: સંસ્કૃતિ : : ગતિશીલ વિચાર પ્રવાસી : પંડિત જવાહરલાલ નહેરુ :

નવેમ્બર માસની ગુલાબી ઠંડીમાં ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ આવે છે. (૧૪ નવેમ્બર-૧૮૮૯) દેશના પ્રધાનમંત્રી હતા ત્યારેજ તેમણે અંતિમ શ્વાસ ૨૭ મે ૧૯૬૪ના રોજ લીધા. ૧૭ વર્ષ સુધી તેમણે મુક્ત થયેલા નવજાત દેશના લોકોના સ્વપ્ન પૂરા કરવા માટે પોતાનો પસીનો વહાવ્યો. વિજ્ઞાન તથા ટેકનોલોજીના વિકાસ માટેના ઊંડા પાયા નાખ્યા. Letters from a Father to His daughter (1929), an Autobiography (1936) તથા The Discovery of India (1946) એ દુનિયાભરમાં વંચાયેલા તેમજ વખણાયેલા પુસ્તકો છે. તેમની ચિર વિદાયને ઘણાં વર્ષો થયા હોવા છતાં આજે પણ અનેક પ્રસંગો તેમજ અનેક ઘટનાઓના સંદર્ભમાં પંડિતજીના નામ તથા તેમના કામનો જાણ્યે કે અજાણ્યે ઉલ્લેખ થયા કરે છે. આ પ્રકારે સ્મૃતિને વાગોળતા ક્યારેક કેટલાક લોકો વિદાય થયેલી પ્રતિભાની કેટલીક વૈચારીક કે કાર્યપધ્ધતિ અંગેની ક્ષતિઓ બાબત પણ ચર્ચા કરે છે. એક રીતે આવું મૂલ્યાંકન થવું સહજ છે. પરંતુ આવા આકલનમાં કોઇ કડવાશ કે પૂર્વગ્રહોને સ્થાન હોઇ શકે નહિ. મૂલ્યાંકન હમેશા હકીકતલક્ષી હોય. જે તે સમયકાળના સંજોગો તથા સંદર્ભો પણ ધ્યાનમાં લઇ આવી ચર્ચા થાય તે સ્વસ્થ સમાજ તેમજ પુખ્ત લોકશાહી માટે આવશ્યક તેમજ ઇચ્છનીય છે. નહેરુજી દેશના પ્રથમ પ્રધાનમંત્રી હોવા ઉપરાંત આધુનિક ભારતના ઘડતરના પાયા નાખનારા સ્વપ્નદ્રષ્ટા હતા. એક સમર્થ સ્વાતંત્ર્ય સેનાની હતા. પંડિતજીના સ્વાતંત્ર્ય સંગ્રામના યોગદાનના ઉલ્લેખ સિવાય દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ પૂરો થઇ શકતો નથી. અમીર પિતાના પુત્ર ગાંધી-દીક્ષા પામી દેશના સામાન્ય જન સાથે તાદાત્મ્ય અનુભવી શકતા હતા. પંડિત જવાહરલાલ નહેરુ એ ઇતિહાસના અઠંગ અભ્યાસુ હતા. તેઓ પ્રધાનમંત્રી ન થયા હોત તો પણ એક ઇતિહાસવિદ્દ તરીકે પ્રસિધ્ધિને વર્યા હોત. ઉત્તરપ્રદેશના ફૂલપુર લોકસભા ક્ષેત્રમાંથી તેઓ ચૂંટાતા હતા. હેરો સ્કૂલ તથા કેમ્બ્રીજ યુનિવર્સિટી જેવી વિશ્વની જાણીતી જગાએ તેમને શિક્ષણ મળ્યું હતું. પંડિતજી એક કુશળ ધારાશાસ્ત્રી હતા. બ્રિટનના પ્રધાનમંત્રી સર વિન્સ્ટન ચર્ચીલ (૧૮૭૪-૧૯૬૫) તથા નહેરુજી સમવયસ્ક હતા. બન્નેની સામ્યતા એ હતી કે તેઓ મોટા ગજાના વિદ્વાન હોવા ઉપરાંત ભાષા પર પ્રભુત્વ ધરાવનારા હતા. 

ગાંધીયુગના લગભગ તમામ સામાજિક – રાજકીય આગેવાનોએ પત્ર લેખનને તેમના જીવનમાં મહત્વનું સ્થાન આપેલું છે. મહાત્માજીએ પોતે પણ જીવનભર અલગ અલગ લોકોને ભિન્ન ભિન્ન વિષયો પર પત્રો લખ્યા છે. પંડિત જવાહરલાલે પોતાની પ્રિય પુત્રી ઇન્દીરાજીને પત્રો લખીને વિશ્વના ઇતિહાસના કેટલાક મહત્વના વિષયોની સફર કરાવી છે. પોતાની પુત્રીની વરસગાંઠના દિવસે જેલમાંથી તો શી ભેટ મોકલી  શકાય ? પંડિતજી જેલમાં હોવાથી દિકરીને લખે છે કે કોઇ સ્થૂળ કે નક્કર વસ્તુની ભેટ મોકલવી તે જેલમાંથી શક્ય ન હતું. આથી થોડા શબ્દોમાં પોતાની લાગણી પત્રમાં વ્યક્ત કરે છે અને જણાવે છે : ‘‘ તુરંગની ઊંચી ઊંચી દીવાલો પણ આ લાગણીની ભેટને કેવી રીતે રોકી શકશે ? ’’ આ શબ્દોમાં એક પિતાના સ્નેહ સાથે દેશ તરફના સ્વાર્પણની એક મુંગી દ્રઢતાના દર્શન થાય છે. પુત્રીને ઓછા શબ્દોમાં પ્રેરણા પણ કેવી અનોખી આપે છે ? ઇતિહાસની વાતનો દોર પકડીને દીકરીને કહે છે : ‘‘ ઇતિહાસ વાંચવો એ ઠીક છે પરંતુ ઇતિહાસ ઘડવામાં ભાગ લેવો એ રોચક તથા આહલાદક છે. ’’ વિશ્વતોમુખી અભિગમના સમર્થક પુત્રીને વિશાળતાના પાઠ ભણાવતા કહે છે કે સમગ્ર દુનિયાના ભિન્ન ભિન્ન સમાજોનું અવલોકન કરવું જોઇએ. તેઓ કહે છે કે આમ કરવાથી સમજાશે કે આપણે માન્યતા બાંધી લીધી છે તે મુજબ સ્થિતિ નથી. આ બધા લોકોમાં ઘણી ખરી બાબતોમાં મૂળભૂત સામ્યતા રહેલી છે. લખે છે : ‘‘નક્શાઓના રંગોથી કે રાષ્ટ્રોની સરહદોથી ભોળવાઇ જવું જોઇએ નહિ.’’ વિશ્વાનુભૂતિનો આ દ્રષ્ટિકોણ એ આપણાં સંસ્કારોની ભેટ છે. પંડિતજી મહાત્માના સંપર્કમાં ૧૯૧૬માં આવ્યા. જાન્યુઆરી-૪૮ સુધી બાપુ સાથેના વૈચારીક સંસર્ગથી તેમનું જીવન ઘડાતું રહ્યું. બાપુના અનેક વિચારો સાથે અસંમત હોવા છતાં બન્નેનો એકબીજા તરફનો સ્નેહાદર સતત વિકસતો રહ્યો. બન્ને વચ્ચેનો અંગત સંબંધ પિતા – પુત્ર સમાન રહ્યો છે. ૧૯૩૬માં પ્રસિધ્ધ થયેલી નહેરુજીની આત્મકથાએ ભારત તથા ઇંગ્લાંડમાં સરખોજ આવકાર મેળવ્યો હતો. સામ્રાજ્યવાદની નિરર્થક્તા અંગેના તેમના વિચારોથી યુરોપના ઘણાં લોકો પણ પ્રભાવિત થયા હતા. પંડિતજી એ પુસ્તકોનો જીવ હતો. વાચન એ તેમને મનગમતી બાબત હતી. દેશ આઝાદ થયો ત્યારપછી થયેલી ઘટનાઓની તપાસ તેમજ તેને રોકવાના ઉપાયોની વિચારણાએ ખૂબ મહત્વની તથા પડકારરૂપ બાબત હતી. પૂરા દિવસની આ કામગીરી બાદ મોડી રાત્રે થાકીને દિલ્હી પરત આવવાની હવાઇ મુસાફરીમાં તેઓ ‘મૃચ્છકટિક’ વાચતા હતા તેમ વાડીલાલ ડગલીએ નોંધ કરી છે તે બાબત પંડિતજીના વ્યક્તિત્વ પર એક જૂદો પ્રકાશ પાડે છે. જ્ઞાનોપાર્જન એ તેમના વિકસતા ગતિશીલ જીવન પથની મહત્વપૂર્ણ લકીર છે. 

એક અર્થશાસ્ત્રી હોવા ઉપરાંત આપણી ભાષાના સર્જક વાડીલાલ ડગલીએ તેમના એક નિબંધમાં સુંદર વાત લખી છે. ડગલી સાહેબ કહે છે કે તેઓ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને એક ચીનના શિક્ષણશાસ્ત્રી સાથે વાત થઇ. વાત ગાંધીજી તથા નહેરુજી અંગેની હતી. આ વિદ્વાન ચીની મહાશયે ગાંધીજી તથા નહેરુની આત્મકથાઓ વાંચી હતી. ડગલીએ પૂછ્યું ? ‘‘ તમને કઇ આત્મકથા વધારે ગમી ? ’’ ચીનના શિક્ષણશાસ્ત્રી જવાબ આપે છે : ‘‘ આત્મકથા નહેરુની ગમી. પરંતુ મન આકર્ષાયું ગાંધીના વ્યક્તિત્વ તરફ. મારા દેશમાં નહેરુ સમાન માણસ હોય તો છાતીફૂલે પરંતુ મારું માથું તો હું ગાંધી જેવાનાજ ખોળે મૂકું…. અનુયાઇ થવા હું ગાંધી પાસેજ જાંઉ ’’ મહાત્માગાંધી, નહેરુ તેમજ સરદાર પટેલ એ આપણી અમૂલ્ય ધરોહર છે. પંડિત નહેરુની જન્મજયંતિના માસમાં તેમની સ્મૃતિને નમન છે.

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૨૦/૧૦/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑