી મળી શકે તેમ છે. એક રાજકીય તથા સામાજિક નેતૃત્વ ઉપરાંત પ્રબુદ્ધ સમાજસેવક કેવા હોય તેનો પરિચય હીરુભાઈના જીવનમાંથી મળે છે.
જાહેર વહીવટ એ ખાનગી વહીવટથી તદ્દન ભિન્ન છે. અહીં દેશના કરોડો નાગરિકોના આર્થિક તેમજ સામાજિક હિત માટે નિર્ણયો કરવામાં આવે છે. નાણાંનો પ્રવાહ પણ આ નાગરિકો તરફથી જ શાસન વ્યવસ્થાને પ્રાપ્ત થાય છે. આથી તેનું જાહેર હિતમાં એક આગવું મહત્વ છે. આવા મહત્વના ક્ષેત્રમાં સ્વચ્છ તેમજ કાર્યક્ષમ હોવા ઉપરાંત ઝડપી નિર્ણયો થવા પર પટેલ સાહેબનો ભાર રહેતો હતો. ઝડપી એટલે ઉતાવળિયા કે વણવિચાર્યાં નહિ પરંતુ સમયસરના નિર્ણયો એ લોકસેવાને વધારે અસરકારક બનાવે છે. હીરુભાઈએ વિચારો વ્યક્ત કરતા લખ્યું છે કે ઢીલ કરવામાં સરકારી તંત્રના અમુક લોકોને સલામતી દેખાય છે. આથી નિર્ણયની જાણ સંબંધકર્તા નાગરિકોને કરવામાં બિનજરૂરી વિલંબ થાય છે. આથી સરકારમાં નિર્ણયો ઝડપી કરાવવા માટે કેટલાક પ્રયાસો પણ વગ ધરાવતા લોકો કરતા રહે છે. આ પ્રકારના પ્રયાસો કરવાનું શરુ થાય પછી તેની કોઈ મર્યાદા ન રહે. અનૈતિક બાબતોને પણ પ્રોત્સાહન મળે. દેશ આઝાદ થયો ત્યાર પછીના થોડા વર્ષો સુધી એક પ્રથા હતી. આ પ્રથા મુજબ નિર્ણય કરવામાં થતી ઢીલના કારણે કેટલું આર્થિક કે ઉત્પાદકીય નુકસાન થાય છે તેનો એક અંદાજ મેળવવાનો પ્રયાસ થતો હતો. એવો નિષ્કર્ષ મેળવ્યા પછી ભવિષ્યમાં આ બાબતનું પુનરાવર્તન ન થાય તેનો પ્રયાસ કરવાનું નક્કી થતું હતું. આ પ્રથાનું એક આગવું મૂલ્ય છે. હીરુભાઈના આ વિચારો કે અવલોકન આજે પણ એટલાં જ પ્રસ્તુત છે. સામાન્ય નાગરિકોને નિર્ણયની રાહ જોવાનો કે તેના કારણે નુકસાની ભોગવવાનો વારો આવે છે. આજે તો ઘણીવાર રાજ્યોમાં સત્તાનું પરિવર્તન થતાં કેટલાક મહત્વના કેન્દ્રીય પ્રોજેક્ટના અમલીકરણમાં ઢીલ થયા કરે છે. પ્રોજેક્ટની જરૂરિયાત બાબતમાં વિચારભેદ હોઈ શકે છે. પરંતુ પ્રોજેક્ટ શરુ કર્યા પછી તેમાં થતો વિલંબ અમૂલ્ય સમયના વ્યયમાં પરિણમે છે. કેટલું મોટું આર્થિક નુકસાન સરવાળે તો દેશના નાગરિકોને જ ભોગવવાનું આવે છે. નર્મદા યોજનાનું સંપૂર્ણ અમલીકરણ એ આ બાબતનું એક જીવંત ઉદાહરણ છે. ગુજરાતની જીવાદોરી સમાન આ યોજના અનેક કારણોસર વિલંબમાં પડી. પરીણામે એકથી વધારે રાજ્યોના લોકોને તેના માઠા ફળ ભોગવવા પડ્યા. પ્રોજેક્ટનું સમયસર પૂર્ણ થવું એ જ વહીવટના ક્ષેત્રોમાં અનિવાર્ય બાબત છે તેવું હીરુભાઈનું અવલોકન યથાર્થ છે. પ્રશ્ન એ જ છે કે અમલીકરણની પ્રક્રિયામાં ઉભા થતાં પ્રશ્નોના નિરાકરણ માટે આપણું તંત્ર તૈયાર છે ખરું? તંત્રની તૈયારી હોય અને ચૂંટાયેલી સરકારનું કમિટમેન્ટ હોય તો ચમત્કારિક પરિણામો પણ આવી શકે છે. ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં કોરોના સામેના રક્ષણ માટેની વેક્સીન લગાવવાનું કાર્ય એ સાંપ્રત સમયનું આ સંદર્ભમાં મહત્વનું ઉદાહરણ છે. આવી જ પ્રક્રિયાનો વિસ્તાર એ વિશેષ કાર્યક્ષમ વહીવટ તરફ સત્વરે જવાનો અચૂક માર્ગ છે. સદ્ભાગ્યે ટેક્નોલોજીનો ઉચિત ઉપયોગ એ આપણી આજની શક્તિ છે.
ચક્રવર્તી રાજગોપાલાચારી એ વિચારપુરુષ હતા. રાજાજી એચ.એમ.ને એક ઉત્કૃષ્ટ સનદી અધિકારી ગણાવે છે. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના પણ તેઓ વિશ્વાસપાત્ર અધિકારી હતા. નાયબ પ્રધાનમંત્રી સરદાર સાહેબના જમણા હાથ સમાન હીરુભાઈ હૈદરાબાદ રાજ્યના ભારત સાથેના જોડાણમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. એચ.એમ. પટેલ જેવા અનેક સનદી સેવાના અધિકારીઓનો વિશ્વાસ સરદાર પટેલ તેમની વહીવટી સુઝને કારણે મેળવી તથા ટકાવી શક્યા હતા. એ વાત પણ જાણીતી છે કે મોરારજી દેસાઈની કેન્દ્ર સરકારમાં નાણામંત્રી તરીકે પટેલ સાહેબનું અમૂલ્ય યોગદાન હતું. કપરા અને જટિલ નિર્ણયોમાં સરળ અને વ્યવહારુ ઉકેલ એ તેમના બેંચમાર્ક સમાન હતું. આવા ખરા અર્થમાં લોકસેવકને ગુજરાત કદી વિસરી શકશે નહિ.
વસંત ગઢવી
તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૨
Leave a comment