: સંસ્કૃતિ : : નૂતન વર્ષને નૂતન દ્રષ્ટિકોણથી આવકારીએ :

નૂતન વર્ષને આવકારવાનો સમય છે. વિતેલા છેલ્લા બે વર્ષ ઘણાં અસાધારણ પડકાર તથા અપૂર્વ સ્થિતિવાળા રહ્યા. નૂતન વર્ષના ધવલ પ્રકાશે આજની સ્થિતિમાં જોઇએ તો ભવિષ્યનો સમય છેલ્લા બે વર્ષના પ્રમાણમાં અનુકૂળ હશે તેમ માનવા મન લલચાયા કરે છે. રેઇનર મારિયા રિલ્કેની કવિતામાં જે ભવિષ્યના ગુલાબી સ્વપ્નની કલ્પના કરી છે તેવી લાગણી આપણાં સૌના મનમાં પણ છે. કવિ રિલ્કેના આ શબ્દો સાંઇ મકરંદે આપણી ભાષામાં સુંદર રીતે ઉતાર્યા છે.

સર્વ પાછું સબળ બનશે

ને મહત્તા ધારશે

સાગરો સૌ લહેરાતાં ને

ભોમકા સમતળ થશે.

ને થશે ઘેઘૂર વૃક્ષો

વાડ નીચી ખીણમાં

લોક કેરા જૂથ

ભાતીગળ અને ભડ જાગશે.

છેલ્લા બે વર્ષનો મોટાભાગનો સમય વ્યક્તિગત તેમજ સામુદાયીક રીતે કષ્ટદાયક રહ્યો. સામાજિક જીવનના અનેક તાણાંવાણાં નબળા પડ્યા કે વિખરાઇ ગયા. જે સ્થિતિની કદી કલ્પના પણ ન કરી હતી તેવી સ્થિતિ નજરોનજર નીહાળવી પડી. દરેક અપ્રિય ઘટના જીવનમાં કોઇ ને કોઇ સમજ કે નવા દ્રષ્ટિકોણનો ઉમેરો કરતી હોય છે. જેની લાંબાગાળાની ઉપયોગિતા ભવિષ્યને વધારે સલામત બનાવવા માટે કરી શકાય. આ મહામારીને કારણે પણ કેટલીક નવી પરંતુ આવકારદાયક બાબતોએ સંજોગોને આધિન આપણાં જીવનમાં પ્રવેશ કર્યો.

આપણાં ઘણાં વયસ્ક લોકો મહદ્દ અંશે ગતાનુગતિક્તાથી કેટલીક સારી પણ નવી બાબતો દિલથી આવકારી શકતા નથી.આજની ટેકનોલોજી બાબતમાં પણ કેટલીકવાર આવું જોવા મળે છે. કિશોર – કિશોરીઓ સતત મોબાઇલમાં ગૂંચવાયેલા રહે તેની અકળામણ ઘણાં વયસ્કો અનુભવે છે. પરંતુ આ નાનું સરખું સાધન કોરોના કાળમાં ‘જાદુઇ ચીરાગ’ જેવું સાબિત થયું. એક મોટી હોસ્પિટલના વહીવટ સાથે હું જોડાયેલો છું. આથી નજરોનજર એ જોઇ શકાયું કે કોરોના પેશન્ટ સાથે કોઇ હોસ્પિટલના કર્મચારી વૃધ્ધ કે યુવાન પેશન્ટના કુટુંબીજનો સાથે વીડીયો કોલના માધ્યમથી વાત કરાવે તો પેશન્ટના મો પર અસાધારણ આનંદ તથા રાહતનો ભાવ સ્પષ્ટ રીતે જોઇ શકાતો હતો. સામી બાજુ ફોન પર વાત કરનાર કુટુંબીજનને પણ દર્દીના હાલ હવાલની વાસ્તવિક સ્થિતિ નજરોનજર જોવા મળી જતી હતી. દર્દી પાસે જવાની ઇચ્છા હોવા છતાં આ રોગમાં જઇ શકાતું નથી તેનો એક ઊંડો અફસોસ દર્દીના સગાવહાલાના મનમાં રહ્યા કરતો હતો. આ મર્યાદા સામે મોબાઇલે જાણે કે એક બ્રીજ બનીને સુંદર અનુસંધાન કરી દીધું. બાબત કદાચ નાની લાગે પરંતુ તે સમયે જેમણે આ બાબતની પ્રતિતિ કરી હતી તેમને માટે આ સુખદ સંસ્મરણો જીવન પર્યંત રહેવાના છે. ટેકનોલોજી સિવાય આ વ્યવસ્થા અન્ય કોઇપણ રીતે કરવી શક્ય ન હતી. આથી મોબાઇલ કે ઇન્ટરનેટ જેવા હાથવગા સાધનોનો વિશેષ અસકારક ઉપયોગ કેમ કરી શકાય તે વિચારવા જેવી બાબત છે. તેના તરફ સૂગ રાખવી તે બાબત હાલના સંજોગોમાં અપ્રસ્તુત છે. તેના ઉપયોગમાં અતિરેક ભલે ન હોય પરંતુ જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ એ લગભગ ‘જીવાદોરી’ જેવી જરૂરી બાબત છે. સ્કૂલ જતાં બાળકોનું શિક્ષણ પણ આ ટેકનોલોજીને કારણે શક્ય બન્યું અને લગભગ સરળ પણ થયું. ટેકનોલોજીના અભાવે લગભગ બે વર્ષ શિક્ષણકાર્ય સદંતર બંધ રહે તો શી સ્થિતિ થાય તેનો વિચાર પણ ધ્રૂજાવી દે તેવો છે. 

આપણાં સમાજ માટે જરૂર એમ કહી શકાય કે પડકારના કાળમાં સમાજ જીવન એક નવી વાઇટાલીટી મેળવે છે જે કદાચ સામાન્ય સંજોગોમાં જોવા ન પણ મળે. અહીં પણ કેટલીક બાબતોના સુખદ કે દુખદ અનુભવો થયા. સીક્કાની બે બાજુ હોય તેવું આપણાં સામાજીક જીવન વિશે છે. ઘણાં લોકો મોટી સંખ્યામાં જ્યાં મદદ માટેની જરૂર હતી ત્યાં રૂબરૂ પહોંચ્યા. ઉપરાંત પોતાના કિમતી સમય – શક્તિ તથા નાણાંથી જેમને જરૂર હતી તેવા લોકો માટે ભોજન વ્યવસ્થા કરી. કેટલીક કમર્શિયલ રેસ્ટોરાંટ પણ પાછળ ન રહી. તેઓ તો એક પગલું આગળ વધીને દર્દીના ઘર સુધી ભોજન પહોંચે તેવું માળખું ઊભું કર્યું. સહેજ પણ વળતરની અપેક્ષા સિવાય તેમણે આ કામ હોંશભેર કર્યું. આ ઉજળી વાત તથા વર્તનના આપણે સૌ ભાગીદાર કે પ્રશંસક બન્યા. આમ છતાં ઘણા પ્રસંગોમાં આસપાસ પડોશમાં રહેતા દર્દી સાથે માત્ર કલ્પિત ભયને કારણે આપણે બીન સંવેદનશીલ રહ્યા તે એક યાદ કરવી ન ગમે તેવી સ્મૃતિ છે. એકલા રહેતા વયસ્ક દંપતીના નાના મોટા કામ કરી આપનાર ડોમેસ્ટીક હેલ્પના અભાવે આ વૃધ્ધ તથા મહદ્દઅંશે નાના કે મોટા વ્યાધિથી પીડાતા લોકો કેવી રીતે આવી જરૂરી સહાય વગર જીવન ચલાવી શક્યા હશે ? આવા દંપતીમાંથી એકને અથવા બન્નેને કોરોનાની અસર થાય ત્યારે તો તે દશા તથા વ્યથા અસહ્ય બનતી જોવા મળતી હતી. આસપાસના લોકોની હૂંફની ત્યારે ખાસ જરૂર હતી. પૂરતી સાવચેતી સાથે આ કામ કરવાની જરૂર હતી.

સામાન્ય રીતે કોઇ કારણસર અથવા ઘણીવાર કોઇ કારણ સિવાય કે સાચી જાણકારીના અભાવે આપણે સરકારી તંત્રની ટીકા કરતા રહીએ છીએ. આજ તંત્રના લોકો કોરોના સામેની લડાઇમાં મોખરે રહ્યા. દિવસો સુધી પોતાના ઘેર નાના તથા વહાલસોયા બાળકની સંભાળ લેવા યુવાન નર્સ ન જઇ શકે અને છતાં તેની માનસિક તાણ ન અનુભવે તે સામાન્ય વાત નથીજ. આ બેઝીક ‘સર્વીસ’ ની આપણે સમાજ તરીકે જે કિંમત ચૂકવીએ છીએ તે આ સમર્પીત સેવા સામે નગણ્ય છે. કોરોના વોર્ડમાં જેમનું દુ:ખદ અવસાન થયું છે તેમના મૃતદેહને આઇડેંટિફાઇ કરીને નિયમ અનુસાર કાળજીથી પેક કરનાર કર્મચારીઓની સેવા માટે બીજું શું કહી શકાય ? સમાજ તેમનો ઋણી છે અને રહેશે. હાલની સ્થિતિએ ૧૦૦ કરોડથી વધારે લોકોનું વેકસીનેશન એ પણ આપણાં તંત્ર તથા તેના કર્મયોગીઓએ સ્થાપેલો એક માઇલસ્ટોન છે. કોરોના રોગચાળાથી દૂર રહી શકાય તેવી સામાજિક વ્યવસ્થા તથા વ્યક્તિગત શિસ્ત ઊભા કરવા એ અવગણી ન શકાય તેવી બાબત છે. નૂતન વર્ષનો આપણો એ સંકલ્પ હોવો જોઇએ.

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૨૫/૧૦/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑