ભાવનગર રાજ્યના વિચક્ષણ તથા કાબેલ દીવાન તરીકે જેમનું નામ મશહૂર છે તેવા સર પ્રભાશંકર પટ્ટણી ૧૯૩૮માં બીમાર હતા. જો કે ગાંધીજી પરત્વેના આકર્ષણને કારણે તેઓ હરિપુરા જવા માંગતા હતા. ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં હરિપુરાનું કોંગ્રેસ અધિવેશન એક ઐતિહાસિક ઘટના હતી. આ મહાસભામાં અધ્યક્ષસ્થાને તે સમયના સૌથી વધારે લોકપ્રિય નાયક સુભાષચંદ્ર બોઝ હતા. સુરત જિલ્લામાં તાપી નદીના તટ પર આવેલું હરિપુરા ગામ તથા આસપાસનો સમગ્ર વિસ્તાર નેતાજી સુભાષબાબુને આવકારવા થનગનતો હતો. નેતાજીનું સ્વાગત પણ હરિપુરામાં ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. નેતાજીના પગલાં ભવિષ્યમાં ગુજરાતની ધરતી પર પડવાના નથી તે વિધિનું નિર્માણ હતું. આથી નેતાજી સાથેનો ગુજરાતનો આ અંતિમ સુયોગ હતો. ફેબ્રુઆરી ૧૯૩૮ના મધ્યનો આ સમય હતો. (૧૬-૧૭ ફેબ્રુઆરી) સર પ્રભાશંકર પટ્ટણી નાદુરસ્ત તબિયત છતાં હરિપુરા જવા માંગતા હતા. આ હેતુ માટે તેમણે ખાસ એરક્રાફ્ટની વ્યવસ્થા ભાવનગર રાજ્યના સહયોગથી કરી હતી. પરંતુ પટ્ટણી સાહેબને ગાંધીજીનો એક ટેલિગ્રામ મળ્યો. આ ટેલિગ્રામમાં ગાંધીજીએ સર પટ્ટણીને હરિપુરા મહાસભામાં ન આવવા માટે વિનંતી કરી હતી. સર પટ્ટણીએ મિત્ર સમાન ગાંધીજીની સલાહ માન્ય કરી હતી. આ વાત મુકુન્દરાય પારાશર્યના વિદ્વાન પુત્ર પિયુષ પારાશર્ય તરફથી જાણવા મળી છે. જો કે ભાવનગરના રાજ્યના પ્રતિનિધિ તરીકે ભક્ત કવિ શ્રી દુલા કાગે હરિપુરા મહાસભામાં ભાગ લીધો હતો. સભાની શરૂઆતમાં જ કવિશ્રી એ પોતાની સુપ્રસિદ્ધ રચના ‘મોભીડ઼ો’ રજુ કરી હતી. આ કાવ્ય રચના થકી થયેલી ગાંધીગુણની વાતો યથાર્થ છે. રચના ખુબ જાણીતી પણ થવા પામી છે.
સો સો વાતુંનો જાણનારો
મોભીડ઼ો મારો ઝાઝી વાતુંનો
જાણનારો.
ડગલે ડગલે હાલ્યા કરે છે
ઊંચાણમાં નહિ ઊભનારો,
ઢાળ ભાળીને સૌ દોડવા માંડે
ઢાળમાં નહિ દોડનારો…ગાંધી મારો….
ગુજરાતનું એ સદ્ભાગ્ય છે કે પૂર્વ ભારતના બે વૈશ્વિક કક્ષાના મહાનુભાવો- સ્વામી વિવેકાનંદ તેમજ નેતાજી બોઝ- તેમના જીવનના મહત્વના કાળે ગુજરાતની ધરતી પર વિચર્યા હતા.
જાન્યુઆરી-૧૯૩૮માં નેતાજી સુભાષચંદ્ર બોઝની પસંદગી કોંગ્રેસ પ્રમુખ તરીકે કરવામાં આવી. જીવનના ચાર દાયકા પણ જેણે વટાવ્યા નથી તેવા યુવાન માટે કોંગ્રેસ જેવી વિશાળકાય સંસ્થાના પ્રમુખપદે આવવું તે એક અસાધારણ ઘટના છે. ગાંધીજીની ઉપસ્થિતિમાં પણ નેતાજીની આ લોકપ્રિયતા નોંધપાત્ર છે. જો કે અનેક વિષયો તેમજ કાર્યપદ્ધતિમાં ભિન્નતા હોવા છતાં બંને વચ્ચેનો સ્નેહદર હંમેશા જીવંત રહ્યો હતો. બંગાળના એક તેજસ્વી યુવાને આઈ.સી.એસ. જેવી સર્વોચ્ચ સનદી સેવામાંથી રાજીનામુ આપ્યું છે. આ યુવાન હવે દેશસેવાના કામમાં પોતાને જોડવા માટે છે. આ બંને સમાચારોએ પરાધીન દેશના અનેક યુવાનોને મનમાં નવી આશા તેમજ ઉત્સાહનો સંચાર કર્યો. વાત પણ દમદાર હતી. આજથી સો વર્ષ પહેલા પરાધીન દેશનો કોઈ હોનહાર યુવાન અંગ્રેજ પ્રજાને પણ જેનો વ્યામોહ રહેતો હતો. તેવી સેવામાં સ્વબળે મેરીટ્સમાં ચોથા ક્રમે પસંદગીને પાત્ર બને તે કલ્પનાતીત બાબત છે. ભવ્ય પરિણામથી સહેજ પણ ચલિત થયા સિવાય યુવાન સુભાષબાબુ વિચારે છે કે આઈ.સી.એસ.ની નોકરીની શરતોને સ્વીકારીને ચાલવું તે દેશના સંજોગો જોતા અપ્રાસંગિક છે. સુભાષને અરવિંદ ઘોષની પુણ્ય સ્મૃતિ થાય છે. એ સાથે જ મહર્ષિ અરવિંદે બતાવેલા માત્ર ત્યાગના પંથે જવાનો ઐતિહાસિક નિર્ણય કરે છે. સુભાષબાબુનો આ ત્યાગ જેનું જવલ્લે જ જોવા મળે તેવું ઉજળું ઉદાહરણ છે. કેમ્બ્રિજ જેવી ઇંગ્લેન્ડની સુપ્રસિદ્ધ યુનિવર્સીટીમાંથી તેઓ સ્નાતક પણ થયા. આઈ.સી.એસ.માંથી રાજીનામુ આપનાર પ્રથમ ભારતીય બન્યા. કોઈપણ જાતની સ્પૃહા સિવાય માતૃભૂમિ માટે મારી ફીટવાની તમન્ના સાથે ૨૪ વર્ષના તેજસ્વી યુવાને જુલાઈ-૧૯૨૧માં હિન્દુસ્તાન તરફની મુસાફરી શરુ કરી.
હિન્દુસ્તાનમાં આવ્યા પછી દેશસેવા કેવી રીતે અને કયા માર્ગે કરવી તે પ્રશ્ન તો મનમાં હતો જ. દેશમાં ૧૯૧૫ પછી મહાત્મા ગાંધીની છાપ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળ પર મજબૂત અને ઊંડી હતી. દેશમાં આવ્યા પછી સૌ પ્રથમ સુભાષબાબુ મહાત્મા ગાંધીને મુંબઈમાં મણીભુવનમાં મળ્યા. મહાત્માથી ઉંમરમાં ત્રણેક દાયકા નાના એવા સુભાષબાબુ પરદેશી પોશાકમાં સુસજ્જ હતા. જાડી તેમજ ખરબચડી ખાડીમાં વીંટળાયેલા ગાંધીના બાળસહજ સ્મિતથી નિઃસંકોચ થયા અને વિચારોની આપ-લે થઇ. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમની ઠંડી તાકાતથી સુભાષબાબુ પ્રભાવિત ન થયા. વિચક્ષણ ગાંધીજીએ સુભાષબાબુને કલકત્તા જઈ ચિત્તરંજન દાસનું માર્ગદર્શન પણ મેળવવા જણાવ્યું. ચિત્તરંજન બાબુ બંગાળના તે સમયના સૌથી લોકપ્રિય નેતા હતા. સુભાષબાબુને તેમનું માર્ગદર્શન પસંદ પડ્યું હતું. નેતાજી બાપુને ૧૯૨૧થી ૧૯૪૦ (વર્ધા: છેલ્લી મુલાકાત) સુધીમાં અનેક સમયે મળ્યા. ૧૯૩૯માં નેતાજીએ ગાંધીજી સાથેના મતભેદ છતાં થોડા યાદગાર વાક્યો કહ્યા. નેતાજી કહે છે:
“અનેક વિષયોમાં હું મહાત્મા ગાંધી સાથે એકમત નથી તો પણ તેમના વ્યક્તિત્વ વિષે મારો આદર કોઈથી પણ ઉતરતો નથી. બીજા સર્વ લોકોનો વિશ્વાસ મેળવવામાં સફળ થાઉં અને ભારતના શ્રેષ્ઠ માનવનો વિશ્વાસ ન મેળવી શકું તો મારા માટે એ કારી ઘા બની રહે.” સામા પક્ષે મહાત્માએ પણ દરેક સમયે નેતાજીની દેશદાઝની ખુલ્લી સરાહના કરી છે. ભિન્ન માર્ગના આ મહાન પ્રવાસીઓનું લક્ષ એક જ હતું. દેશની મુક્તિ માટે બંનેનાં જીવન સમર્પિત થયા હતા.
૨૬ જાન્યુઆરી ૧૯૪૧ના દિવસે કલકતાની એક અદાલતમાં કેદી સુભાષના નામનો પોકાર થયો. કેસ આગળ ચલાવવાનો હતો. થોડીવાર પછી વિલાયેલા મ્હોંએ સરકારી વકીલે અદાલતને જણાવ્યું:”આરોપી ગુમ થયા છે.” તેજલીસોટાની જેમ એક પ્રચંડ સત્તાને હચમચાવી નેતાજી મા ભોમની મુક્તિનો માર્ગ શોધવા “સુજલામ સુફલામ” ભૂમિથી દૂર-સુદૂર નીકળી ગયા. નેતાજીની સવાસોમી જન્મ-જયંતિ(૧૮૯૭-૨૦૨૨) પ્રસંગે આવા અદ્દિતિય વીરપુરુષને નમન કરવાનો સમય છે. તેમની વીરતા એ પ્રેરણાના અખૂટ સ્ત્રોત સમાન છે.
Leave a comment