સંસ્કૃતિ :ગાંધીજી | વિનોબાઅનેઅમદાવાદ: એકઐતિહાસિકસુયોગ:

૭મી જૂન, ૧૯૧૬. આ દિવસ અમદાવાદ માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો. કારણ પણ એવું મહત્વનું હતું. આ દિવસે એક સત્યની ખોજ માટે નીકળેલો યુવાન ગાંધીજીને અમદાવાદમાં તેમના આશ્રમમાં મળ્યો. શહેર આ મિલનનું ગૌરવયુક્ત સાક્ષી બન્યું. આ યુવાન ગાંધીજીને મળ્યા પછી લખે છે:

                 “હું ગાંધીજીની પાસે પહોંચ્યો અને તેમની પાસે મને હિમાલયની શાંતિ તેમજ બંગાળની ક્રાંતિ એ બંને મળ્યા. ત્યાં મેં જે મેળવ્યું તેમાં ક્રાંતિ તથા શાંતિનો અપૂર્વ સંગમ હતો.” વિનાયક નરહરિ ભાવે નામના આ યુવાન મહાત્મા ગાંધીના વૈચારિક વારસદાર બન્યા અને વિનોબા તરીકે જગપ્રસિદ્ધ થયા. બાપુ પણ રત્નપારખુ હતા. વિનોબાના આશ્રમમાં આવ્યા પછી થોડા દિવસોમાં જ બાપુએ વિનોબાના પિતાશ્રીને પત્ર લખ્યો. બાપુ તે પત્રમાં વિનોબાની પ્રસંશા કરતા લખે છે:

                  “તમારો પુત્ર મારી પાસે છે. આટલી નાની ઉંમરમાં જ તમારા પુત્રે જે તેજસ્વીતા અને વૈરાગ્ય કેળવી લીધા છે તે કેળવતા મને ઘણાં વર્ષો લાગ્યા હતા.” વિનોબાજી માટેનું બાપુનું આ સ્નેહાળ પ્રમાણપત્ર થોડામાં ઘણું કહી જાય છે. 

             ગાંધીજી તો હત્યારાની ગોળીનો ભોગ બનીને ગયા. દેશમાં એક શૂન્યાવકાશનું સર્જન થયું. બાપુના આદરેલા પરંતુ અધૂરા રહેલા કામો કોણ કરશે અને કોઈ કરી શકશે કે કેમ તે પ્રશ્ન સમગ્ર દેશવાસીઓના મનમાં ઘોળાતો હતો. આ વિકટ સ્થિતિમાં વિનોબાજીએ દોર હાથમાં લીધો. વિનોબાજીએ બાપુની અણધારી વિદાય પછી દેશને સક્રિય દોરવણી આપી. ગાંધીજીના નિર્વાણ પછી તેમનો પર્યાય બનીને તેઓ ઝળકી ઉઠ્યા. ભૂદાન તથા ગ્રામદાન જેવા જગત માટે નવા પરંતુ આ દેશની પ્રકૃતિ તેમ જ સંસ્કૃતિને અનુરૂપ તેવા કાર્યક્રમો શરુ કર્યા. આ કર્મઠ મહાપુરુષ સતત ભ્રમણ કરતા રહ્યા અને લોક સાથેનું અનુસંધાન જીવંત રાખતા રહ્યા. આવા ચિંતનપુરુષ તથા પ્રયોગવીર વિનોબા આપણાં એક અમૂલ્ય રત્ન સમાન છે. જૂન માસમાં ફરી એક વખત આ કૃતયુગી મહાપુરુષને વંદન કરવાનું મન થાય છે. ૭મી જૂન ૧૯૧૬ના રોજ અમદાવાદ સદ્ભાગી બન્યું હતું. વિનોબાજીના પાવન પગલાં તે દિવસે જ શહેરમાં થયા હતા. અમદાવાદ બાપુના અનોખા આકર્ષણથી આવતા પહેલા વારાણસીમાં ગંગાકિનારે એક ઝૂંપડીમાં રહીને વિનોબાજીએ વિશાળ શાસ્ત્ર અભ્યાસ કર્યો હતો. જો કે જીવનભર તેમનું અધ્યયન સતત ચાલુ રહ્યું હતું.

        વિનોબાજીને લોકો આદરથી ‘બાબા’ કહીને સંબોધન કરતા હતા. તેઓ કહે છે કે નાનપણથી જ તેમને સન્યાસ લેવાની ધૂન લાગી હતી. વૈરાગ્ય તરફ તેમનું આકર્ષણ હતું. ચપ્પલ ન પહેરવા, ગાદી પર ન સૂવું, લગ્નમાં જમવા ન જવું એ બધી બાબતો નાની ઉંમરથી તેમના જીવનમાં હતી. ઘર છોડ્યા અને ગાંધીજીને મળ્યા પછી તેમને બાપુના કર્મમાર્ગમાં રસ પડ્યો. બાપુના કર્મમાર્ગનું દર્શન તેમને બાપુ સાથેની પહેલી મુલાકાતમાં જ થયું. વિનોબા બાપુને પ્રથમ વખત મળ્યા ત્યારે ગાંધીજી શાક સમારતા હતા. વિનોબાને આ દ્રશ્ય નવું લાગ્યું. આશ્ચર્ય પણ થયું. શાક સુધારવાનું કામ આટલી તલ્લીનતાથી કોઈ રાષ્ટ્રનેતા કરે ! તેમને મનમાં પ્રશ્ન થયો. બાપુના પ્રથમ દર્શને જ શ્રમનો પાઠ મળ્યો. ગાંધીજીએ શાક સમારવાનું ચાલુ રાખીને જ વિનોબા સાથે વાતચીત શરુ કરી. થોડી વાર પછી બીજું એક ચાકુ વિનોબાના હાથમાં પકડાવી તેમને પણ શાક સમારવાના કાર્યમાં સામેલ કર્યા. વિનોબાજીની આ કર્મયોગની પ્રથમ દીક્ષા હતી. આ દીક્ષા લઈને ૫૦ વર્ષ સુધી તપશ્ર્યા સમાન કાર્ય બાબાએ કર્યું. પચાસ વર્ષ પછી ૧૯૬૬માં ૭ જૂને વિનોબાજીએ જાહેર કર્યું કે મારી બાપુ સાથેની પ્રથમ મુલાકાતને પચાસ વર્ષ પુરા થયા છે. સેવા થઇ શકી તે ગાંધીમાર્ગે કરી છે. હવે આ બધી સેવા હું શ્રી હરિગુરુના ચરણોમાં અર્પણ કરું છુ. ‘તેરા તુજકો અર્પણ, ક્યા લાગે મેરા’નો આ ભાવ આ સાધકને જ આવી શકે.

                             બાબાને કોઈ મળે અને પૂછે કે આશ્રમનો કાર્યક્રમ શું? બાબા મુસ્કુરાઇને કહે કે ચોવીસે કલાકની પ્રસન્નતા એ જ અમારો કાર્યક્રમ છે. આ ભૂમિકા હોય તો જ આશ્રમ જીવન કષ્ટમય ન લાગે. તેઓ માનતા અને કહેતા કે આશ્રમ સમાજથી બહુ દૂર ન રહી શકે. સતત સમાજના હેતુલક્ષી સંપર્કથી તેઓ સમાજની સ્વસ્થતાનું ઉચિત નિદાન કરી શક્યા છે. વિનોબાના આધ્યાત્મિક જીવન પર ગૌતમબુદ્ધ, સ્વામી રામદાસ, જ્ઞાનદેવ, એકનાથ તથા ગાંધીજીની અસર છે. 

                  વિનોબાજીએ દેશની લગભગ તમામ સંતપરંપરાનો અભ્યાસ કર્યો. આ માટે અનેક ભાષા ઊંડાણથી શીખી લીધી. તેમના ૧૯૩૨ના જેલવાસ દરમ્યાનના ગીતાપ્રવચનોનું પુસ્તક જગપ્રસિદ્ધ થયું. અંગ્રેજી ઉપરાંત જર્મન, જાપાનીઝ તેમજ અન્ય વિદેશી ભાષાઓમાં તેના અનુવાદો પ્રસિદ્ધ થયા. કુરાનસાર, ખ્રિસ્તી ધર્મસાર ધમ્મપદ જેવા તેમના લખાણો સાર્વત્રિક રીતે પ્રસરી ગયા. સર્વધર્મ તરફ સમભાવનો વિચાર બાબાએ મજબુતીથી મુક્યો. વિજ્ઞાનના યુગમાં આપણે આપણી કેટલીક ગ્રંથિઓ છોડીને સમાજ રચના કરવી પડશે તે વાત વિનોબાજીએ સમજાવી. માતાના સંસ્કાર વિનોબાજી પર આજીવન પ્રભાવી રહ્યા. નાના વિનાયકને જમવાનું આપતા પહેલા માતા પૂછતાં:  “વીન્યા, તુલસીને પાણી પાયું?” તુલસીક્યારે પાણી પાયા પછી જ જમી શકાય તેવા સંસ્કાર આપવામાં માતાના વિચારોની વિશાળતાનો ખ્યાલ આવે છે. સર્વત્ર હરિદર્શનની માતાની શીખ હતી. માતા કહેતા એમ વિચારીએ તો જ ગુણગ્રાહિતાનો ભાવ મનમાં પેદા થાય. માતાની લાગણીને માન આપી ભગવદ ગીતાનો મરાઠીમાં સુંદર અનુવાદ કર્યો. ગીતાઈ(ગીતા+આઈ) તેવું અર્થસભર નામ પણ તે પુસ્તકને આપ્યું. બાપુ પ્રત્યેની તેમની ભક્તિ વિનોબાના તમામ જીવનકાર્યોમાં જોવા મળે છે. આપણાં દેશમાં વિનોબાજીની સ્મૃતિ કાયમ રહે તો સમાજ જીવનને એક સ્વસ્થતા મેળવ્યાનો અનુભવ થયા સિવાય નહિ રહે. મહાત્મા ગાંધી તથા તેમના વિચારો બાબાના જીવનમાં કેન્દ્સ્થાને હતા.  

વસંત ગઢવી

તા. ૧૦ મે ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑