: સંસ્કૃતિ : : કાર્તિક પૂર્ણિમાએ શ્રીમદ્દ તથા ગાંધીનું સ્મરણ :

મહાત્મા ગાંધીના જીવનને એક અસંભવ સંભાવના તરીકે મૂલવવામાં આવે છે તે યથાર્થ છે. ગાંધીજી પોતે કે તેમની વિચારસરણી એ પાળમાં બંધાયેલા નીર સમાન નથી પરંતુ ગંગોત્રીની સાતત્યપૂર્ણ ગતિશિલતાની જેમ સતત વિકસતા અને વિલસતા પ્રવાહ સમાન છે. ગાંધીજીએ જે બાબતોનો પ્રત્યક્ષ અનુભવ જગતમાં કર્યો અને જે તેમની અનુભૂતિહતી તે અનુસારજ પોતાનો કાર્ય વિસ્તાર તેમણે કર્યો. દરેક વિચારને કર્મ સાથે જોડીને મૂલવવાનો ગાંધી જીવન સંદેશ એ બાપુના જીવનની વિશેષતા હતી. જે જીવનમાં તથા કર્મમાં તેજ બાબત વાણીમાં હોય. જે વાણીમાં હોય તેનોજ પ્રતિઘોષ કર્મમાં ઝીલાયો હોય તે ગાંધી જીવનની સાફલ્ફ ગાથા છે. 

ઇતિહાસ પર દ્રષ્ટિકોણ કરીએ તો મહાત્મા ગાંધી અને ધર્માત્મા રાયચંદભાઇ એ બન્ને વૈચારીક દ્રષ્ટિકોણથી અનેક બાબતોમાં લગભગ સમાન ધોરણે રહ્યા તેમજ એકમેવ તરફનો સ્નેહ વિદ્યા વ્યાસંગને કારણે સતત જાળવતા રહ્યા. ગાંધીજી યુરોપની કેળવણી પામીને હિન્દુસ્તાન પરત આવ્યા હતા. આફ્રિકાના વસવાટ દરમિયાન બેરિસ્ટર ગાંધીના જીવનમાં અનેક નવા વળાંકો આવ્યા હતા. પરંતુ આ બધું હોવા છતાં ગાંધીજી શ્રીમદ્દના વિચારોમાંથી અનેક બાબતો મેળવી કે પામી શક્યા છે તેમ મહાત્મા ગાંધીએ એકથી વધારે વખત કહ્યું છે. મહાત્મા ગાંધી તથા શ્રીમદ્દ વચ્ચેના આ વૈચારીક પ્રદાનનું સુંદર લેખન – સંપાદન કુમારપાળ દેસાઇએ કરેલું છે જે અભ્યાસુને માર્ગદર્શક થઇ શકે તેવું છે. શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, અગાસ (જિલ્લો આણંદ)ના અનેક સુંદર પ્રકાશનોના માધ્યમથી પણ શ્રીમદ્દના જીવન – કવન તથા તેમના વિચાર વૈભવ સુધી પહોંચી શકાય છે. દેવદિવાળીનો શુભ દિવસ એ શ્રીમદ્દનો પ્રાગટ્ય દિવસ છે. શ્રીમદ્દની અદ્દભૂત સ્મરણશક્તિને કારણે અષ્ટાવધાન – આઠ ભિન્ન ભિન્ન બાબતો તરફ એકી વખતે લક્ષ રાખી ભૂલ વગર એ આઠ ક્રિયાઓ કરી બતાવવાની શક્તિ – પણ તેમને સહજ ઉપલબ્ધ હતું. ક્રમશ: શ્રીમદ્દે શતાવધાન પણ કરી બતાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ બધી બાબતો માટે તેઓ ‘અંત:કરણની શુધ્ધિ’ ને પાયાની બાબત ગણાવતા હતા. અંત:કરણની આવીજ શુધ્ધિ બેરિસ્ટર ગાંધીના જીવનમાં ક્રમશ: વિકસી હતી. અંતરના સાદને પારખીને તેઓ જેમાંથી સારી એવી ધનપ્રાપ્તિ થતી હતી તે વકીલાતના વ્યવસાયને છોડીને સામુહિક જીવનના પ્રયોગ માટે ફીનીક્સ આશ્રમમાં રહેવા તથા અલગ પધ્ધતિએ જીવન જીવવા ગયા હતા. 

ધર્મ એ ધારણ કરે છે તેમ શાસ્ત્રો કહે છે. આથી ધર્મનું અવલંબન એ સૃષ્ટિના તમામ જીવોને ઉપલબ્ધ છે. ધર્મને ફીરકા પરસ્તીની મર્યાદામાં બાંધી શકાતો નથી. જે સમર્થ લોકો ધર્મને વિશાળ ફલક પર જોવાની શક્તિ ધરાવતા હતા તેઓ કોઇપણ પ્રકારની વૈચારીક કુપમંડુક્તાને સહેજ પણ સહન કરી શકતા ન હતા. શ્રીમદ્દ કહેતા હતા : 

‘‘ જૈન ધર્મ જો શ્રાવકોના હાથમાં ન ગયો હોત તો તેના તત્વો જોઇને જગત ચકિત થાત… તેઓ કીડિયારાં પૂરે છે, બટેટુ મોંમાં જાય તો જેમને દુ:ખ થાય છે એવા ઝીણા ઝીણા ધર્મ પાળે છે તેમની એ ઝીણવટ તેમને મુબારક હો, પરંતુ જેઓ એમ માને છે કે તેમાંજ જૈન ધર્મની પરિસીમા છે તો તેઓ ધર્મની નીચામાં નીચી શ્રેણીએ જ છે…’’ આજ વિચારનો પડઘો આપણે ગાંધી વિચાર તથા વ્યવહારમાં આબેહૂબ જોઇ શકીએ છીએ. જે મંદિરોમાં તમામ જાતીપાતીના લોકોને પ્રવેશ મળી શકતો નથી તેવા મંદિરમાં કસ્તુરબા દર્શન માટે જાય તો પણ એ બાબત ગાંધીને મંજૂર નથી. ગાંધીના વિચારમાં એ હકીકત તરફ ‘ઝીરો ટોલરન્સ’ છે. 

ગાંધીજી કહેતા કે શ્રીમદ્દને પ્રેમ તથા આદરથી રાયચંદભાઇ અથવા કવિ તેવા નામથી બોલાવું છું. રાયચંદભાઇની અણધારી વિદાય પછી તેમના સ્મરણોને વાગોળતા ગાંધીજી કહે છે કે જૈન ધર્મની મારી મર્યાદિત સમજને કારણે કવિના સ્મરણોને હું સંપૂર્ણ ન્યાય આપી શકું તેમ નથી. ગાંધીજી વેદના મંત્રની જેમ દરેક દિશાએથી શુભ તથા સુંદર વિચારો મેળવનાર સતત અભ્યાસુ હતા. ગાંધીજીના વિચારોમાં કદી કુપમંડુક્તા ન હતી. આથી તેઓ કહે છે : ‘‘ કવિ શતાવધાની ગણાતા હતા. શતાવધાનીની વાનગી જોવા મને સૂચવવામાં આવ્યું… કવિએ મેં કહેલા શબ્દોજ જે ક્રમમાં – નિયમમાં કહ્યા હતા તેજ નિયમમાં કહિ સંભળાવ્યા ! આ શક્તિની મને અદેખાઇ થઇ પરંતુ હું તેના પર મુગ્ધ ન થયો. જેના પર હું મુગ્ધ થયો તે હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુધ્ધ ચારિત્ર તથા તેમની આત્મદર્શન માટેની ભારે ધગશ. ’’ (સત્યના પ્રયોગો)

હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે

મારું જીવ્યું સફળ તવ લેખું રે,

મુક્તાનંદનો નાથ વિહારી રે

ઓધા, જીવનદોરી અમારી રે.

મહાત્મા ગાંધીના મતે મુક્તાનંદનું ઉપરનું પદ માત્ર કવિના મુખપાઠમાંજ ન હતું પરંતુ તેમના હ્રદયમાંયે અંક્તિ થયેલું હતું. ગાંધીજીનો સર્વધર્મ સમભાવ એ જાણીતી બાબત છે. પરંતુ જૈનદર્શનની છાપ બાપુના વિચારો પર રાયચંદભાઇના આ અંતરંગ સંપર્ક તેમજ વૈચારીક આદાન પ્રદાનને કારણે દ્રઢ થઇ હશે તેમ કહેવામાં ઔચિત્ય છે. ગાંધીજી અનેક ધર્માચાર્યોને મળ્યા છે તેમાં શ્રીમદ્દ જેવી છાપ ગાંધીજી પર અન્ય કોઇ પાડી શક્યા નથી તેમ બાપુએ લખ્યું છે. જો કે વિચારોમાં હમેશા સ્પષ્ટ રહેતા મહાત્મા લખે છે કે તેમનો રાયચંદભાઇ માટેનો તેમજ ટોલ્સટોય તથા રસ્કીન માટેનો અપાર આદર હોવા છતાં તેમણે કોઇને ગુરુપદે સ્થાપ્યા નથી. આ શોધ બાપુના જીવનમાં અવિરત રહી છે. આમ છતાં એ હકકીત છે કે ગાંધીજીને ધર્મ સમજવામાં તેમજ વૈચારીક કટોકટીની ક્ષણે પણ તેને વળગી રહેવામાં શ્રીમદ્દના સત્સંગનો મજબૂત તથા તર્કબધ્ધ આશ્રય મળ્યો હતો. 

મહાત્મા ગાંધીએ સત્ય તથા અહિંસાના મૂળભૂતમાનવીય ગુણોનું સિંચન – સંવર્ધન કરવા પ્રયાસ કર્યો. શ્રીમદ્દે વીતરાગપ્રણીત માર્ગને યથાર્થ રીતે  અનુસરવા તેમજ પ્રસરાવવા આજીવન પ્રયાસ કર્યો. આ બન્ને મહાત્માઓ માનવ સભ્યતાના ઉજળા આભૂષણ સમાન છે.

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૨૦/૦૯/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑