વાટે…ઘાટે:સેવાયજ્ઞનામહારથીઓ:બાબાઆમટેતથાડો. પ્રકાશઆમટે:

બાબા આમટેના પુત્ર ડો. પ્રકાશ આમટેએ લખેલી કેટલીક વાતો વાંચીને પણ આશ્ચર્ય તથા અનેકવાર આઘાત લાગે છે. કેવા વ્યથિત તેમજ સાધન વિહોણા લોકો આપણી આ રળીયામણી લાગતી દુનિયામાં રહે છે તેની પ્રતીતિ નજર સામે થતી હોય તેમ લાગે છે. જો કે આવી પ્રતિકૂળ સ્થિતિમાં રહેતા લોકો સાથે પણ તેમના દુઃખમાં સહભાગી થઈને રહેનારા તેમજ તેમની સેવા કરનારા બાબા આમટે તથા ડો. પ્રકાશ આમટે જેવા લોકોએ માનવજીવનને દીપાવી જાણ્યું છે. “મનુષ્યથી અદકું ન કંઈ જ” એ વાતની ફરી દ્રઢ પ્રતીતિ થાય છે. ડો. પ્રકાશે લખેલી એકાદ બે વાતો પણ વાંચીએ તો લોકોની સ્થિતિની કંપાવનારી બાબતો સામે આવે છે. ડો. પ્રકાશ લખે છે:

    “અહીં આ વિસ્તારની સ્ત્રીઓને આખો દિવસ સતત કામ રહે છે. ઘરનું કામ તો ખરું જ. ઉપરાંત ત્રણેક કિલોમીટર દૂરથી પાણી લાવવાનું. આ ઉપરાંત બાળકોની સંભાળ લેવાનું કામ પણ સ્વાભાવિક રીતે જ આ મહિલાઓ કરે. આ બધા કામ આખો દિવસ સતત કરવાને કારણે સાંજે તો મહિલા એકદમ થાકી જાય. પથારીમાં પડે કે તરત જ તેમને ગાઢ ઊંઘ આવી જાય. ઠંડીથી બચવા તાપણું પણ નજીકમાં જ કરેલું હોય. એવા પ્રસંગ બને કે નાની એવી બાળકી ભાખોડીયા ભરીને કોઈ સમજ ન હોવાના કારણે તાપણાંની સાવ નજીક પહોંચી જાય. માતાને તો ગાઢ નિદ્રાને કારણે આ વાતનો અણસાર પણ આવે નહિ. બાળકી જયારે રડે તેમજ

વેદનાપૂર્ણ ચિત્કાર કરે ત્યારે માં હાંફળી ફાંફળી થઈને બાળકીને તાપણામાંથી ઉંચકી લે. આ દરમિયાન બાળકીના પગ લગભગ બળીને કોલસા જેવા થઇ ગયા હોય.” આવી બાળકીની સારવાર કરવાની જવાબદારી ડો. પ્રકાશ પર આવી પડે. સાધનો મર્યાદિત છતાં તબીબના પ્રયાસ તથા કુદરતની રહેમને કારણે આવું ગંભીર ઇજા પામેલું બાળક બચી જાય તેનો ઊંડો સંતોષ ડો. પ્રકાશ અને તેમની ટીમના સભ્યો અનુભવતા હતા. ડો.પ્રકાશ તથા તેમના પત્ની ડો. મંદા આ આદિવાસી સમાજ માટે મસીહા સમાન હતા. 

         આવી અનેક હેરતભરી વાતો ડો. પ્રકાશ આમટેએ લખેલા પુસ્તક ‘પ્રકાશવાટા’માં આલેખવામાં આવી છે. મરાઠી ભાષામાં લખાયેલા આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ સર્વાંગ સુંદર રીતે કરવાનો યશ આપણાં મર્મજ્ઞ અધ્યાપક સંજય શ્રીપાદ ભાવેને જાય છે.  

      ડો. પ્રકાશ આમટે બાબા આમટેના પુત્ર છે. બાબા આમટેનું નામ આપણાં માટે અજાણ્યું નથી. બાબાની સામાજિક નિસબતની ભૂમિકા જગજાહેર છે. બાબા આમટેએ કુષ્ઠરોગના રોગીઓની સારવાર માટે આખી જિંદગી ખરચી નાખી. આ રીતે તેઓ ગાંધીમાર્ગે દ્રઢતાથી ચાલ્યા. કુષ્ઠરોગના રોગીને જોઈને પ્રથમ તો તેનાથી દૂર જનાર બાબાએ અંતરાત્માના અવાજને અનુસરીને કુષ્ઠરોગીઓની સેવા-સુશ્રુષા કરવાનું પડકારરૂપ કાર્ય શરુ કર્યું. 

          બાબા આમટેની સંસ્થા ‘આનંદવન’થી દેશ હવે અજાણ્યો નથી. મહત્વની વાત એ છે કે બાબાએ સેવાના આ કઠિન કાર્યમાં પોતાના પત્ની ઉપરાંત બાળકોને પણ જોડ્યા. સેવાની આ પરંપરાનો ઉજળો ઇતિહાસ છે. બાબાની પ્રેરણા તેમજ પ્રોત્સાહનથી જ મહારાષ્ટ્રની સરહદે આવેલા આદિવાસી વિસ્તારમાં ગાઢ જંગલ-ઝાડીઓ વચ્ચે બાબાના પુત્ર ડો. પ્રકાશ અને તેમના પત્ની ડો. મંદાએ સેવાયજ્ઞની ધૂણી ધખાવી. આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ તેમજ મહારાષ્ટ્રની સરહદે આવેલા હેમલકસા વિસ્તારમાં ડો. પ્રકાશ આમટેએ પોતાના કાર્યની શરૂઆત કરી. હેમલકસા વિસ્તાર એ ગીચ જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે. માડિયા ગોંડ જનજાતિના લોકોની ત્યાં વસ્તી છે. ઉપરાંત main landથી વિખૂટો પડેલો એવો આ દૂરનો પ્રદેશ છે. દિવસે પણ લગભગ અંધકાર જેવી સ્થિતિ રહે તેવા જંગલો છે. રસ્તા તથા વાહનોની સુવિધા લગભગ નહિવત હતી. ત્યારે પ્રકાશ ત્યાં કામ શરુ કરે છે. જંગલી પ્રાણીઓ તથા તકલીફોથી ભરેલું જીવન જીવતા લોકોની વચ્ચે રહીને જીવનના કિંમતી વર્ષો પસાર કરવાનો આ ઉપક્રમ સામાન્ય કહી શકાય તેવો નથી. મુંબઈથી અગિયારસો કિલોમીટર દૂર આ વિસ્તારમાં સરકારની સેવાઓનું સ્તર પણ જરૂરિયાતને પહોંચી વળી શકતું નથી. પિતાના માર્ગે સેવાનો ભેખ ધારણ કરીને ડો. પ્રકાશ આગળ વધ્યા. સુખી ઘરમાં જન્મેલા ડો. પ્રકાશના પિતા બાબા આમટે કુષ્ઠરોગીઓના ઉપચાર તેમજ પુનર્વસનના કાર્યમાં વર્ષો પહેલા જોડાયા. બાબા આમટેની સેવાઓને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિષ્ઠા મળી. બાબાને ‘મેગ્સેસે’ એવોર્ડ મળ્યો. આ એવોર્ડની પ્રતિષ્ઠા એવી મોટી છે કે તેને એશિયાનો નોબેલ પુરસ્કાર ગણવામાં આવે છે. બાબાના પુત્ર ડો. પ્રકાશ તથા તેમના ડોક્ટર પત્ની મંદા પિતાના માર્ગે હેમલકસા જેવા અતિ પછાત ગણાતા વિસ્તારમાં શાળા, દવાખાનું તેમજ કામચલાઉ હોસ્પિટલ ઉભી કરે છે. ડો. પ્રકાશના આ કામ માટે તેમને પણ ‘મેગ્સેસે’ એવોર્ડ મળ્યો. એક જ કુટુંબમાં પિતા તથા પુત્ર બંનેને આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળે તે ભાગ્યે જ બને તેવી અસાધારણ ઘટના છે. 

       જે લોકો આવી કઠિન સેવાના કાર્યમાં સ્વેચ્છાએ પોતાને જોડે છે તેમને અનેક વખત કપરી વ્યક્તિગત તકલીફો કે પડકારોનો સામનો કરવો પડે છે. મન દુવિધામાં પણ પડે છે, છતાં તેઓ કાંટાળો માર્ગ છોડીને જતા નથી. ડો. મંદાના નાના પુત્ર દિગંતને સેલિબ્રલ મલેરિયા થયો. જે સ્થિતિમાં તથા સંજોગોમાં રહેતા હતા ત્યાં જોઈતી સારવાર પણ મળી શકી નહિ. આ સ્થિતિએ મનમાં એક મોટી અકળામણનો અનુભવ થયો તેવી ડો. મંદાની વાત દિલ ધ્રુજાવનારી છે. ડો. મંદા આમટેએ મેગ્સેસે એવોર્ડનો સ્વીકાર કરતા કહ્યું કે મુકામ પર પહોંચવા કરતા પસંદ કરેલા માર્ગ પર ચાલવું વધારે આનંદ આપે તેવું છે. “પહોંચવું એટલે પૂર્ણવિરામ” તેમ કહીને આ દંપતી સતત ચાલતા રહેવાનો નિર્ધાર કરીને જીવ્યું છે. નવા ચીલા તેમણે ચાતર્યા છે. સેવાના ક્ષેત્રોમાં જયારે પ્રસિદ્ધિ કે પ્રતિષ્ઠાનો મોહ જાગે ત્યારે તે સેવા આત્મસંતોષ આપી શકતી નથી. બાબાના કુટુંબે આ પ્રકારના મોહ સિવાય પોતાનું કાર્ય કર્યું છે.

વસંત ગઢવી

તા. ૩૧ મે ૨૦૨૨    

Leave a comment

Blog at WordPress.com.

Up ↑