ક્ષણના ચણીબોર:એન. આર. અયાચીઅનેતેમનુંપ્રભાવીવ્યક્તિત્વ:

આપણો સમાજ ખેતી તેમજ પશુપાલન સાથે વિશેષ સંકળાયેલો હોવાથી ગ્રામ્યજીવન સાથે તેનો સીધો સંબંધ તથા સંપર્ક રહેલો છે. આપણાં રાજ્યકવિઓ પણ પ્રતિષ્ઠાભર્યું પદ ધરાવતા હોવા છતાં તળના માનવીઓ સાથે તેમનો ઘરોબો અકબંધ રહેવા પામ્યો હતો. ગામડાઓ નાના હોય કે મોટા પણ આ દેવીપુત્રોના વાણી-વર્તનથી પ્રભાવીત હતા. પાટણામાં ઠારણબાપુ કે મજાદરમાં ભગતબાપુ માત્ર તેમના ગામમાંજ નહિ પરંતુ સમગ્ર વિસ્તારમાં આદરપૂર્ણ સ્થાન ધરાવતા હતા. મેરૂભાબાપુને યાદ કરોને તરત જ સમગ્ર ઘેડ વિસ્તારમાં તેમના ઊંડા પ્રભાવની વાત નજર સામે તરવરે છે. પરંતુ છેલ્લા પાંચ કે સાત દાયકાથી આપણાં સમાજના અનેક લોકો મક્કમતાથી શિક્ષણ તરફ વળ્યાં. ભાવનગર કે માંડવી(કચ્છ)ની બોર્ડીંગોએ તેમાં મહત્વનું પ્રદાન કર્યું. પૂજ્ય પિંગળશીભાઈ પાયક કે પૂજ્ય પચાણભાઇ જેવા લોકોએ શિક્ષણની જ્યોત પ્રગટાવી અને તેનું સભાનતાથી જતન કર્યું. આ શિક્ષણયજ્ઞની સારી એવી અસર પણ થઇ. કેટલાક લોકો બોર્ડિંગમાં ન ગયા પરંતુ સગા-વ્હાલાઓને ત્યાં રહીને પણ ભણ્યા. શિક્ષણ પૂરું કર્યા પછી તેમના વસવાટનું સ્થળ બદલાયું. ગામડાઓ સાથે સંપર્ક તો રહ્યો જ પરંતુ રહેણાંકની જગા બદલી જવા પામી. નાના નગરો કે શહેરોમાં શિક્ષણ પામેલો આ વર્ગ કે તેમાંના મોટા ભાગના લોકો નગરોમાં સ્થાયી થયા. નગરોમાં તથા નવા લોકો વચ્ચે કોઈ વ્યક્તિ કે સમૂહ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા પ્રયાસ કરે તો તે પડકારરૂપ કાર્ય છે. આવી આગવી ઓળખ જે ગામડાઓમાં હતી તે નગરોમાં પણ જળવાઈ રહેશે તેવી કોઈ ખાતરી ન હતી. આ પુરા સંદર્ભને ધ્યાનમાં લેતા એમ કહી શકાય કે નગરોમાં પણ આવી નૂતન ઓળખ ઉભી કરવામાં આપણાં કેટલાક સ્વજનોએ અસાધારણ કાર્ય કરી બતાવ્યું. એન.આર. તરીકે ઘણા લોકોમાં ઓળખાતા હતા તેવા નારસિંગજી અયાચી આવું એક વિરલ વ્યક્તિત્વ ધરાવતા હતા. સમાજમાં તથા ઈતર સમાજમાં નારસિંગજી પોતાની એક આગવી ઓળખ ઉભી કરી શક્યા હતા તે બાબત મેં નજરોનજર જોઈ છે તેમ જ અનુભવી છે. વર્ષો પહેલા જયારે કચ્છ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કરવાનું થયું ત્યારે તેમની આ સાર્વત્રિક ઓળખ વિશેષ રીતે જુદા જુદા સંદર્ભમાં જોવા મળી. તેમના વિશે વાત કરતા લગભગ કોઈને પણ તેમની ઓળખ આપવાની જરૂર રહેતી ન હતી. 

         ગાંધીનગરમાં ઝૂલા-સાહેબના નિવાસસ્થાને નારસિંગજીભાઈને મળવાનું અવારનવાર બનતું હતું. તેમની તરફ કોઈને પણ આકર્ષણ થાય તેનું એક મુખ્ય કારણ ભાષા પરના તેમના પ્રભુત્વને કારણે હતું. નારસિંગજીના પિતાની જીભે માતા સરસ્વતીનું બેસણું હતું. આથી તેમની કવિત્વશક્તિ પણ મજબૂત હતી. પિતાના વારસાને જાળવીને નારસિંગજીભાઈ કચ્છી, ગુજરાતી તેમજ ઇંગ્લીશમાં પોતાના વિચારો ખૂબ જ સ્પષ્ટતાથી તેમજ તાર્કિક રીતે વ્યક્ત કરી શકતા હતા. ઘણી બધી બાબતોમાં તેમના મત પર તે આગ્રહી રહેતા હતા. પરંતુ આમ છતાં સામેની વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ સમજવાની તેમની હંમેશની તૈયારી હતી. રાજકીય રીતે સામ્યવાદી વિચારસરણી તરફ તેમનું વિશેષ વલણ હતું. આથી તે સમયની સરકારો કે વ્યવસ્થા સામે તેમને એક અણગમાનો ભાવ રહયા કરતો હતો. જો કે આ વિચારસરણી તથા સક્રિયતાને કારણે નારસિંગજીને કંડલા પોર્ટમાં કામ કરતા અસંખ્ય મજૂરો તથા સામાન્ય માણસોનો અઢળક પ્રેમ મળ્યો હતો. પરંતુ મેઈન સ્ટ્રીમ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલ ન હોવાથી રાજકીય જીવનમાં વિશેષ આગળ વધવાની તક ઓછી હતી. પરંતુ આવી કોઈ લાલચથી વિચારોમાં પરિવર્તન લાવે તેવી પ્રતિભા તેમની ન હતી. બી. કે. ગઢવી સાહેબ સાથે તેઓ વાતો કરતા ત્યારે ચર્ચાનું એક સ્વસ્થ સ્વરૂપ હંમેશા જળવાઈ રહેતું હતું. આ ચર્ચામાં સહભાગી થવાના પ્રસંગો મને અનેક વખતે મળેલા છે. દરેક વખતે આ બંને મહાનુભાવોની ચર્ચામાંથી મને પણ એક નવા દ્રષ્ટિકોણનો પરિચય થયો હોય તેમ લાગતું હતું. ઝુલાસાહેબ સાથે પણ તેમનું જોડાણ વિશિષ્ટ હતું.  ઝુલાસાહેબની નમ્રતા તેમજ સરળતાથી તેઓ પ્રભાવિત હતા. નારસિંગજીના મોટાભાઈ વેરીસાલજી(વસુભા)નું પણ એક અનોખું વ્યક્તિત્વ હતું. વસુભાની વાતો પણ અર્થસભર રહેતી હતી. જો કે વસુભા પાસેથી સાંભળેલી કેટલીક રમુજી વાતો આજે પણ યાદ આવે તો મનમાં પ્રસન્નતાનો ભાવ પ્રગટાવી જાય છે. વસુભા પણ વાતડાયા અને મર્મી માનવ હતા. 

    નારસિંગજી અયાચીનું જીવન આપણાં યુવાનો માટે પ્રેરણાદાયક છે. કોઈપણ વ્યક્તિ પોતાના તેજથી કે સ્વબળે એક વિશાળ વર્તુળ વિકસાવી શકે છે તેની પ્રતીતિ એન. આર. અયાચીના જીવનમાંથી સમજવા તેમજ શીખવા જેવી છે. પોતાની જાત તરફના આત્મવિશ્વાસના બળે વ્યક્તિ સફળતાનાં ઊંચા શિખરો પણ સર કરી શકે છે. નારસિંગજીના જીવનમાંથી મળતો આ એક સંદેશ છે.

            ભાવનગરની આપણી બોર્ડિંગ સાથે સંકળાયેલી એવી અનેક હસ્તીઓએ સમાજજીવનમાં પોતાનું એક માન તથા સ્થાન પ્રાપ્ત કરેલા છે. એન. આર. પણ તેમાના એક હતા. જો કે ભાવનગર બોર્ડિંગમાં તેમનું રહેવાનું બહુ લાબું ન હતું. બોર્ડિંગ કે છાત્રાલયની કોઈ ચોક્કસ વ્યવસ્થામાં પોતાને ગોઠવી શકે તેવું નારસિંગજીનું વ્યક્તિત્વ ન હતું. જેઓ નારસિંગજીભાઈને એક વખત પણ મળ્યા છે. તેઓ કદી તેમને વિસરી નહિ શકે. કચ્છના અનેક લોકો આજે પણ તેમને વાતચીતના કોઈ સંદર્ભમાં સહેજે યાદ કરે છે. કચ્છમાં તેમની ગેરહાજરીની ખોટ જણાય છે. જો કે તેમનો પરિવાર આજે પણ સામાજિક રીતે સક્રિય છે. નારસિંગજીનાં પુત્રો પોતાની સૂઝ તેમજ આવડતના જોરે ખુબ આગળ વધ્યા છે. અનેક સામાજિક કાર્યોમાં તેમનો ઉદાર સહયોગ છે. અયાચી કુટુંબ તેમજ મોડવદર ગામનું એક આગવું સ્થાન સમાજમાં છે તે ઉચિત છે. નારસિંગજીની સ્મૃતિઓને ગ્રંથસ્થ કરવાના પ્રયાસનું સ્વાગત છે.

વસંત ગઢવી

તા. ૧૩ જૂન ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑