: સંસ્કૃતિ : : કવિ પ્રહલાદ પારેખ : સૌંદર્યનો શણગાર :

કોઇ એક ભાવક કે જેને ગુજરાતી કવિતા વિશેનો ખાસ અભ્યાસ ન હોય તેવા વ્યક્તિ માટે પણ કવિ પ્રહલાદ પારેખની કાવ્યભોમમાંથી પસાર થવું એ પ્રસન્નતા આપનારો મીઠો અનુભવ છે. ભરપેટ સૌંદર્યયાત્રાનો અનુભવ કરાવનારા આ કવિ છે. સૌંદર્ય તેમજ કલાનું નક્શીકામ કવિ પ્રહલાદ પારેખના કાવ્યોમાં સતત ડોકાતુંરહે છે. સૌંદર્યનું ગાન એ આ કવિની ઓળખ છે. કવિ પ્રહલાદ પારેખને આ સૌંદર્યના ગાણાની સતત પ્રતિક્ષા રહે છે. આ સંદર્ભમાં સાંઇ મકરંદની થોડી પંક્તિઓનું અહીં સ્મરણ થાય છે. 

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો

જ્યારે પડે ઘા આકરા

જ્યારે વિરૂપ બને સહુ

તે વેદનાની ઝાળમાં

સળગી રહે વન સામટાં

ત્યારે અગોચર કોઇ ખૂણે

લીલ વરણાં ડોલતાં હસતાં કૂણાં

તરણા તણું ગાણું મુખે મારે હજો.

સંસાર છે તેમાં ચડાવ ઉતારની પ્રક્રિયા તો સામાન્ય છે. એક સરખો અનુકૂળ સમય બહુ ઓછા લોકોનો કદાચ જતો હશે. જીવન છે ત્યાં સુધી સમસ્યા છેજ. પરંતુ આ બધી પ્રતિકૂળતાઓ વચ્ચે સૌંદર્યનું દર્શન કરી શકવાની શક્તિ આપણાં સૌની છે. કવિ પ્રહલાદ પારેખે આકંઠ જીવનના આ સૌંદર્યનું પાન કર્યું છે અને તેનુંજ ગાન કરીને સુંદરતાનો ફેલાવો જન જન સુધી કરવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કર્યો છે. 

કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં તારીખ ૨૨-૧૦-૧૯૧૧માં થયો હતો. ૨૦૧૨માં ગુજરાતે તેમની જન્મશતાબ્દી વંદના કરી. કવિની જન્મજયંતિના આ માસમાં કવિનું સ્મરણ અનેક સાહિત્યપ્રેમીઓને થયું હશે. ૧૯૬૨માં મુંબઇમાં કવિએ આ જગતની વિદાય લીધી. કવિ ઉપરાંત એક આદર્શ શિક્ષકની સક્રિય ભૂમિકા તેમણે ભજવી. નાનાભાઇ ભટ્ટની તપશ્ચર્યાના બળે ભાવનગરમાં દક્ષિણામૂર્તિ શાળાની શરૂઆત થઇ. કવિ પ્રહલાદ પારેખનું માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિમાં થયું. જે સંસ્થામાં નાનાભાઇ ભટ્ટ તથા હરભાઇ ત્રિવેદી જેવા સમર્પિત શિક્ષણવિદ્દો હોય ત્યાં વિદ્યાર્થીના ઘડતરમાં એક ભિન્ન તરાહ આવે તે સ્વાભાવિક છે. કવિનું આ શાળામાં મૂળભૂત સંસ્કારસિંચન થયું. ગુજરાત વિદ્યાપીઠ તથા શાંતિનિકેતનના નિવાસને કારણે તેમનું ઘડતર મજબૂત થયું. શાંતિનિકેતનના સહવાસે તેઓનું આકર્ષણ રવીન્દ્રસંગીત તરફ થયું. શાંતિનિકેતનના રંગોત્સવોએ કવિની ચેતનામાં સૌંદર્ય ઠાંસોઠાંસ ભર્યું. સૌરાષ્ટ્રના લોકસંગીતના સ્વાભાવિક સંસ્કાર તથા કવિગુરુ ટાગોરની કૃતિઓના છંદોલયે તેઓ સૌંદર્યના રંગે પૂરેપૂરા રંગાયા છે. ‘‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે આપમેળે’’ એ કવિ ઉમાશંકર જોશીની પંક્તિઓ મુજબ કવિના ભાવવિશ્વમાં સૌંદર્ય સિવાય કોઇ રંગો ચડ્યા નથી. તેમણે પોતાની સમગ્ર સર્જનયાત્રામાં સૌંદર્યની ભરપેટ લહાણી કરી છે. ગાંધીયુગનો જે પ્રભાવ કવિઓ પર પડેલો છે તેની પણ ખાસ અસર આ કવિની રચનાઓ પર નથી. પ્રહલાદ પારેખ અભિવ્યક્તિના સાદા છતાં સામર્થ્યવાળા કાવ્યસૌંદર્યને સહજ રીતે પ્રગટાવી શક્યા છે તેવું કવિ દલપત પઢિયારનું તારણ સર્વથા ઉચિત છે. (‘પરબ’ જાન્યુઆરી : ૨૦૨૧)

કવિના અનેક સર્જનો પૈકીના બહુ થોડા સર્જનોની કાવ્યપંક્તિઓ ચિરકાળ સુધી જીવાતી તથા ગવાતી  આપણે જોઇ છે. આ બાબત સ્વાભાવિક છે. ‘પ્રેમળ જ્યોતી તારો દાખવી’ કે ‘એકજ દે ચીનગારી’ જેવી કાવ્યપંક્તિઓ ભાષાની સ્મૃતિમાં જડાઇ જતા હોય છે. કવિ પ્રહલાદ પારેખની નીચેની પંક્તિઓ એ લોકહૈયે પણ જડાઇ ગયેલી છે.

આજ અંધાર ખુશબોભર્યો

લાગતો, આજ સૌરભભરી

રાત સારી; આજ આ શાલની

મંજરી ઝરી ઝરી, પમરતી

પાથરી દે પથારી.

ભાવકના મનમાં સદાકાળ સુધી કોતરાઇ જાય તેવા આ કાવ્યના ઉપાડથીજ ભાવક તેના તરફ ખેંચાય છે. અંધાર અને તે પણ ખુશબુથી હર્યોભર્યો એ વાત માણવી – મમળાવવી ગમે તેવી છે. કોઇ રાતરાણીની સુગંધ અંધકારને પણ ખુશબથી શણગારી જાય છે. તેથી કવિને ‘‘આજ’’ નો આ અનુભવ – આ પ્રતિતિ અલગજ સૌંદર્યજગતમાં લઇ જાય છે. 

અંધકારના વિવિધ રૂપો ગુજરાતી કવિતાઓમાં જોવા મળે છે. સર્વનો એક જૂદો સંદર્ભ છે છતાં અંધકાર તેમા સામાન્ય છે. કવિ રાજેન્દ્ર શુકલના ‘ઊંટ ભરીને આવ્યું રે અંધારું લો !’ પણ અહીં સ્મૃતિમાં આવે છે. કવિ પ્રહલાદ પારેખની બીજી બે સુંદર પંક્તિઓમાં રાત કે અંધકારનો સંદર્ભ લઇ નયનરમ્ય કલ્પના થઇ છે. કવિ લખે છે : 

સુધાભરી તારક પ્યાલીઓને

આકાશથાળે લઇ રાત આવે.

અંધકારે મુજ અંતરમાં

કર્યો દીપ આનંદતણો ઝગતો.

અંધકાર સાથેનો આપણો ભાવ કે કલ્પના પણ ભય કે કેટલીક વખત નીરાશા – હતાશાની લાગણી સાથે સામાન્ય રીતે જોડાયેલા છે. પરંતુ આ સામાન્ય લાગણીથી વિપરીત કવિ પ્રહલાદ પારેખે અંધારાને પણ શણગાર્યું છે. અંધારાને પણ અપનાવી લેવાની વાત ખૂબ મૌલિક છે. સૂર્ય નારાયણના તો વ્રત થાય, પૂજા અર્ચના પણ થાય. પરંતુ ‘‘શ્યામલને સોહાવવાની’’ કવિની રીત નિરાળી છે. 

થાયે છે રોજ રોજ પૂજા સૂરજની

ને ચાંદાનાંય વ્રત થાતાં :

આનંદઘેલાં હૈયે અમારાં આજ

અંધારાનેય અપનાવ્યું !

હો આજ અમે અંધારું શણગાર્યું.

મધ્યકાળના સાહિત્યથી અર્વાચીન ગુજરાતી રચનાઓએ જૂદી દીશા પકડી છે તેમજ સ્વરૂપો બદલ્યા છે. સૌંદર્યાભીમુખ આ રચનાઓના પાયામાં કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી તથા કવિ પ્રહલાદ પારેખની રચનાઓનું પ્રાધાન્ય છે તેમ કહેવું ઉચિત થશે. કવિની જન્મજયંતિના સમયે તેમની સ્મૃતિને વંદન કરીએ. 

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૨૦/૦૯/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑