સંસ્કૃતિ : બિનસરકારીતથાબિનપક્ષીયનેતૃત્વઅનેચુનીભાઈવૈદ્ય:

 દેશ આઝાદ થયો ત્યારબાદ ક્રમશઃ આપણો સમાજ વિશેષ રીતે સરકાર પર આધાર રાખતો થઇ ગયો તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. લોકશાહી કાર્યપ્રણાલીમાં સરકારો ચૂંટાયેલી હોય છે. આથી જે લોકો ચૂંટણીમાં પસંદ થઈને આવે છે તેઓ સામાન્ય નાગરિકોની પસંદગી મુજબના આવે છે તેમ માની શકાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોય છે. આથી લોકોના પ્રશ્નોના ઉકેલ માટે આ લોકપ્રતિનિધિઓ પર મદાર બાંધવાનો લોકોનો હક્ક પણ બને છે. આવો હક્ક લોકો ભોગવી શકે તેવી સુસજ્જતા કે જાગૃતિ લોકોમાં હોય છે કે કેમ તે એક ચર્ચાનો વિષય છે. ખાસ સંજોગોમાં આવી જાગૃતિ જો કે કેળવાય છે. કેટલાક લોકને સંબંધિત પ્રશ્નો બાબતમાં લોકો કોઈ કોઈ સમયે ચળવળો કે આંદોલનો પણ કરે છે. પરંતુ લગભગ આવા દરેક આંદોલનમાં કે તે માટેની જાગૃતિ ઉભી કરવાના કામમાં કોઈ સબળ નેતાગીરી મહત્વનો ભાગ ભજવે છે. કોઈ સફળ કે નિષ્ફળ ગયેલી લોક ચળવળના એક અનિવાર્ય ભાગ તરીકે કોઈને કોઈ નેતા ઉભરી આવે છે. તેઓ આવી ચળવળોને દોરતા હોય છે તેમજ તેના માધ્યમથી લોકજાગૃતિનું પણ કાર્ય કરતા હોય છે. મહાગુજરાતની ચળવળ તથા ઈન્દુચાચાનું નેતૃત્વ તેનું એક ઠોસ ઉદાહરણ છે. આ પ્રકારના આંદોલન એ એકલ દોકલ ઘટના જેવા હોય છે. તેઓ પ્રાસંગિક સ્વરૂપના હોય છે. પરંતુ સતત રીતે સમાજના પ્રશ્નોને સમજીને તેને વાચા આપનાર એક નેતૃત્વની હરોળ ગાંધીવિચારને કારણે આપણે ત્યાં પાંગરી હતી. લોકોના પ્રશ્નોનો ઊંડો અભ્યાસ કરીને તેને વાચા આપવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ આવા અગ્રણીઓ કરતા હતા. તેઓ મહદંશે ચૂંટણીના રાજકારણથી એક અંતર રાખીને કામ કરતા હતા. લોકકારણ એ જ તેમનું રાજકારણ હતું. જીવનભર તેમણે લોકના પ્રશ્નોને સમજીને સત્તામાં બેઠેલા લોકો સુધી તેના નિકાલ માટે પહોંચાડવાનો સાતત્યપૂર્ણ પ્રયાસ કર્યો હતો. જરૂર પડે ત્યારે પોતાની જ ચૂંટેલી સરકાર સામે સંઘર્ષનો માર્ગ અપનાવવા તેમણે લોકોને તૈયાર કર્યા હતા. આવા પુણ્યશ્લોક લોકોની યાદી તૈયાર કરીએ ત્યારે વિશેષ કરીને સપ્ટેમ્બર માસમાં ચુનીભાઈ વૈદ્યની સ્મૃતિ અચૂક થાય છે. બીજી સપ્ટેમ્બરના રોજ ૧૯૧૮માં ઉત્તર ગુજરાતના સંડેર(મહેસાણા જિલ્લો)માં તેમનો જન્મ થયો હતો. સપ્ટેમ્બર માસ પસાર થઇ રહ્યો છે તેવા સમયે ચુનીભાઈની સ્મૃતિને પુનઃ જાગૃત કરવા તેમજ જાગૃત રાખવા મહેચ્છા થાય તે સ્વાભાવિક છે. ડિસેમ્બર-૨૦૧૪ સુધી તેઓ આપણી વચ્ચે રહ્યા. લોકોના પ્રશ્નોમાં ઊંડો રસ લઈને દોરવણી આપતા રહ્યા. રતનપુરના શરાબના પીઠાને બંધ કરાવવાનો પ્રશ્ન હોય કે શુદ્ધ પીવાનું પાણી લોકોને મળી રહે તેની સમસ્યા હોય ત્યાં ચુનીભાઈની સક્રિય હાજરી હોય જ. લોકસમિતિ જેવા અસરકારક માધ્યમથી તેમણે અનેક લડતો ચલાવી. ચુનીભાઈ વૈદ્યનું જીવન કર્મઠતાને વરેલું હતું. તેમના કાર્યોનો સ્મૃતિગ્રંથ ‘અગ્નિપુષ્પ’ નામે ગુજરાત લોકસમિતિએ ડિસેમ્બર ૨૦૧૫માં પ્રકાશિત કરેલો છે. ભાઈ કેતન રૂપેરાની કાળજીપૂર્વનની માવજતથી આ દસ્તાવેજ જેવો ગ્રંથ રોચક તેમજ માહિતીપ્રદ બન્યો છે. ઇલાબહેન પાઠક તથા પ્રકાશ જેવા વિદ્વાન વ્યક્તિઓએ ગ્રંથના પરામર્શકો તરીકે યોગદાન આપેલું છે. એક મશાલ સમાન ઝળઝળતા જીવન જેવું ચુનીભાઈનું વ્યક્તિત્વ આકર્ષક હતું. અનેક વખત તેઓને મળવાનું થયું છે. દરેક વખતે તેઓ જે વાતો કરે તેની સ્મૃતિ મનમાં લાંબા સમય સુધી રહી જતી હતી. મોટા ભાગે સુર્યકાંતભાઈ પરીખ સાથે તેઓ મળવા આવતા હતા. કોઈને કોઈ પ્રકારના લોકોને સંબંધિત પ્રશ્નોની તેમની રજૂઆત તાર્કિક તેમજ પ્રભાવી હતી. રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં કાર્ય કરવાની તક મળી તેથી પણ વિવિધ પ્રશ્નો અંગે તેમની સાથે પ્રસંગોપાત ચર્ચા થતી રહેતી હતી. વિસ્મૃત ન થાય તેવું તેમનું વ્યક્તિત્વ હતું. સામાજિક કે શાસનની કોઈ વ્યવસ્થામાં અન્યાય જેવું લાગે તો તેઓ ઉગ્ર સ્વરૂપે પણ તેની વાત પુરા આત્મવિશ્વાસ સાથે કરતા હતા. 

            ‘ભૂમિપુત્ર’ સાથે તેમનો સુદીર્ઘ નાતો રહ્યો. ભૂમિપુત્રના સંપાદનમાં તેમની સબળતા પ્રગટ થઇ. કાંતીભાઈનો તો સાથ ખરો જ. ‘ભૂમિપુત્ર’ની કામગીરી સંભાળી ત્યારબાદ એકાદ વર્ષમાં જ ભારત સરકારે કટોકટી જાહેર કરી. અખબારો તથા સામાયિકો પર નિયંત્રણો આવવાનું શરુ થયું. સત્તાવાળાઓ સામે ઝૂકી ગયા સિવાય સ્વતંત્ર લોકઅવાજની અભિવ્યક્તિ ભૂમિપુત્ર તરફથી ચાલુ રાખવામાં આવી. પ્રખર ધારાશાસ્ત્રી સ્વર્ગીય ચંદ્રકાન્ત દરૂ માનવ અધિકાર મુદ્દે હંમેશા જાગૃત તેમજ સક્રિય હતા. સંઘર્ષનો એક પ્રસંગ પણ તરત જ સામે આવીને ઉભો રહ્યો. નારાયણ દેસાઈનો લખેલો એક લેખ છાપવા માટે સેન્સર અધિકારીએ ‘ભૂમિપુત્ર’ પાસે એક હજાર રૂપિયાની સિક્યોરિટી જમા કરાવવા માંગણી કરી. જો સૂચનાનો અમલ કરવામાં ન આવે તો ભૂમિપુત્રના કાર્યાલયને સીલ મારવામાં આવે તેવી પણ સંભાવના હતી. ભૂમિપુત્રમાં ચુનીભાઈએ આ વાત લખી. લોકોએ ભૂમિપુત્રને સ્વેચ્છાએ પૈસા મોકલવાનું શરુ કર્યું. તે સમયે લગભગ સાડા સાત હજાર રૂપિયા એક જ અઠવાડિયામાં લોકોએ મોકલી આપ્યા. ફરી અપીલ કરીને લોકોને પૈસા મોકલવાનું બંધ કરવા માટે જણાવવું પડ્યું. વિમલાજી ઠાકરે લખ્યું કે અનેક સભાઓ ભરવાથી જે જનમતને જાગૃત કરવાનું કામ ન થઇ શકે તેવું કામ ભૂમિપુત્રે તેના અંકોની મદદથી કર્યું છે. ભૂમિપુત્રનું કટોકટીના સમયનું આ પત્રકારત્વ સમગ્ર દેશમાં એક નિર્ભયતાની મિસાલ તરીકે પ્રસિદ્ધ થયું હતું. આ બધાના પરિણામ તરીકે ચુનીભાઈ તથા દરૂ સાહેબને જેલયાત્રા પણ કરવી પડી હતી. જેલ જીવનને ચુનીભાઈ આરામનો કે થાક ઉતારવાના સમય તરીકે ગણાવતા હતા. સફેદ ખાદીના વસ્ત્રોમાં સ્પષ્ટ વાણી સાથે વાત કરતા ચુનીભાઈની મૂર્તિ દિલમાં વસી જાય તેવી હતી. ઈન્દુકુમાર જાનીએ લખ્યું છે કે કાકા “હરહાલમે ખુશહાલ” હતા તે ઉચિત છે. સત્યના સમર્થન માટે સંઘર્ષ એ તેમના જીવનનું ચાલકબળ હતું. તેમની સ્મૃતિને વંદના કરવાનો આ સમય છે. 

વસંત ગઢવી

તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑