સૌરાષ્ટ્રે પંચ રત્નાની,
નદી નારી તુરંગમ:|
ચતુર્થો સોમનાથશ્ચ
પંચમમ હરિદર્શનમ ||
જામનગરના શ્રીકંઠ કવિએ ઉપરની પંક્તિઓમાં કહેલી વાત વર્ષો પહેલા કરી હતી. આ પંકિતઓ સુવિખ્યાત છે. પરંતુ લોકકવિને તો આવો જ સુંદર ભાવ ઘણાં લોકો સુધી પહોંચાડવો છે. દરેક વ્યક્તિ દેવભાષા ગણાતી સંસ્કૃત ન પણ સમજી શકે. લોકકવિના હૈયાનો ભાવ નીચેના શબ્દોમાં પ્રગટ થયો છે. સોરઠ કે સૌરાષ્ટ્ર પ્રદેશ કેવો છે ! લોકકવિની કલ્પના પણ ખુબ સુંદર છે.
સિંહ ગિરા, મઠ મંદિરા,
નારી, નીર, નરાં,
ખ્યાતાં બાતાં બંદરા
સોરઠ સંત સરાં.
ઉપરના દોહામાં નદીઓના નીરની પણ વાત આવે છે. મધ્યકાળના સાહિત્યથી નદીઓ વિષયક દોહા કે કાવ્યો મળી આવે છે. નદી એ પ્રકૃતિનું એક ઉત્તમ સર્જન છે. પ્રકૃતિની રમણીયતા તરફ લોકકવિનું ધ્યાન સ્વાભાવિક રીતે જ સૌ પ્રથમ જાય છે. ઉપરના દોહામાં શૂરા તથા સિંહની ભૂમિ સોરઠનું દર્શન કેવી ચોટદાર રીતે રજુ થયું છે તે જોઈ શકાય છે.
‘ઉર્મિનવરચના’ માસિકના માધ્યમથી જયમલ્લભાઇ પરમારે અનેક સાહિત્યકારો-કવિઓની નદીઓને સંબંધિત રચનાઓ પ્રગટ કરી છે. ૧૯૭૨માં ‘ઉર્મિનવરચના’ એ નદી પર વિશેષાંક પણ પ્રસિદ્ધ કર્યો. આ વિશેષાંકના આધારે ‘પતિતપાવની સરિતાઓ’ નામે એક પુસ્તક પ્રવીણ પ્રકાશને પ્રસિદ્ધ કરેલું છે. સૌરાષ્ટ્ર અનેક ટેકરીઓ તેમજ નાના મોટા ડુંગરાઓનો પ્રદેશ છે. આ ડુંગરોમાંથી જ નદીઓ કે ઝરણાં ફૂટી નીકળે છે અને સૌરાષ્ટ્રની ધરતીને ભીનું તિલક કરે છે. જો કે અનિયમિત તથા અપૂરતા વરસાદને કારણે બારે માસ પાણી રહે તેવી બહુ ઓછી નદીઓ આપણે ત્યાં રહી છે. આથી નદીનું સળંગ તથા સતત દર્શન મુશ્કેલ થયું છે. ગંગા સહિતની નદીઓનું પ્રદુષણ એ બાબત એક અલગ ચર્ચાનો વિષય છે. લોકભાગીદારી સિવાય માત્ર સરકારના પ્રયાસો કે કાનૂનથી તેનું નિરાકરણ મુશ્કેલ છે. એકંદરે નદીઓની સ્વચ્છતા અંગે આપણે વિશેષ સભાન થવું જરૂરી છે. નદીઓ જ લોકસંસ્કૃતિના મૂળમાં છે. વિશ્વની અનેક સંસ્કૃતિઓ નદી કાંઠે પાંગરી છે. લોકજીવન સાથે જોડાયેલી અનેક ઘટનાઓમાં નાની મોટી લડાઈઓ કે સંઘર્ષોનો પણ સમાવેશ થાય છે. નદીના ખોળામાં જ જેનો ઉછેર થયો છે તેવા કોઈ વીર પોતાની માન્યતા કે શ્રદ્ધા માટે બલિદાન આપે તો તે એક મોટી ઘટના તરીકે ઇતિહાસમાં નોંધાય છે. આવા બલિદાનનો કરુણ ભાવ નદીઓ પણ અનુભવે તેવી રળીયામણી કલ્પના લોકસાહિત્યમાં છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વાઘેર વીરો દ્વારકાધીશની પવિત્રતા અને પ્રભાવ જાળવવા સંઘર્ષ કરવા તૈયાર થયા. વિશાળ અને સુસજ્જ અંગ્રેજ સેના સામે ટકી શક્યા નહિ. મુળુ માણેક તથા જોદ્ધા માણેક જેવા વીરો શાહિદ થયા. ગોમતીના કિનારે વસેલા આ મોંઘેરા માનવીઓની પીડા ગોમતી નદીના વારી પણ અનુભવે છે તેવી વાત લોકકવિએ સુંદર રીતે લખી છે.
ગોમતીએ ઘૂંઘટ તાણિયાં,
રોયા રણછોડરાય,
મોતી હતું તે રોળાઈ ગયું
માણેક ડુંગરમાંય.
વાઘેરોની આ વીરગાથા અને તેમાં નદીના જળનો ઉલ્લેખ આ બલિદાનની ઘટનાને લોકસ્મૃતિમાં ઊંડી ધરબાયેલી રાખે છે. રાહી માસુમ રઝા મહાભારતના સંવાદો લખીને સુપ્રસિદ્ધ થયા છે. તેમનું વતન ગંગાતટે હતું. આથી લખે છે કે હું ત્રણ માતાનો દીકરો છું. મને જન્મ દેનારી માતા, ગંગામાતા અને તથા અલીગઢ યુનિવર્સીટી કે જ્યાં મને જ્ઞાનની પ્રાપ્તિ થઇ છે. આ રીતે વિદ્વાન કે સામાન્યજન એ સૌનો નાતો નદી સાથે અભિન્ન રહ્યો છે. સાવર તથા કુંડલાને રળીયામણું કરતી નાવલી નદી પણ ભરપૂર પાણીથી વહેતી હશે ત્યારે મનમોહક લાગતી હશે. ભાગીરથી ગંગા ઉપર અનેક રચનાઓ થઇ છે. ગંગા ભારતીય સંસ્કૃતિના હાર્દમાં વસી છે. હિમાલયની આ પુત્રીએ આર્થિક સમૃદ્ધિ સાથે લોકહૃદયમાં અધ્યાત્મભાવ પણ પ્રગટાવેલા છે. ગંગાનું મહત્વ લોકકવિએ સરળ શબ્દોમાં પ્રગટાવ્યું છે.
હેકણ કટકો હાડરો
જો ગંગાજળ જાય,
તો માનવ રે કુળમાંય,
ભૂત ન સરજે ભાગીરથી.
નદીઓની પૂજાનું પણ એક વિશેષ મહત્વ આપણી પરંપરામાં છે. તમે સ્નાન ગમે ત્યાં કરતા હો તો પણ ગંગા-યમુના-સરસ્વતી તેમજ ગોદાવરીનું સ્મરણ કરતા જાણીતા શ્લોક છે. આ પ્રકારનું સ્મરણ એક પવિત્રતાનો ભાવ મનમાં પ્રગટાવે છે. નદીઓના સંગમક્ષેત્રો ઉપર આપણાં જાણીતા તીર્થો આવેલા છે. આપણી સંસ્કૃતિનું પારણું એ સરિતાઓ છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ આસપાસના વિસ્તારમાં વહેતી ટીલોરી તથા સેગરસ ગામના લધારામ કવિની વાત પિંગળશીભાઈ લીલા(જામનગર) એ લખી છે. સુંદર પ્રસંગ છે. તહેવારોના સારા દિવસોમાં વીરપસલીનો તહેવાર આવે છે. બહેનને પ્રસન્ન કરવા લધારામ હોંશથી ભેટ લઈને બહેનને મળવા જાય છે. વચ્ચે ટીલોરી નદી આવે છે. આમ તો નદી કરતા એને એક પાણીનો અસ્થાયી પ્રવાહ(વોંકળો) કહી શકાય. પરંતુ ચોમાસાના કારણે તેના બહુ પહોળા નહિ એવા પટમાં કચરો-માટી ઘણાં ભરાઈ જતા હોય છે. માણસ કે પશુ તેમાં ઉતરે તો માટીની ચીકાશથી તેમાં ખૂંચી જાય. બેનનું ગામ ટીલોરીને ઓળંગીને જ આવે. આથી નદીમાં ઉતર્યા સિવાય બીજો ઉપાય નહિ. લધારામ સાવચેતી સાથે પાણીમાં ઉતર્યા. ગારામાં ઊંડા ઉતારી ગયા. અનેક પ્રયત્નો પછી કલાકો બાદ મહામુશ્કેલીથી બહાર નીકળ્યા. કાદવ કીચડથી પણ ખરડાઈ ગયા. બહેનને સંદેશો કહેવરાવેલો એટલે રાહ જુએ. લધારામ પહોંચ્યા એટલે બહેને પૂછ્યું કે આટલો વિલંબ કેમ થયો? લધારામ સ્વભાવે રમુજી એટલે કહે કે રસ્તામાં એક બીજી બહેન મળી તેણે મને રોકી લીધો. લધારામ કહે કે મેં ખુબ આજીજી કરી તો પણ મને રોકી રાખ્યો. બહેન સમજ્યા નહિ એટલે ટીલોરીના ત્રાસની વાત કરતા લાધરમ કહે છે:
ત્રણ હાથની ટીલોરી
પણ ઝાઝો ગારો ઝીક્યો.
લધારામને ખભે ખડિયો,
રોંઢા સુધી રોક્યો.
નદીઓના અસ્તિત્વથી આપણું સમગ્ર અસ્તિત્વ હર્યું ભર્યું તેમજ રળીયામણું લાગે છે.
વસંત ગઢવી
તા. ૨ જુલાઈ ૨૦૨૨
Leave a comment