ક્ષણના ચણીબોર:આંતરરાષ્ટ્રીયમહિલાદિવસેઓંગ-સાન-સૂ-કી(મ્યાનમાર)નીપાવનસ્મૃતિ:

   ફરી એક વખત આઠમી માર્ચના દિવસે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક થશે. ૨૦૨૨ના વર્ષમાં આ ઉજવણીના કેન્દ્રસ્થાને મહિલાઓ સામે થતી હિંસાની બાબત રહેશે. જે રીતે સમાચારપત્રો કે ટેલિવિઝનના પડદે જોઈએ છીએ તે રીતે હજુ પણ મહિલાઓ સામેની હિંસાનો પ્રશ્ન સમગ્ર સમાજ માટે પડકારરૂપ બનીને ઉભો છે. તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા કેટલાક અહેવાલો મુજબ કંપનીઓના સંચાલન મંડળમાં કે ટોચના વહીવટકર્તાઓમાં પણ મહિલાઓનું સ્થાન એકંદરે ઘણું ઓછું છે. પુરુષ તથા સ્ત્રીના વેતનમાં એક સમાન કાર્ય હોવા છતાં ઘણો તફાવત છે. ‘જેન્ડર ઇક્વાલિટી’ લાવવાના તમામ પ્રયાસો છતાં આજે આપણે આ બાબતમાં સંતોષનો અનુભવ કરી શકીએ તેવું નથી. સામાન્યતઃ સ્થિતિ આવી નિરાશાજનક હોવા છતાં અનેક નારીરત્નોએ ‘Glass Celing’ને તોડીને ઊંચી ઉડાન ભરી છે. જગત આવી મહિલાઓથી પ્રભાવિત થયું છે. આજથી લગભગ છ દાયકા પહેલા(૧૯૬૯માં) આપણાં પાડોશી દેશ શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન બનીને સિરિમાવો ભંડારનાયકે વિશ્વના રાજકીય પ્રવાહોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ૧૯૬૬માં ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે પસંદગી પામેલા ઇન્દિરા ગાંધીએ પોતાના કાર્યકાળ દરમિયાન એક સ્વતંત્ર વ્યક્તિત્વનું દર્શન કરાવ્યું હતું. બ્રિટનના વડાપ્રધાન પદે સતત ત્રણ વખત ચૂંટાઈને આવેલા માર્ગારેટ થેચરે પણ પોતાની વિચારસરણી મુજબ બ્રિટનના વહીવટને એક નવો વળાંક આપ્યો હતો. આ બધા નામો સાથે જ ગૌરવભેર જેનું નામ લઈ શકાય તેવા લોખંડી મહિલા ઓંગ સાન સૂ કી છે. સાંપ્રત સમયના એ લોખંડી મહિલા છે.

           પહેલાના સમયમાં બર્મા તરીકે ઓળખાતા હાલના મ્યાનમાર તથા ભારત લગભગ એક સાથે જ આઝાદ થયા. આપણાં દેશના સારા નસીબ કે મહાત્મા ગાંધીના હાથે તૈયાર થયેલી રાજકીય કાર્યકર્તાઓની સમર્પિત હરોળને કારણે આપણે લોકશાહી વ્યવસ્થા દાખલ કરીને જાળવી શક્યા. મ્યાનમારમાં તેમ ન થઇ શક્યું. જેઓ વિદેશી સત્તા સામે લડ્યા હતા. તેઓ જ નવી વ્યવસ્થામાં સર્વસત્તાધીશ બનીને બેસી ગયા. માત્ર શાસકો બદલાયા પરંતુ વ્યવસ્થામાં કોઈ પરિવર્તન થયું નહિ. વિદેશી શાસકોની જેમ દેશના શાસકોએ પણ સામાન્યજનના  અવાજને દબાવી દેવાના તમામ પ્રયાસો કર્યા. જરૂર જણાય ત્યાં બળનો પણ છૂટથી ઉપયોગ કર્યો. સ્વતંત્ર તથા ન્યાયપ્રિય વિચારસરણી તેમજ અપ્રતિમ નૈતિક શક્તિના બળે સૂ કી મક્કમ રીતે જુલ્મી શાસન સામે ખડી થઇ. સૂ કીના પિતા પણ બર્માના સ્વાતાંત્ર્ય સંગ્રામમાં વીરતાથી લડ્યા હતા. તેઓએ પોતાના જીવનનું બલિદાન પણ  સ્વાતાંત્ર્યના ઉમદા હેતુ માટે આપેલું હતું. વિશ્વમાં આવા કિસ્સાઓ જૂજ હશે કે જ્યાં પિતા અને પુત્રી બંનેએ એક ઉમદા હેતુને ધ્યાનમાં રાખીને ફોલાદી તાકાત ધરાવતા જુલ્મી શાસન સામે હૃદયના નૈતિક બળે લડત શરુ કરી હોય. સૂ કીની લોકપ્રિયતાની જેમજ તેના પિતાની લોકપ્રિયતા મજબૂત હતી. સૂ કીની માતા ભગવાન બુધ્ધની ઉપાસક હતી. માતાની ઉદારતાના સંસ્કારોની છાપ પુત્રીમાં હતી. સૂ કીની માતાની નિમણુંક ભારતના રાજદૂત તરીકે થવાથી સૂ કીના જીવનના શરૂઆતના મહત્વના વર્ષો ભારતમાં ગયા. તેણે સ્કૂલ તથા કોલેજનું શિક્ષણ દિલ્હીમાં લીધું. ૧૯૬૯માં તેણે ફિલોસોફી સાથે સ્નાતકની પદવી મેળવી. રાજકીય જીવનના તેમજ ઉચ્ચ માનવીય મૂલ્યોના પાઠ સુ કીને પોતાની માતા પાસેથી મળ્યા હતા. ભારતમાં તેમનું શિક્ષણ થયું તેથી આપણાં દેશ સાથે તેમનો એક વિશિષ્ટ સંબંધ પણ થયો. 

            ૧૯૬૨માં સુ કીની માતા ખિન કી પંડિત જવાહરલાલ નહેરુની શુભેચ્છા મુલાકાતે ગયા હતા. ત્યારે પુત્રી સુ કી પણ તેમની સાથે હતી. આ મુલાકાતના સમયે નહેરુજી સાથે ઇન્દિરા ગાંધી પણ હતા. ઇન્દિરાજીએ આ સમયે સુ કીને મહાત્મા ગાંધી વિશેનું એક પુસ્તક આપ્યું હતું. સુ કીને મહાત્માની ઓળખ તેમના અક્ષરદેહ સમાન પુસ્તકથી થઇ હતી. ગાંધીજીને વાંચ્યા પછી તેમના જીવન તથા વિચારોની સ્થાયી અસર સુ કીના જીવન ઉપર રહી હતી. મહાત્મા ગાંધીની અહિંસક સંઘર્ષની અસર સૂ કીના આંદોલનમાં પણ જોવા મળે છે.

         સુ કીના લગ્ન એક અંગ્રેજ મહાનુભાવ માઈકલ સાથે ૧૯૭૨માં થયા. ત્રણેક વર્ષ સુ કી એ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં નોકરી પણ કરી. સુવિધાપૂર્ણ જીવન જીવવાનો વિકલ્પ તેની પાસે હતો. પરંતુ મ્યાનમારના શોષિત લોકો તેને જાણે કે સાદ પડતા હતા. અંતે તેણે સંયુક્ત રાષ્ટ્રની સુવિધાપૂર્ણ નોકરી છોડી અને સ્વદેશ પરત આવી. બર્માના તે સમયના લશ્કરી શાસક જનરલ વિન ચાઈનાના ઈશારે ચાલનારા હતા. દેશમાં વિવિધ પ્રકારે સામાન્ય જનતાનું શોષણ થતું હતું. તકલીફના સમયમાં બર્માની પ્રજાની સાથે રહેવા માટે સુ કી પોતાના પતિ તેમજ બાળકોથી છૂટી પડી રંગુન જવા નીકળી. બીમાર માતાની પણ તેણે સંભાળ લેવાની હતી.

         સુ કીના આગમનથી બર્મામાં એક નવી ચેતનાનો સંચાર થયો. ઓગસ્ટ-૧૯૮૮માં એક વિશાળ રેલી મુક્તિની તેમજ લોકોના શાસનની માંગણી સાથે નીકળી. ગાંધીજીના રસ્તે સુ કી એ ચલાવેલી લડત શાંત તેમજ અહિંસક હતી. રંગુન શહેરમાં આ લોકશક્તિના નિદર્શનથી લશ્કરી અધિકારીઓ ડરી ગયા. લોકો પર જુલ્મો થયા. ગોળીબાર થયા. દુનિયાભરમાં બર્માની લડાઈ એક ચર્ચાનો વિષય બની. સુ કી શિસ્ત, એકતા તેમજ સવિનય કાનૂન ભંગના આગ્રહી રહ્યા છે. એક દુબળી-પાતળી સરળ સ્વભાવની મહિલા રાષ્ટ્રનેતા તરીકે ઉભરી આવી. ‘દાઉ-સૂ’ના નામથી સ્થાનિક લોકોમાં તે લોકપ્રિય બની. ૧૯૯૧માં આ લોખંડી મહિલાને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો. તે સમય તેઓ નજરકેદ હતા. સંઘર્ષનો અંત આવ્યા બાદ નવેમ્બર ૨૦૧૫થી સૂ કીનો પક્ષ સત્તાસ્થાને આવ્યો. જો કે લોકશાહી ધોરણે ચૂંટાયેલી સરકારને લશ્કરી અમલદારોએ ચાલવા ન દીધી. દાઉ-સૂનો સંઘર્ષ  સતત ચાલુ રહ્યો છે. આઠમી માર્ચ આવી અનેક સમર્પિત મહિલાઓને વંદન કરવાનો સુયોગ્ય દિવસ છે.

                                                  વસંત ગઢવી

તા.- ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨.   

Leave a comment

Blog at WordPress.com.

Up ↑