:આપણાં સંત સાહિત્યમાં ગંગાસતીની વાણી:

કબીર સાહેબે લખ્યું છે: 

                        શબ્દ સરીખા ધન નહિ,

                        જો કોઈ જાણે બોલ:

                       હીરા તો દામે મિલે

                       પર શબ્દ ન આવે મોલ.

       આપણું સંત સાહિત્ય એ સંતોની વાણીને ઉરમાં સંઘરીને સદીઓથી જીવંત અને ઝળહળતું રહેલું છે. નરોત્તમ પલાણના મત અનુસાર સંત સાહિત્યના મૂળ પ્રાચીનકાળમાં છે પરંતુ તે મુખ્યત્વે મધ્યકાળનું સર્જન છે. અનેક પ્રકારના તેમજ ભિન્ન ભિન્ન હેતુ સાથેના બાહ્ય આક્રમણો સામે મધ્ય કાળનો સમાજ અસ્તવ્યસ્ત થવા પામ્યો હતો. અનેક લોકોની લાગણીઓ ઘવાઈ હતી. શાસકોની ક્રૂરતા તથા અત્યાચારના કેટલાક કિસ્સાઓને કારણે સમાજ વ્યગ્ર તથા ભયભીત પણ થયો હતો. સમાજની પોતાની વ્યવસ્થામાં વણાઈ ગયેલી કેટલીક અનિચ્છનીય તેમજ અતાર્કિક રૂઢિઓ પણ સામાજિક તાણાવાણા નબળા પાડવા માટે કારણભૂત બની હતી. માણસનું મૂલ્યાંકન તેના જન્મના કુળના આધારે કરીને પણ માનવીઓ વચ્ચે કૃત્રિમ દીવાલો ઉભી થઇ હતી. મહિલાઓ તરફ પણ નીચ દ્રષ્ટિથી જોવાનો ભાવ તથા તેમને કેટલાક મૂળ અધિકારોથી વંચિત રાખવાના વલણને કારણે સમાજનું વિભાજન થયું હતું. પરંપરાગત ધર્મસાધનાના કર્મકાંડો ખરા અર્થમાં ધર્મની સાચી વિભાવનાને અતિક્રમી ગયા હતા. સમાજની આ સ્થિતિ  અકળાવનારી હતી. વિભાજીત સમાજ બાહ્ય આક્રમણો સામે પણ ટકી શકે નહિ તે ઇતિહાસમાં સિદ્ધ થયેલી ઘટના છે. આવા યુગમાં સંત સાહિત્ય થકી લોકોમાં નૂતન શ્રદ્ધા અને સંસ્કારો પુનઃ જાગૃત કરવાનું હિતકારી કામ થયું છે. સમાજ વ્યવસ્થામાં સામંજસ્ય લાવવાનું મહત્વનું કાર્ય સંતો-ભક્તો તેમજ સૂફી સંતોએ કર્યું. સંતો આ કાર્ય કરી શક્યા કારણ કે તેઓ જન્મજાત પરગજુ તેમજ દરેક માનવી તથા સમગ્ર સૃષ્ટિ તરફ અકારણ તેમજ અથાગ સ્નેહ ધરાવતા હતા. રામકૃષ્ણ પરમહંસ કે મહર્ષિ દયાનંદ એ આ સંત પરંપરાની જ ઉજળી કડી સમાન હતા. આવા સંતો માટે ઉચિત રીતે જ કહેવાયું છે:

               તરુવર સરુવર સંતજન 

               ચૌથે બરસે મેહ,

                પરમારથ કે કારને

                ચારોં ધારે દેહ.

     સંતોની આ સંતવાણી એ અનુભૂતિની વાણી છે. વિદ્વાન પ્રાધ્યાપક ડો. નાથાલાલ ગોહિલે સંતોની કેટલીક વિશેષ નોંધપાત્ર બાબતો અભ્યાસુ દ્રષ્ટિથી તારવી છે. (ભારતીય સંત દર્શન, સાધના અને વાણી ખંડ-૧).

     સંતોનો પ્રભાવ જનસમૂહ પર મોટા પ્રમાણમાં રહ્યો. અનેક સંતો કહેવાતી નિમ્ન સ્તરની જ્ઞાતિઓમાં જન્મેલા છે. તેથી તેમની પીડા એ સહજ તથા સ્વાભાવિક છે. આ સંતોએ કહેવાતી સ્થાપિત રૂઢિ કે પરંપરા સામે મહિલાને શક્તિનો સ્ત્રોત ગણી તેની ઉપાસના કરી છે. પાટ પરંપરાની વિધિમાં આ બાબત નજરોનજર જોઈ શકાય છે. એ પણ મહત્વની વાત છે કે આ સંતો સમાજ વચ્ચે રહ્યા છે અને સામાન્ય જનથી સહેજ પણ વિમુખતાનો ભાવ ધરાવતા નથી. તેમણે શ્રમનું ગૌરવ કર્યું છે. વણકર કામ કરતા કબીર તેનું એક જ્વલંત ઉદાહરણ છે. સંતોએ સામાન્ય જનની ભાષામાં પોતાની વાત પ્રકટ કરી છે. આથી લોકસમૂહ સાથેનું તેમનું અનુસંધાન વિશેષ મજબૂત બન્યું છે. સંતોની વાણી એ અનુભૂતિજન્ય હતી અને તેથી તે વિશેષ પ્રભાવી તેમજ અસરકારક હતી. કબીર સાહેબે પોતાની વેધક વાણીમાં કહેવાતા પંડિતો સામે પ્રશ્ન ઉભો કર્યો છે. 

            તેરા મેરા મનવા

            કૈસે ઈક હોઈ રે,

            તું કહતા કાગઝ કી દેખી,

            મેં કહતા આંખન કી દેખી.

આપણી આ વિશાળ સંત પરંપરામાં અનેક સંતો થયા. આ પુણ્યશ્લોક સંતોના થોડા નામ ગણીએ તો તેમાં કબીર સાહેબ, રૈદાસ, બુલ્લેશાહ, તુલસીદાસ, ભાણસાહેબ તેમજ ડાડા મેકણ જેવા અનેક લોકોના નામ સ્મૃતિમાં આવે છે. પ્રાધ્યાપક બળવંત જાનીએ લખ્યું છે તેમ સંત કવિતા એ લોકધર્મ પરંપરાની નીપજ છે. તેમાં શ્રોતા સાથે રચયિતાનું સીધું તેમજ સોંસરું અનુસંધાન છે. સંતોની આ ઉજળી પરંપરાનું દર્શન આત્મજ્ઞાની ગંગાસતીની વાણીના ઉલ્લેખ સિવાય અધૂરી રહે છે. 

    ગંગાસતીની વાણી એ ખરા અર્થમાં આપણું લોક ઉપનિષદ કે ગ્રામ ઉપનિષદ છે. ગંગાસતીની વાણીમાં હિમાલયની ભવ્યતા તેમજ સમુદ્રની ગહનતા છે. ઉમદા વાતો આ મહાન સર્જકની વાણીમાં ઘણી સહજ, સરળ તથા સુવાચ્ય બની છે. લોકકવિ પીગળશીભાઈ લીલાએ ગંગાસતીની વાણી વિષે સુંદર તથા અર્થપૂર્ણ શબ્દો લખ્યા છે: 

પાનબાઈ પરમોધવા

ગંગામુખ ગિરવાણ,

વરસી ધારા વેદની

પાયા અમૃતપાન.

    માર્ચ-૧૮૯૪માં આત્મજ્ઞાની ગંગાસતીએ મહાસમાધિ લીધી અને તે રીતે તેઓ પ્રમાણમાં નજીકના કહી શકાય તેવા કાળમાં થયેલા સમર્થ સર્જક તથા સંત છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક આવેલા રાજપરા ગામમાં ગંગાસતીનું જન્મ થયો હતો. આપણાં સાંપ્રત કાળના સંત શ્રી મોરારીબાપુએ ગંગાસતીની ભૂમિમાં બેસીને માનસગાન કર્યું હતું તેની ચિર સ્મૃતિ અનેક લોકોના હૈયે આજે પણ અંકબંધ રહી છે. ભાવનગર જિલ્લાના જ ઉમરાળા તાલુકાના સમઢીયાળા ગામે જન્મેલા કહળસંગ સાથે ગંગાબાનું લગ્ન થયું હતું. ગંગાસતીને પાનબાઈ નામના સમવયસ્ક સખી હતા. બંને વચ્ચે અગાધ સ્નેહ હતો. આથી ગંગાબાના આગ્રહથી તેમજ પાનબાઈની સંમતિથી તે સમયની પ્રથા અનુસાર ગંગાબાના લગ્ન બાદ તેમની સાથે જ વસવાટ કરવા માટે પાનબાઈ જોડાયા હતા. ગંગાસતીના જીવન વિશે એક પોલીસ અધિકારીને છાજે તેવી સૂઝ તેમજ અભ્યાસુ વૃત્તિથી ગંગાસતીના જીવન પર સંશોધન કાર્ય થયું છે. નિવૃત ડી.આઈ.જી. મજબૂતસિંહજી જાડેજાના આ કાર્ય પરથી ગંગાસતીના જીવનને લગતી વાતો વિશેષ આધારભૂત બની છે.

      ગંગાબાને બાળપણથી જ માતા-પિતાના ધાર્મિક સંસ્કારો વારસામાં મળ્યા હતા. સાધુ-સંતોને આવકાર તેમજ ગામડામાં ગવાતાં ભજનોની ઊંડી છાપ ગંગાસતીના બાળમાનસમાં ઝીલાઈ અને સ્થાયી થઇ હતી. ગંગાબાના લગ્ન જેમની સાથે થયા હતા તે કહળસંગ પણ અધ્યાત્મ પુરુષ હતા. સંતો-સિધ્ધોની સોબત એ તેમને મનથી ગમતી બાબત હતી. આથી ગંગામાં તથા કહળસંગનું લગ્નજીવન પણ શ્રદ્ધા, ભક્તિ તથા અવિરત નામસ્મરણના મજબૂત પાયા પર વિકસ્યું હતું. સાંસારિક ધર્મ તથા જવાબદારીઓનું વહન કરવા સાથે જ નિર્લેપતાના ભાવથી નામસ્મરણ કરવું એ સંતોનો સ્વભાવ છે.

       કહળસંગના જીવનમાં બનેલી એક ઘટના નોંધાયેલી છે. સંતો કે ફકીરો સાથે જોડાયેલી કેટલીક ચમત્કારિક ઘટનાને સંબંધિત આ પ્રસંગ છે. સંતોના જીવનમાં આવી રહસ્યવાદી(Mystic) અનુભૂતિ થતી રહે છે તેમ કેટલાક પ્રસિદ્ધ સંતોના જીવનની ઘટનાઓ જોતા જણાય છે. રામકૃષ્ણ પરમહંસ પણ આવી ઘટનાઓ પૂર્ણતઃ તટસ્થતાના ભાવ સાથે આલેખે છે. રામકૃષ્ણદેવ કુંડલિની શક્તિના ઉધ્વરગમન વિશે વિગતે વાત કરે છે. એક એવી સ્થિતિ આવે છે કે જ્યાં ‘હું’ અને ‘તું’ નો ભેદ ભૂંસાઈ જાય છે પરંતુ પોતે ઈચ્છે તો પણ આ ગેબી અનુભૂતિ વિશે અનુભૂતિની ક્ષણે વાત કરી શકતા નથી તેમ રામકૃષ્ણદેવ કહે છે. (જીવનચરિત્ર: શ્રી રામકૃષ્ણદેવ) આવી એક ઘટના કહળસંગના જીવનમાં અનાયાસે બને છે. કહળસંગે અખંડ તપ તથા સાધનાના પરિણામે કેટલીક આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેવી વાત અવારનવાર લોકચર્ચામાં આવતી રહેતી હતી. કહળસંગ કે ગંગાસતી જો કે આવી લોકચર્ચા કે પ્રશંસાથી દૂર રહેતા હતા. યોગાનુયોગ મૃત્યુના દ્વારે પહોંચેલી એક ગાયને તેમણે અંજલિ ભરીને પાણી છાંટ્યું અને ગાય પુનઃ ચેતનવંતી બની. પરંતુ આ ઘટનાથી કહળસંગે એક ચિંતા કે વ્યગ્રતાનો અનુભવ કર્યો. દુન્વયી સિદ્ધિના પરિણામે જાણ્યે અજાણ્યે પણ જે પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે તેનાથી જીવવું દુષ્કર બને છે તેમજ સાધનાના માર્ગમાં તેની ખલેલ પહોંચે છે. જાણતા કે અજાણતા એક છુપા અહંકારની લાગણી અંગે પણ કહળસંગ જાગૃત થયા. તેમણે ગંગાસતી સાથે ચર્ચા કરીને પોતાનો દેહત્યાગ કરવાનો નિર્યણ કર્યો. આધ્યાત્મની એક અનોખી ઊંચાઈને આંબી લીધા પછી જ એવો ક્રાંતિકારી નિર્યણ લેવો તે શક્ય બને છે. સ્વના વિસર્જનનો  આ કપરો માર્ગ પસંદ કરીને કહળસંગ તેમજ ગંગામાંએ પોતાની સિદ્ધિઓ સાથે રહેલા દુન્વયી વિવેકનું મનોહર દર્શન કરાવ્યું. ગંગામાં પણ કહળસંગ સાથે જ સમાધિ લેવાની ઈચ્છા ધરાવતા હતા. પરંતુ પાનબાઈનો રડમસ ચેહરો તેમજ તેની જ્ઞાન પ્રાપ્ત કરવાની સાચી તલપને ધ્યાનમાં રાખી કહળસંગે ગંગામાને એક જવાબદારી આપી. ગંગાસતીએ પાનબાઈને પૂર્ણ આત્મજ્ઞાનનો પરિચય આપીને જ દેહત્યાગ કરવાનો વિચાર કરવો તેમ ગંગાસતીને કહળસંગે જણાવ્યું. ગંગાસતીએ આ આદેશનું અક્ષરસઃ પાલન કર્યું. આ ઘટનાના સંદર્ભમાં મહર્ષિ અરવિંદ તથા માતાજી વચ્ચેનો સંવાદ ધ્યાનમાં આવે છે. અરવિંદે માતાજીને પોતાની હયાતી બાદ કેટલાક કાર્યો પુરા કરવા પૃથ્વી પર રોકાઈ રહેવા જણાવ્યું. માતાજીએ પણ આ આજ્ઞાનું પાલન કરીને મહર્ષિ અરવિંદના બાકી રહેલા કામો પુરા કરવામાં પોતાનું બાકીનું આયખું વિતાવ્યું હતું. આવી ઘટનાઓમાં આધ્યાત્મિક ઉન્નતિના શિખરે પહોંચેલા સાધકોની વાણી તથા વિચારમાં તેમના તપનું  તેમજ તેમની અસ્ખલિત સાધનાનું દર્શન થાય છે. કોઈ ચમત્કારની ઘટના પણ પોતાના નામે બોલાય તો તે સાધનાના પથમાં બાધારૂપ થાય છે તેવી સમજ પણ આ વ્યક્તિઓના વિરાટ વ્યક્તિત્વને સમજવામાં કે ઓળખવામાં ઉપયોગી થાય તેવી છે. જે કંઈ સારું કે નરસું થાય છે તે તો ‘અખંડ ધણીની’ ઇચ્છાનુસાર જ થાય છે તેવી આ લોકોની દ્રઢ પ્રતિતિ એ તેમના જીવનનો તથા વિચારનો સહજ ભાગ છે. 

             કહળસંગ બાપુની ઈચ્છા તથા આદેશ મુજબ ગંગાસતીએ સ્નેહ તથા કરુણાના ભાવ સાથે રોજે તોજ એક ભજન પાનબાઈને સંભળાવીને જીવનના અનેક રહસ્યો સમજાવ્યા. સામે જે પાનબાઈ રૂપી પાત્ર હતું તે પણ આવા ગંગાવતરણ માટે સજ્જ હતું. સતી પાસેથી જ્ઞાન મેળવવાની અદમ્ય ઈચ્છાથી પાનબાઈએ ગંગામાના ભજનનો એક એક શબ્દ સાંભળ્યો તેમજ આત્મસાત કર્યો. બાવન દિવસ આ ક્રમ ચાલ્યો. જાણે એક નૂતન ઉપનિષદનું નિર્માણ થયું. આ કાર્ય પૂરું કર્યા બાદ  હવે વિદાયની ઉતાવળ હોય તેમ ગંગાસતીએ સમાધિ લીધી. એક ઉજ્વળ જ્યોતનું વિરાટ જ્યોત સાથે વિલીનીકરણ થયું. ગંગાસતીની સમાધિ પછી ત્રણ જ દિવસે પાનબાઈએ પણ મહા સમાધિ લઇ પોતાની જ્ઞાનયાત્રાની સમાપ્તિ કરી. સંત ત્રિપુટી સદાકાળ માટે અગામલોક વાસી થયા. પોતાનું જીવતર ઉજાળી ગયા. આજે પણ ગંગાસતીના અર્થસભર પદો એક અનોખા આદર સાથે ગવાય છે તથા ઝીલાય છે.  

વચન વિવેકી જે નાર ને નારી

પાનબાઈ ! બ્રહ્માદિક લાગે તેને પાય રે

       વાતનો વિવેક એ પણ જીવનમાં કેટલું મહત્વનું છે તે વાત થોડા પણ સચોટ શબ્દોમાં ગંગાસતી કહી ગયા. 

વીજળીના ચમકારે મોતીડાં

પરોવો પાનબાઈ ! અચાનક

અંધારા થશે રે….

        સંસારની ક્ષણ ભંગુરતામાં દરેક ક્ષણને સાર્થક કરી લેવાની ગંગાસતીની આ વાત પણ કોઈપણ કાલે સ્તૃત તેમજ અર્થસભર છે. ગંગામાની વાણી તેમજ તેમનું જીવન સમાજની સ્મૃતિમાંથી કદી વિસ્મૃત થઇ શકે તેવા નથી. 

      વસંત ગઢવી

      ગાંધીનગર.

તા.૦૯/૧૧/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑