: સંસ્કૃતિ : : ભગવાનલાલ ઇન્દ્રજી : પુરાતત્વ વિદ્યાના દિગ્ગજ : 

પુરાતત્વ વિદ્યાના ભારતના આદિપુરુષ ગણાય તેવા ભગવાનલાલ ઇન્દ્રજીની જન્મજયંતિ હમણાંજ નવેમ્બરમાં ગઇ. કદાચ કેટલાક લોકો આ મહાનુભાવના નામથી પરીચિત ન પણ હોય. પરંતુ ગુજરાતે પોતાના આ પનોતા પુત્રને વિશેષ ઓળખવા જેવા છે. ભગવાનલાલ પોતાના વિશે વાત કરતા કહે છે કે તેઓ જૂનાગઢથી વહેલી સવારે નિયમિત તથા સમયસર નીકળી જતા હતા. શિલાલેખોનો ખજાનો સાચવીને બેઠેલા ગરવા ગિરનારની તળેટીનું તેમને સહજ તથા અદમ્ય આકર્ષણ હતું. ઇસુ ખ્રિસ્તના લગભગ ત્રણસો વર્ષ પહેલા મહાન સમ્રાટ અશોકે ગિરનારના ખડક પર ૧૪ આદેશ લેખો કોતરાવ્યા. ત્યારબાદ બીજા બે અભિલેખો સંદગુપ્તે કોતરાવ્યા. રૂદ્રદામા અભિલેખના લેખ મુજબ ચન્દ્રગુપ્ત મૌર્યના ગવર્નર પુષ્પગુપ્તે સુદર્શન તળાવ ખોદાવ્યું અને જૂનાગઢ તરીકે આજે ઓળખાતા નગરને ગિરિનગર નામ આપ્યું. જૂનાગઢથી નીકળી ભગવાનલાલ પરોઢે ચાર વાગ્યાના સુમારે રૂદ્રદામાના અભિલેખ પાસે પહોંચી જતા હતા. સાંજે છેક સૂર્યાસ્ત સુધી શિલાલેખના એક એક શબ્દને ઉકેલવાની કોશિષ કરતા હતા. શબ્દો ઉકેલી તેઓ સૂઝ તથા ઉકલતથી શબ્દો – વાક્યોની ગોઠવણી કાળજીથી કરતા હતા. આપણે ત્યાંની સામાન્ય પ્રથા મુજબ જૂનાગઢના કેટલાક લોકો અંદરોઅંદર ભગવાનલાલના આ નિત્યક્રમ અંગે ગુપસુપ કરતા હતા. તે લોકોને શંકા હતી કે ભગવાનલાલ કોઇ ગુપ્ત ખજાનો શોધી કાઢવા જીનની સાધના કરી રહ્યા છે ! ભગવાનલાલ આ લોક ચર્ચાથી નિર્લેપ હતા. તેમનું સમગ્ર ધ્યાન પોતાના પડકારરૂપ કાર્યમાં હતું. ધીમે ધીમે તેઓ સતત અભ્યાસને કારણે શિલાલેખો ઉકેલી શક્યા. તેમની કાર્ય કરવાની લગન તથા આત્મવિશ્વાસ આથી બેવડા થયા. પ્રાચીન લિપિ ઓળખવાના મુશ્કેલ કામમાં સફળ થયેલા આપણાં આ આદિપુરુષ છે.

ભગવાનલાલનો જન્મ ૧૮૩૯માં થયો હતો. (૧૮૩૯ થી ૧૮૮૮) જે જ્ઞાતિમાં પ્રભાશંકર પટ્ટણી જેવા દિગ્ગજનો જન્મ થયો હતો તે  પ્રશ્નોરા નાગરની જ્ઞાતિમાંજ ભગવાનલાલનો જન્મ જૂનાગઢમાં થયો હતો. ભગવાનલાલનું શિક્ષણ પરંપરાગત રીતે શાળામાં થયું હતું. તેઓ સંસ્કૃતપણ સારી રીતે શીખ્યા હતા. ૧૪ વર્ષની કુમળી વયે તેઓએ ગિરનારના ખડકોની પ્રાચીન લિપિ ઉકેલવાનું શરૂ કર્યું હતું. પરિસ્થિતિની પ્રતિકૂળતા કે મર્યાદિત સાધનો છતાં તેઓ પોતાના લાઇફ મીશનમાં દ્રઢ અને નિર્ણયાત્મક હતા. આ વાત કરતા આવા એક બીજા વનસ્પતિશાસ્ત્રી કચ્છના જયકૃષ્ણ ઇન્દ્રજીની સ્મૃતિ થાય છે. બન્ને એકબીજાથી પરિચિત હતા. અંગ્રેજીનું જ્ઞાન નબળું હોવા છતાં આ બન્ને નિષ્ણાતો તેમના જ્ઞાનના બળે વ્યાપક સ્વીકૃતિ મેળવી શક્યા હતા.

ભગવાનલાલ ઇન્દ્રજીની આ કથા પ્રકાશમાં લાવવા માટે વીરચંદ ધરમસી (મુંબઇ)ને ધન્યવાદ આપવા જોઇએ. વીરચંદભાઇને ફાર્બસ સભાની હસ્તલિખિત પુસ્તકોની એક યાદી રદૃી કહેવાય તેવા પુસ્તકો વેચવાની લારી પરથી મળી. તેમાંથી ભગવાનલાલજીની નોંધો મળી અને આ અભ્યાસ – સંશોધનનું કામ શરુ થયું. ભગવાનલાલજીના લખાણો ગોઠવીને તેનું પ્રકાશન થયું. ત્યારબાદ ભગવાનલાલ પરના એક અંગ્રેજી પુસ્તકનું ગુજરાતીમાં પ્રકાશન કાર્ય દર્શક ઇતિહાસ નિધિએ કર્યું. જે અભિનંદનને પાત્ર છે. (૨૦૧૨) રંગદાર પ્રકાશને તેના વિતરણનું કાર્ય સંભાળ્યું. 

આપણે ત્યાં બ્રિટીશ શાસન દરમિયાન ફાર્બસ જેવા અધિકારીઓએ આપણાં દેશની સંસ્કૃતિ, સાહિત્ય તથા શિલ્પમાં ઊંડો રસ લીધો. ફાર્બસ સાહેબ અભ્યાસુ હતા. કવીશ્વર દલપતરામની મદદથી રાસમાળાની તેમણે રચના કરી હતી તે જાણીતી હકીકત છે. ભગવાનલાલના કાર્યને જોતાંજ કાબેલ અંગ્રેજ અમલદાર તેની ગુણવત્તાથી આકર્ષિત થયા. ફાર્બસ ભગવાનલાલની શક્તિથી ક્રમશ: વિશેષ પ્રભાવિત થયા. ભગવાનલાલને તેમના કાર્યમાં સહાય મળે તે માટે તેમણે તેમની ભલામણ ડૉ. ભાઉ દાજીને કરી. ડૉ. ભાઉ દાજી (૧૮૨૪-૧૮૭૪) મુંબઇના સુપ્રસિધ્ધ સર્જન હતા. સાંસ્કૃતિક તથા સામાજિક બાબતોમાં તેઓ સક્રિય હતા. અહીંથી ભગવાનલાલના કાર્યને એક નવી દિશા મળી.

સ્વયં કુશળતાથી ભગવાનલાલ ૨૦ વર્ષની વયે અભિલેખોને ઉકેલનાર બની ગયા હતા. પરંતુ જૂનાગઢના તેમના રહેણાંક અને મર્યાદિત સાધનોને પરિણામે તેમની જે શક્તિઓ હતી તેની જાણ ઓછા લોકોને થઇ હતી. ત્યારબાદ ડૉ. ભાઉ દાજીના નિમંત્રણથી તેઓ ૧૮૬૧માં મુંબઇ આવ્યા. ભગવાનલાલે જે કાર્ય એકલપંડ વર્ષોથી કર્યું હતું તેનાથી ડૉ. ભાઉ દાજી ખૂબ પ્રભાવીત થયા. પંડિત ભગવાનલાલનું જીવનચરિત્ર દુર્ગાશંકર શાસ્ત્રી નામના એક વિદ્વાને લખ્યું હતું. તેમાં ભગવાનલાલનો જૂનાગઢથી મુંબઇ સુધીના પ્રવાસનું વર્ણન સાંભળતા આજના સંદર્ભમાં ખૂબ આશ્ચર્ય થાય તેવું છે. સાંપ્રતકાળની સ્થિતિનું તેમાં પ્રતિબિંબ પડે છે. 

‘‘ અમદાવાદ સુધી તેઓ બળદગાડીમાં ગયા. અમદાવાદથી વલસાડ નવીજ શરૂ થયેલી ટ્રેઇનમાં ગયા. વલસાડથી પગરસ્તે સામાન પોઠિયા પર ચડાવી એક સિપાઇ સાથે નાસિક ગયા. ત્યાંથી રેલ્વેમાં બેસી મુંબઇ ગયા. સોળ દિવસની આ યાત્રા આ રીતે પૂરી થઇ. ’’

ભગવાનલાલની પ્રસિધ્ધિ ક્રમશ: તેમના કામની ગુણવત્તાના કારણે વધતી રહી. હવે તેઓ દેશ વિદેશના પ્રવાસને કારણે જાણીતા બન્યા હતા. આ સ્વીકૃતિની ચરમસીમા તરીકે તેમને લંડનની રોયલ સોસાયટીએ ફેલો તરીકે ચૂંટ્યા. જે કોઇપણ એશીયન માટે મોટા ગૌરવ તથા સ્વીકૃતિની બાબત હતી. યુરોપની લેઇડન યુનિવર્સિટીએ તેમને માનદ્દ ડૉક્ટરેટની પદવી એનાયત કરી. યુરોપમાં આવું માન પ્રાપ્ત કરનારા ભગવાનલાલ પ્રથમ ભારતીય હતા. સંશોધનની આ યાત્રા તો અવિરત ચાલતી રહેશે. ભવિષ્યના અનેક સંશોધકોને ભગવાનલાલ ઇન્દ્રજીનું જીવન પ્રેરણાદાયક બની રહે છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૬/૧૨/૨૦૨૧. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑