છેલ્લા થોડા સમયમાં આપણે બે સરસ્વતીમાતાના સમર્થ તથા સમર્પિત ઉપાસકોને ગુમાવ્યા. પદ્મશ્રી કવિ દાદ થોડા સમય પહેલા આપણી વચ્ચેથી ગયા. ભારત સરકારે પણ તેમને તેમના યોગદાન માટે પદમશ્રી આપીને નવાજ્યા. કવિ દાદની વિદાયને કળ વળે તે પહેલા આજીવન સક્રિય તથા કાર્યરત જીતુદાનભાઈ આપણી વચ્ચેથી ગયા. આ બંને વિદાયની ઘટનાઓનો રંજ માત્ર આપણાં સમાજ માટે જ નથી. વિશાળ જન સમૂહે પણ તેમની ખોટ અનુભવી છે. જીતુદાનભાઈના પુત્ર જયેશભાઈના જણાવ્યા પ્રમાણે જીતુદાનબાપુ થોડા સમયથી બીમાર પણ હતા. તેમને કદાચ આવનારી ઘટનાઓનો અણસાર મળી ગયો હતો. અંતે તો કાળ તેનું કામ કરે છે. જીતુભાઇ તા. ૪-૦૨-૨૦૨૨ના રોજ આપણી વચ્ચેથી ગયા. સાહિત્ય સેવાની સુવાસ મૂકીને ‘ડાયરાવીર’ ડાયરામાંથી ઉઠી ગયા. જીતુદાનબાપુનું મરણ પણ એક પુણ્યશાળી આત્માને છાજે તેવું હતું. જે કાયા થકી સક્રિય ન રહી શકાય તેવી કાયાને ત્યજી દેવાનો જાણે કે એમનો દ્રઢ સંકલ્પ હતો. આથી જ જયેશભાઈના જણાવ્યા મુજબ અવસાન થયું તેના ૩૫-૪૦ દિવસ પહેલાથી તેમણે અન્ન લેવાનું સદંતર બંધ કર્યું હતું. જૈન શાસ્ત્રોમાં સંથારાની વાતો આવે છે. આપણે સાંભળી પણ છે. પરંતુ આ દેવીપુત્રે સાંપ્રત કાળમાં સમાજ સમક્ષ સંથારાનું ઠોસ પ્રમાણ રજુ કર્યું છે. વસંત પંચમીના શુભ દિવસે તેમના નશ્વર શરીરનો અગ્નિદાહ થયો. આ પણ એક શુભ યોગાનુયોગ છે. જીતુદાનભાઈના અર્ધાગના બહેન ધીરુબાની આજીવન મૂંગી સાધના હતી. હંમેશા તેઓ જીતુદાનભાઈને પૂરક થઈને રહ્યા હતા. તેમને વંદન કરીએ તો એ સંપૂર્ણ ઉચિત ગણાશે.
જીતુદાનનું જીવન જોઈએ તો અનેક વળાંકોને ઓળંગીને તેમણે પોતાના લક્ષ તરફ મક્કમ ગતિએ પ્રયાસ કર્યો હતો. જીવનમાં અનેક સંઘર્ષો આવ્યા. તેમના વ્યક્તિગત જીવનમાં પણ અનેક અપ્રિય ઘટનાઓ તેમને જીરવવી પડી. આમ છતાં તેમણે પોતાના કર્મપ્રવાહને ધીમું કે ઢીલું થવા દીધું નથી. પૂ. મોરારીબાપુએ જે રીતે તેમને પ્રમાણ્યા છે તે થોડામાં ઘણું કહી જાય તેવું છે. બાપુના તેઓ પ્રીતિપાત્ર હતા. બાપુની અનેક કથાઓમાં તેઓની ઉપસ્થતિ જોવા મળતી હતી.
ઈશ્વરકૃપાથી જશુભાઈ તથા જીતુદાનભાઈ એ બંને ભાઈઓને અનેક પ્રસંગોએ મળવાની તક મને મળી છે. બંને ભાઈઓના વ્યક્તિત્વમાં અન્ય લોકોથી જુદાપણાની મને પ્રતીતિ થઇ છે. મારા પિતા નોકરી કરતા હતા ત્યારે જીતુભાઇ અનેક વખત મારા પિતાને મળવા આવતા. કિશોર અવસ્થામાં પણ તેમની વાતો સાંભળવી મને ગમતી હતી. ઉપરાંત પૂજ્ય પથાબાપા તેમજ પૂ. શિવદાનભાઈ બૉક્ષા (મુળી)ને ત્યાં લગભગ દરેક પ્રસંગોમાં જીતુદાનભાઈ મળતા. મૂળીની બૉક્ષા કુટુંબની એ સુવિખ્યાત ડેલીના અનેક સુખદ સંભારણા હજુ પણ મનમાં સંગ્રહિત થયેલા છે. આ બધા કારણોસર જીતુદાનભાઈ વિષે લખતા મનમાં એક અહોભાવ પણ થાય છે. કોઈ પણ પ્રસંગમાં જીતુદાનભાઈની હાજરી વાતાવરણમાં એક સુરીલો સંચાર ફેલાવતી હતી. ખરા અર્થમાં તેઓ એક સામાજિક જીવ હતા. માણસોને મળવું તે તેમનો શોખ હતો.
એક સર્જક તરીકે જીતુદાનબાપુનું મૂલ્યાંકન કરવા બેસીએ તો આશ્ચર્ય સાથે અહોભાવ થાય તેવી સ્થિતિ છે. હરિરસ કે દેવીયાણ જેવા ગ્રંથો સમજવા તેમજ પચાવવા મુશ્કેલ છે. પરંતુ આજ ગ્રંથોના સંદર્ભો જીતુદાનભાઈએ ઊંડી તથા અધિકૃત સમજૂતી સાથે શણગારીને રજુ કર્યા છે. દરેક બાબતમાં તેમનો એક ચોક્કસ તથા કેટલીકવાર અલગ મત છે. પોતાનો મત રજુ કરવામાં તેઓ કદી અચકાતા નથી. એટલી વાત જરૂર છે કે આ દરેક મત કે અભિપ્રાય પાછળ ચોક્કસ કારણો હોય છે. તમે કદાચ તેમના મત સાથે સંમત ના હો તો પણ તેમનો તર્ક તમને વિચારતા કરી મૂકે તેવો મજબૂત તેમજ અર્થપૂર્ણ હોય છે. આ ખૂબી જીતુદાનના વ્યક્તિત્વમાં તેમણે કરેલી ઊંડી સાધનાના કારણે હતી તેમ કહી શકાય.
ભૂતકાળમાં રાજકોટ જિલ્લાનું નગર વાંકાનેર હતું જે આજે મોરબી જિલ્લામાં છે. મચ્છુનાં કાંઠે વસેલું ગામ ઐતિહાસિક છે. આ નગર ઝાલાવાડની રાજ્યગાદીનુ મુખ્ય મથક હતું. વાંકાનેરના રજવાડા સાથે વાંકાનેરના ટાપરીયા શાખાના ચારણો જોડાયેલા હતાં. તેમનો પરસ્પર સ્નેહ આદર હતો. જીતુદાનભાઈનો જન્મ ૧૯૩૭માં તેમના મોસાળના ગામ મુળીમાં થયો. દૂરના ભૂતકાળમાં મૂળીનો ઉજળો ઇતિહાસ પરમ વિદ્વાન તથા વૈરાગી બ્રહ્માંનંદ સ્વામી સાથે જોડાયેલો છે. નજીકના ભૂતકાળમાં મુળીમાં બૉક્ષા કુટુંબના વટવૃક્ષ સમાન પ્રભુદાનજી બૉક્ષાએ સમગ્ર ચારણ સમાજનું એક સંમેલન મુળીમાં બોલાવેલું. આ પણ એક ઐતિહાસિક ઘટના હતી. સંમેલનના સત્યવક્તા શંકરદાનજી દેવા તેમજ કવિઓના મુગટ સમાન કવિ કાગની ઉપસ્થિતીએ એક અનેરી ગરિમા આપ્યા હતાં. માંડવરાયજીના આશીર્વાદથી મુળી મહેકતું રહેલું છે. આવા અનોખા ઇતિહાસ ધરાવતા મુળી નગરમાં જીતુદાનનો જન્મ થયો હતો. તેઓ લખે છે કે “હું ભણતરને પચાવી ન શક્યો. પિતાજીની ભણાવવાની ઈચ્છા હોવા છતાં ભણતરના નામે હું પાણીમાં બેસી ગયો. સહનશીલતાનો અભાવ, ગુમાની મનોબળ, રમતિયાળ જીવ હાઈસ્કૂલના મેદાનમાંથી ઉડું-ઉડું થવા લાગ્યો.” ખરેખર આ ઉડાનના પ્રતાપે જીતુદાન એક સાહિત્યકાર તરીકે સમાજને મળ્યા. આમ છતાં ભણતર લલાટે લખાયું હતું. તેમણે અલિયાપાડામાં ખેતીવાડીનો ડિપ્લોમા મેળવ્યો. આ ક્ષમતાના કારણે તેમને ગ્રામસેવકની નોકરી મળી. જો કે નોકરીના બંધનોમાં બંધાઈ રહેવું આ મુક્ત જીવ માટે મુશ્કેલ હતું.
જીતુદાનભાઈ શબ્દના આજીવન ઉપાસક રહ્યા. તેમની સમૃદ્ધ પ્રકાશન યાત્રામાં દેવીયાણ તેમજ હરિરસ ઉપરાંત હિન્દી ગ્રંથો, ગામઠી ગ્રંથો તેમજ એક અંગ્રેજી ભાષાનું પણ પ્રકાશન છે. તેમની સર્જનયાત્રામાં લોક ગીતાંજલિ છે જે એક વિશિષ્ટ ગ્રંથ છે. ‘લોક ગીતાંજલિ’ને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવાનો જીતુદાનભાઈનો પ્રયાસ પણ વિશિષ્ટ હતો. આવો સમારંભ સાબરમતીના કિનારે આવેલા જુના રાજભવનમાં તેમણે યોજ્યો હતો. હાલમાં ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સુંદર સ્મૃતિ સ્મારક છે. આ બંગલામાં કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર રહ્યા હતા. રવીન્દ્રનાથના મોટાભાઈ સત્યેન્દ્રનાથ બોઝ જે દેશના પ્રથમ આઈ.સી.એસ. અધિકારી હતા. તેમની નિમણૂંક અમદાવાદમાં થઇ હોવાથી તરુણ રવીન્દ્રનાથ ભાઈના બંગલામાં થોડો સમય રહ્યા હતા. એવું વિચારપૂર્વકનું અનુસંધાન લોકગીતાંજલીના લોકાર્પણમાં જીતુદાનભાઈએ કર્યું તે તેમની સૂઝ અને આવડત હતા. જગ વિખ્યાત કવિગુરુ ટાગોરની ઉત્તમ રચનાનું આ લોકઢાળમાં અવતરણ છે. બીજી એક વિશિષ્ટ રચના ‘પીઠું’ છે. આ રચના કવિ હરિવંશરાય બચ્ચનની સુપ્રસિદ્ધ રચના ‘મધુશાલા’નું ગામઠી ગીરામાં સુંદર અવતરણ છે. એક સર્જકની વિશાળ તેમજ વૈવિધ્યપૂર્ણ ફલકનો આ પુસ્તકોની યાદી જોવાથી ખ્યાલ આવે છે. ભક્ત કવિ સાંચાજી ઝુલાના ‘નાગદમણ’નો તેમણે સુચારુ રીતે ભાવાનુવાદ કરેલો છે. આવડદાનજી ઝૂલા(ફુવાવા) તથા ડો. દિલીપ ચારણ (પ્રોફેસર તથા અધ્યક્ષ, તત્વજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિ.)ના સંપૂર્ણ સહયોગથી ‘નાગદમણ’સમાજને મળ્યું છે. સપ્ટેમ્બર-૨૦૧૭માં તેનું યાદગાર વિમોચન થયું હતું. હજુ પણ તે ઘણા લોકોની સ્મૃતિમાં જીવંત છે.
એક સર્જક ઉપરાંત ગુજરાતમાં ડાયરાની પ્રથાને વિકસાવવાનો એક સબળ પ્રયાસ જીતુદાનજીનો રહ્યો છે. આ બાબત સર્વવિદિત છે. જીતુદાનની વિદાય અનેક ભાવકો માટે ઊંડા અફસોસ સમાન છે. હરિરસ અધ્યાયના પ્રણેતા તેમજ માર્ગદર્શક અચળદાનજી બૉક્ષાએ કહ્યું કે જીતુદાનની વિદાય એ લોક સાહિત્ય તથા ચારણ સાહિત્યના ભીષ્મ પિતામહ સમાન વ્યક્તિની વિદાય છે. આવી લાગણીમાં એક ઊંડા આદરનો ભાવ છે. આવો ભાવ અનેક લોકોએ અનુભવ્યો હશે. ભર્તુહરિ મહારાજે કહ્યું છે કે કવિઓના દેહનું મૃત્યુ થાય છે પરંતુ તેના સર્જનો જીર્ણ થતા નથી કે નાશ પામતા નથી. જીતુદાનજીનો શબદ ધ્રુવ તારક બની આવનારી અનેક પેઢીઓ માટે જાણવા તથા માણવાનો રસથાળ બની રહેશે તે નિશ્ચિત છે.
વસંત ગઢવી
તા. ૬ માર્ચ ૨૦૨૨
Leave a comment