: સંસ્કૃતિ : : મંત્રમુગ્ધ કરી દે તેવું અસ્તિત્વ : લોકનાયક જયપ્રકાશ :

દાદા ધર્માધિકારી જે.પી.ના વ્યક્તિત્વ વિશે વાત કરતા તેને –    પ્રી – પઝેસીંગ – પ્રેઝન્સ – મંત્રમુગ્ધ કરે તેવું વ્યક્તિત્વ કહે છે તેમાં પૂરેપૂરું તથ્ય છે. સંતતુલ્ય શૂચિતા એ જે.પી.ના વ્યક્તિત્વમાં સતત ડોકાતી રહે છે. ઓક્ટોબરની અગિયારમી તારીખે (૧૯૦૨) જે.પી.નો જન્મ થયો. યોગાનુયોગ એ વિજ્યાદસમીનો શુભ દિવસ હતો. આસુરી તત્વો પર લાંબા સંઘર્ષ પછી દૈવી તત્વોના વિજયના પ્રતિક જેવો એ દિવસ હતો. જયપ્રકાશ નારાયણ પણ આજીવન સત્યના આગ્રહ સાથે સંઘર્ષરત રહ્યા. જે.પી. પોતાના સ્વપ્નો સિધ્ધ કરી શક્યા હતા કે કેમ તેનો નિર્ણય તો કાળ કરશે. પરંતુ આ મહાનાયકને વિફલ જીવનનો પણ વસવસો નથી. શરત માત્ર એટલીજ છે કે સમાનધર્મી સહયોગીઓને માર્ગદર્શક તથા ઉપયોગી જીવન જીવી શકાય.

યહ વિફલ જીવન

શત શત ધન્ય હોગા

યદિ સમાનધર્મી પ્રિય તરુણોંકા

કંટકાકીર્ણ માર્ગ

કુછ સફલ બના પાયેં.

જયપ્રકાશ નામના આ મહામાનવે ૮ ઓક્ટોબર – ૧૯૭૮ના દિવસે આ જગતની વિદાય લીધી. જે.પી.ની જન્મજયંતિ તેમજ પુણ્યતિથિના આ માસમાં અનેક ભારતીયોના મનમાં લોકનાયકની સ્મૃતિ થઇ હશે. ગાંધીજી કહેતા કે સમાજવાદ વિશે જયપ્રકાશ જે નથી જાણતાં તે આ દેશમાં બીજું કોઇ નથી જાણતું. બાપુ સાથેના વિચારભેદ છતાં ગાંધીજી જયપ્રકાશની સર્વસ્વની કુરબાનીને હમેશા બીરદાવતા હતા. જે.પી. નમ્રતા, સરળતા તથા સ્નેહની મૂર્તિ સમાન હતા તેવી વિનોબાજીની વાત થોડામાં ઘણું કહી જાય છે.

જયપ્રકાશ નારાયણ દેશના આજીવન માર્ગદર્શક રહ્યા પરંતુ કદી સત્તા ગ્રહણ કરવાના વિચારમાં આગ્રહ છતાં સંમત ન થયા. ગાંધીજીના સમયમાં સત્તા ગ્રહણ ન કરવાના આવા અનોખા વલણના દ્રષ્ટાંત જોવા મળી શકે છે. પરંતુ ગાંધીજીના ગયા બાદ આવું વલણ સતત ત્રણ દાયકા સુધી જાળવીને સામાજિક કાર્યો કરવાની જે.પી.ની જીવન પધ્ધતિ એક અનોખી મીસાલ હતી. જે હકીકતો નોંધાયેલી છે તે મુજબ ૧૯૫૩માં ભારત સરકારમાં જોડાવા પંડિત જવાહરલાલ નહેરુએ જયપ્રકાશને સૂચવ્યું હતું. કોંગ્રેસ તથા સમાજવાદીઓના જોડાણનો એક સુયોગ આ રીતે ઊભો કરવાનો પંડિતજીનો પ્રયાસ હતો. જો પંડિત નહેરુના આગ્રહ મુજબ થયું હોત તો નહેરુ પછી સ્વાભાવિક ક્રમેજ તેઓ વડાપ્રધાન થયા હોત તેમ માનવું ઉચિત છે. જે.પી. એ કોઇ પ્રજાહીતના નક્કી કરેલા કાર્યક્રમ સિવાય માત્ર સરકારમાં જોડાવું ઉચિત ન ગણ્યું. જયપ્રકાશે એક મોટા પ્રલોભનને સહજ રીતેજ ઠુકરાવ્યું. ફરી એક વખત ૧૯૬૨માં ભારત ચીનના સંઘર્ષ પછી નહેરુજીની નીતિ – પધ્ધતિ સામેનો વિરોધ ઊભો થતાં અનેક લોકોના મનમાં જે.પી.નો વિકલ્પ સામે આવ્યો. જે.પી.એ આ સમયે પણ વિનય સાથે પણ દ્રઢતાપૂર્વક આવી કોઇ દરખાસ્ત સ્વીકારવા સંમતિ આપી નહિ. ત્રીજો એક પ્રસંગ ૧૯૬૭માં ચૂંટણીઓ બાદ ઊભો થયો. ઘણાં રાજ્યોમાં કોંગ્રેસની હાર થઇ. થોડા સમય બાદ રાષ્ટ્રપતિની ચૂંટણી આવી. ડૉ. રામમનોહર લોહિયાએ કોંગ્રેસ સામેના પક્ષોની શક્તિને જોઇ જયપ્રકાશને વિરોધપક્ષના સર્વમાન્ય ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવા વિનંતી કરી. જે.પી.એ જાહેર નિવેદન કરીને આ દરખાસ્તનો અસ્વીકાર કર્યો. કોઇ એવી શક્તિ આ લોખંડી પુરુષમાં હશે કે જનસામાન્યની સેવા માટે તેઓને રાજકારણ કરતાં લોકકારણ વધારે ઉચિત લાગ્યા હશે. સત્તાનો માર્ગ ગ્રહણ કર્યો નહિ પરંતુ જીવનભર લોકોના હીતના પ્રશ્નોને હાથમાં લઇ સત્તાધીશો સામે સતત સંઘર્ષ કરતા રહ્યા. વિનોબાજીના ભૂદાન આંદોલનનો પણ ભાગ બન્યા. લોકસેવાના કાર્યમાં સતત પ્રવૃત્ત રહીને સરકાર પર પ્રભાવ પાડવાના ગાંધી – વિનોબાના વિચારનો જયપ્રકાશના જીવનમાં અમલ થયેલો જોઇ શકાય છે. સત્તાનો પરંપરાગત રસ્તો છોડીને નવો ચીલો પાડવાનો આ લોકનાયકનો પ્રયાસ ગાંધી વિચારનું પ્રતિબિંબ ઝીલે છે. માનવ સમાજની સ્થિતિ બદલવામાં સત્તાનો અભિગમ ખાસ કામ આવતો નથી તેવી પ્રતિતિ જે.પી.ની વિચારધારામાં જોઇ શકાય છે. સ્વતંત્ર દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના ભપકા સામે જે.પી.એ અનેક વખતે જાહેરમાં અણગમો વ્યક્ત કર્યો. જે.પી.ના પંડિત જવાહરલાલ નહેરુ સાથેના સંબંધો પણ શરૂમાં ઘણાં નિકટના હતા. ધીમે ધીમે આ સંબંધોમાં પણ વૈચારીક મતભેદ ઊભા થયા હતા. આમછતાં જયપ્રકાશે આ મતભેદોની જાહેર ચર્ચામાં એક મર્યાદા જાળવી તે પણ નોંધપાત્ર બાબત છે.

જે.પી.ના વિચાર તથા વ્યક્તિત્વને વિશેષ સમજવામાં વેલ્સ હંગેન નામના એક પત્રકારનો જે.પી. સાથેનો ઇન્ટરવ્યૂ કામ આવે તેવો છે. હંગેન લખે છે કે પટણામાં તેમણે એક પૂરો દિવસ જે.પી. સાથે ગાળ્યો. એક શાળાના ઓરડામાં કોઇ આધુનિક સવલતો સિવાય જે.પી. બેસતા. જે.પી. આ  વિદેશી પત્રકારને જમીન પર ગાદલા પર તકીયાની મદદથી કેવી રીતે બેસી શકાય તેની વિગત કાળજીથી સમજાવે છે. રૂમમાં થોડા પુસ્તકોના કબાટ તથા એક ખખડધજ સીલીંગ ફેન હતા. હંગેન લખે છે કે જે.પી. જે વાત કરે છે તેમાં આડંબર નથી કે ચવાઇ ગયેલા સૂત્રો નથી. શબ્દની તેમની પસંદગી ઘણી વિવેકપૂર્ણ હતી. મોટાભાગે શાંત અને સ્વસ્થ દેખાતાં જે.પી. દેશના ગ્રામજનોની સ્થિતિની વાત કરતાં ઘણાં ભાવુક બની જતા હતા. અનેક વંચિતોની વ્યથાની વાત કરતાં તેમના મુખ પર વેદનાના વાદળ ઉતરી આવતાં હતા. વાત કરતાં કરતાં તેઓ ઊંડા વિચારમાં ઉતરી જતા હતા. જનસામાન્ય સાથેના આ અનુસંધાનને કારણેજ તેમના પ્રશ્નોના નિરાકરણ માટે તથા મનુષ્ય ગૌરવ અર્થે જે.પી. સતત સંઘર્ષ કરતાં રહ્યા. ગુજરાતે પણ જે.પી.ના આ અનોખા નેતૃત્વનો અનુભવ ૧૯૭૪ થી ૧૯૭૭ના ગાળામાં કર્યો છે. આથી તેમની એક છબી આપણાં મનમાં કાયમ રહી યછે. સ્વતંત્ર દેશના રાજપુરુષોનું સ્મરણ કરીએ ત્યારે લોકનાયક જયપ્રકાશનું નામ અચૂક સ્મૃતિમાં આવે છે. જયપ્રકાશ તેમજ ગાંધીજીના વિચારને વરેલા જે.પી.ના અર્ધાંગના પ્ર્રભાવતીદેવી એ આપણાં મુક્તિ સંગ્રામના તેજસ્વી તારકો છે.

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૨૭/૦૯/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑