વાટે…ઘાટે:સ્વાતંત્ર્યપર્વના અમૃત મહોત્સવ પ્રસંગે:રાષ્ટ્રીય ભિક્ષુક મણિભાઈ કોઠારીની પાવન સ્મૃતિ:

 કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતમાં હતા. દાંડીકૂચ આસપાસનો એ સમય હતો. ગુજરાત તથા ભારતમાં મહાત્માની હાકલને કારણે મુક્તિ માટેનો સંગ્રામ પુરજોશમાં ચાલતો હતો. કવિગુરુ ગાંધીજીને અમદાવાદમાં મળે છે. ગુરુદેવને શાંતિનિકેતન ચલાવવા માટે ગુજરાતના રાજવીઓ તેમજ શ્રેષ્ઠીઓએ સારી એવી મદદ કરી હતી તે જાણીતી વાત છે. ગુરુદેવ ટાગોર મહાત્માને મળે છે ત્યારે તેમને ખબર છે કે ગાંધીજી સારા કામો માટે ફાળો ઉઘરાવવામાં કાબેલ વ્યક્તિ છે. કવિવર આ સંદર્ભમાં ગાંધીજીને પૂછે છે: “બાપુ, ફંડ ઉઘરાવવામાં આપ મણિલાલજી કરતા પણ વિશેષ અસરકારક છો? મહાત્મા પોતાની આદત મુજબ વિચારપૂર્વકનો જવાબ આપે છે: ફાળો એકત્રિત કરવામાં અસરકારક તો હું ખરો પરંતુ મને પાઇ-પૈસો મળે અને મણિલાલને માણેક-મોતી મળે !” ગાંધીજીએ મણિભાઈને તેમની ફાળો ઉઘરાવવાની ક્ષમતાના કારણે ‘રાષ્ટ્રીય ભિક્ષુક’નું બિરુદ આપ્યું હતું. મહાત્માની પોતાના એક સાથી માટેના ભાવથી મણિભાઈ વિશે કેવા શબ્દો વાપરે છે તેમાં મહાત્માની મોટાઈ અને મણિભાઈની પ્રતિભા એ બંને બાબતો એક સાથે સ્પષ્ટ થાય છે. સ્વાભાવિક રીતે જ મહાત્માના મુખેથી આવું બિરુદ પ્રાપ્ત કરનારા મણિભાઈ કોઠારી વિશે જાણવાનું મન થાય. મણિભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના હતા. આ જિલ્લાએ આઝાદીના સંગ્રામમાં અનેક વીરોની ભેટ આપી હતી. એમ બનવાનો સંભવ છે કે આ તેજસ્વી સીતારાઓમાંથી કેટલાકને પૂરતી પ્રસિદ્ધિ ન પણ મળી હોય. તેમના નામ બહુ જાણીતા ન પણ હોય. અનેક કારણોસર આવી સ્થિતિ હશે પરંતુ તેનાથી આવા વીરોનું યોગદાન સહેજ પણ ઓછું કે ઉતરતું ગણાશે નહિ. મણિભાઈ કોઠારીને તો ગાંધીજીએ અહોભાવ થાય તેવું પ્રમાણપત્ર આપ્યું. પરંતુ ઘણા એવા UNSUNG HEROS હશે કે જેમને જગત ઓળખતું નહિ હોય. મણિભાઈ એ ફુલચંદભાઈ શાહ કે અમૃતલાલ શેઠ(રાણપુર)ની હરોળમાં મૂકી શકાય તેવા મહત્વના સ્વાતંત્ર્ય સેનાની છે. 

        મણિભાઈ કોઠારીનો જન્મ સાતમી ઓગસ્ટ, ૧૮૯૦ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભ્રગુપુર ગામમાં થયો હતો. મણિલાલ કોઠારીનું અવસાન ૧૯૩૭માં અમદાવાદમાં થયું. જીવનભર તેઓ દેશની મુક્તિ માટે ઝઝૂમતા રહ્યા. પોતે માતૃભૂમિની મુક્તિનું દર્શન ન કરી શક્યા પરંતુ તેનું સ્વપ્ન અનેક લોકોના મનમાં રોપીને આ જગતમાંથી ગયા. 

              મહાત્મા ગાંધીએ માર્ચ-૧૯૩૦માં ઐતિહાસિક દાંડીકૂચનો પ્રારંભ કર્યો. દાંડીકૂચ દરમિયાન મહાત્મા ગાંધીની ધરપકડ થશે તેવી એક વ્યાપક માન્યતા હતી પરંતુ તેમ થયું નહિ. દાંડીકૂચનાં અંતે છઠ્ઠી એપ્રિલ, ૧૯૩૦ના રોજ દાંડી પાસેના કરાડીના દરિયાકાંઠેથી મીઠું ઉપાડીને ગાંધીજીએ કાનૂનભંગ કરવો તેમ નિર્ણય થયો હતો. આ દિવસે આખા દેશમાં પણ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવાનો બાપુનો સંદેશ હતો. મીઠા જેવી સામાન્ય માણસને ઉપયોગી એવી વસ્તુ પર અંગ્રેજ સરકારે આકારો વેરો(tax) ઝીક્યો હતો તેની સામેનું બાપુએ આદરેલું આ ધર્મયુદ્ધ હતું. દાંડીકૂચનો નિર્ણય એ અનેક લોકોને ગળે ઉતર્યો ન હતો. તેવા લોકોનું મંતવ્ય એવું હતું કે અંગ્રેજ સત્તાને ખરેખર ઝાટકો આપવો હોય તો વધારે જલદ પગલાં ભરવા જોઈએ. પરંતુ આ દેશના સામાન્ય જનસમુદાયની નાડી પારખવાની શક્તિ મહાત્મા ગાંધીમાં હતી. બાપુ બરાબર જાણતા હતા કે છેવાડાના માણસને પણ સ્પર્શ કરી જાય તેવા મુદ્દા પર લડત થાય તો જ દેશમાં જનજુવાળ પેદા કરી શકાય. ક્રાંતદ્રષ્ટા બાપુ સાચા પુરવાર થયા. સમગ્ર દેશમાં એક નૂતન ચેતનાનો સંચાર થયો. કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીએ દાંડીકૂચનાં પ્રારંભે લખ્યું:

આવવું ન આશ્રમે

ના મળે સ્વતંત્રતા,

જીવવું મુવા સમાન

ના યદિ સ્વત્રંતતા.

          એપ્રિલ-૧૯૩૦ની છઠ્ઠી તારીખે જયારે બાપુ મીઠું ઉપાડીને સવિનય કાનૂનભંગ કરે ત્યારે દેશભરમાં આ લડતનો પ્રારંભ કરવાનો નીર્ધાર થયો હતો. ગુજરાતમાં ધોલેરા તથા વિરમગામ એ બંને મહત્વના સંઘર્ષના કેન્દ્રો હતા. ધોલેરાની લડતનું નેતૃત્વ અમૃતલાલ શેઠને સોંપવામાં આવ્યું હતું. વિરમગામ ખાતેની લડાઈ મણિલાલ કોઠારીના સબળ નેતૃત્વમાં ચલાવવાનું નક્કી થયું હતું. આ બાબત જોતા સ્પષ્ટ થશે કે મણિભાઈનું મહત્વનું સ્થાન તે સમયે કોંગ્રેસ તેમજ સંગ્રામસેનામાં હતું. વઢવાણથી મણીભાઈના નેતૃત્વમાં નીકળેલી સંઘર્ષસેના વિરમગામ સ્ટેશન પર પહોંચી. પ્લેટફોર્મ પર મહાત્મા ગાંધીના નામનો બુલંદ જય-જયકાર થયો. કાબેલ તથા યુવાન વકીલ મણીભાઈના નેતૃત્વમાં પંચાવન જેટલા વીરો ફના થવાની તૈયારી સાથે વઢવાણથી નીકળ્યા હતા. વિરમગામમાં એક વિશાળ સરઘસ નીકળ્યું અને વઢવાણથી આવેલા શૂરાઓનું સન્માન થયું. અંગ્રેજ સત્તાનો ભય આ સમયે વિરમગામવાસીઓએ દૂર ફેંકી દીધો હતો. તેઓ ગાંધીના રંગે રંગાયા હતા. યુવાન એડવોકેટ મણિભાઈ હૈયાની લાગણીઓને નિયંત્રણમાં રાખી સ્વસ્થતાપૂર્વક એક પછી એક પગલાં ભરતા હતા. કદાચ કોઈના માન્યામાં પણ ન આવે કે દાંડીકૂચ શરુ થવાના થોડા દિવસો પહેલા જ મણિભાઈના સદગુણી તથા ધર્મપરાયણ પત્નીનું અવસાન થયું હતું. બે નાની દીકરીઓ હતી. તેમનું રુદન પથ્થરને પણ પીગળાવે તેવું હતું. આવાં સંજોગોમાં પણ મણિભાઈ પોતે આપેલા દેશ માટેના કમિટમેન્ટમાં બાંધછોડ કરવા માંગતા ન હતા. સફળ એડવોકેટ તો તેઓ હતા જ. તેમની છટાદાર દલીલો કરવાની શક્તિથી ન્યાયધીશો પણ તેમનાથી પ્રભાવિત હતા. ન્યાયધીશની મોભા તથા સુખસુવિધાવાળી નોકરીની ઓફર તેમણે આઝાદીની લડતમાં ભાગ લઇ શકાય તે માટે એક ક્ષણના પણ વિલંબ સિવાય ઠુકરાવી હતી. ગાંધીના ગોવાળ મણિભાઈ મહાત્માના માનીતા સાથી હતા.સાતમી ઓગસ્ટ, ૧૮૯૦ના રોજ મણિભાઈનો જન્મ થયો હતો. આથી આ સમય તેમનું સ્મરણ વિશેષ રીતે કરવાનો છે. ૧૯૩૭ના ઓક્ટોબરમાં તેઓ ગયા. મહાત્મા ગાંધીએ હરિજનબંધુના ૧૯-૧૦-૩૭ના અંકમાં પ્રિય સાથીને અલવિદા આપતા કહ્યું:

         “મણિભાઈની ખોટ એમના કુટુંબને લાગે જ પરંતુ બીજા અનેક સેવાના ક્ષેત્રોમાં તેમની ગેરહાજરી ઘણાં કાળ સુધી જણાયા વિના નહિ રહે. ઈશ્વર એમના આત્માને શાંતિ બક્ષે.”

    મહામુલા મણિભાઈની સ્મૃતિને વંદન કરવાનો આ સમય છે. 

             વસંત ગઢવી 

        તા. ૧ ઓગસ્ટ ૨૦૨૨  

Leave a comment

Blog at WordPress.com.

Up ↑