‘‘દાન અલગારી’’ જેવા વિદ્યાના ઉપાસક અને જાણતલ આપણી વચ્ચેથી લાંબા ગામતરે ગયા તેનો આઘાત અનેક સાહિત્ય પ્રેમીઓએ હાડોહાડ અનુભવ્યો. તખતદાન રોહડિયા નામધારી આ કવિને જગત દાન – અલગારી તરીકે ઓળખે છે અને ચાહે છે. કવિ આ જગતમાં રહેતા હોવા છતાં જાણે આ દુનિયાના માણસજ ન હતા. રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં તા.૨૮/૧૨/૨૦૧૭ના રોજ પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં દાન-પ્રેમી ભાવકો મળ્યા. દાનને અંતરથી શ્રધ્ધાંજલિ આપતા અનેક આંખો ભીની થઇ. પૂ. બાપુએ દાન અલગારીને ભાવપૂર્વક શ્રધ્ધા સુમન અર્પણ કર્યા. દાન અલગારી તરફ અનેક સાહિત્યપ્રેમીઓએ દર્શાવેલો સ્નેહ ભાગ્યેજ જોવા મળે તેવી ઘટના છે. જગતે જે અનેક ચીજોને બાતલ ગણી – નિરથર્ક ગણી તેવી બાબતોને જીવનમાં સ્વેચ્છાએ સામીલ કરીને દાન થોડું નોખું તથા નિરાળું જીવતર જીવી ગયા. એમના જીવનનું ગણિત જાણે કે જૂદુંજ હતું. જગતના કહેવાતા વ્યવહારું ડહાપણમાં બાંધી શકાય તેવા આ ‘દાન’ ન હતા.
દાન અલગારી જીવનની અનેક વિષમતાઓ વચ્ચે પણ દુષ્કાળમાંયે ડૂકે નહિ તેવી અનેરી મોજનું દર્શન કરી – કરાવીને ગયા. જીવન મળ્યું છે તે તો કુદરતની અમૂલ્ય દેન છે. આથી આ જીવતર તો મોજનો – આનંદનો દરિયો છે તેવો સંદેશ કવિ દાન અલગારીની નીચેની અમર થવા સર્જાયેલી રચનામાં ધબકતો દેખાય છે. અલખ ધણીની ખોજનું મૂળ એતો મોજમાં – મસ્તીમાં રહેલું છે તેવી કવિની વાત અનેક લોકોએ ખોબે અને ધોબે વધાવી લીધી છે.
મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું રે
ગોતવા જાવ તો મળે નહિ ગોત્યો ગહન ગોવિંદો રે
ઇ હરિભક્તોના હાથ વગો છે પ્રેમ પરખંદો રે
આવા દેવને દીવો કે ધૂપ શું દેવા
દિલ દઇ દેવું રે.. મોજમાં રેવું..
આપણાં લોકસાહિત્યનું આકર્ષણ સમગ્ર સમાજને નિરંતર રહેતું આવેલું છે. તેમાં કદી ઓછપ આવી નથી. તળના આ સાહિત્ય સાથેનો લોકોનો લગાવ વધતો હોય તેમ પણ જણાય છે. આમ થવાના અનેક કારણો હશે તેમ માની શકાય. આવા કારણો પૈકી એક મહત્વનું કારણ આ સાહિત્યના સમર્થ વાહકો છે. દરેક સમયે લોકસાહિત્યની રસલ્હાણ કરનારા મર્મી કલાકારો આપણે જોયા છે અને તેમની કળાને આકંઠ માણી છે. કવિ શ્રી કાગ અને મેરુભાથી માંડીને હેમુ ગઢવી તથા લાખાભાઇ ગઢવી સુધીના સ્વનામધન્ય કલાકારોએ લોક સાહિત્ય – ચારણી સાહિત્યના ધોધમાર પ્રવાહને લોક દરબારમાં વહાવ્યો છે. આવા મીઠા અને મર્મી સર્જક – સાહિત્યકારોને જગતે ખોબે અને ધોબે વધાવ્યા છે. નૂતન યુગના અનેક કલાકારોએ પણ પોતાની આગવી પ્રતિષ્ઠા ઊભી કરી છે. ભીખુદાનભાઇ (જૂનાગઢ) જેવા અનુભવોથી સમૃધ્ધ તથા સમર્થ સરસ્વતી સાધકની ઉપાસનાનો ઉજળો પ્રતિસાદ ભારત સરકારે પણ આપેલો છે. ભીખુદાનભાઇને તેમજ કવિ દાદાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા તે વાત ફરી એક વખત આ સાહિત્યની તથા તેના વાહકોની ગુણવત્તાની તેમજ સંસ્કારીતાની શાખ પૂરે છે. ભાઇ તખતદાન રોહડિયા આ ઉજળી આકાશગંગાનાજ એક ઝળહળતા સીતારા સમાન છે. અલગારી દાનની સાહિત્ય સેવા અનોખી છે તથા અલગ મીજાજ ધરાવે છે. દાનની એક વિશિષ્ટ શૈલિ હતી. જાહેર કાર્યક્રમોમાં મંચ પર તેઓ જેટલા ખીલતા હતા તેટલીજ અસરકારકતાથી તેઓ સાહિત્ય મર્મીઓના નાના એવા ઘર ડાયરે પણ મહોરી ઉઠતા હતા. અલગારી દાન ‘‘મેમાન’’ થાય તેની રાહ ઘણાં લોકો જોતા હતા. દાન જેવા રંગદર્શીઓના તો તળિયા તપાસીએ તોજ તેમની ભવ્યતાનો ખરો ખ્યાલ આવી શકે.
દાન અલગારી સંબંધોની મૂડી તથા સજ્જનોની હૂંફ મેળવીને આયખું જીવી ગયા. પૂજ્ય મોરારીબાપુ તથા શ્રી પુરુષોત્તમભાઇ રૂપાલાના સ્નેહનો નિરંતર પ્રવાહ દાન તરફ હમેશા વહેતો રહ્યો. નાગેશ્રીના સુરગભાઇ વરુ તથા તે વિસ્તારના સમગ્ર કાઠી ડાયરાના સ્નેહથી દાન ભીંજાતા રહ્યા. અનેક સાહિત્ય પ્રેમીઓને ‘‘હમણાં દાન દેખાયા નથી’’ તેવી ફરિયાદ કરતા સાંભળ્યા છે. અચાનક દાન અલગારી મળે ત્યારે આવા સ્નેહીઓને અષાઢી મેઘની વાદળીના દર્શન થયા હોય તેવો ભાવ થતો હતો. સંબંધોની આ મૂડી ઊભી કરવી અને તેને જીવન પર્યંત સાચવવી તે કોઇ નાની સુની સિધ્ધિ નથી. આમ થવા પાછળનું એક કારણ એવું પણ હોઇ શકે કે દાન અલગારી નામની આ હસ્તીને બરાબર ખબર હતી કે તે શબ્દના સોદાગર છે. એ જે કરે છે તે તો અમૂલ્ય હીરાનો વેપાર છે.
દાન અલગારીએ જે ઉજળા આંગણે જઇને પોતાના હૈયાની ઊર્મિ વહાવી છે તેમાં હેતુ વિનાના હેતનું દર્શન થાય છે. એક અનોખી તથા આગવી પરંપરાને સાચવીને ઝળહળી રહેલી દાન મહારાજની દોઢીએ કવિની દિલની મોજ સહેજે છલકાય છે. કવિને આ જગાના જ્યોર્તિધરોની ટૂકડો આપીને હરિને ઢુકડો કરવાની પરંપરાનું ભારે ગૌરવ છે. ચલાળાના આંગણે ઊગેલા તથા મહોરેલા આંબાને કવિ વધાવે છે.
ટુકડો આપીને ઢુકડો કીધો
અવિનાશીને એણે રે
અલગારી કહે આંચ ન આવે
જેણે નિરખ્યાં દેવળ જેણે રે..
સર્જક ક્યારેક કાળના કપરા પ્રવાહમાં મુંઝારો પણ અનુભવતો હોય છે. સાધન સગવડ ભલે કદાચ ઓછા હોય તો પણ સર્જકને – કવિને તેનો રંજ નથી. પરંતુ ‘‘વાત માંડવાના ઠેકાણા’’ જ્યારે ઓછા થતા જાય ત્યારે કવિની વેદના તેના શબ્દોમાં પ્રગટી જાય છે.
ખૂટી ગયા છે ખલકમાં
સમજુને શાણા
નબળાને કેવાય નહિ
રીડ રુદીઆ રાણા.
દાન અલગારીની એક ઓળખ એ તેમનો સ્વમાની સ્વભાવ છે. કવિ કોઇને ઉતાળવે નમી પડે તેવા નથી. સામા પૂરે તરવાની હામ હૈયામાં સાચવીને તેઓ જીવ્યા છે. આમ છતાં નમન કરવાના ઠેકાણા પણ કવિએ હૈયા ઉકલતથી તથા અંતરની શ્રધ્ધાથી બરાબર પારખ્યા છે. આથીજ કવિ સાળંગપુરના દેવને સહેજમાંજ નમી પડે છે.
સાળંગપુરના દેવ સત્ય છો
સાંભળજો આ વાતલડી
કષ્ટભંજન તમે દુ:ખડા કાપો
અરજી છે બસ આટલડી.
દાન અલગારી સદેહે આપણી વચ્ચે રહ્યાં નથી તે ગમે નહિ તેવી વાસ્તવિકતા છે. છતાં એ વાતનો વિશ્વાસ પણ છે કે દાન તેમના મોંઘામૂલા સર્જનો થકી આપણી વચ્ચે કાયમ જીવતાં અને ધબકતા રહેવના છે. કાળના વહેતા પ્રવાહમાં તેમનું વ્યક્તિત્વ ઝાંખું પડે તેવું નથી.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૦/૧૧/૨૦૨૧.
Leave a comment