સંસ્કૃતિ : અમીરશહેરનાફકીરબાદશાહ:ઇન્દુલાલયાજ્ઞિક:

  ફેબ્રુઆરી માસની ઠંડીમાં ઇન્દુચાચાની સ્મૃતિ એક ઉષ્માનો અનુભવ કરાવીને ગઈ. નેતાગીરીનો ઇન્દુચાચા જેવો અંદાજ ભાગ્યે જ જોવા મળે તેવો છે. દેશના તે સમયના સૌથી મોટા તથા મજબૂત પક્ષ સામે યુવાનોના બળ સાથે લડત માંડનાર ઇન્દુચાચા એક જુદા મિજાજના માનવી હતા. મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલ સ્વભાવનું વર્ણન કરતા લખે છે:

       “મારા વિશે કેટલાકને થાય છે કે જો હું સરખી રીતે ચાલ્યો હોત તો ઊંચો હોત. હનુમાનની માફક હૂપાહૂપ કરું છું તેથી કઈ મેળવી શકતો નથી. પરંતુ હું કાર્ય રાજકીય દ્રષ્ટિથી નહિ પરંતુ માનવતાની દ્રષ્ટિથી કરું છું…મારો ધર્મ બજાવવામાં અંતરાયરૂપ લાગતા મેં સંસ્થાઓ અને હોદાનો ત્યાગ કર્યો છે. હું મૂર્તિપૂજક નથી…પરંતુ છાતી ઠોકીને કહી શકું છું કે કદી રાજરજવાડા, જમીનદાર કે શેઠ શાહુકારની ગોદ કે ઓથ લીધી નથી.” આથી જ આ વણથાક્યા પથિકે કોંગ્રેસ છોડી ત્યારે સરદાર વલ્લભભાઈએ પૂછ્યું કે હવે શું કરશો? તેનો જવાબ વાળતા આ એકલવીર કહે છે: “હવે એકલા હાથે સેવા કરીશ.” ગમે તેવા તોફાની સમુદ્રમાં પણ પોતાની નાવ શ્રદ્ધા તથા નિષ્ઠાના બળે ઝુકાવનાર ઇન્દુચાચાની જીવનગાથા યુવાનોના ખમીરને પ્રગટાવે તેવી શક્તિશાળી તથા જ્વલંત છે. 

       લોકલાગણીના સિંહાસન પર બેસનાર ઈન્દુચાચાનું વ્યક્તિત્વ અન્ય લોકોથી નિરાળું હતું. આ નીડર તથા સાહસિક મહામાનવનું વ્યક્તિવ બહુઆયામી હતું. નાટકો-ફિલ્મોના ક્ષેત્રમાં તેમની કામગીરીની પણ એક અલગ કથા લખી શકાય તેવી ભાતીગળ છે. તેમનું ભાષા પરનું પ્રભુત્વ સાક્ષરોને પણ પ્રભાવિત કરે તેવું હતું. પોતાની આત્મકથા લખીને તેમણે આપણાં પર ઋણ ચડાવેલું છે. અરુણાબહેન મહેતા મેમોરિયલ ટ્રસ્ટ તેમજ શ્રી સનત મહેતાને કારણે તેનું સુંદર તથા આકર્ષક રીતે પુનઃ પ્રકાશન થઇ શક્યું છે. શ્રી સનતભાઇ લખે છે તેમ સત્તાએ કદી ઈન્દુચાચાને લોભાવ્યાં નથી. મહાગુજરાત આંદોલનના મજબૂત માધ્યમથી કરોડો ગુજરાતીઓના દિલ પર આ ફકીરે શાસન કરેલું છે. દેશ સ્વાધીન થયા બાદ એક મહાઆંદોલનને દિશા તથા નેતૃત્વ પૂરું પાડીને તેઓએ ઇતિહાસમાં પોતાનું અનોખું સ્થાન તથા આદર મેળવ્યા છે. મહાગુજરાત ચળવળની વિજયની ક્ષણે જ આ મહામાનવે જાહેર કર્યું કે મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે. આપણું ધ્યેય સત્તાપ્રાપ્તિનું નહિ પરંતુ મહાગુજરાતના નિર્માણનું હતું ! સત્તાની દેવીને કુમકુમ તિલક કરતા રોકીને ઈન્દુચાચાએ એક અદ્વિતીય ઇતિહાસનું સર્જન કર્યું. સત્તા, સવલતો કે પ્રતિષ્ઠાની પરવા કર્યા સિવાય એક ‘મિશનરી ઝીલ’ સાથે કામ કરતા ઈન્દુચાચાનું જીવન એ ગુજરાતના ઇતિહાસનું ઉજ્વળ પ્રકરણ છે. પોતાની જીવનકથાના નાયક પોતે નથી પરંતુ ગુજરાતની પ્રજા છે તેમ કહીને આ મહામાનવે જનતા જનાર્દન સાથેના પોતાના જોડાણને ઝળહળતું કરેલું છે.

     જેમની દ્રષ્ટિ સાફ હોય, જેમના હૈયે જન સામાન્યનું હિત કોતરાયેલું હોય તથા ‘ડગલું ભર્યું કે ના હઠવું’ જેવા શબ્દો જીવનમાં ઉતાર્યા હોય તેવા વીર પુરુષને સ્થળ કાળના બંધનો રોકી શકતા નથી. આ અર્થમાં કવિ શ્રી ઉમાશંકરે જેમને અમીર શહેરના ફકીર બાદશાહ તરીકે ઓળખાવેલા તેવા ઇન્દુચાચા ખરા અર્થમાં યાજ્ઞિક હતા. ઈન્દુચાચાના વંટોળિયા જેવા વ્યક્તિત્વથી ગુજરાત અંજાયેલું હતું તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. સાક્ષરોની પુણ્યભૂમિ નડિયાદમાં ઈ.સ. ૧૮૯૨ના ફેબ્રુઆરી માસની ૨૨ તારીખે તેમનો જન્મ થયો હતો

             ૧૯૨૯માં મહાત્મા કારાવાસમાં હતા. ‘યંગ ઇન્ડિયા’ના લખાણો માટે તેમને છ વર્ષની સજા થઇ હતી. આ સમયે મહાત્મા ગાંધી સાથે યરવડા જેલમાં રહેવાની તક ઇન્દુલાલને મળી. ગાંધીજીમાં તેમણે એક કર્મવીરના તમામ લક્ષણો જોયા. જેલજીવનમાં ગાંધીજીનો એક પ્રસંગ ઈન્દુચાચાએ પોતાની આત્મકથા(ભાગ-૬)માં ટાંક્યો છે. જેલમાં એક દિવસ આફ્રિકાના એક હબસીને સાંજના સમયે વીંછી કરડ્યો. ગાંધીજીએ તરત જ તેનો ઘા કાળજીથી ધોઈને તેમાંથી ઝેર ચૂસીને થુંકવા માંડ્યું. ઇન્દુચાચા કહે છે ગાંધીજીના આ સ્વરૂપને જોઈને હું તો દંગ થઇ ગયો. ગાંધીજી માટે અંતરમાં ઊંડો આદર હોવા છતાં મહાત્માની દરેક વાત વિચાર કર્યા સિવાય કે મુલવણી કર્યા સિવાય માનવાનું વલણ ઈન્દુચાચાનું ન હતું. ૧૯૨૪માં અમદાવાદમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં કોંગ્રેસના દરેક સભ્ય માટે કાંતવાનું ફરજીયાત કરવાના બાપુના આગ્રહ સામે તેમણે પોતાની અસંમતિ જાહેરમાં  વ્યક્ત કરી. ઈન્દુચાચાના મત મુજબ આ બનાવ બન્યા પછી તેમનો  ગાંધીજી સાથેનો સંબંધ ઓછો થયો હતો. વિચારક વ્યક્તિ એ કોઈ બાબતને જડતાથી વળગી રહેતી નથી. ગાંધીજીની જન્મ-શતાબ્દીએ મહાત્માને વંદન કરતા ઇન્દુચાચા કહે છે કે એ મહાત્માને, એ યુગપુરુષને નમન કરું છું. મહાત્માની આંખોમાં રહેલો જાદુ જગતના પાપ ભસ્મ કરવાની શક્તિ ધરાવતા હતા તેવી પ્રતીતિ ઈન્દુચાચાએ ૧૯૬૯માં કરેલા આકાશવાણી પરના પ્રવચનમાં વ્યક્ત કરી હતી. ઇન્દુચાચા ૨૨-૦૨-૭૦ના રોજ ૭૯માં વર્ષમાં પ્રવેશ્યા. આ દિવસે તેમણે હેરાલ્ડ લેસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં ગાંધીજી પર એક પ્રવચન આપ્યું. આ પ્રવચનમાં પણ તેમણે ગાંધી શતાબ્દીની ૧૯૬૯માં થયેલી ઉજવણી બાબત અસંતોષ વ્યક્ત કર્યો. “ગાંધી શતાબ્દી જે રીતે ઉજવવી જોઈતી હતી તે રીતે ઉજવાઈ નથી” તેવું તેમનું મંતવ્ય સકારણ હતું. ઠોસ પગલાં લેવાના કમિટમેન્ટ સિવાયની કોઈ કાગળ પરની ઉજવણીથી ઇન્દુચાચા જેવા મહામાનવને સંતોષ ન આવી શકે તે સ્વાભાવિક છે. ઝુઝારુ સ્વભાવના ઈન્દુચાચાએ પોતાની જે કઈ થોડી ઘણી મિલકત હતી તે વસિયતમાંનું કરીને મહા-ગુજરાત સેવા ટ્રસ્ટને અર્પણ કરી હતી. મહાગુજરાતની લડાઈને ઇન્દુચાચાની પ્રેરણાથી યુવાનોએ પોતાના મજબૂત ખભાઓ પર શ્રદ્ધાપૂર્વક ઉઠાવી હતી. નવનિર્માણ આંદોલનમાં જેમ લોકનાયક જયપ્રકાશ યુવાનોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમ મહાગુજરાતની લડતમાં ઇન્દુચાચા કેન્દ્સ્થાને રહીને ઝળહળ્યા હતા. ઇન્દુચાચા આપણું સામુહિક ગૌરવ છે. સાદગી તથા સાચી લાગે તે બાબત માટે છેક સુધી લડી લેવાની તેમની વૃત્તિનો જોટો જડવો મુશ્કેલ છે. 

વસંત ગઢવી

તા. ૦૮-ફેબ્રુઆરી-૨૦૨૨.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑