ગુજરાત પોતાના સાહસિક તથા સફળ ઉદ્યોગપતિઓ વિષે ગૌરવનો અનુભવ કરે તો તે અસ્થાને નથી. અંબાલાલ સારાભાઈ જેવા ઉદાર દ્રષ્ટિબિંદુવાળા ઉદ્યોગપતિએ મહાત્મા ગાંધી જેવા વિશ્વપુરુષને વણમાગી સહાય પુરી પડી હતી. મજુર કારીગરોનું હિત જોઈને લડતા પોતાના બહેન અનસૂયાબહેન તરફ કોઈ કડવાશનો ભાવ તેમના મનમાં કદી આવ્યો ન હતો. શિક્ષણના ખેરખાં ગણી શકાય તેવા ડો. પી. સી. વૈદ્ય, ડોલરરાય માંકડ કે દિલાવરસિંહજી જાડેજા એવા અનેક શિક્ષણશાસ્ત્રીઓએ ગુજરાતના શિક્ષણ કાર્યને અનોખું ગૌરવ પ્રદાન કરેલું છે. કવિ દલપતરામથી શરૂ કરી છેક નિરંજન ભગત સુધીના યશનામી કવિઓએ માત્ર રાજ્યના જ નહિ પરંતુ દેશના સાહિત્યમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપેલું છે. સામાજિક સેવાના ક્ષેત્રમાં રવિશંકર મહારાજથી નારાયણ દેસાઈ જેવા સમર્પિત લોકોએ માર્ગદર્શક બની રહે તેવું કાર્ય કરેલું છે. આ બધા ક્ષેત્રો સાથે રાજકીય બાબતોમાં પણ ગુજરાતે દેશને તથા રાજ્યને દોરવણી આપી શકે તેવા આગેવાનોની ભેટ સમાજને ચરણે ધરી છે. આવા અગ્રણીઓમાં સરદાર સાહેબ પછી મોરારજી દેસાઈ તથા ડો. જીવરાજ મહેતા સાથે જ બાબુભાઇ જશભાઈ પટેલનું નામ નજર સમક્ષ તરત જ આવે છે. બાજ પટેલના નામથી વ્યાપક લોકપ્રિયતા તથા લોકસ્વીકૃતિ ધરાવતા બાબુભાઈનો જન્મ તા. ૦૯.૦૨.૧૯૧૧ ના રોજ થયો હતો. આથી ફેબ્રુઆરી માસમાં આ શીલવાન તથા સાધુ રચિત મોવડીનું વિશેષ સ્મરણ થવું તે સ્વાભાવિક છે. ભલે તેઓ આજે આપણી વચ્ચે ન હોય પરંતુ તેઓની વિસ્મૃતિ થવી મુશ્કેલ છે. ચુનીભાઈ વૈદ્ય કહે છે તેમ બા. જ. જેવા શીલવાન વ્યક્તિઓનું મરણ ન હોય, તેમનું સદા સ્મરણ જ હોય.
ગુજરાત વિધાનસભાના ગૌરવશાળી અધ્યક્ષો પૈકીના એક કચ્છના કુંદનલાલ ધોળકિયા બા. જ. માટે લખે છે કે સામાન્ય રીતે ગંભીર લાગતા બાબુભાઇ વિનોદી હતા. જો કે તેઓના સ્વભાવનું આ સ્વરૂપ બહુ જાણીતું નથી. તેઓ કોઈની મિમિક્રિ પણ કરતા અને પેટભરીને સૌને હસાવતા રહેતા હતા. કુન્દનભાઈ લખે છે કે ગાંધીનગરના તેમના નિવાસસ્થાને તેમણે મુખ્યમંત્રી બાબુભાઈને તથા તેમના કેટલાક મંત્રીઓને જમવા માટે બોલાવ્યા હતા. જમ્યા પછી થોડીવારે સૌ જવા માટે નીકળવા લાગ્યા ત્યારે કુન્દનભાઈએ સૌને થોડીવાર માટે થોભી જવા માટે કહ્યું. કારણ એવું હતું કે કેટલાક ડ્રાઈવરો હજુ જમતા હતા. ઉતાવળ થાય તો ડ્રાઈવરો શાંતિથી ભોજન ન કરી શકે તેવી ધાસ્તી કુન્દનભાઈને હતી. પરંતુ જયારે બીજા બધા કુન્દનલાલના કહેવાથી થોભ્યા ત્યારે બાબુભાઇ જવા લાગ્યા. કુન્દનભાઈ સમક્ષ સ્પષ્ટતા કરતા તેઓ જણાવે છે કે ડ્રાઈવરે જમી લીધું છે. કુન્દનભાઈને બાબુભાઈની આવી ઉતાવળ સહજ ન લાગી એટલે બાબુભાઈએ હસતા ચહેરે સ્પષ્ટતા કરી કે તેઓ જાતે જ ગાડી ચલાવીને આવ્યા છે અને તેથી “ડ્રાઈવરે જમી લીધું છે.” સૌ આ હળવા વિનોદથી હસી પડ્યા. વર્તનમાં સામાન્ય માણસ જેવી તથા જેટલી જ સહજતા પરંતુ કામમાં નિષ્ઠા અને ઉચ્ચ બુદ્ધિમત્તા એ બા. જ. ના જન્મથી જ પ્રાપ્ત કવચ-કુંડળ સમાન હતા. તેમના જીવનમાં સહેજ પણ બાહ્ય આડંબર કે કૃત્રિમ વર્તન જોવા પણ મળતા ન હતા. બાબુભાઈને “ગુજરાતના લાલબહાદુર શાસ્ત્રી” તરીકે કુન્દભાઈ ધોળકિયા ઓળખવે છે. તે યથાર્થ છે. દરેક બાબતમાં પ્રજાભિમુખ નિર્ણય એ બા.જ. ના તમામ નિર્ણયોમાં કેન્દ્રસ્થાને રહેલો અભિગમ છે. સાડા છ દાયકાનું તેમનું જાહેરજીવન નિષ્કલંક તથા અર્થસભર રહ્યું. માત્ર અઢાર વર્ષની વયે તેમનું લગ્ન લીલાબહેન સાથે થયું. લીલાબહેને ૧૯૭૩માં ચિરવિદાય લીધી. સાડા ચાર દાયકાના આ મધુર દામ્પત્ય જીવનમાં લીલાબહેન પૂર્ણતઃ બાબુભાઈને અનુકૂળ થઈને રહ્યા. અભાવ કે અગવડની કોઈ ફરિયાદ તેમણે કદી કરી નહિ.
બા. જ. તથા સરદાર પટેલનું મિલન એ પણ એક યોગાનુયોગ બનેલી ઘટના છે. આમ તો બંને એક જ વિસ્તારના પરંતુ તેમનું પ્રથમ મિલાન સ્થાન એ મુંબઈ રહ્યું. મુંબઈમાં ભુલાભાઇ દેસાઈના બંગલે ભૂલાભાઈએ બાબુભાઈની ઓળખાણ સરદાર પટેલ સાથે કરાવી. માણસને પારખી લેવાની સરદારની શક્તિને કારણે તેમને જાહેર જીવનમાં બાબુભાઈની ઉપયોગીતા જણાઈ આવી. ૧૯૩૭ની બ્રિટિશ સત્તાની દેખરેખ હેઠળ થયેલી ધારાસભાની ચૂંટણીમાં નડિયાદની બેઠક માટે બધાના આશ્ચર્ય વચ્ચે સરદાર પટેલે બાબુભાઈને પસંદ કર્યા. માત્ર ૨૬ વર્ષની વયે બાબુભાઈએ મુંબઈ ધારાસભામાં ગૌરવભેર પ્રવેશ કર્યો. બાબુભાઇ તેમની અભ્યાસુ વૃત્તિ માટે જાણીતા હતા. આથી તે સમયના મુંબઈના પંતપ્રધાન કહેવાતા. બાળા સાહેબ ખરેના વિશ્વાસુ સાથી બની રહ્યા. યુવાન વયમાં જ તેઓ મુખમંત્રીના સંસદીય સચિવ બન્યા. મુંબઈની આ ઐતિહાસિક ધારાસભામાં ડો. બાબાસાહેબ તેમજ લીલાવતી મુન્શી જેવા સુવિખ્યાત ધુરંધરો હતા. ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરુ થતા જ બ્રિટિશ સરકારની યુદ્ધનીતિના વિરોધમાં બધી જ પ્રાંતીય સરકારોએ રાજીનામાં આપી દીધા.
ગુજરાતના નવા પાટનગર તરીકે ગાંધીનગરની પસંદગી થઇ ત્યારે ગાંધીનગર ખરા અર્થમાં ધૂળની ડમરીઓથી છલકતું ‘આંધીનગર’ હતું. આજે જયારે નાનો એવો પ્લોટ પણ ઊંચી કિંમતે જોતા ગાંધીનગરમાં કોઈ મધ્યમ વર્ગની વ્યક્તિ ખરીદી ન શકે તેવા નગરમાં કોઈ રહેવા જવા કે સ્થાયી થવા તૈયાર ન હતા. આવા પડકારરૂપ સમયે બાંધકામ તથા પાટનગર યોજનાની જવાબદારી સંભળાતા બાબુભાઈએ જાતે રસ લઈને આ શહેરનો સર્વાંગી વિકાસ કર્યો. ગાંધીનગરને વસાવનારાઓ એવા પાયાના પથ્થરોમાં હિતેન્દ્ર દેસાઈ ઉપરાંત બા. જ. પટેલ હતા. અનેક દીર્ઘદ્રષ્ટિવાળા અધિકારીઓએ પણ પાટનગરના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. સરદાર સાહેબની મક્કમતા, ભાઈકાકાનું આયોજન તથા રવિશંકર મહારાજની સઁવેદનશીલતાના ઉમદા ગુણોનું મિશ્રણ બાબુભાઈમાં હતું.
સમાજ માટે આદર્શરુપ ગણાય તેવું જીવન બા. જ. જીવીને ગયા. જાહેર જીવનને પ્રાણવાન, કાર્યક્ષમ તથા ભભકા રહિત બનાવવા માટે તેમાં પ્રયાસો ગાંધીજીની નીતિને અનુરૂપ રહ્યા. ત્યાગીને ભોગવી જવાનો માર્ગ બાબુભાઈએ અપનાવ્યો અને એક યશનામી જીવન જીવીને વિદાય થયા.
Leave a comment