કાલિન્દીનાં જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ
વાત’તા વનમાળી ?
લહર વમળને કહે,
વમળ એ વાત સ્મરે સ્પંદનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં.
જેમની માતૃભાષા ગુજરાતી હોય તથા જેઓ કવિતાની સામાન્ય સમજ પણ ધરાવતા ભાવકો હોય તેમને કવિતાની ઉપરની પંકિતઓનો જરૂર પરિચય થયો હશે. કેટલાક કાવ્યો લખાયા પછી લોકના થઈને રહે છે. લોકજીભે ગવાતા રહે છે. લોકહૈયે ઘૂંટાતા રહે છે. આવા ગીતો કેટલીક વખત લોકગીતો હોય તેમ સમાજમાં જુદા જુદા પ્રસંગોએ પ્રસ્તુત થતા રહે છે. ઉત્સાહથી ઝીલાતા પણ રહે છે. આપણે જાણીએ છીએ તેમ કવિ હરીન્દ્ર દવેની સૂઝબૂઝવાળી કલમે લખાયેલા ઉપરના શબ્દો છે. કવિ હરીન્દ્રભાઈની આ તથા બીજી અનેક કાવ્યપંક્તિઓ અનેક કાવ્યગોષ્ઠિઓમાં સતત સંભળાતી રહે છે. આવી પંક્તિઓ લોકહૈયે કોતરાયેલી છે. હરીન્દ્ર દવેની પ્રસિદ્ધ નવલકથા ‘માધવ ક્યાંય નથી’ એ શીર્ષકનું મૂળ આ કાવ્યમાં જોવા મળે છે. કવિ હરીન્દ્રનો જન્મ ૧૯૩૦ના સપ્ટેમ્બર માસમાં થયો. તેમનો જન્મ કચ્છના ખંભરા ગામમાં થયો. કચ્છથી મુંબઈની તેમની જીવન યાત્રા ભવ્ય તેમજ ભાતીગળ રહી છે. હરીન્દ્રભાઈએ આપણી વચ્ચેથી વિદાય ૨૯-૦૩-૧૯૯૫ના દિવસે લીધી. આથી આ દિવસોમાં સર્જક હરીન્દ્રભાઈની વિશેષ સ્મૃતિ થાય છે. કવિના ગયા પછી લગભગ ત્રણ દસકા બાદ પણ હરીન્દ્રભાઈ આપણી વચ્ચે જીવંત તેમજ ધબકતા ઉભેલા છે.
કવિ હરીન્દ્ર દવે તેમજ કવિ સુરેશ દલાલ બંને ઉત્તમ સર્જક તો ખરા જ ઉપરાંત બંને ગાઢ મિત્રો પણ ખરા. હરીન્દ્ર દવેના કાવ્યોના આસ્વાદના એક પુસ્તકનું સંપાદન સુરેશ દલાલે કરેલું છે. (‘ભમરો વાત વહે ગુંજનમાં’ સપ્ટેમ્બર-૨૦૦૨. સંપાદન:સુરેશ દલાલ). આથી હરીન્દ્ર્ભાઈના વ્યક્તિત્વ વિશેનો અધિકૃત અભિપ્રાય સુરેશ દલાલ આપી શકે તે સ્વાભાવિક છે. સેમ્યુઅલ બકેટ વિશે કહેવાયેલા કેટલાક શબ્દો હરીન્દ્રને પુરેપુરા લાગુ પડે છે તેવું અવલોકન સુરેશ દલાલનું છે. બકેટ માટે લખાયું છે:
મારી આખી જિંદગીમાં હું એવા બીજા કોઇ માણસને મળ્યો નથી જેનામાં આટલી અમીરાઈ અને નમ્રતા તેમજ નિખાલસતા અને સજ્જનતા વસી હોય! આટલો સાચો અને આટલો સારો માણસ સાચેસાચ હોય શકે એમ જો હું બકેટને મળ્યો ન હોત તો કદી પણ માની ન શકત.” હરીન્દ્રના વ્યક્તિત્વને પણ આ વાત પૂર્ણતઃ લાગુ પડે છે. હરીન્દ્રભાઈનું એવું સૌમ્ય વ્યક્તિત્વ હતું કે તેમને જોયા પછી તથા વાત કર્યા પછી તેમની છબી મનમાં હંમેશ માટે રહી જાય છે.
હરીન્દ્રભાઈનું યોગદાન અનેક ક્ષેત્રોમાં હતું. આપણાં સાહિત્યના અનુગાંધી યુગના તેઓ સુવિખ્યાત સર્જક હતા. ૧૯૮૨માં તેમને તેમના યોગદાન માટે રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો. તેઓ ૧૯૬૨થી ૧૯૬૯ સુધી ‘સમર્પણ’ સામયિકના સંપાદક તરીકે રહ્યા. સમર્પણની એક સામાયિક તરીકે અલગ પ્રતિષ્ઠા હતી તે આપણામાંથી ઘણાને યાદ હશે. ૧૯૭૯થી જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ જન્મભૂમિ પ્રવાસીના તંત્રી તરીકે રહ્યા. જન્મભૂમિ-પ્રવાસીને આગવી ઓળખ આપવામાં હરીન્દ્રભાઈનો સિંહફાળો છે. પત્રકારત્વના ધોરણો જાળવીને તેમણે એક આદર્શ પત્રકારનો દાખલો પૂરો પાડ્યો. ભાવનગરની ધૂળી નિશાળના આ વિદ્યાર્થી મુંબઈમાં એક સૌમ્ય સર્જક તેમજ અનોખી કાર્યશૈલી ધરાવતા પત્રકાર તરીકે પ્રસ્થાપિત થયા. તેઓ ૧૦-૧૨ વર્ષની ઉમંરે કવિતા લખતા થયા અને આજીવન શબ્દના અખંડ આરાધક રહ્યા.
દર્શકે લખ્યું છે કે હરીન્દ્ર એક સંસ્કારી ભાષાના સર્જક છે. ‘માધવ ક્યાંય નથી’ પુસ્તક (પ્રવીણ પ્રકાશન, રાજકોટ)ની પ્રસ્તાવનામાં જ દર્શક લખે છે કે આ કથાના અનેક પ્રસંગો વાચકના મન પર વશીકરણ કરે છે. કૃષ્ણના ગયા પછી ગોપીઓના વિરહભાવની વ્યથા હરીન્દ્રએ સ્મૃતિમાં ચિરકાળ સુધી રહી જાય તેવી ધારદાર શૈલી તથા શબ્દોમાં લખ્યા છે. આ કથાના એક પ્રસંગમાં નારદની વ્રજની મુલાકાતની વાત રજુ થઇ છે. કૃષ્ણ તો મથુરા ગયા છે. વ્રજની ગોપીઓ રાત-દિવસ કૃષ્ણના વિરહમાં જીવે છે. ગોપીઓના-વ્રજવાસીઓના મનમાંથી કૃષ્ણ ખસતા નથી. વ્રજમાં પ્રવેશ કરીને નારદ કોઈને પૂછે છે: ‘નંદનું ઘર ક્યાં આવ્યું?’ આ પ્રશ્નનો જવાબ સાંભળીને લાગણીની અસાધારણ ઉત્કટતાની પ્રતીતિ થાય છે. નારદને જવાબ મળે છે: “તમારે નંદબાબાનું ઘર શોધવું નહિ પડે. અહીંથી સીધા ચાલતા જાઓ અને આંસુની ખારી ભીનાશથી પોચી પડેલી આ કેડી જેના આંગણામાં અટકે એ નંદનું ઘર” સ્નેહના આવા અદભુત સ્વરૂપનું દર્શન ભાગ્યે જ થાય તેવું અસાધારણ છે. ટોળાની વચ્ચે એકલતા માંગતા આ સૌમ્ય સર્જક નિજાનંદે જીવ્યા છે અને મહોર્યા છે. કદાચ ટોળામાં એકલતા અનુભવવાની તેમની સહજ પ્રકૃતિ તથા પસંદગી હતી. ઉત્તમ કવિ અને ઉમદા માનવી હરીન્દ્રભાઈને તેમની પુણ્યતિથિએ યાદ કરીને નમન કરવાનો આ સમય છે.
વસંત ગઢવી
તા. ૧૫ માર્ચ ૨૦૨૨
Leave a comment