થોડા દિવસોમાં જ કાકાની વિદાયને એક વર્ષના વહાણાં વાઈ જશે. કાલની ગતિ નિરંતર છે. કાળના આ પ્રવાહમાં અનેક લોકો આવે અને પોતાના જીવનની ભૂમિકા નિભાવીને વિદાય પણ માંગે. સમય પસાર થતાં વિદાય થયેલા લોકોની સ્મૃતિ પણ આછી-પાતળી થતી જાય અથવા મર્યાદિત વર્ગમાં જળવાઈ રહે. આમ છતાં ઇતિહાસમાં એવા ભાતીગળ ઉદાહરણો પણ નોંધાયેલા છે કે જેમની સ્મૃતિ કાળના કપરા તથા સતત બદલાતા પ્રવાહમાં પણ દીર્ઘકાળ સુધી ટકી રહે છે. કાળ પણ આવા પુણ્યશ્લોક લોકોની સ્મૃતિને આદરસહ પોતાના હૈયામાં સાચવી રાખે છે. કાન્તિકાકાના પ્રભાવી જીવનકાર્યોની છાપ એ પણ કાળને સાચવવી તથા જાળવવી ગમે તેવી છે. કવિ રમેશ પારેખની એક સુંદર પંક્તિ કાકાના જીવનના સંદર્ભમાં યાદ આવે છે. કવિ લખે છે:
પડે ન સહેજે ખુદનો ડાઘો
એમ જગતને અડે,
એવા કોઈ દરવેશ
કે જેના કાળ સાચવે પગલાં.
કાકાની કર્મસભર તથા સમર્પિત જીવન-યાત્રાની છાપ કોઈ પણ કાળમાં પ્રસ્તુત રહેશે તેમજ અનુકરણીય ગણાશે. વિશાળ લોક સમૂહનો વિશ્વાસ સંપાદિત કરવા માટે કાકાની કાર્યપધ્ધતિ સ્નેહ તેમજ સંવેદનશીલતાના પાયા પર નિર્ભર હતી.
ભારત સરકારે કંપની એક્ટના માધ્યમથી વખતોવખત અનેક ફેરફારો કરેલા છે. આ બધા ફેરફારોમાં એક મહત્વનો સુધારો કે ઉમેરણ એ સી.એસ.આર.ની જોગવાઈને સંબંધિત છે. દરેક કંપનીએ તેના નફાનો કાયદાથી નિયત કરેલો ભાગ લોકોના હિતને અનુરૂપ હોય તેવા કામો કરવામાં વાપરવાનો છે. એ પણ ઇચ્છનીય છે કે જે વિસ્તારમાં કોઈ ઉદ્યોગ ગૃહ વ્યવસાય કે ઉત્પાદન કરતું હોય તે વિસ્તારમાં આવા કાર્યોને અગ્રતા આપવામાં આવે છે. કાયદાનો હેતુ લોકોના હિતનું રક્ષણ કરવાનો છે. કાયદાની જોગવાઈ સાથે જ ઉદ્યોગગૃહના સંચાલકોની દીર્ઘદ્રષ્ટિને કારણે સી.એસ.આર. હેઠળ ઘણાં સારા કાર્યો થયા છે. તેમજ થઇ રહયા છે.
આ પ્રકારના કાયદાનું જયારે અસ્તિત્વ ન હતું ત્યારે પણ શ્રેષ્ઠીઓ લોક હિતાર્થે અનેક પ્રકારના કામો સ્વેચ્છાએ કરતા હતા. અનેક ગામોના તળાવો એ મહદંશે રાજ્યો-રાજવીઓ કે લોકભાગીદારીથી થયેલા છે. મહાજનોની એક ઉજળી પરંપરા આપણે ત્યાં અસ્તિત્વમાં હતી. મહાત્મા ગાંધીએ લગભગ આજ વિશાળ તેમજ ઉદાર વિચારધારાને ટ્રસ્ટીશીપના સંદર્ભથી રજુ કરી. બાપુએ તેમની વાત વિગતે સમજાવી અને ઘણાં તે કાળના શ્રેષ્ઠીઓએ મહાત્માજીના માર્ગદર્શન કે સૂચન અનુસાર લોકહિતના કાર્યોમાં પોતાનું યોગદાન આપ્યું. આ ઉજળી પરંપરાના જ એક મજબૂત મણકા સમાન કાકા હતા. તેઓ કહેતા તેમજ તેમણે લખ્યું પણ છે કે સામુહિક ભાગીદારીથી અઘરાં કે અશક્ય લાગતા કામો સરળતાથી થઇ શકે છે. સરકાર-સમાજ તથા શ્રેષ્ઠીઓ વચ્ચેનો લીલો સંબંધ હંમેશા જળવાઈ રહેવો જોઈએ. ઉદ્યોગ ગૃહના મોવડીએ જે તે વિસ્તારમાં પિતાતુલ્ય લાગણી રાખીને વર્તન કરવું જોઈએ. ગામડાઓ બેઠા કરવા માટે રોજિંદા વ્યવહારમાં ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું વાસ્તવિક આચરણ કરવું તે જાણે કે તેમના જીવનના સહજ ભાગ સમાન બાબતો હતી. બે એક વર્ષ પહેલા કાકાને મળવા ગયો હતો. તેમની સાથે લોક-ભાગીદારી અંગે વાતચીત કરતો હતો આ સમયે જ પાંચ સાત લોકો કાકાને મળવા આવ્યા. PRIOR APPOINTMENT જેવો શબ્દ કાકાના લોક સાથેના વ્યવહારમાં ભાગ્યે જ જોવા મળે તેમ હતો. પહેરવેશ પરથી આ લોકો કચ્છના તદ્દન નાના તેમજ દૂરના ગામથી આવતા હતા તે સ્પષ્ટ હતું. પરંતુ જે રીતે કાકા તેમને મળ્યા અને જે પ્રકારનો સહજ આનંદ આ ગામડાના લોકોની આંખોમાં તેમ જ ચહેરા પર હતો તે ક્યારેય વિસરી જવાય તેવો નથી. આત્મીયતાના આવા સહજ અનુસંધાનથી જ સમાજમાં એકત્વનો ભાવ પ્રગટે છે. મનની શંકાઓ કે સંશયો દૂર થાય છે. નાના-મોટાના વાડા તૂટે છે. વિશાળ લોકસમૂહમાં આટલી વિશ્વસનીયતા ઉભી કરવી તે માત્ર પ્રયાસો નહિ પરંતુ દીર્ઘ તપશ્ર્યા માંગે છે. કાકાનું વ્યક્તિત્વ એક તપસ્વીને છાજે તેવું હતું. કબીરવડ સમાન આ વૃક્ષની છાયામાં જીવંત સૃષ્ટિના અનેક લોકોને શાંતિ તેમજ સુવિધાનો અનુભવ થયો છે. માત્ર નાણાંકીય સહાય આપવાથી એવી દ્રઢ વિશ્વસનીયતા ઉભી થતી નથી. પૂજ્ય ચંદાબેન(કાકી)ના માર્ગદર્શનમાં તેમજ હૂંફથી કચ્છ તથા બનાસકાંઠાની અનેક બહેનો પગભર થઇ છે. આવી લોકભાગીદારી કેમ ઉભી થઇ હશે તે અભ્યાસ કરવા જેવો વિષય છે. કાકા તથા કાકી બંને લોકસમૂહને લાભાર્થી-BENEFICIARY ગણતા ન હતા. પરંતુ ભાગીદાર-PARTNERS ગણતા હતા. ભાગીદારીમાં બંને પક્ષોનું હીર ઝળકી ઉઠે છે. તેમાંથી જ આત્મવિશ્વાસ તથા ખુમારીનો ભાવ પ્રગટ થાય છે.
સી.એસ.આર.ના કામો માટે કસાયેલા કાર્યકરોની એક કેડર તૈયાર થવી જોઈએ. ટાટા કે અઝીમ પ્રેમજી જેવા સ્થાપિત થયેલા જૂથો આ બાબતમાં ઘણાં વર્ષોથી કાર્યરત છે. ગુજરાત વિદ્યાપીઠ પણ આવા લોકોના ઘડતર માટે નિયમિત સ્વરૂપે અભ્યાસક્રમો ચલાવે છે. લોકહિતના કામો પણ અંતે તો સારું મેનેજમેન્ટ માંગે છે. માત્ર ભાવના હોવાથી પૂર્ણતઃ હેતુ સિધ્ધ થતો નથી. કાકાએ ખુબ વિચારપૂર્વક આવા હેતુને સિધ્ધ કરવા વી.આર.ટી.આઈ.-વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ તથા સંવર્ધન કર્યું. છેલ્લા બે-ત્રણ દાયકામાં અનેક નવોદિત યુવાનોનું ત્યાં ઘડતર થયું છે. કાકાના વિચારો SUSTAINABLE DEVELOPMENT માટેના હતા. આ કલ્પનાની પરિપૂર્તિ માટે સંસ્થાકીય માળખાની આવશ્યકતા હતી. કચ્છના ભૂકંપ પછીના પુનઃ નિર્માણમાં રાજ્ય સરકાર ઉપરાંત કચ્છના અનેક ઉદ્યોગ ગૃહોનો મહત્વનો ફાળો રહયો છે. ઉદાહરણ તરીકે ‘ગેઇમ્સ’ એ પણ અદાણી ગ્રુપ તથા રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્ર માટે થયેલી પબ્લિક-પ્રાઇવેટ પાર્ટ્નરશિપનો દિશાસૂચક પ્રથમ પ્રયોગ છે. રાજ્યમાં અન્ય સ્થળોએ પણ તે પ્રકારની વ્યવસ્થાઓ આરોગ્યના ક્ષેત્ર માટે થઇ છે.
ઋગ્વેદનો એક જાણીતો મંત્ર કાકાના જીવન તથા કાર્યોના સંબંધમાં યાદ આવે છે. “એતાવનસ્ય મહિમા, અ તો જ્યાંયશ્ચ પુરુષ:” આટલો તો તેમના કામનો મહિમા છે, એ પુરુષ તો એના કરતાંય મોટો છે. કાકાની સ્મૃતિ એ આપણાં માટે પ્રેરણાનો અવિરત સ્ત્રોત છે.
વસંત ગઢવી
તા. ૫ એપ્રિલ ૨૦૨૨
Leave a comment