યાત્રાનોઆનંદ: પડીયોઅનેપ્રસાદબંનેમૂલ્યવાન:

ભાઈ અશ્વિનભાઈ દવેની ઓળખ માત્ર એક યોગ પ્રશિક્ષક તરીકેની આપીએ તો ટેક્નિકલી સાચી છે. યોગ પ્રશિક્ષકનું કાર્ય આજે પણ તેઓ કરે છે. પરંતુ તેઓ એક પ્રશિક્ષકની વ્યાખ્યામાં બાંધી શકાય તેવું વ્યક્તિત્વ નથી. તેમનું બહુમુખી વ્યક્તિત્વ અનેક બાબતોથી સજ્જ તથા હર્યુંભર્યું છે. છેલ્લા ચાર દાયકાથી અશ્વિનભાઈને જોયા છે. તેમની સાથે લગભગ સાતત્યપૂર્ણ સંપર્ક પણ રહ્યો છે. આથી એમ પ્રતીતિ થયા કરે છે કે તેઓ નિરંતર વિકસતા રહ્યા છે. એક વૃક્ષની જેમ વધ્યા છે, વિકસ્યા છે તથા મ્હોર્યા છે. આથી પણ વિશેષ બાબત એ છે કે તેમણે તેમની સાથેના કે આસપાસના લોકોને પણ વિકસવાની દ્રષ્ટિ આપી છે. આથી દિશા તથા દ્રષ્ટિ આપ્યા પછી તેમનું સતત માર્ગદર્શન કર્યું છે અને માવજત પણ કરી છે. યોગ કે પ્રાણાયામ તો ઘણાં લોકો કરતા હશે. વિશ્વ યોગ દિવસને માન્યતા તેમજ મહત્વ મળ્યા પછી અગણિત લોકો વિશ્વભરમાં યોગ કરતા થયા છે. આ એક શુભ બાબત પણ છે. પરંતુ અશ્વિનભાઈ તો છેલ્લા અઢી દાયકાથી યોગાભ્યાસના વિદ્યાર્થી ઉપરાંત માર્ગદર્શક પ્રશિક્ષક રહ્યા છે તે નોંધપાત્ર ઘટના છે. સૂચનાઓ આપીને તેને સોશિયલ મીડિયામાં વહેતી કરવી તે એક વાત છે પરંતુ સૌ અભ્યાસુઓ સાથે સાતત્યપૂર્ણ રીતે રોજેરોજ જાતે પણ યોગ કરવા તે ભાગ્યે જ જોવા મળે તેવી વિરલ ઘટના છે. આજે પણ વહેલી સવારે સૂર્યોદયની સાક્ષીએ સેક્ટર-૧(ગાંધીનગર)ના ગાયત્રી મંદિરમાં અશ્વિનભાઈ અભ્યાસુઓના એક જૂથને યોગ કરવા પ્રેરે છે તથા દોરે છે. અનેક લોકો તેનો લાભ ઓનલાઇન પણ લેતા હોય છે. પ્રમાદને અહીં સ્થાન નથી. પ્રકૃતિમાં પણ ક્યાં વિરામ કે પ્રમાદ જોવા મળે છે? કવિ કાગના શબ્દો આ સંદર્ભમાં યાદ આવે છે: 

આભના થાંભલાં રોજ

ઉભા રહે, વાયુના વીંઝાણા

રોજ હાલે, ઉદયને અસ્તના

દોરડા ઉપરે નટ બની રોજ

રવિરાજ મહાલે ભાગતી ભાગતી,

પડી જતી પડી જતી રાત નવ

સૂર્યના હાથ આવે, કર્મવાદી

બધા કર્મ કરતા રહે એમને

ઊંઘવું કેમ ફાવે?

              અશ્વિનભાઈએ કૈલાશ માનસરોવરની યાત્રા કરી તેવી યાત્રા કરવાનું સ્વપ્ન અનેક લોકોના દિલમાં હોય છે. જોકે એક અથવા બીજા કારણોસર દરેકને તેનો લાભ મળી શકતો નથી. જેમની આ યાત્રા કરવાની ઈચ્છા હોય તથા તે ઈચ્છા ફળીભૂત પણ થાય તે પરમકૃપાળુ પરમાત્માની દયાથી જ શક્ય બને છે. અશ્વિનભાઈ એ આવા એક ધન્યભાગી વ્યક્તિ છે. યાત્રા કર્યા પછી તેના સંસ્મરણો લખવાની એક પ્રથા છે. આ અંગેના ઘણાં સારા પુસ્તકો પણ દુનિયાની અનેક ભાષાઓમાં છે. અશ્વિનભાઈના સરળ ભાષામાં થયેલા આ લખાણમાં આવી યાત્રા કરવા ઈચ્છા ધરાવતા હોય તેવા લોકોને ઉપયોગી થાય તેવી માહિતી છે. આ કારણથી આ પુસ્તિકાનું એક વિશેષ મૂલ્ય છે.

       કૈલાશ-માનસરોવરના ભૌગોલિક સ્થાનને જોતાં તેના કેટલાક વિશિષ્ટ પ્રશ્નો છે. આ સ્થળો પૃથ્વીની સપાટીથી ઘણી ઊંચાઈએ સ્થિત થયેલા છે. જે વિસ્તારો ઊંચાઈ પર આવેલા હોય ત્યાં BREATHING અંગેના પ્રશ્નો વધતા હોય છે. આ કારણસર ઘણાં લોકોની નાની કે મોટી મુશ્કેલીઓની અનેક વાતો આપણે સાંભળી પણ છે. અહીં અશ્વિનભાઈ વાતવાતમાં જ તેનો ઉલ્લેખ કરે છે. પરંતુ તેનું મહત્વ છે. શ્વાસ લેવામાં તકલીફ અનુભવીએ તો કેવી રીતે શ્વાસ લેવા તેની વાત છે. પગની પિંડીનો ભાગ કે પીઠનો દુખાવો થાય તો વજ્રાસનમાં પગ નીચે ઓશીકું રાખીને બેસવાથી કે પગ સહેજ ઊંચા રાખવાથી દુખાવામાં રાહત મળે છે તે વાત કદાચ નાની લાગે પરંતુ યાત્રીઓ માટે તેનું ઘણું મહત્વ છે. આવી ઉપયોગી TIPS અશ્વિનભાઈના આ લખાણમાં અનેક જગ્યાએ જોવા મળે છે. કામ લાગે તેવી તથા સરળતાથી સમજી શકાય તેવી આ વાતો કે ઉપાયો છે. 

              પૃથ્વીની સપાટી પરથી લગભગ ૪૫૦૦ થી ૫૦૦૦ મીટરની ઊંચાઈએ જતાં એક અલગ પ્રકારની લાગણી મનમાં થાય છે. અહીં અશ્વિનભાઈના લખાણમાં એક અનુભૂતિયુક્ત આધ્યાત્મિકતાના મનોહર દર્શન થાય છે. તેમણે લખ્યું છે:

               “ઈશ્વરના અસ્તિત્વ વિશે મતમતાંતર છે. કોઈ સ્વીકારે કે ન પણ સ્વીકારે. વિવાદમાં ન ઉતરીએ….પ્રકૃતિના તત્વો સૂર્ય, ચંદ્ર, તારા, પહાડો, વાદળો, જંગલોનું અસ્તિત્વ અને તેમની નિયમિત ગતિવિધિ વિશે વિચારતા આશ્ચર્ય થાય છે…. કઈ શક્તિ આ સંચાલન કરે છે… આ કલ્પનાતીત વિશાળતામાં ગતિ છે, ધબકારા છે છતાં તેમાં ક્યાંય અરાજકતા નથી.”

               આ વાત વાંચતા જ “યે કૌન ચિત્રકાર હૈ?” વાળું સુંદર હિન્દી ફિલ્મનું ગીત યાદ આવે. કવિ જયંત પાઠક યાદ આવે જેઓ લખે છે:

ચિતારે અજબ મિલાવટ કરી

ચિતારે રંગ પ્યાલીઓ ભરી.

         અથર્વ વેદના રૂષિ પણ યાદ આવે જેમણે સાનંદ સૂર્યોદય થતો જોઈને આશ્ચર્યથી ઉદગારો કર્યા છે:

         “દેવસ્ય પસ્ય કાવ્યમ, ન મમાર ન જિર્યતિ”.

    (આ દેવોનું કાવ્ય તો જુઓ. એ નથી વિલીન થતું કે નથી જીર્ણ થતું)

     વિરાટના આ ઝાકમઝોળ તથા સદાબહાર હિંડોળાનું દર્શન અશ્વિનભાઈના લખાણમાંથી થાય છે. જેથી આ પુસ્તિકા વાંચતા મનમાં પ્રસન્નતાના ભાવ ઉભરાતા રહે છે.

       ગુજરાતીઓ પ્રવાસના જે ગ્રૂપમાં હોય ત્યાં નાસ્તાની લહેર તો હોય જ. સાથે સાથે અશ્વિનભાઈને પ્રિય એવી અંતાક્ષરીની રમતની પણ મજા માણવાની રહે છે. નવી ઓળખાણના મધુર ઓડકાર તો ખરા જ. માન સરોવરનું દર્શન એટલે જન્મોની ઈચ્છા પરિપૂર્ણ થતી હોય તેમ લાગે એ વાત અશ્વિનભાઈએ ઉચિત રીતે કરી છે. ધન્યભાગી બનવાની આ ક્ષણ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી અમૂલ્ય તથા અનોખી છે. કૈલાશ પરિક્રમાની એક એક વિગત રસતરબોળ કરે તેવી છે. વાચકને એક જ બેઠકે વાંચી જવી ગમે તેવી છે. અનુભૂતિ, આધ્યાત્મિકતા તેમજ નિર્ભેળ શ્રદ્ધાનો અહીં સમન્વય છે.  ઉપરાંત વ્યવહારુ ઉપયોગીતા તો આ પુસ્તિકાની છે જ.

        અશ્વિનભાઈ એ પ્રકૃતિથી જ સંબંધો બાંધવાના તથા ટકાવવાના માણસ છે. એકલા કે અતડા ક્યારે પણ લાગે નહિ. તેમના સ્વભાવને કારણે જ એક વિશાલ યોગ અભ્યાસુઓનું જૂથ તેમના તરફ આદર તથા સ્નેહથી જુએ છે. મિત્રોનું પણ તેમનું મોટું વર્તુળ છે. કુટુંબ સાથે પણ એટલા જ જોડાયેલા છે. તેમના ધર્મપત્ની કાનનબહેન સાથે નથી તેની સતત અનુભૂતિ તેમને થતી રહે છે. છતાં રુદ્રાક્ષમાં કાનનબહેનની સતત કાળજી લેતા ભાઈ જીગર તથા તેની પત્ની લિનામાં તેમની સંપૂર્ણ શ્રદ્ધા છે. તેથી તેઓ નચિંત છે. પિતાશ્રી તથા માતાના સંસ્કાર અશ્વિનભાઈને મળ્યા છે તેનો ઉચિત ઋણસ્વીકાર છે. આપણી મજબૂત તથા પૂરક કુટુંબપ્રથાનું એક આગવું મૂલ્ય છે. તે વાત અહીં મનમાં ફરી તાજી થાય છે. 

              અંતે તો ઋષિઓએ ‘ચરૈવેતી-ચરેવીતી’નો સંદેશ જગતને આપેલો છે. ગતિમાં જ જીવન છે. જીવનનો લ્હાવો પણ છે. મરીઝ સાહેબ કહે છે:

જીવનમાં છે લ્હાવો, કદમ પર કદમ પર,

શરત ફક્ત એટલી કે ગતિમાન રહેવું.

                                અશ્વિનભાઈના જીવનની ગતિ ઉન્નત છે. માર્ગદર્શક તથા મધુર પણ છે. શુષ્ક્તા સહેજ પણ નથી. તેમના જીવનમાંથી કંઈક મેળવવાની ઈચ્છા અનેક લોકોને રહે છે જે સ્વાભાવિક છે. પુસ્તિકા લખીને તેમણે ‘ગમતાનો ગુલાલ’ કર્યો છે. તેને વધાવી લઈએ. કાનનબહેન તથા અશ્વિનભાઈના સુદીર્ઘ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ.

વસંત ગઢવી 

રક્ષાબંધન 

ઓગસ્ટ-૧૧, ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑