જુનની નવમી તારીખે(૧૯૦૦) આ ફાની દુનિયાને માત્ર છવ્વીસ વર્ષની ઉમ્મરે અલવિદા કહેનાર કવિ કલાપી સામાન્ય જનોના ભાવજગતમાંથી કદી વિદાય થવાના નથી. તેઓ તેમના સર્જનો થકી અમરત્વને વરેલા છે. કવિની વિશેષ સ્મૃતિ જૂન માસમાં અનેક લોકોને થાય છે. કવિ કલાપીની સ્મૃતિ તથા ઇતિહાસની ઝાંખી કરાવતું સ્મારક લાઠીમાં ઉભેલું છે. પરંતુ કવિના કાવ્ય લહરીઓ સતત વહેતી તેમજ ઝીલાતી રહે છે. કલાપીની અનેક કાવ્ય રચનાઓની પંક્તિઓ અવારનવાર જુદા જુદા લોકોના મોઢે સાંભળવા મળે છે. આ કવિ અભેરાઈએ ચડેલા નથી. પરંતુ સતત જીવંત તેમજ ધબકતા છે. છઁદોબઘ્ધ કાવ્યો તેમજ ગઝલોમાં તેમનો જોટો મળવો મુશ્કેલ છે. બાલાશંકરની ગઝલ પરંપરાને તેઓએ નૂતન સૌરભ સાથે વિકસાવીને વહેતી કરી છે. કલાપી યુવાનોના કવિ તરીકે પ્રસ્થાપિત થયા તેમાં તેમની ઉત્તમ ગઝલો વિશેષ કારણભૂત બની છે. અર્વાચીન યુગમાં પ્રતિષ્ઠિત થયેલું ગઝલ વિશ્વ કવિ કલાપીની કલમ થકી વિશેષ પલ્લવિત તેમજ શુશોભિત થયું છે. રાજવી હોવા છતાં ફકીરી હાલ અનુભવનારા આ કવિ માત્ર રાજવીઓમાં જ નહિ પરંતુ કવિઓમાં પણ વિશિષ્ટ છે. હું પણું આ કવિથી જોજનો દૂર છે.
હતો જે હું હતું જે હું
નથી તે તો નથી હું હું
ગયું છૂટી, ગયું ઉડી:
ફકીરી હાલ મારો છે.
કવિ કલાપીનું પૂરું નામ સુરસિંહજી તખતસિંહજી ગોહિલ છે. સોમનાથની સખાતે જતા પોતાના પ્રાણનું વીરતાપૂર્વક બલિદાન આપનારા હમીરજી ગોહિલ પણ કવિના કુળના જ એક સુખ્યાત વીર છે. કલાપીએ તેમને પણ પોતાના કાવ્યોની ફૂલમાળમાં ગૂંથી લીધા છે. આમ ગણો તો સૌરાષ્ટ એ અનેક નાના કે મોટા દેશી રાજવીઓના રાજ્યોનો સમૂહ હતો. દરેક રાજવી કે રજવાડાને પોતાનો આગવો ઇતિહાસ છે. સારી તથા નબળી એમ બંને બાબતો આ નાના-મોટા રાજવીઓમાં જોવા મળે છે. પ્રજાનું દમન કરવામાં કેટલાક રાજવીઓ ક્યારેક બ્રિટિશ શાસનને સહયોગી થયા છે. પરંતુ આવા કિસ્સાઓને બાદ કરતા આ રાજવીઓએ પ્રજા માટે પિતા સમાન સ્નેહ રાખીને તેમની માવજત કરી છે. કલાપી પણ સૌરાષ્ટ્રના એક આવા સંસ્થાન લાઠીના રાજવી હતા. રાજવીઓને મળતી તમામ સવલતો તેમને સહેજે ઉપલબ્ધ હતી. આમ છતાં તેમનો વૈરાગી જીવ કદી કહેવાતી દુનિયાદારીમાં કે રાજ્યની ખટપટોમાં સ્થિર થયો ન હતો. તેઓ લખે છે:
“મારું હૃદય પ્રેમી છે….હું કાવ્ય લખું કે ટાયલા લખું પણ તેનાથી મારા હૈયાના ઉમળકાઓ બહાર આવે છે. કાવ્ય લખવાની મારી ઈચ્છા તૃપ્ત થાય તો બસ છે…કાવ્યના મારા માર્ગ રસમય બને તે જ મારી ઈચ્છા તથા વાંછના છે.”
રાજકોટની ઐતિહાસિક રાજકુમાર કોલેજે અનેક રાજકુમારોનું ઘડતર કર્યું છે. પશ્ચિમી કેળવણીના પણ સુયોગ્ય સહવાસે રાજવીઓને વિશાળ દ્રષ્ટિ પ્રાપ્ત થઇ છે. કલાપીના વ્યક્તિત્વના ઘડતરમાં પણ રાજકુમાર કોલેજનો મહત્વનો ફાળો રહ્યો છે. ૧૮૮૨થી ૧૮૯૦ના સમયકાળમાં તેઓ રાજકોટની રાજકુમાર કોલેજમાં રહ્યા. કલાપી પાંચ વર્ષની ઉંમરે પિતાનું શિરછત્ર ગુમાવે છે. ચૌદ વર્ષની કુમળી વયે તેઓ વહાલસોયી માતાનો સાથ ગુમાવે છે. માતાપિતાના આવા અકાળ અવસાનનો એક ઊંડો ખાલીપો તેઓ જીવનભર અનુભવે છે. સાવકી માતાઓને કારણે સંસારના કલેશની તેમને વિશેષ પ્રતીતિ થઇ છે. બે પત્નીઓના કારણે પણ આ કલેશ તેમના જીવનમાં વધ્યો હોય તેમ જણાય છે. માતાના મૃત્યુ સમયે તેઓને જંગલમાં જતા રહેવાનો વિચાર આવે છે. પરંતુ વિધિનું નિર્માણ કંઈક જુદું હતું. અનેક સાંસારિક તેમજ શાસકીય વિડમ્બણાઓને કારણે તેઓ સતત ઉઝરડાયા છે અને તે કારણોસર જ વ્યથા કે વેદનાના ભાવોમાં સતત પ્રગટતા રહ્યા છે. વેદનાનો સાદ પ્રગટાવતા લખે છે:
અંધાર છે, લાચાર છું
સિંચો હવે સિંચો સનમ.
કલાપીના આ સમગ્ર જીવનમાં વેદના તથા સ્નેહ સાથે ઉદારતાના પણ અનેક અંશ જોવા મળે છે. કવિનો જીવ રાજ્યના કારોબારમાં ઠર્યો નથી. આમ છતાં તેમના રાજ્યકાળમાં પડેલા તથા જાણીતા એવા છપ્પનિયા દુકાળમાં તેઓએ એક સુચારુ રાજવીને છાજે તેવી કામગીરી કરી હતી. લાઠીની પ્રજાની યાતનાઓથી તેઓ વ્યથિત હતા. આ સમયગાળામાં જ રાજવી કવિ કલાપીને રાજ્યનો ત્યાગ કરવાના અનેક વિચારો આવતા હતા. આમ છતાં લાઠીની પ્રજાના દુઃખથી તેઓ દાઝ્યા હતા. આ કાળમાં લોકો માટે અનાજ, પાણી તેમજ કામ શોધવા માટે તેઓ સતત સક્રિય રહ્યા હતા. પ્રજાની શક્ય હોય તેટલી સુખાકારી કરવામાં તેઓ સહેજ પણ પાછા પડ્યા ન હતા. કલાપીના જીવનના આ પાસાની વાત ખાસ થતી નથી. એક સુયોગ્ય વહીવટકર્તાને છાજે તેવી તેમની આ કામગીરી હતી. સ્નેહ તથા અનુકંપાના સાતત્યનો પ્રવાહ કલાપીના કાવ્યોમાંથી રેલાતો રહ્યો છે. આ વાત તેમના જીવનક્રમ સાથે પણ અભિન્ન રીતે જોડાયેલી છે. તેમની કવિતાઓ જોતા કવિનો સદ્ભાવ સમગ્ર સૃષ્ટિ તરફ વહેતો રહ્યો છે. વિશ્વવાત્સલ્યનો આ ભાવ કવિની પ્રકૃતિ સાથે ઘણો સુમેળ ધરાવે છે. આમ છતાં કવિનું શ્રેષ્ઠ સ્વરૂપ તેમની ઊર્મિ કવિતાઓના માધ્યમથી જગતે જોયું છે. કવિની ગઝલો પણ ઊર્મિ કાવ્યોના એક અભિન્ન અંગ સમાન છે. આ રીતે કવિ યુવાનોના હ્ર્દયમાં ચીર સ્થાન પામ્યા છે. જીવન ટૂંકું હોવાની પ્રતીતિ કવિને પહેલેથી થઇ હોય તેવું લાગે છે. પોતાના એક કાવ્યની સુંદર પંકિતઓમાં કવિ મધુકરને સત્વરે ગુંજન કરી લેવા વિનવે છે કારણ કે આ જીવન એક ટૂંકા સ્વપ્ન સમાન છે. સાંસારિક જીવનના અનેક કડવા અનુભવો છતાં આ રાજવી-કવિ મસ્તીની દુનિયામાં જીવ્યા છે. તેમના બેસણા આગવા તથા અનોખા છે.
કુરંગો જ્યાં કુદે ભોળા,
પરિંદોના ઉડે ટોળા,
કબૂતર ઘૂઘવે છે જ્યાં
અમારા મહેલ ઉભા ત્યાં.
કવિ કલાપી આપણાં કાવ્ય વિશ્વના ઉજ્વળ તારક સમાન છે. તેમની સ્મૃતિને વંદન છે.
વસંત ગઢવી
તા. ૧૩ જૂન ૨૦૨૨
Leave a comment