ક્ષણના ચણીબોર : આપણાં સંત સાહિત્યમાં ગંગાસતીની વાણી:

ગંગાસતીની વાણી એ ખરા અર્થમાં આપણું લોક ઉપનિષદ કે ગ્રામ ઉપનિષદ છે. ગંગાસતીની વાણીમાં હિમાલયની ભવ્યતા તેમજ સમુદ્રની ગહનતા છે. ઉમદા વાતો આ મહાન સર્જકની વાણીમાં ઘણી સહજ, સરળ તથા સુવાચ્ય બની છે. 

    માર્ચ-૧૮૯૪માં આત્મજ્ઞાની ગંગાસતીએ મહાસમાધિ લીધી અને તે રીતે તેઓ પ્રમાણમાં નજીકના કહી શકાય તેવા કાળમાં થયેલા સમર્થ સર્જક તથા સંત છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક આવેલા રાજપરા ગામમાં ગંગાસતીનું જન્મ થયો હતો. આપણાં સાંપ્રત કાળના સુવિખ્યાત સંત શ્રી મોરારીબાપુએ ગંગાસતીની ભૂમિમાં બેસીને માનસગાન કર્યું હતું તેની ચિર સ્મૃતિ અનેક લોકોના હૈયે આજે પણ અંકબંધ રહી છે. ભાવનગર જિલ્લાના જ ઉમરાળા તાલુકાના સમઢીયાળા ગામે જન્મેલા કહળસંગ સાથે ગંગાબાનું લગ્ન થયું હતું. ગંગાસતીને પાનબાઈ નામના સમવયસ્ક સખી હતા. બંને વચ્ચે અગાધ સ્નેહ હતો. આથી ગંગાબાના આગ્રહથી તેમજ પાનબાઈની સંમતિથી તે સમયની પ્રથા અનુસાર ગંગાબાના લગ્ન બાદ તેમની સાથે જ વસવાટ કરવા માટે પાનબાઈ જોડાયા હતા. ગંગાસતીના જીવન વિશે એક પોલીસ અધિકારીને છાજે તેવી સૂઝ તેમજ અભ્યાસુ વૃત્તિથી ગંગાસતીના જીવન પર સંશોધન કાર્ય થયું છે. નિવૃત ડી.આઈ.જી. મજબૂતસિંહજી જાડેજાના આ કાર્ય પરથી ગંગાસતીના જીવનને લગતી વાતો વિશેષ આધારભૂત બની છે.

      ગંગાબાને બાળપણથી જ માતા-પિતાના ધાર્મિક સંસ્કારો વારસામાં મળ્યા હતા. સાધુ-સંતોને આવકાર તેમજ ગામડામાં ગવાતાં ભજનોની ઊંડી છાપ ગંગાસતીના બાળમાનસમાં ઝીલાઈ અને સ્થાયી થઇ હતી. ગંગાબાના લગ્ન જેમની સાથે થયા હતા તે કહળસંગ પણ અધ્યાત્મ પુરુષ હતા. સંતો-સિધ્ધોની સોબત એ તેમને મનથી ગમતી બાબત હતી. આથી ગંગામાં તથા કહળસંગનું લગ્નજીવન પણ શ્રદ્ધા, ભક્તિ તથા અવિરત નામસ્મરણના મજબૂત પાયા પર વિકસ્યું હતું. સાંસારિક ધર્મ તથા જવાબદારીઓનું વહન કરવા સાથે જ નિર્લેપતાના ભાવથી નામસ્મરણ કરવું એ સંતોનો સ્વભાવ છે.

       કહળસંગના જીવનમાં બનેલી એક ઘટના નોંધાયેલી છે. સંતો કે ફકીરો સાથે જોડાયેલી કેટલીક ચમત્કારિક ઘટનાને સંબંધિત આ પ્રસંગ છે. સંતોના જીવનમાં આવી રહસ્યવાદી(Mystic) અનુભૂતિ થતી રહે છે તેમ કેટલાક પ્રસિદ્ધ સંતોના જીવનની ઘટનાઓ જોતા જણાય છે. રામકૃષ્ણ પરમહંસ પણ આવી ઘટનાઓ પૂર્ણતઃ તટસ્થતાના ભાવ સાથે આલેખે છે. આવી એક ઘટના કહળસંગના જીવનમાં અનાયાસે બને છે. કહળસંગે અખંડ તપ તથા સાધનાના પરિણામે કેટલીક આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેવી વાત અવારનવાર લોકચર્ચામાં આવતી રહેતી હતી. કહળસંગ કે ગંગાસતી જો કે આવી લોકચર્ચા કે પ્રશંસાથી દૂર રહેતા હતા. યોગાનુયોગ મૃત્યુના દ્વારે પહોંચેલી એક ગાયને તેમણે અંજલિ ભરીને પાણી છાંટ્યું અને ગાય પુનઃ ચેતનવંતી બની. પરંતુ આ ઘટનાથી કહળસંગે એક ચિંતા કે વ્યગ્રતાનો અનુભવ કર્યો. દુન્વયી સિદ્ધિના પરિણામે જાણ્યે અજાણ્યે પણ જે પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે તેનાથી જીવવું દુષ્કર બને છે તેમજ સાધનાના માર્ગમાં તેની ખલેલ પહોંચે છે. જાણતા કે અજાણતા એક છુપા અહંકારની લાગણી અંગે પણ કહળસંગ જાગૃત થયા. તેમણે ગંગાસતી સાથે ચર્ચા કરીને પોતાનો દેહત્યાગ કરવાનો નિર્યણ કર્યો. આધ્યાત્મની એક અનોખી ઊંચાઈને આંબી લીધા પછી જ એવો ક્રાંતિકારી નિર્યણ લેવો તે શક્ય બને છે. સ્વના વિસર્જનનો  આ કપરો માર્ગ પસંદ કરીને કહળસંગ તેમજ ગંગામાંએ પોતાની સિદ્ધિઓ સાથે રહેલા દુન્વયી વિવેકનું મનોહર દર્શન કરાવ્યું. ગંગામાં પણ કહળસંગ સાથે જ સમાધિ લેવાની ઈચ્છા ધરાવતા હતા. પરંતુ પાનબાઈનો રડમસ ચેહરો તેમજ તેની જ્ઞાન પ્રાપ્ત કરવાની સાચી તલપને ધ્યાનમાં રાખી કહળસંગે ગંગામાને એક જવાબદારી આપી. ગંગાસતીએ પાનબાઈને પૂર્ણ આત્મજ્ઞાનનો પરિચય આપીને જ દેહત્યાગ કરવાનો વિચાર કરવો તેમ ગંગાસતીને કહળસંગે જણાવ્યું. ગંગાસતીએ આ આદેશનું અક્ષરસઃ પાલન કર્યું. 

             કહળસંગ બાપુની ઈચ્છા તથા આદેશ મુજબ ગંગાસતીએ સ્નેહ તથા કરુણાના ભાવ સાથે રોજે રોજ એક ભજન પાનબાઈને સંભળાવીને જીવનના અનેક રહસ્યો સમજાવ્યા. સામે જે પાનબાઈ રૂપી પાત્ર હતું તે પણ આવા ગંગાવતરણ માટે સજ્જ હતું. સતી પાસેથી જ્ઞાન મેળવવાની અદમ્ય ઈચ્છાથી પાનબાઈએ ગંગામાના ભજનનો એક એક શબ્દ સાંભળ્યો તેમજ આત્મસાત કર્યો. બાવન દિવસ આ ક્રમ ચાલ્યો. જાણે એક નૂતન ઉપનિષદનું નિર્માણ થયું. આ કાર્ય પૂરું કર્યા બાદ  હવે વિદાયની ઉતાવળ હોય તેમ ગંગાસતીએ સમાધિ લીધી. એક ઉજ્વળ જ્યોતનું વિરાટ જ્યોત સાથે વિલીનીકરણ થયું. ગંગાસતીની સમાધિ પછી ત્રણ જ દિવસે પાનબાઈએ પણ મહા સમાધિ લઇ પોતાની જ્ઞાનયાત્રાની સમાપ્તિ કરી. સંત ત્રિપુટી સદાકાળ માટે અગામલોક વાસી થયા. પોતાનું જીવતર ઉજાળી ગયા. આજે પણ ગંગાસતીના અર્થસભર પદો એક અનોખા આદર સાથે ગવાય છે તથા ઝીલાય છે.  

વચન વિવેકી જે નાર ને નારી

પાનબાઈ ! બ્રહ્માદિક લાગે તેને પાય રે

       વાતનો વિવેક એ પણ જીવનમાં કેટલું મહત્વનું છે તે વાત થોડા પણ સચોટ શબ્દોમાં ગંગાસતી કહી ગયા. 

વીજળીના ચમકારે મોતીડાં

પરોવો પાનબાઈ ! અચાનક

અંધારા થશે રે….

        સંસારની ક્ષણ ભંગુરતામાં દરેક ક્ષણને સાર્થક કરી લેવાની ગંગાસતીની આ વાત પણ કોઈપણ કાલે સાંપ્રત તેમજ અર્થસભર છે. ગંગામાની વાણી તેમજ તેમનું જીવન સમાજની સ્મૃતિમાંથી કદી વિસ્મૃત થઇ શકે તેવા નથી. 

      વસંત ગઢવી

      ગાંધીનગર.

તા.૦૯/૧૧/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑