ક્ષણના ચણીબોર:રતુભાઇઅદાણી: કસાયેલાતેમજઘસાયેલાલોકનેતા:

 સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈથી તા. ૧૭-૦૭-૩૫ના રોજ રતુભાઈને એક પત્ર લખે છે. પત્ર સરદાર સાહેબના સ્નેહાળ તથા પ્રોત્સાહક વ્યક્તિત્વનો પરિચય આપે છે. સાથે સાથે આ પત્ર “રતુભાઈના પરાક્રમો” તરફ પણ સહેજ અંગુલિનિર્દેશ કરી જાય છે. સરદાર લખે છે:

        “ભાઈ રવિશંકર(મહારાજ) તમારી મંડળીના કામની વાતો કરી ગયા. આ વાતોના રસના ઘૂંટડા હું પી રહ્યો છું. કાઠિયાવાડ મૂંગું તથા નક્કર કામ માંગે છે… સેવાના વિકટ માર્ગે તમે ચઢ્યા છો એ જાણી મુબારકબાદી આપું છું. (તમારા) આ કામથી પ્રસિદ્ધિ નહિ મળે…પણ તમારા આત્માને શાંતિ મળશે. એથી વધારે શું જોઈએ? ઈશ્વર તમને તમારા પ્રયાસોમાં સફળતા આપે. કાઠિયાવાડ આવવાનું થશે ત્યારે તમારે ત્યાં આવવાનું મુખ્ય આકર્ષણ હશે.”  

       સરદાર સાહેબને પણ જે કામનું આકર્ષણ રહ્યું તેવું લોકહિતનું અનોખું કાર્ય રતુભાઇ અદાણી કરીને ગયા. રતુભાઈનો જન્મ ૧૩-૪-૧૯૧૪માં થયો હતો. આથી હાલના દિવસોમાં તેમની વિશેષ સ્મૃતિ અનેક લોકોને થતી હશે. 

       દેશ પરાધીનતામાંથી મુક્ત થયો તે પહેલાનો સમય ઇતિહાસમાં એક વિશેષ મહત્વ ધરાવે છે. વિશ્વની પ્રચંડ સત્તા સામેના અવિરત સંઘર્ષનો આ કાળખંડ છે. ગાંધીજી પોતાની અસાધારણ આત્મશક્તિના બળે દેશના વિશાળ સમૂહને દોરવણી આપે છે. સરદારસિંહ રાણા, શામજી કૃષ્ણ વર્મા કે વીર સાવરકર જેવા લોકો દેશની સરહદો પાર કરીને વિશ્વના તખ્તા ઉપર પોતાની પરાધીન માતૃભૂમિની વ્યથાનું વિગતે તથા તર્કબદ્ધતાથી વિવરણ કરે છે. બરાબર આ કાળમાં જ મહાત્મા ગાંધી મીઠા પરના વેરા સામેના ઐતિહાસિક સંગ્રામનું રણશિંગુ ફૂંકે છે. દેશમાં જાગૃતિનો એક અસાધારણ જુવાળ ઉભો થાય છે. આ પડકારરૂપ સત્યાગ્રહની પ્રેરણા લઈને રતુભાઇ દેશ માટે ન્યોછાવર થવા નીકળી પડે છે અને ધોલેરા સત્યાગ્રહના ઐતિહાસિક સંગ્રામમાં જોડાય છે. માતાપિતાનો સ્નેહ વળીવળીને તેમને રોકવાનો પ્રયાસ કરે છે. પુત્રની ચિંતા છે. યુવાન પુત્ર પાસેથી અનેક અપેક્ષાઓ પણ છે. ધોલેરા સત્યાગ્રહની છાવણીમાં પોતાના સ્નેહાળ પિતાને રૂંધાયેલા સ્વરે રતુભાઇ જણાવે છે: “તમને તેમજ મારા બાને દુઃખી કરીને આવવું મનેય આકરું લાગે છે. પરંતુ દેશને આઝાદ કરવો હોય તો મારા જેવા લાખો યુવાનોએ કઠણ કાળજા કરીને માતાપિતા, ભાઈ ભાંડુ કે સગા સ્નેહીનો વિયોગ સહન કરીને આ સ્વાધીનતાની લડાઈમાં ઝુકાવવું રહ્યું… હવે તો સ્વરાજ્ય મેળવ્યા પછી જ ઘરે પાછા આવી શકાય.” નિરુપાયે પિતાને પાછા જતા જોઈ યુવાન રતુભાઇ વિયોગની પીડા સહન કરતા અનેક માબાપોને મનોમન વંદન કરતા રહ્યા. દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને ઝવેરચંદ મેઘાણીએ લલકાર્યું હતું:

કેસરિયા વાઘા કરી,

જોબન યુદ્ધે ચડે,

રોકણહારું કોણ છે?

કોના નેન રડે?

કોઈ પ્રિયજન તણા

નેન રડશો નહિ,

યુદ્ધ ચડતાને અપશુકન

ધરશો નહિ.

           રતુભાઇ અદાણી, સૌરાષ્ટ્ર.

સાપ્તાહિકના તંત્રી અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી, બળવંત મહેતા તથા સર્જક મોહનલાલ મહેતા(સોપાન) જેવા અનેક સુપ્રસિદ્ધ નેતાઓ ધોલેરા લડતને દોરવણી આપતા હતા. મીઠાની અન્યાયી તેમજ આકરી જકાત સામેની આ લડત હતી. આ લડતની શરૂઆત યુગપુરુષ ગાંધીએ દાંડીકૂચનાં માધ્યમથી કરી હતી. ધોલેરા સત્યાગ્રહના ભાગ તરીકે જ રાણપુરની લડત છાવણીનો એક વિશિષ્ટ ઇતિહાસ છે. અંગ્રેજ અમલદારોની ધાકને કારણે લડતની છાવણી માટે ગામમાં કોઈ જગ્યા મળી ન શકી. આથી સત્યાગ્રહીઓએ સ્મશાનમાં છાપરીમાં પોતાની છાવણી ઉભી કરવાનું નક્કી કર્યું. સ્મશાનભૂમિમાં કોઈની ચિતા સળગતી હોય ત્યારે સામે બેસીને ભોજન કરવાનું સૂઝે પણ નહિ. આમ છતાં મીઠા સત્યાગ્રહની આ લડત સ્મશાનભૂમિમાં પણ આશ્રય લઈને સતત આગળ વધતી રહી. સત્યાગ્રહીઓની પોલાદી સંકલ્પશક્તિને તત્કાલીન સર્વશક્તિમાન સરકાર સહેજ પણ નમાવી શકી નહિ. 

            ગાંધીજી પ્રેરિત આ સત્યાગ્રહના સત્યાગ્રહીઓ જીવનને સર્વાંગી દ્રષ્ટિથી સુધારવાના પ્રયાસમાં રહેતા હતા. આઝાદી તો મળશે તેની શ્રદ્ધા હતી જ. પરંતુ આઝાદી સાથે જ યુવાનોની મનોવૃત્તિ પરિશ્રમ કરવા તરફ વળે તેમજ સામાજિક કુરિવાજોમાંથી મુક્તિ મળે તે બાબત પણ દ્રષ્ટિમાં રહેતી હતી. અમરેલી જિલ્લાના તરવડા ગામમાં ચર્મોદ્યોગનો વિકાસ કાર્યક્રમ એ શ્રમનું ગૌરવ કરવાના હેતુસર થયેલો પ્રયાસ હતો. તરવડાના આ કામમાં રતુભાઇ સાથે જયમલભાઈ પરમાર તેમજ નિરુભાઈ(નિરંજન વર્મા-નાનભા ગઢવી) જોડાયા હતા. અહીંથી જ લોકસાહિત્ય પરિવારના બીજ રોપાયા હશે તેમ કહી શકાય. રતુભાઇ અદાણીનું લોકસાહિત્ય માટેનું પ્રદાન પણ દાખલારૂપ ગણાય તેવું રહ્યું છે. લોકસાહિત્ય વિદ્યાલય, જૂનાગઢની સ્થાપનામાં રતુભાઈનો સિંહફાળો રહ્યો છે. લોકસાહિત્ય ઉપરાંત સમાજ સુધારણામાં પણ રતુભાઈનું નોંધપાત્ર યોગદાન રહયું. પિતાના અવસાન બાદ પ્રેતભોજન નહિ કરાવીને રતુભાઈએ એક સામાજિક સુધારક તરીકેનું પગલું પણ મક્કમતાથી ભર્યું હતું. 

      દેશ આઝાદ થયા પછી પણ જુનાગઢનો પ્રશ્ન ઉભો રહ્યો. જૂનાગઢના નવાબે સોરઠને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય અવ્યવહારુ તથા અવિચારી હતો. જૂનાગઢ રાજ્યના લોકોની મહેચ્છા સ્વાભાવિક રીતે જ ભારત સાથે જોડાવાની હતી. આ સંજોગોમાં આરઝી હકુમત કે સમાંતર સરકારની રચના કરવામાં આવી. તેના મુખ્ય કર્ણધાર શામળદાસ ગાંધીને તેમજ રતુભાઈને બનાવવામાં આવ્યા. એક સુઆયોજિત સંઘર્ષથી જૂનાગઢના નવાબની યોજના નિષ્ફળ રહી. રતુભાઈનું યોગદાન આ સંઘર્ષમાં ચાવીરૂપ રહ્યું. જૂનાગઢની સમગ્ર લડત એ આપણાં આઝાદીની ચળવળ અંગેના ઇતિહાસનું એક ઉજ્વળ પ્રકરણ છે. 

    દેશ આઝાદ થયો અને ૧૯૫૧-૫૨માં રાજ્યમાં ચૂંટણીઓ યોજવામાં આવી. સૌરાષ્ટ્રનો એક રાજ્ય તરીકે ઉદય થયો. રતુભાઇ જૂનાગઢ જિલ્લાની કેશોદ વિધાનસભાની બેઠક પરથી ભારે બહુમતીએ ચૂંટાયા. સૌરાષ્ટ્ર સરકારમાં તેમજ દ્વિભાષી મુંબઈ રાજ્યમાં રતુભાઈએ મંત્રી તરીકે ઉત્તમ સેવાઓ આપી. રતુભાઇ એક અદના કાર્યકર તરીકે સફળ થયા તેટલીજ સફળતા તેમને રાજ્ય સરકાના મંત્રી તરીકે મળી તે નોંધપાત્ર બાબત છે.  રતુભાઈનું જીવન ભાવિ પેઢીઓ માટે માર્ગદર્શક બને તેવું છે. 

વસંત ગઢવી

તા. ૨૯ માર્ચ ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑