ક્ષણના ચણીબોર:ચન્દ્રનાતેજમાંવરસાદનાછાંટા:સત્યકથાઓ:

૧૯૮૫ના મે મહિનાની વીસમી તારીખે એક અનોખા સર્જક મુકુંદરાય પારાશર્ય આપણી વચ્ચેથી ગયા. સાહિત્ય જગતે આ બાબતથી એક આંચકાનો અનુભવ કર્યો. મુકુન્દરાયની ૩૭મી પુણ્યતિથિએ અમદાવાદના એક કાર્યક્રમમાં અનેક ભાવિકો તથા સ્નેહીજનોએ મુકુંદભાઈને આદર સહ યાદ કર્યા. કાર્યક્રમનું આયોજન ઓમ કોમ્યુનિકેશન તરફથી થયું હતું. આ કાર્યક્રમના ઉપક્રમે મુકુંદભાઈના પુત્ર તથા સાહિત્ય મર્મજ્ઞ પીયૂષભાઈએ પોતાના પિતાના અનેક જાણીતા તેમજ અજાણ્યા એવા પ્રસંગો કહીને શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. એક સર્જક તરીકે મુકુંદભાઈને ગુજરાત કદી વિસરી નહિ શકે. કવિ મુકુંદરાયની ચિરવિદાયના સમયે આપણા સુવિખ્યાત કવિ હરિકૃષ્ણ પાઠકે લખેલા શબ્દો સ્મૃતિમાં રહી જાય તેવા છે: 

જળ રે ઊંડા ને પાછા

નીતરાં એવા નવલા

નવાણ.. સતનો સમાગમ

આજે આથમ્યો, થયા

આંખથી અદીઠ…ફૂલની

સુવાસે તમને પામશું !

             આજના સંદર્ભમાં વિચારીએ તો સમાજના અનેક લોકો પોતે જેવા છે તેનાથી વધારે સારા દેખાવાનો નિત્ય પ્રયાસ કરતા રહે છે. પ્રસિદ્ધિનો મોહ હોઈ શકે પરંતુ તે મોહ લગભગ ઘેલછાની હદે પહોંચ્યો હોય તેવું વખતોવખત અનુભવમાં આવે છે. પ્રસિદ્ધિના બળે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના વર્તમાન સંદર્ભ સામે આપણાં શીલભદ્ર સર્જક મુકુન્દરાય પારાશર્ય તળિયે રહીને પણ જીવનને રળિયાત કરવાની મથામણ કરે છે. તળિયે રહેવાનો કે અદ્રશ્ય રહેવાનો તેમને સહેજ પણ અફસોસ નથી. પરંતુ જીવનનું લક્ષ ઘણું ઊંચું છે. ઉમદા પણ છે. જાતને સંબોધન કરતા આપણા આ કવિ લખે છે: 

મરને તળિયે જીવીએ

દુનિયા દેખે નૈ

મકના એવી છીપ થા

મોતી પાકે મૈ.

                   જીવન પાસેથી તેમની જે ઉદ્દાત અપેક્ષા હતી તેવું તેઓ સ્વચેતનાની બળે પ્રાપ્ત પણ કરી શક્યા હતા. આથી અનેક લોકોને આ જંગમ તીર્થસ્થાન સમાન વ્યક્તિની મુલાકાત કરવી ગમતી હતી. આવી મુલાકાતનો પણ એક અલગ જ લહાવો હતો. કવિ ઉમાશંકર જોશી કે ભાયાણી સાહેબ જેવા અનેક વિદ્વતજનો કવિ મુકુંદભાઈના મહેમાન બનતા હતા. મુકુંદભાઈનો તે માટે સતત આગ્રહ પણ રહેતો હતો. મહેમાનગતિ કરવી એ આપણાં આ સર્જકના લોહીમાં વણાયેલી બાબત હતી. ભાવનગર શહેરમાં મુકુંદભાઇનું હોવું તે જાણે નગર માટે પણ એક સુખદ સુયોગ હતો. આ સંદર્ભમાં તખ્તસિંહજી પરમાર(ગુરુજી) લખે છે: “લગભગ ૧૯૬૦ પછી કોઈ બહારના મિત્ર મને પૂછે કે ભાવનગરમાં જોવા જેવું શું છે તો મારો એક અલગ પ્રત્યુત્તર હોય છે. પૂછનાર વ્યક્તિ જો સંસ્કારનિષ્ઠ હોય તો તેમને ભાવનગરના ત્રણ જંગમ તીર્થોને મળવાનું સૂચવું છુ. આ ત્રણ જંગમ તીર્થો એટલે મૂળશંકર ભટ્ટ, માનભાઈ ભટ્ટ તથા મુકુંદરાય પારાશર્ય… આ ત્રણેય વ્યક્તિઓ સ્મરણસ્તુપ સમાન છે.” જયારે વ્યક્તિમાં એક અલગ પ્રકારની જ ચેતના હોય ત્યારે તેનું આચમન લેવા અનેક લોકો ઉત્સાહભેર આવતા રહે છે તેનું આ જ્વલંત તથા આંખ સામેનું ઉદાહરણ છે. ગાંધીજીના જીવનમાં પણ આવું જ બન્યું હતું. ગાંધીજીના અનેક અનુયાયીઓ માત્ર ગાંધીના જીવન તથા વિચારથી આકર્ષિત થઈને ગાંધી આશ્રમમાં જોડાયા હતા. મહદઅંશે આવું જ એક ચુંબકીય આકર્ષણ મુકુંદભાઈના સરળ તથા સહજ સ્વભાવમાં હતું. તેમની વાતોમાં હતું. 

            મુકુંદભાઇએ માત્ર સત્યકથાઓ લખી હોત તો પણ એ સાહિત્ય સર્જનના જગતમાં અમર થઈને રહી શક્યા હોત. પરંતુ મુકુંદભાઇએ તો સત્યકથાઓ ઉપરાંત અનેક પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું છે. આ સાહિત્યનું આચમન અનેક લોકોએ લીધેલું છે. ચન્દ્રના તેજમાં વરસાદના છાંટા જેવું મુગ્ધ કરનારું આ સાહિત્ય છે. સત્યકથાઓ માટે લખતા કુન્દનિકા કાપડિયા સુંદર શબ્દોમાં કહે છે કે માનવજીવનના સર્વોચ્ચ શિખરોની યાત્રા સમાન આ વાતો છે. તપના તેજથી શોભાયમાન એવા મુકુંદરાયે લખેલા ચરિત્રો ચિરંજીવ રહે તેવા સત્યશીલ છે. વાડીલાલ ડગલી કહે છે કે મારી માતૃભાષામાં પારાશર્ય જેવા કસબી છે તેનું ગૌરવ છે. અનેક પુણ્યશ્લોક પાત્રોની  આ ગંગાજળ સમાન પવિત્ર જીવનયાત્રામાં અનેક પેઢીઓને પ્રેરણા આપી રહે તેવી વાતો છે. એક એક કથાનું આગવું મૂલ્ય છે. સત્યકથાના આ તમામ પાત્રો એ વાસ્તવિક જગતનો ભાગ હતા. તેમાં કોઈ કિવંદતીઓ નથી. જગતમાં હતાં છતાં જાણે કે તેઓ દુનિયાદારીથી વેગળા હતાં.  

        મુકુંદરાયના સાહિત્ય જગતમાંથી પસાર થતાં બીજી પણ એક બાબત આપણાં ધ્યાનમાં આવે છે. મોટેરાઓ પાસેથી નાના બાળકો કે કિશોરોને દાદા-દાદી તરફથી અનેક વાતો કહેવામાં આવતી હતી. જાણે કે એક વણલિખિ તેવી આ શિક્ષણની એક આગવી પધ્ધતિ હતી. તરુણો તથા કિશોરોને જીવન જીવવાનું ભાથું આ વાતોમાંથી ભરપૂર માત્રામાં મળી રહેતું હતું. આથી બાળકોની પણ આંતરિક શક્તિનો સુયોગ્ય રીતે વિકાસ થતો રહેતો હતો. આવા સંવાદના કારણે બે પેઢીઓ વચ્ચે એક સંવાદિતાનો પણ ઉમેરો થતો હતો. સ્વસ્થ સમાજની રચનામાં આ પ્રકારના સંવાદની એક પાયારૂપ ભૂમિકા રહેતી હતી. કુટુંબના માણસો રાત્રે જમ્યા પછી સાથે બેસે. બાળકોને વડીલો  વાર્તા કહે. આવી વાતોના માધ્યમથી જ જગતને સત્યકથાઓ જેવી ગંગોત્રીનું દર્શન થયું. લોકો સુધી આ વાતો પહોંચે તે માટે “કુમાર” તેમજ બચુભાઈ રાવતના પ્રયાસો માટે આપણે તેમના ઋણી છીએ. આજ રીતે હરિઓમ આશ્રમના પૂજ્ય મોટાની પણ ઉદાર સખાવતે મુકુન્દભાઈના સાહિત્યને જ્વલંત રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે. પૂજ્ય મોટાનો આપણાં સૌ પર એક સંતને છાજે તેવો આ ઉપકાર છે. 

          મુકુંદરાય પરાશર્યની વાતો આપણી આજની પેઢીના યુવાનો સુધી પહોંચાડવા જેવી છે. અલબત્ત સત્યકથાઓની અનેક નકલો ગુજરાતમાં અનેક ઘરોમાં પહોંચી છે. મુકુંદભાઇએ સાહિત્યકાર થવા કે છપાવવાના મોહથી વાતો લખી નથી. તુલસી તથા કબીરની જેમ તેમની કલમ શ્રેષ્ઠતાના ઝરણાંઓ વહાવીને કોઈ અનંત તત્વને રીઝવવાની સતત મથામણમાં છે. પોતાના જ આગવા તેજના બળે મુકુંદભાઈ અમરત્વને પામેલા સર્જક છે. 

વસંત ગઢવી

તા. ૨ ૯ મે ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑