:સંસ્કૃતિ:: ડો. રામમનોહરલોહિયા: સમાજવાદનાતેજસ્વીસીતારા:

જહાં સબ સિર ઝુકાતે થે 

             વહાં ભી ઉસકા સિર ઊંચા ઉઠતા થા,

             જિધર રાહ નહિ હોતી થી

             ઉધર ભી વહ પૈર બઢ઼ાતા થા.

                  કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાએ લખેલા ઉપરના શબ્દો ડો. રામમનોહર લોહિયાના સંદર્ભમાં સંપૂર્ણ રીતે યથાર્થ છે. કોંગ્રેસ પક્ષની મજબૂત પક્કડ કેન્દ્ર તથા રાજ્ય સરકારો પર હતી. પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિભા દેશભરમાં  પ્રભાવી હતી. આઝાદીની સમગ્ર લડત મહદ્દ અંશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેજા હેઠળ લડવામાં આવી હતી. મહાત્મા ગાંધીની વિચારસરણી પર ચાલેલા આ સંઘર્ષની ગાથા અનેક રીતે વિશિષ્ટ હતી. આથી દેશ આઝાદ થયો ત્યાર પછી પણ આજ પક્ષની આણ કેન્દ્રમાં તેમજ રાજ્યોમાં પ્રસરેલી હતી. પરંતુ સમય જતા આ પક્ષના જ કેટલાક વરિષ્ઠ જનોને સિદ્ધાંતિક મતભેદને કારણે સાથે રહીને કામ કરવું મુશ્કેલ લાગ્યું. ડો. રામમનોહર લોહિયા તેમાના એક હતા. કોંગ્રેસમાંથી અલગ થયેલા કેટલાક નેતાઓએ સમાજવાદી પક્ષની સ્થાપના કરી. પક્ષનો આદેશ મળતા ડો. લોહિયાએ ૧૯૫૭ની લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું. હવે મતવિસ્તાર નક્કી કરવાની વાત આવી ત્યારે તેમણે ઉત્તર પ્રદેશની ફુલપુર બેઠકનો મતવિસ્તાર નક્કી કર્યો. ઘણા લોકોને આ સંસદીય મતવિસ્તારની પસંદગી માટે આશ્ચર્ય થયું. ઘણાંએ ઉપહાસ પણ કર્યો. તેનું કારણ એ હતું કે આ બેઠક પર પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ  નહેરુ ચૂંટણી લડતા હતા. પરિણામની કલ્પના કોઈ પણ માણસ કરી શકે તેવી સ્પષ્ટ હતી. પરંતુ સિદ્ધાંતો માટે બાઝી હારીને પણ હેતુ જાળવવાની કદાચ આ એક અનોખી રીત હતી. પત્રકારોને ફુલપુર મતવિસ્તારની પસંદગી સંદર્ભે તેમણે સમજાવ્યું કે ‘હારનાર તમામ ઉમેદવારોના દુઃખમાં સહભાગી થવા ઉભો છું.” ૩૦ હજાર મતથી ધારણા મુજબ તેમનો પરાજય થયો. પરાજયની કોઈ અસર તેમના પર ન થઇ. જે નક્કી કરેલું હતું તે મુજબ શાસક પક્ષ તેમજ સરકારની કામગીરી બાબતે તેમણે તર્કબદ્ધ દલીલો રજુ કરી અને લોકજાગૃતિ માટે વૈચારિક યુદ્ધને માધ્યમ બનાવ્યું. અહીં વ્યક્તિગત ટીકાને સ્થાન ઓછું હતું અને શાસન વ્યવસ્થાની ખામીઓ પર વિશેષ ધ્યાન હતું. ફરી ડો. લોહિયા આજ મતવિસ્તારમાં પંડિત નહેરુ સામે ૧૯૬૨માં લોકસભાની ચૂંટણી લડ્યા. ફરી પણ હાર થઇ. પરંતુ પ્રથમ પરાજયની સરખામણીએ આ વખતે લગભગ ૪૩ મતદાન મથકોમાં પંડિતજી કરતા વધારે મત મળ્યા. ૧૯૬૩માં ઉત્તર પ્રદેશના ફરુખાબાદ સંસદીય મત વિસ્તારમાંથી લોકસભાની પેરા ચૂંટણી ડો. લોહિયા લડ્યા. હરીફ ઉમેદવારને ૬૦,૦૦૦ જેટલા ભારે તફાવતથી ડો. લોહિયાએ હરાવ્યા અને દેશની લોકસભામાં ગૌરવભેર દાખલ થયા. સ્ટેટ્સમ્ને નામના અંગ્રેજી અખબારે લખ્યું: “A BULL IN  THE  CHINA SHOP ” સમાજવાદી પક્ષ તેમજ દેશના ઘણાં લોકોને ડો. લોહિયાના વિજયનો આનંદ થયો. પરંતુ સમાજવાદી પક્ષના કેટલાક નેતાઓને એક બાબત પસંદ ન પડી. લોહિયા લોકસભાની ચૂંટણીમાં આચાર્ય કૃપલાની તથા દીનદયાલ ઉપાધ્યાયનો પણ પ્રચાર કરવા ગયા. કેન્દ્રના એક સબળ પક્ષ સામે મજબૂત વિરોધપક્ષ ઉભો કરવાનું સ્વપ્ન ડો. લોહિયા સેવતા હતા. આ બાબત કેટલાક લોકોને સમજાવી તે મુશ્કેલ હતું. 

        લોકસભામાં ડો. લોહિયાના પ્રવેશ બાદ જાણે કે એક નૂતન સ્થિતિનું નિર્માણ થયું. કેન્દ્ર સરકાર તો મજબૂત હતી પરંતુ ગુણવત્તા આધારિત વિરોધનો સુર લોકસભાની ચર્ચાઓમાં ગાજતો થયો. ૨૧મી ઓગસ્ટ, ૧૯૬૩ના દિવસે આચાર્ય કૃપલાનીએ દેશના સંસદીય ઇતિહાસમાં પ્રથમ વખત અવિશ્વાસની દરખાસ્ત નેહરુજીના મંત્રીમંડળ સામે રજુ કરી. ડો. લોહિયાએ એક નવા ચૂંટાયેલા સાંસદ તરીકે સંસદમાં પોતાનું પ્રથમ પ્રવચન જુસ્સાભેર રજુ કર્યું. પ્રવચનમાં કેન્દ્ર સરકાર પર તર્કબદ્ધ અનેક આકરા પ્રહારો કર્યા. પ્રવચન અસરકારક હતું. ડો. લોહિયા એક વખણાયેલા વક્તા પણ હતા. અભ્યાસુ હતા. લોકસભાના પૂર્વ સચિવ ડો. સુભાષ કશ્યપે સંસદના ૧૦૦ શ્રેષ્ઠ પ્રવચનોમાં ડો. લોહિયાના આ પ્રવચનને સ્થાન આપ્યું છે. ડો. લોહિયા એક વિચારક તરીકે લોકસભામાં તેમના પ્રવચનોમાં હંમેશા ખીલી ઉઠ્યા હતા. અટલબિહારી બાજપાઈએ ડો. લોહિયા વિશે લખતા કહેલું છે કે તેઓ ‘ફક્કડ તથા મસ્તમૌલા ‘ હતા. બાજપાઈ તેમનો સમાવેશ ચિંતકોમાં કરે છે. 

  ડોક્ટર સાહેબના જીવન તેમજ ગતિવિધિઓની માહિતી અભ્યાસુઓ સુધી પહોંચે તે માટે સુંદર પ્રયાસ થયો છે. ડો. રામમનોહર લોહિયાના શતાબ્દી વંદના ગ્રંથનું અર્થપૂર્ણ સંકલન તેમજ સંપાદન આપણાં નિષ્ઠાવાન પત્રકાર દિગંત ઓઝાએ કરેલું છે. ગ્રંથનું પ્રકાશન નવભારત સાહિત્ય મંદિરે ૨૦૦૯માં કરીને ઉપયોગી કામ કર્યું છે. ગુજરાત સાથેનો ડો. લોહિયાનો એક વિશિષ્ટ સંબંધ પણ છે. ડોક્ટર સાહેબના પિતા હીરાલાલ લોહિયા ધારાસણા સત્યાગ્રહમાં જોડાયેલા હતા. ગાંધીજી પ્રેરિત આ સત્યાગ્રહમાં થયેલા પોલીસ દમનની જાણકારી તેમને પોતાના પિતા પાસેથી મળી હતી. 

      ડો. લોહિયાના બે પ્રેરણાસ્ત્રોત હતા: ગાંધીજી અને કાલ માર્ક્સ. આમ છતાં તેઓ કોઈ એક વિચારસરણીને જડતાથી કે બંધ આંખોએ વળગી રહેનાર ન હતા. એક વિચારક તરીકે ડો. લોહિયા સતત વિકસતા રહ્યા હતા. ડો. લોહિયા માટે કદાચ અદ્વિતીય કહી શકાય તેવી એક બાબત હતી કે તેમને પોતાનું કોઈ ઘર કહી શકાય તેવું સરનામું ન હતું. તેમનું કોઈ પરમેનેન્ટ અડ્રેસ ન હતું. લોકસભામાં ચૂંટાઈને આવ્યા બાદ તેમને સાંસદ તરીકે મકાન ફાળવવામાં આવ્યું. તેઓ આ સંદર્ભમાં રમૂજ કરતા કહેતા કે સમાજવાદી લોહિયા હવે પુંજીપતિ લોહિયા થઇ ગયા છે. ગાંધીજી સાથે અનેક બાબતોમાં વિચારભિન્નતા હોવા છતાં બાપુ તરફનો એમનો આદર હંમેશા રહ્યો હતો. ગાંધીજીની હત્યા થઇ ત્યારે પોતે ‘અનાથ’ થયા હોવાનું લોહિયા અનુભવતા હતા. ૨૩મી માર્ચ-૧૯૧૦માં ડોક્ટર સાહેબનો જન્મ થયો હતો. માર્ચ મહિનામાં આવા અસાધારણ વ્યક્તિત્વની સ્મૃતિ ઘણાંના મનમાં થતી હશે. સત્તા નહિ પરંતુ વ્યવસ્થા પરિવર્તનના આગ્રહી ડો. રામમનોહર લોહિયા એક આદર્શવાદી જીવન જીવી ગયા છે. 

વસંત ગઢવી 

તા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨

Leave a comment

Blog at WordPress.com.

Up ↑