હસમુખશાહઅને “દીઠુંમેં”…

    હસમુખ શાહ ગયા ડિસેમ્બર મહિનામાં જ આપણી વચ્ચેથી ગયા. એક પુરી ન શકાય તેવી ખોટ તેમના જવાથી ગુજરાતને પડી તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આઈ.પી.સી.એલ. જેવી ગંજાવર સંસ્થાના એ ચેરમેન હતા. તદ્દન વિભિન્ન વ્યક્તિત્વ ધરાવતા પ્રધાનમંત્રીઓ-મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી તથા ચૌધરી ચરણસિંહના સચિવ તરીકેનું કામ તેમણે કર્યું હતું. ભારતીય રાજકારણના સતત બદલાતા સમયગાળાને તેમણે નજીકથી જોયો હતો. આ સિવાય પણ અનેક કંપનીઓની સ્થાપના તેમજ વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન હતું. દર્શક ઇતિહાસનિધિનો વિકાસ હસમુખભાઈને આભારી છે. આ બધું હોવા છતાં તેઓ એક સંપૂર્ણ વિવેકી તથા સોંજન્યશીલ વ્યક્તિ હતા. તેમના કર્મથી તેઓ એક બ્યુરોક્રેટ હોવાના કારણે તેમની જાહેરમાં દેખાવાની બાબત પ્રમાણમાં ઓછી હોય છે. આથી તેમની ભાતીગળ જીવનયાત્રા બાબતમાં સામાન્યતઃ લોકોની જાણકારી ઓછી હોય તે સમજી શકાય તેવી બાબત છે. અનેક લોકો તેમના કાર્યથી પુરા પરિચિત ન હોય તે સ્વાભાવિક પણ છે. પરંતુ હસમુખભાઈનું જીવન તથા યોગદાન એવા હતા કે તેની નોંધ લેવાય તથા તેમના વિશેની જાણકારી વિસ્તરે તેમાં આપણી પણ શોભા છે. એક બ્યુરોક્રેટ પાસેથી સમાજ તથા સરકારની અપેક્ષાઓ તો ઘણી હોય છે. પરંતુ અપેક્ષાઓ સામે ખરા ઉતારે તેવા વિરલા ઓછા હોય છે. આવા લોકો સમાજની સ્મૃતિમાં લાંબા કાળ સુધી રહે છે. ઉદાહરણ તરીકે આઝાદી મળ્યા બાદ નવી રચાયેલી ભારત સરકાર સામેના અનેક પ્રશ્નોના ઉકેલમાં એચ. એમ. પટેલસાહેબનું હીર ઝળકી ઉઠ્યું હતું. એચ. એમ. પટેલ જેવા ભારતવાસી ગુજરાતી મૂળ તો એક બ્યુરોક્રેટ જ હતા. ઇંગ્લેન્ડની તે સમયની પ્રતિષ્ઠિત ગણાતી ઇન્ડિયન સિવિલ સર્વિસ(ICS)ના તેઓ એક પ્રતિનિધિ હતા. તેઓએ દેશના વિભાજન અને ત્યારબાદ નવા રાષ્ટ્રના નવનિર્માણમાં કદી વિસ્મૃત ન થાય તેવું યોગદાન આપેલું છે. આવી વ્યક્તિઓ પૈકીના એક એટલે લલિતચંદ્ર દલાલ પણ એક કર્મઠ અધિકારી હતા. જેમણે ગુજરાત રાજ્યના નિર્માણ તથા વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. હજુ ગઈકાલ સુધી આપણી વચ્ચે હતા તેવા અનિલભાઈ શાહની સ્મૃતિ પણ આ સંદર્ભમાં થાય છે. અનિલભાઈ શાહની સૂઝ તેમજ દ્રષ્ટિને કારણે સરકારની યોજનાઓમાં વ્યાપક જનભાગીદારીના વિચારને સ્થાન મળ્યું. તેની સફળતા પણ સૌને જોવા મળી. આવા ઉજળા નામોની યાદીમાં હસમુખ શાહનું નામ નિઃસંકોચ ઉમેરી શકાય તેવું છે. અનેક પ્રકારનું યોગદાન અને તે પણ અનેક ક્ષેત્રોમાં કરીને હસમુખભાઈ પોતાનું જીવતર દીપાવી ગયા. સત્તાના વિવિધ સ્થાનોમાં રહીને દિલમાં નિર્ભેળ માનવતાની જ્યોત સદાકાળ જીવંત તેમજ જ્વલંત રાખવી એ નાની સુની વાત નથી. હસમુખ શાહની સ્મૃતિ આપણામાંથી અનેક લોકોને દીર્ઘકાળ સુધી રહ્યા કરશે. અસામાન્ય સ્થિતિને જીવનમાં પ્રાપ્ત કર્યા પછી પણ હસમુખભાઈએ જીવનમાંથી સામાન્યતાને વિલીન થવા દીધી નથી. ભૂમિગત વાસ્તવિકતાઓ સાથેનું જોડાણ એ તેમના જીવન-કાર્યનો ધ્રુવ સંદેશ છે. હાંસિયામાં રહેલા બજાણા ગામમાંથી તેઓ વિશ્વસ્તરે વિકસ્યા છે. પોતાના જીવનના મહત્વના પહેલા બાર વર્ષ હસમુખભાઈએ બજાણામાં ગાળ્યા હતા. કચ્છના નાના રણની ધારે આવેલું બજાણા એક નાનું રજવાડી ગામ ગણાય છે. ભૌગોલિક રીતે તેનો સમાવેશ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. બજાણાથી નજીકનું મહત્વનું સ્થળ પાટડી છે. 

        રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની કચેરીઓમાં વિવિધ સ્વરૂપની કામગીરી કરનાર અનેક અધિકારીઓ હોય છે. દરેકને પોતાના સેવા કાળ દરમિયાન અનેક પ્રકારના અનુભવ પણ થયા કરે છે. અનુભવ જે તે સમયે કોઈને વ્યક્તિગત દ્રષ્ટિથી સારા કે નબળા લાગ્યા હોય તેમ બનવા જોગ છે. પરંતુ ઇતિહાસની દ્રષ્ટિએ એ દરેક ઘટના કે અનુભવનું એક આગવું મૂલ્ય હોય છે. પ્રજાના વિશાળ સમુદાયને સંબંધિત આ ઘટનાઓ હોય છે તેથી તેનું મૂલ્ય સવિશેષ છે. હસમુખભાઈએ પોતાના સ્વાનુભવોને આલેખતું એક પુસ્તક લખ્યું છે. અમદાવાદના રંગધાર પ્રકાશને “દીઠું મેં…” એવા શીર્ષકથી ૨૦૧૩માં તેને પ્રકાશિત કરેલું છે. ઘણાં લોકો આ પુસ્તક બાબતમાં જાણે છે. સારી એવી પ્રસિદ્ધિ આ પુસ્તકને મળેલી છે. હસમુખભાઈના સંસ્મરણો વિશાળ તેમજ વૈવિધ્યપૂર્ણ છે. તેથી ઘણાં રોચક છે. બજાણાની તવારીખ તો માણવી ગમે તેવી છે જ. ઉપરાંત દિલ્હી દરબારના તેમના સંસ્મરણો તત્કાલીન સ્થિતિને વિશેષ રીતે સમજવામાં મદદરૂપ થાય છે. ગુજરાતી ભાષા સાથેનો સંપર્ક ઘણાં વર્ષો સુધી ઓછો થઇ જવા છતાં ભાષા પરની તેમની પક્કડ પ્રભાવી લાગે છે. નિરાંડબર વ્યક્તિત્વની પણ સહજ છાપ તેમની કથા વાંચનારના મનમાં સહજ રીતે ઉભી થાય છે. આજે પણ જ્યાં વિકાસની ઉણપ કે સવલતોની અછત દેખાતી હોય તેવા બજાણા અને લખતર જેવા સ્થળોએ લગભગ પોણી સદી પહેલા તેમનું બાળપણ વીત્યું. નજર સામે જોયેલી તેમજ અનુભવેલી આ કઠિન પરિસ્થિતિ પણ તેમના ઘડતરમાં તથા આત્મવિશ્વાસ પ્રગટાવવામાં મહત્વની બની રહી. 

                    સામાન્ય રીતે જે કામગીરી કરવાની તક મોટાભાગે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(IAS)ના અધિકારીઓને મળતી હોય છે તેવી તક હસમુખભાઈને મળી. જે પદ કે પ્રતિષ્ઠા તેમને મળ્યા તે તેમણે દીપાવી જાણ્યા. માનવતાપૂર્ણ અભિગમ તથા વ્યવહારુ અભિગમથી તેમણે સત્વરે નિર્ણય કરવાની પ્રક્રિયાને વેગ આપ્યો. આઈ.પી.સી.એલ. જેવી મોટી સંસ્થાના અધ્યક્ષ તરીકે કામકાજના સ્વસ્થ તથા પારદર્શક ધોરણો સ્થાપીને તેને તેમણે અમલમાં મુક્યા. છતાં કોઈ પણ બાબતમાં વાત કરતા સહેજ પણ આપવડાઈ કે કર્તાપણાનો ભાવ તેમને મળનારને ક્યારે પણ લાગ્યો નથી.

                    હસમુખભાઈના બજાણાના સંસ્મરણો વાગોળીએ ત્યારે ફરી એ વાતની સ્મૃતિ થાય છે કે ખેડૂતો મહા-મહેનતે બે છેડા ભેગા કરી શકતા હતા. દેવામાં તો ડૂબેલા હોય જ. વરસાદ પણ મનમોજીલો. પીવાનું મીઠું પાણી થોડો સમય રહે. પછી રણકાંઠાના કારણે તેમાં ખારાશ ભળતા પાણી ભાભરું થઇ જાય. આકરા તાપમાન તથા ટાંચા સાધનોની મદદથી જે મળે તેમાં ખેડૂતો સંતોષ માને. આ સ્થિતિમાંથી આજે પણ આપણે બહાર નીકળ્યા છીએ ખરા તેનો મનમાં સહેજે વિચાર આવે. સ્થિતિમાં સુધારો અવશ્ય થયો છે. પરંતુ હજુ પણ ખેતી પોષણક્ષમ ન બનવાના કારણે અનેક ધરતીપુત્રો ધરતીથી વિખુટા થઇ રહ્યા છે. જે મળ્યું તેનાથી સંતોષ માનવાની એક સ્વસ્થ મનોદશા તે સમયે હતી તે પણ આપણામાંથી દૂર થતી જાય છે. વિકાસની ભૂખ હોવી તે જરૂરી છે પરંતુ સંતોષની મૂડી ગુમાવવા જેવી નથી.  

                 હસમુખભાઈએ જોયેલું ગામડાનું ચિત્ર એ આપણી ગંગા-જમના સંસ્કૃતિના એક ઉજળા ઉદાહરણ જેવું છે. ગામડામાં કોમ-કોમ વચ્ચેનો હુંફાળો ભાઈચારો એ આપણી સહજ સમજ તથા જીવન જીવવાની રીત હતી. ગામમાં જુદી જુદી જ્ઞાતિઓ ખરી પરંતુ બધા સુમેળથી રહે. રાજવી જે ધર્મ કે કોમના હોય તે જ કોમના રાજ્યના અધિકારીઓને રાખવા તેવી સહેજ પણ વૃત્તિ નહિ. તાજીયા કે મહાવીર સ્વામીના જન્મ-દિવસનો ઓચ્છવ સૌ સાથે મળીને જ ઉજવે તેવી પ્રથા હતી. ઓચ્છવ તો સૌ કોમને જોડે તેમ ઉજવાય. સૌને તેનો પ્રસાદ તથા પ્રસન્નતા સરખા ભાગે મળે. લેખક કહે છે તેમ બજાણાની રોનક જે ૧૯૪૭ સુધી હતી તે પણ પછીથી ક્રમશઃ ઓછી થઇ. હસમુખભાઈ કહે છે : “ગુજરાતના ઇતિહાસની ફૂટનોટમાં પણ અમારા આ બજાણાને સ્થાન નથી”.

               તે સમયમાં રાજવીઓ કે નવાબોને ત્યાં થતા લગ્નોમાં કેવા રમુજી પ્રસંગો થતાં તેનો આંખે દેખ્યો અહેવાલ હસમુખભાઈએ ટાંક્યો છે. જૂનાગઢના નવાબને ત્યાં લગ્નપ્રસંગ હતો. નવાબને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો તેમાં શાહી ઠઠારો હોય તે સ્વાભાવિક છે. મહેમાનો પણ મોટી સંખ્યામાં આવા લગ્નો માણવા ઉમટી પડે તે સમજી શકાય તેવી વાત છે. હસમુખભાઈના પિતાશ્રી તેમજ બજાણાના અગ્રણી હમાદખાન બાપુ બજાણા રાજવીના પ્રતિનિધિ તરીકે લગ્નમાં જૂનાગઢ ગયા. નવાબને ત્યાં શાકાહારી તેમજ માંસાહારી ખોરાક લેનારા માટે બે અલગ રસોડાની વ્યવસ્થા હતી. જો કે હમાદખાને હસમુખભાઈના પિતા સાથે શાકાહારી રસોડે જમવાનું ગોઠવ્યું હતું. ભોજન લેવા બેઠા ત્યારે એક નાની વાટકીમાં શ્રીખંડ પીરસવામાં આવ્યો. શ્રીખંડનું પ્રમાણ જોઈ હમાદખાનને નવાઈ લાગી. આટલા ઓછા શ્રીખંડમાં પેટ શે ભરાય ! રસોઈનું કામ સંભાળતા મેનેજરને બોલાવ્યો. મેનેજરને કહે: “તારો આ શ્રીખંડ ખાઈ શકાય એટલો તો છે જ નહિ. આથી તેને આંખમાં આંજી દે. આંખમાં ટાઢક થશે અને આ વાટકી આડી નહિ આવે !” શરમાઈને મેનેજરે મોટા વાટકામાં શ્રીખંડ આપ્યો જે હમાદખાન બાપુ ત્રણ વાટકા ભરીને ઝાપટી ગયા ! તે સમયે ગામડાઓના બાળકો જે રમતો રમતા હતા તે રમતો શરીરને કસે તેમજ બિનખર્ચાળ હોય તેવી હતી. મોઇ-દાંડિયાની શેરીની રમત રમીને લેખક દિલ્હી દરબારની રમતોમાં અણનમ રહ્યા તે આશ્ચર્ય થાય તેવી ઘટના છે. 

                  હસમુખભાઈની કારકિર્દીની શરૂઆત આમ તો જૂનાગઢની બહાઉદીન કોલેજના લેક્ચરર તરીકે થઇ. એ ગાળો ટૂંકો રહ્યો હસમુખભાઈએ “કલેક્ટેડ વર્કર્સ ઓફ મહાત્મા ગાંધી” પ્રોજેક્ટમાં જોડાવા માટે કોલેજ છોડવાનો કપરો નિર્ણય કર્યો. ગાંધીજીના જીવનને સંબંધિત સાહિત્ય તરફનું ખેંચાણ એ આ નિર્ણય લેવામાં મહત્વનું કારણ બન્યું. છ વર્ષ તેમણે ત્યાં કામ કર્યું. હસમુખભાઈના વ્યક્તિત્વના ઘડતરમાં આ રીતે ગાંધી સાહિત્યના અધ્યયને મહત્વનો ભાગ ભજવ્યો હશે તેમ માની શકાય. તેમના વ્યક્તિત્વમાં રહેલા સાદગી તથા નિષ્ઠાના ગુણોનું મૂળ પણ અહીં શોધી શકાય. અહીં જ તેમને પાંડુરંગ દેશપાંડે તથા પ્રોફેસર કે. સ્વામીનાથન જેવા વિદ્વાન વ્યક્તિઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદના તબક્કામાં વાડીલાલ ડગલીએ મોરારજીભાઈ સાથે જોડાવા માટે ભલામણ કરી. મોરારજી ત્યારે સત્તામાં ન હતા તો પણ તેમને મળ્યા બાદ હસમુખભાઈએ તેમના સચિવ તરીકે જવાનું સ્વીકાર્યું. મોરારજીભાઈ સાથેના આ જોડાણથી તેમને સમાજના વિવિધ ક્ષેત્રો તથા રાજકીય બાબતોને સમજવાની તક મળી. મોરારજીભાઈ નાણામંત્રી રહ્યા તે સમયે પણ તેમની સાથે રહીને ભારતના સમગ્ર અર્થતંત્રને નજીકથી મુલવવાની તક તેમને મળી. 

            મોરારજી સાથે તેઓ ન હતા ત્યારે હસમુખભાઈ કોઈ સરકારી કામકાજ માટે માર્ચ-૧૯૭૭માં દિલ્હીમાં હતા. સામાન્ય નિયમ એવો કે દિલ્હી જાય ત્યારે બની શકે તો મોરારજીભાઈને પણ મળે. આ પ્રથા પ્રમાણે ૨૪ માર્ચ-૧૯૭૭ના દિવસે તેઓ મોરારજીભાઇના દિલ્હીના નિવાસસ્થાને ગયા. જનતા પાર્ટીની મોટી રેલીમાં ભાગ લઇ મોરારજી ઘેર પાછા આવ્યા હતા. આ દિવસે જ મોરારજીભાઈ જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા સાંસદોના નેતા નિયુક્ત થયા હતા. આથી તેમનો દેશના પ્રધાનમંત્રી થવાનો રસ્તો સાફ હતો. મોરારજીભાઈએ ખાસ કશા આવેશ સિવાય હસમુખભાઈને કહ્યું : “સારું થયું, તમે આવ્યા.” બાદમાં કશુક લખી લેવા માટે તેમણે હસમુખભાઈને સૂચના આપી. ત્યારબાદ મોરારજીએ પોતાના ખિસ્સામાંથી કેટલીક ચબરખીઓ કાઢી અને જોઈ. ટેબલ પરના એક નાનકડા પેડમાં તેઓ કશુંક લખવા લાગ્યા. એક નાની યાદી મોરારજીભાઈએ કાળજીપૂર્વક વિચારતા જઈને તૈયાર કરી. મોરારજીભાઈની યાદી મુજબ હસમુખભાઈએ લખેલા નામો એ નવી કેન્દ્ર સરકારના મંત્રીઓની હતી ! આ પીઢ પુરુષ સારા-નરસાનો ભેદ પારખી નામ નક્કી કરતા હતા. તે હસમુખભાઈ જોઈ શકયા હતા. નામો લખાયા પછી મોરારજીભાઈ સોગંધવિધિનો સમય પણ સુચવીને રાષ્ટ્રપતિશ્રીના કાર્યાલય સાથે સંકલન કરી લેવા હસમુખભાઈને સૂચનાઓ આપી. આ પછી મોરારજી સુઈ ગયા ! મોરારજીભાઈની એક જુદી જ છાપ હસમુખભાઈના પુસ્તકમાંથી મળે છે. મોરારજીભાઈએ પોતાની બચતનું ટ્રસ્ટ કરેલું. બાપદાદાના સમયથી એક ઘર હતું તે ભાઈઓની સંમતિ લઈને ગામની શાળા ચલાવવા માટે ભેટ આપી દીધું હતું. ટ્રસ્ટની નાની એવી વ્યાજની રકમમાંથી પણ જરૂરિયાતમંદોને સહાય આપી દેવાની ઉતાવળમાં મોરારજીભાઈ રહેતા હતા. કોઈ એક જરૂરિયાતમંદ વિદ્યાર્થીએ મોરારજીભાઇના ફેમિલી ટ્રસ્ટમાંથી અભ્યાસ આગળ વધારવા માટે સ્કોલરશીપની માંગણી કરી હતી. એક બ્યુરોક્રેટની પધ્ધતિ પ્રમાણે હસમુખભાઈએ પુરાવા તરીકે માંગણી કરનાર વિદ્યાર્થીની માર્કશીટ મંગાવવા સૂચન કર્યું. મોરારજીભાઈએ ‘વિશ્વાસથી વહાણ ચાલે’ તેવી કહેવત ટાંકીને આવી નાની રકમ સત્વરે ચૂકવી આપવાનો મત વ્યક્ત કર્યો. અંતે તેમજ કરવામાં આવ્યું. મોરારજીભાઈ કુદરતી ઉપચારોમાં શ્રદ્ધા ધરાવતા હતા તે બાબત જાણીતી છે. તેઓ પ્રધાનમંત્રી હતા ત્યારે એક ભાઈનો પત્ર તેમને મળ્યો. પાકિસ્તાનના સિંધ પ્રદેશના હૈદરાબાદ શહેરથી એ પત્ર આવ્યો હતો. પત્ર લખનારે લખ્યું હતું કે તેની બહેનને કેન્સર થયું છે. દવાઓ આપીને ઘણી સારવાર કરી પરંતુ ફાયદો થયો નથી. આથી તેમણે આ બાબતમાં કોઈ સલાહ આપવા કે ઉપાય સૂચવવા મોરારજીભાઈને વિનંતી કરી. મોરારજીભાઈએ પત્ર વાંચીને પત્ર લખનાર ભાઈ સાથે ટેલિફોન પર વાત કરાવવા પોતાના કાર્યાલયમાં સૂચના આપી. પત્રની વિગતો પરથી સંપર્ક થયો પણ ખરો. મોરારજીભાઈએ શાંતિથી દર્દીની તકલીફો તથા હાલની તેની સ્થિતિની વિગતો જાણી. સલાહ પણ આપી કે દર્દીને માત્ર ખાટી ન હોય તેવી દ્રાક્ષ ખોરાકમાં આપવી. જેટલી દ્રાક્ષ ખાઈ શકે તેટલી આપવી. એ જ ભાઈનો થોડા દિવસ  પછી પત્ર આવ્યો કે મોરારજીભાઈએ સૂચવેલી દવા શરુ કરે તે પહેલા જ દર્દી બહેનનું અવસાન થયું હતું. પત્ર લખનાર ભાઈ આભારવશ હતા કે પ્રધાનમંત્રી તરીકેની વ્યસ્તતામાંથી પણ સમય કાઢીને મોરારજીભાઈએ એક અજાણ્યા દર્દીની સારવાર માટે આટલો સમય કાઢ્યો. જો કે આવા કોઈ કામની પ્રસિદ્ધિ ન આપવી તેવી પ્રધાનમંત્રીશ્રીની સ્થાયી સૂચના હતી તેમ પણ હસમુખભાઈએ નોંધ કરી છે. પોતાની સારી બાબતોની પણ પ્રસિદ્ધિ માટે કોઈ ખાસ ખેવના રાખવી તે મોરારજીના વ્યક્તિત્વમાં ન હતું. હસમુખભાઈનો જે માનવતાવાદી તથા સંવેદનશીલ અભિગમ હતો તેનું વાસ્તવિક પગલાંઓમાં પરિવર્તન તેઓ કરી શક્યા. હસમુખભાઈની નિષ્ઠા ઉપરાંત મોરારજીભાઈનો ઉદાર અભિગમ તેના મહત્ત્વના કારણ તરીકે જોવા મળે છે.  

                    વડાપ્રધાનના કાર્યાલયમાં એક વરિષ્ઠ અને સુવિખ્યાત અધિકારી વી. શંકર વિષે હસમુખભાઈએ લખેલી વાતો વાંચતા સાનંદ આશ્ચર્ય થાય. સરદાર વલ્લભભાઈ પટેલ સાથે પણ વી. શંકરે ઘણી સારી કામગીરી કરી હતી તે બાબત જાણીતી છે. વી. શંકર ફાઇલોના નિકાલમાં નિર્ણાયત્મક તથા ઝડપી હતા. સવારે પાંચથી સાત વચ્ચે લગભગ બધી ફાઈલો ધ્યાનથી જુએ. નોંધ કરે. ત્યારબાદ સ્ટેનોગ્રાફરને બોલાવી ડિક્ટેશન આપે. તેમનું કામ આ રીતે સવારમાં જ પૂરું થાય. ત્યાર બાદ દિવસભર મીટીંગોમાં વ્યસ્ત રહે તેમજ  નિર્ણાયત્મક માર્ગદર્શન આપે. વી. શંકર મુશાયરાઓમાં પણ જોવા મળે. મિલ્ટનના ‘પેરેડાઇઝ લોસ્ટ’ની પંક્તિઓનો છૂટથી મુખપાઠ કરે. આ પ્રકારના બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા લોકો કોઈપણ માળખામાં મુડીસ્વરૂપ હોય છે.

               ઈન્દિરાજી વડાપ્રધાન થયા પછી તેમની સાથે તેઓ શરૂઆતમાં જોડાયેલા રહ્યા. કેટલાક નેતાઓને એ બાબત ખૂંચતી હતી. આથી હસમુખભાઈને બીજી જગ્યા એ નિમણુંક આપવામાં આવી. પ્રધાનમંત્રીની ઓફિસ છોડતા પહેલા હસમુખભાઈ ઈન્દિરાજીને મળવા ગયા. આ સમયે ઈન્દિરાજીમાં રહેલા GRACE અને ઔદાર્ય હસમુખભાઈએ સ્પષ્ટ રીતે જોયા. હસમુખભાઈને તેઓ કહે છે: “તમે વડાપ્રધાનના કાર્યાલયમાંથી જાઓ તેવું હું ઇચ્છતી ન હતી પરંતુ…:” વાક્ય અધૂરું રહ્યું. દેશના તે સમયના સૌથી શક્તિશાળી રાજદ્વારી મહિલા  એવું સોંજન્ય ન પણ દાખવે તો તેમાં કશી અસામાન્ય બાબત લાગે નહિ. પરંતુ ઈન્દિરાજી તેથી પણ એક પગલું આગળ ગયા. જે વિભાગમાં હસમુખભાઈની નિમણુંક થઇ તે વિભાગના મંત્રીશ્રી સી. એમ. સ્ટિફનને ઇન્દિરાજીએ કહ્યું કે હસમુખભાઈ PMO છોડે છે તેનું કારણ તેમની સામેની કોઈ નારાજગી નથી. ઈન્દિરાજીના એક અલગ વ્યક્તિત્વની અહીં ઝાંખી થાય છે. હસમુખભાઈની તો તેમના કાર્યક્ષમ યોગદાનને કારણે ઉભી થયેલી એક અલગ પ્રતિભા અહીં જોવા મળે જ છે પરંતુ ઇન્દિરા ગાંધીના વ્યક્તિત્વની પણ ઉજળી બાજુનું અહીં દર્શન થાય છે. હસમુખભાઈના પુત્રના લગ્ન પ્રસંગે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને વ્યક્તિગત રીતે મળીને આમંત્રણ દેવાનું તેમને ઉચિત ન લાગ્યું. કંકોત્રી પોસ્ટમાં મોકલી આપી. બરાબર લગ્નના સમયે જ ઈન્દિરાજીનો સ્નેહસભર પત્ર તેમને મળ્યો. નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. ત્યાંથી જ તેમણે આ પત્ર લખ્યો હતો. હસમુખભાઈના કુટુંબીજનોને આશ્ચર્ય થાય છે.

            આઈ.પી.સી.એલ.ના ચેરમેન તરીકે ૫૦૦૦ એકર જેટલી ખેડૂતોની જમીન સંપાદન કરવાની થતી હતી. હસમુખભાઈના માનવીય અભિગમમાં એ દ્રષ્ટિ હતી કે ખેડૂતોને નુકશાનકારક હોય તેવી કોઈ ફોર્મ્યુલાથી જમીન સંપાદન થવું જોઈએ નહિ. આથી તેમણે વ્યવહારુ છતાં ઉદાર ફોર્મ્યુલા અપનાવીને એ કાર્ય કર્યું. જેમના મૂળ હવે ધરતી સાથે રહેવાના નથી તેના હિતોનું રક્ષણ થવું જોઈએ એ તેમનું જાત સાથેનું કમિટમેન્ટ હતું. આથી તેમાં બ્યુરોક્રેટિક એપ્રોચ ન હતો. ખેડૂતોની વ્યથા સમજવાની તેમની શક્તિ હતી તે જ રીતે મધર ટેરેસાની ગરીબોની સેવાના કામનું હસમુખભાઈને મન ઘણું મહત્વ હતું. તેમના માતૃશ્રીએ પોતાના મરણ બાદ જે કંઈ બચત હતી તે મધર ટેરેસાના સેવાકાર્યોમાં વાપરવા માટે સૂચવ્યું હતું.   

              હસમુખભાઈનું જીવન એ આજે પણ અનેક લોકો માટે પ્રેરણા પુરી પડી શકે તેવું છે. હસમુખભાઈ શાહના આ પુસ્તકનું પણ એક આગવું દસ્તાવેજી મૂલ્ય છે. આપણાં તત્કાલીન રાજકિય પુરુષોના વ્યક્તિત્વની પ્રમાણમાં ઓછી જાણીતી હોય તેવી બાબતો અહીં જાણવા તેમજ સમજવા મળે છે. આ પ્રકારના દસ્તાવેજી લખાણો ઓછા થાય છે. જે થયા છે તેમાંથી પણ કેટલાક લખાણોની વિશ્વસનીયતા પ્રથમ દ્રષ્ટિએ જ શંકાસ્પદ જણાય છે. હસમુખભાઈના લખાણોમાં કોઈ એંગલ સિવાય હેતુલક્ષિતા જળવાઈ રહી છે. તે આ પુસ્તકના મૂલ્યમાં ઘણી મોટી વૃદ્ધિ કરે છે. જે વ્યક્તિચિત્રો તેમણે આપ્યા છે તે પણ વાંચવા ખુબ ગમે તેવા છે. હસમુખભાઈ ગયા તેનો રંજ અવશ્ય થાય તેવો છે. એટલો સધિયારો રહે છે કે તેમના આ દસ્તાવેજી પુસ્તકથી આપણી વચ્ચે લાંબાકાળ સુધી જીવંત રહેવાના છે.

વસંત ગઢવી 

તા. ૧૬ ઓગસ્ટ ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑