મહારાઓશ્રી લખપતજી વૃજભાષા પાઠશાળા બાબતમાં કવિ શ્રી નાનાલાલ લખે છે :
‘‘ કાવ્યકળા શીખવવાની પાઠશાળા ભુજમાં હતી. આજે પણ છે. કવિઓ સર્જવાની એ કાવ્યશાળા કદાચ દુનિયાભરમાં અદ્વિતીય હશે…….. એ કાવ્યશાળામાં કાવ્યશાસ્ત્ર ઉપરાંત અનેક કળાઓ પણ શીખવવામાં આવે છે. ભુજિયો એ મહારાઓનું સિંહાસન છે પરંતુ ભુજની પાઠશાળા એ કચ્છના મહારાઓનો કીર્તિ મુગટ છે. ’’ આઝાદી મળ્યા બાદ કેટલાક કારણોસર પાઠશાળા તો બંધ કરવામાં આવી છે પરંતુ આ પાઠશાળાના છેલ્લા આચાર્ય તથા કચ્છના રાજકવિ શંભુદાનજી ઇશ્વરદાનજી રત્નુની જન્મજયંતિ (૧૬-૦૧-૧૯૧૦)ના આ માસમાં પુન: કચ્છની આ અજોડ સંસ્થાનું સ્મરણ થાય છે. બહુ ઓછી વિદ્યાસંસ્થાઓના નસીબમાં આ પાઠશાળા જેટલી પ્રતિષ્ઠા મેળવવાનું લખાયું હશે.
હિન્દુસ્તાનમાં એક સમય એવો હતો કે જ્યારે તક્ષશિલા, નાલંદા તથા વલ્લભી જેવી વિદ્યાસંસ્થાઓની પ્રતિષ્ઠા દૂર સુદૂર સુધી ફેલાયેલી હતી. અનેક વિદ્વાન ચિની મુસાફરોએ પણ આ વિદ્યાસંસ્થાઓની જાહોજહાલી વિશે વિસ્તૃત રીતે લખેલું છે. પરંતુ વિશેષ કરીને ઇસ્ટ ઇન્ડીયા કંપનીના આગમન બાદ અઢારમી તથા ઓગણીસમી સદીનો ઘણો ભાગ વિદ્યાસંસ્થાઓના વિકાસ માટે ખાસ અનુકૂળ રહ્યો નહિ. પરંતુ આ પ્રતિકૂળ કાળમાં પણ ઉમિયાશંકર અજાણીના મતે રા દેશળના સુજ્ઞ તથા શીલવાન રાજકવિ હમિરજી રત્નુએ છંદોબધ્ધ પિંગળ શાસ્ત્રનું જ્ઞાન રા દેશળજીના કુંવર લખપતજીને આપ્યું હતું. રાલખપતજીમાં આ કાવ્યસંસ્કાર પૂર્ણ રીતે પાંગર્યા હતા. વિદ્યાની આ જ્યોત પ્રગટવાના કારણે મહારાઓ લખપતજીએ પોતાના મનની મહેચ્છાની પૂર્તિ માટે કચ્છ વિશ્વ વિદ્યાલય સમાન વ્રજભાષા પાઠશાળાની સ્થાપના ૧૭૪૯માં ભારે ઉત્સાહ, ઉમંગ તેમજ ધામધૂમથી કરી હતી. આ પાઠશાળાના કારણે મહારાઓની કીર્તિમાં વૃધ્ધિ થવા પામી હતી. ૨૦૦ વર્ષ સુધી આ પાઠશાળા ચાલી. આ પાઠશાળામાં અગિયાર હજાર જેટલા મૂલ્યવાન ગ્રંથો હતા તેમ કહેવાય છે. ૨૦૦ વર્ષના આયુષ્યમાં આ વ્રજભાષા પાઠશાળામાં ૩૫૦ જેટલા સર્જકો સમાજને પ્રાપ્ત થયા છે તેમ નોંધવામાં આવેલું છે. આ પાઠશાળાના અભ્યાસક્રમનો ગાળો પાંચ વર્ષનો નક્કી થયેલ હતો. અભ્યાસક્રમ પૂરો થયા બાદ કસોટી કરવામાં આવતી હતી. આજે આપણે કોન્વોકેશન સેરીમની અંગે વાત કરીએ છીએ. તે સમયે આ પાઠશાળામાં પણ દીક્ષાંત સમારોહ યોજવામાં આવતો હતો. મહારાઓની હાજરીમાં તેમજ દરબારખંડમાં જે સમારંભ યોજાતો હતો તેમાં સફળ થયેલા શિક્ષાર્થીને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને તેનું સન્માન કરવામાં આવતું હતું. જે સમગ્ર પ્રક્રિયા આપણે જોઇ શકીએ છીએ તેમાં એ વાત સ્પષ્ટ છે કે તત્કાલિન શાસકો શિક્ષણના આ મહત્વના કાર્યમાં પૂર્ણત: ગૂંથાયેલા રહેતા હતા. તે માટેનું સંપૂર્ણ ખર્ચ પણ ભોગવતા હતા. આથી સમગ્ર પ્રક્રિયાની એક અલગ ગરીમા પણ જળવાતી હતી. સદ્દભાગ્યે કચ્છની વ્રજભાષા પાઠશાળાના મોહક ઇતિહાસ પર અધ્યાપક ડૉ. નિર્મળાબેન આસનાનીએ સંશોધન – સંપાદનનું સારું કામ કરેલું છે. આ દસ્તાવેજમાંથી આ પાઠશાળામાં તૈયાર થયેલા કવિઓ તથા તેમની કૃતિઓ અંગે અધિકૃત માહિતી મળી શકે છે. તાજેતરમાંજ ‘કચ્છનો કીર્તિ મુકુટ’ એવા શિર્ષક સાથે એક નાનો ગ્રંથ પ્રસિધ્ધ થયો છે. ગ્રંથ રાજકવિ શંભુદાન ઇશ્વરદાન ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, ભૂજના સહયોગથી પ્રકાશિત થયો છે. વી.આર.ટી.આઇ. માંડવી (વિવેકગ્રામ પ્રકાશન) તરફથી તેનું સુંદર તથા સુઘડ પ્રકાશન થયેલું છે.
મહારાઓશ્રી લખપતજી જાતેજ મોટા વિદ્વાન હતા. મહારાઓશ્રીએ પોતે ઘણાં પુસ્તકો લખ્યા છે. સોનામાં સુગંધ ભળે તેમ મહારાઓશ્રીને હમીરજી રત્નુ તથા જૈન યતિ કનકકુશળજી તેમજ કુંવરકુશળજી જેવા જ્ઞાની લોકોનો પૂર્ણ સહયોગ તેમજ માર્ગદર્શન મળ્યા હતા. મહારાઓશ્રી રત્નપારખુ હોવાથી આ વિદ્વાનો પાસેથી આદર સહ કામ લઇ શક્યા હતા. આ બધા સંજોગો તેમજ રાજવીની ઉદાર સખાવતના કારણે આ કાર્ય સંપન્ન થયું હતું. કચ્છના રાજવીની આ કાર્ય માટેની કીર્તિ ચોમેર પ્રસરી હતી. ભાવનગર તથા જામનગરના તત્કાલિન રાજવીઓ કચ્છના આ કાર્યથી પ્રભાવીત થયા હતા. આથી આ બન્ને રાજ્યોએ પણ પોતાને ત્યાં આવી વિદ્યાસંસ્થા ઊભી કરવા મનોરથ સેવ્યા હતા પરંતુ સંજોગોવશાત તેઓ તેમ કરી શક્યા ન હતા. વ્રજભાષા પાઠશાળાના છેલ્લા આચાર્ય કવિ શંભુદાનજી (૧૯૧૦ થી ૧૯૮૪) આ ઉજળી પરંપરાની છેલ્લી કડી સમાન હતા.
વ્રજભાષા પાઠશાળા સાથે સંકળાયેલા બે ઉજળા નામોમાં સદ્દગુરુ બ્રહ્માનંદસ્વામી તથા ગુજરાતી ભાષાના મેરુ સમાન સર્જક કવિ દલપતરામનો સમાવેશ થાય છે. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની સભાઓ – મંદિરોમાં બ્રહ્માનંદસ્વામીના પદો ગુંજતા રહે છે. બ્રહ્માનંદ સ્વામીની કાવ્યશક્તિ તેમને ઉત્તમ વ્રજભાષા તથા ગુજરાતીમાં કાવ્ય સર્જક તરીકે સ્થાપે તેવી છે. આજ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના સંત દેવાનંદ પાસે દલપતરામ પીંગળશાસ્ત્ર ભણ્યા હતા. ભુજની વ્રજશાળાનો પ્રસાદ પણ કવિ દલપતરામને મળ્યાનું નોંધાયું છે. આજે પણ વિદ્યાકીય સંસ્થાઓ તેના શિક્ષણના ઉચ્ચ ધોરણો તથા પ્રણાલીકાઓના આધારે ઓળખાય છે. વ્રજભાષા પાઠશાળાનું મૂલ્યાંકન તે રીતે પણ તેને ઉત્તમ શૈક્ષણિક સંસ્થામાં સ્થાન અપાવી શકે તેવું છે. આવા ઉચ્ચ ધોરણોને કેન્દ્રમાં રાખીને દેશ આઝાદ થયો તેની બે સદી પહેલા શરૂ થયેલી આ પાઠશાળા માત્ર કચ્છનું નહિ પરંતુ પશ્ચિમ ભારતના ગૌરવ સમાન છે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૧૧/૧૦/૨૦૨૧.
Leave a comment