સંસ્કૃતિ :મહેન્દ્રમેઘાણીનીવસમીવિદાય:

મહેન્દ્રભાઈનું ૧૦૦માં વર્ષે આ જગતમાંથી જવું તે આકરું લાગે તેવું હતું. દુષ્કાળ તો સો વર્ષે પડે તો પણ આકરો જ લાગે ! 

                            એક સામાન્ય વસવસો કે કેટલીકવાર ફરિયાદ સાંભળવા મળતી હોય છે. તેમાં તથ્ય પણ છે. ફરિયાદ એવી રહી છે કે હવેની પેઢી કે યુવાન પેઢી વાંચવામાં ઓછો રસ ધરાવે છે. ગુજરાતીઓના સંદર્ભમાં પણ કેટલાક લોકો એવું તારણ રજુ કરતા હોય છે કે ગુજ્જુભાઈઓ કંપનીઓના સરવૈયા સિવાય ખાસ કશું વાંચતા નથી. આ વાતનો સ્વીકાર કરનાર તથા તેની સામે અસંમતિનો સુર કાઢનાર એમ બંને પ્રકારના વર્ગ છે. તેમના ખરા કે ખોટાપણાનો નિર્ણય ન કરીએ. પરંતુ એટલું જરૂર વિચારી શકાય કે પૂછી પણ શકાય કે લોકોને તેઓ વાંચતા થાય તેવું આપણે કંઈ કર્યું ખરું? એક સામાન્ય પ્રયાસ તો પોતાની સૂઝ તથા શક્તિ મુજબ સૌ કરી શકે. એવું કાર્ય કરવા માંગતા તમામ લોકો માટે એક આદર્શવાદી છતાં કરી શકાય તેવું વ્યવહારુ ઉદાહરણ પ્રસ્થાપિત કરીને મહેન્દ્રભાઈ ગયા.

                આ રીતે કોઈ નક્કર કામ કરીને જગતને લાભાન્વિત કરવાની વાત આવે ત્યારે સૌ પ્રથમ સ્મૃતિમાં મહેન્દ્રભાઈ મેઘાણીનું નામ આવે. એક દ્રષ્ટાંત કદાચ આ સંદર્ભમાં આપી શકાય. ઝવેરચંદ મેઘાણી અકાળે જ આપણી વચ્ચેથી ગયા. ૧૯૪૭નું એ ઐતિહાસિક વર્ષ હતું. મહાન સર્જક મેઘાણીના ગયા પછી એક જ માસમાં મહેન્દ્રભાઈએ સોરઠી સંતવાણીનું પ્રકાશન કર્યું. એક વિચારશીલ તથા નિષ્ઠાવાન પુત્રનું પિતા માટેનું આ સાર્થક તર્પણ હતું. 

                મહેન્દ્રભાઈના મનમાં એ સતત મથામણ રહેતી હતી કે વિચારશૂન્યતા એ આપણા સૌ માટે એક પડકારનો વિષય છે. લોકો વાંચતા થાય તો અનેક નવા દ્રષ્ટિકોણ તેમને મળી શકે છે. વાંચન થકી જ વિચારશુન્યતાના કપરા પડકારને ખાળી શકાય છે. આ બાબતમાં વિશ્વના એક સુવિખ્યાત તથા વિશાળ વાચકવર્ગ ધરાવતા રીડર્સ ડાયજેસ્ટનું ઉદાહરણ તેમના મનમાં સતત રમતું હતું. પડકાર હોય તો તેને ઝીલી લેવાની ક્ષમતા મહેન્દ્રભાઈમાં હતી. આથી ૧૯૫૦ના પ્રજાસત્તાક દિવસે(૨૬ જાન્યુઆરી) તેમણે “મિલાપ” માસિકની શુભ શરૂઆત કરી. “આ નો ભદ્રા: કૃતવો યન્તુ વિશ્વત:” જેવા વેદમંત્રની તેમાં ભાવના હતી. જ્યાં પણ કંઈક સારું છે તેને ગોઠવીને-ટૂંકાવીને તેમણે ‘મિલાપ’માં મુકવાનું શરુ કર્યું. સમાજના એક મોટા વર્ગમાંથી ‘મિલાપ’ને આવકાર મળ્યો. ‘મિલાપ’ની ઉજળી યાત્રા ૧૯૭૮ સુધી સતત ચાલી. લગભગ ત્રણ દાયકાઓ સુધી એવું સ્વસ્થ તથા વિચાર પ્રક્રિયાને વેગ આપે તેવું સાહિત્ય પીરસવું એ નાની સુની વાત નથી. તંત્રીની ‘શક્તિ ઓસરવા લાગતા’ મિલાપ બંધ કરવામાં આવ્યું. ગુજરાતી જેમની માતૃભાષા છે તેવા અસંખ્ય લોકોને મિલાપની ખોટ પડી. ‘સંસ્કૃતિ’, ‘મિલાપ’ કે ‘નવચેતન’ જેવા સામાયિકો બંધ કરવા પડે તે સમાજ માટે નિસ્બતની બાબત બનવી જોઈએ. સમાજના વિશાળ વર્ગે ઉત્તમ સામયિકોનું સંવર્ધન કરવું પડશે.

             મહેન્દ્રભાઈ ‘અરધી સદીની વાચનયાત્રા’ના ચાર ભાગ પ્રસિદ્ધ કરીને આપણાં પર ઋણ ચડાવીને ગયા. ‘અરધી સદીની વાચનયાત્રા’નો પહેલો ભાગ ૨૦૦૩માં બહાર પડ્યો. ચોથો કે છેલ્લો ભાગ ૨૦૦૬માં બહાર પડ્યો. સવાલાખથી પણ વધારે નકલો ડિસેમ્બર-૨૦૦૯ સુધીમાં છાપવામાં આવી. આટલા પુસ્તકોની કિંમત ગણીએ તો તેની કિંમત રૂપિયા એક કરોડ જેટલી થાય છે. જો કે પુસ્તકોની કિંમત બજારભાવથી ઘણા ઓછા મૂલ્યમાં નક્કી કરવામાં આવી હતી. ચારભાગના થઈને લગભગ ૨૫૦૦ પાન થવા જાય છે. વાચનયાત્રાને મળેલો આ વ્યાપક લોક આવકાર એ પણ એક સાહિત્ય વિતરણના ઇતિહાસમાં નોંધપાત્ર ઘટના છે. આ ચારભાગના પણ કેટલાક લખાણો પસંદ કરીને પાંચમો ભાગ ‘પ્રસાદ’ સ્વરૂપે તેમણે જગત સામે ધર્યો. મહેન્દ્રભાઈ આ વાંચનયજ્ઞના જનક હતા.

                 સાહિત્યના પ્રસારણ માટે આવો ગંજાવર પ્રયાસ કદાચ કોઈ સાહિત્યસંસ્થા કે યુનિવર્સીટીએ પણ નહિ કર્યો હોય. મહેન્દ્રભાઈએ એ બાબતની પુનઃપ્રતીતિ કરાવી કે દરેક વ્યક્તિને કંઈક સારું વાંચવાની મહેચ્છા હોય છે જ. કોઈ પ્રયાસ કરે તો તેને પરિણામ મળ્યા સિવાય રહે નહિ. સંસારનો ત્યાગ કરીને એક સાધુ વેશ ધારણ કરનાર અખંડાનંદજીએ પણ ઉત્તમ પુસ્તકો લોકોને વાજબી કિંમતે મળે તે માટે જીવનભર પ્રયાસો કર્યા. આજે પણ ‘અખંડાનંદ’ અનેક લોકોને સારા તથા સંસ્કારી વાંચનનો રસથાળ નિયમિત રીતે પીરસતું રહે છે. ‘અરધી સદીની વાચનયાત્રા’ તેમજ ‘પ્રસાદ’ પછી પણ મહેન્દ્રભાઈ અટકતા નથી. ૧૯૫૦થી ‘મિલાપ’ શરુ થયું. આથી તે દરેક વર્ષના બાર અંકોમાંથી પણ લખાણો તારવીને એક નાની પુસ્તિકા રૂપે તેને પ્રગટ કરવાનો વિચાર મહેન્દ્રભાઇને આવ્યો. આવા વર્ષવાર પુસ્તકો તૈયાર કરીને ૧૯૫૦થી છેક ૧૯૭૮ સુધીના વર્ષવાર પુસ્તકો તેમણે બહાર પાડવાનો પણ સંકલ્પ કર્યો. ધીરુભાઈ ઠાકરની સહાયથી વાચનયાત્રાના નાના નાના ભાગો તેમણે તૈયાર કર્યા તેમજ તેનું શાળાઓમાં વિતરણ કર્યું. 

                  અરધી સદીની વાચનયાત્રાને અસાધારણ આવકાર મળ્યો. નિષ્ઠાપૂર્વક થયેલું આ ગંજાવર કામ ભાગ્યે જ જોવા મળે તેવું છે. અરધી સદીના વાંચનનો આવો નિચોડ પેઢી દર પેઢી માટેની મોંઘેરી ભેટ છે. ઉશનસ કહે છે કે આ કાર્ય વાંચન માટેની રુચિ તો વધારે છે જ પરંતુ જીવનના મૂલ્યો તરફ પણ લોકોનું ધ્યાન દોરે છે.

                શારીરિક શ્રમ તરફનો મહેન્દ્રભાઈનો લગાવ એ યુવાનો માટે પ્રેરણાદાયક છે. પિતાના અકાળ અવસાનને કારણે માથે આવી પડેલી જવાબદારીઓ તેમને નિષ્ઠાપૂર્વક નિભાવી. કેટકેટલા પ્રયાસો કર્યા બાદ લોકોને વાંચી સંભળાવવાનો પણ ઉપક્રમ તેમણે કર્યો. ઝવેરચંદ મેઘાણીએ મહેન્દ્રભાઈ પરના એક પત્રમાં લખેલું કે “તું વટવૃક્ષ છો તેથી તારો વિકાસ નક્કી છે.” વિકસવાની આ અમૂલ્ય શક્તિને હૈયામાં ધારણ કરી તેઓ સતત વિકસતા તેમજ વિસ્તરતા રહ્યા. વિશાળ વટવૃક્ષ જેવું ઘેઘુર અને ઘટાટોપ જીવન જીવીને મહેન્દ્રભાઈ આપણી વચ્ચેથી ગયા. 

વસંત ગઢવી

તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑