: સંસ્કૃતિ : : સમર્થ સર્જક દર્શકદાદાનું તેમની જન્મજયંતિએ પાવન સ્મરણ :

૧૯૭૫ના જુલાઇ માસમાં મનુભાઇ પંચોળી – દર્શક – ગુજરાતના રાજ્યપાલશ્રીને એક પત્ર લખે છે. ગાંધીને છાજે તેવી સત્યનિષ્ઠાના તથા નીડરતાના પાયા ઉપર પત્રના એક એક શબ્દનું મંડાણ થયું હોય તેમ પત્ર વાંચતા લાગે છે. રાજકીય કારોબારમાં કે શાસકોના વ્યવહારમાં જ્યારે આપખુદપણાંનો ભાવ દેખાય ત્યારે એક સર્જકને છાજે તેવું પગલું દર્શકે આ પત્ર લખીને ભર્યું છે. તેઓ લખે છે : ‘‘અત્યારે આ નાગરિક્તા કટોકટી, સેન્સરશિપ, મીસા કે સંરક્ષણધારાના અવિચારી અમલ નીચે ડૂબી રહી છે તેમ લાગે છે. તે વખતે મૌન રહુ તો મારા આજ સુધીના સમગ્ર જીવનને લાંછન લાગે. આથી હું આ બધાનો વિરોધ કરું છું. મારા વિરોધ સ્વરૂપે મને અપાયેલ સ્વાતંત્ર્ય સૈનિક તરીકેનું તામ્રપત્ર આપના દ્વારા સરકારને પાછું મોકલું છું….. સ્વરાજ્યના મૂળિયા કાપી નાખનારી સરકારના હાલના પગલાંનો હું વિરોધ ન કરું તો એ તામ્રપત્રની શી કિમ્મત ?’’ 

દર્શક નામના આ ગાંધી યુગના મહાન સર્જક એક યુગદ્રષ્ટાને છાજે તેવી ગરીમાથી શાસન સામે અવાજ ઉઠાવે તેમાં તેની વિચારશક્તિ તેમજ આચારશક્તિના ઉમદા ઉદાહરણનું જીવંત દર્શન થાય છે. જગતના અનેક સર્જકોએ પોતાને સાચો લાગતો અવાજ તાકાતવાન શાસનથી ડર્યા સિવાય વ્યક્ત કર્યો છે. તેમની આ નિષ્ઠાને કારણેજ તેઓની રચનાઓ જીવંત રહી છે. જગતના ઇતિહાસ તરફ દ્રષ્ટિપાત કરીએ તો ૧૯૭૪ના જાન્યુઆરીમાં જાહેર થયું કે ૧૯૭૦નું સાહિત્યનું નોબલ પારિતોષિક રશિયાના એલેકઝાંડર સોલ્ઝેનિત્સિનને આપવામાં આવે છે. આ મહાન સાહિત્યકારને રશિયામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. સરમુખત્યારશાહી સામેના પ્રબળ અવાજને ગુનો ગણીને રાજ્યે આ પગલું ભર્યું હતું. જગતને આત્માની વીરતાના આવા દર્શન અનેક પ્રસંગોએ થયા છે. આપણાં ઘરઆંગણે જન્મભૂમિ જૂથના અખબારોના સર્જક તેમજ આદર્શ તંત્રી અમૃતલાલ શેઠે પણ લીંબડી રાજ્યની સેવા આવાજ કારણસર છોડી હતી. ગોરી સરકાર સામેનો ખુલ્લો વિરોધ એ તેમના લોહીમાં ઉછળતી હતી. મેઘાણીએ ‘સીંધુડો’ ની રચનાઓ ગાઇને બ્રિટીશ સરકારની ખફગી વહોરી હતી. જેલવાસ પણ ભોગવ્યો હતો. આવી ઉજળી પરંપરામાં દર્શકદાદાનું નામ પણ દૈદિપ્યમાન છે. 

દર્શકનો જન્મ ૧૫ ઓક્ટોબર-૧૯૧૪માં વાંકાનેર (મોરબી જિલ્લો) તાલુકાના પંચાશિયા ગામમાં થયો હતો. ૧૯૧૪માં જન્મેલા દર્શકે ૧૯૩૦માંજ કુમળી વયે ગાંધીજી પ્રેરીત સત્યાગ્રહમાં જંપલાવ્યું હતું. આજીવન તેમનો સત્ય માટેનો આગ્રહ અખંડ રહ્યો. મીઠા વેરાની નાબુદી માટેની લડતમાં તેમણે વીરમગામ તેમજ ધોલેરા લડતની છાવણીઓમાં અનેક જોખમો વહોરીને કામ કર્યું. લાંબો જેલવાસ સાબરમતી જેલમાં તેમજ વીસાપુર તથા નાસિક જેલમાં પસાર કર્યો. નાનાભાઇ ભટ્ટને દર્શક મળ્યા અને દર્શકને નાનાભાઇ મળ્યા એ વિધિનો સુખદ સુયોગ હતો. નાનાભાઇ સાથે કામ કરવું તે તેમને ઉત્તમ વિચાર લાગ્યો. પ્રથમ ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં નાનાભાઇ સાથે જોડાયા. થોડા વર્ષો પછી ગ્રામ-દક્ષિણામૂર્તિના નાનાભાઇના વિચારપૂર્વકના પ્રયોગમાં સ્વેચ્છાએ જોડાયા. ગામડામાં બેસીને ઉત્તમ શિક્ષણ આપવાનો આ યજ્ઞ હતો. દર્શકના લગ્ન વિજ્યાબહેન પટેલ સાથે થયા હતા. દર્શક અને વિજ્યાબહેન બન્નેનો પરિચય દક્ષિણામૂર્તિમાં થયો. લગ્નગ્રંથીથી જોડાવાનું પણ નક્કી કર્યું. શ્રીમંત ખેડૂતની દીકરી વિજ્યાબહેનેશ્રીમંતાઇ છોડીને સાદગી અપનાવી. વિજ્યાબહેન દર્શકના જીવનમાં એક ખૂબ મહત્વની સહાયકની ભૂમિકા બજાવી શક્યા. દર્શક માટે લખતા કવિ ઉમાશંકર જોશી સરસ શબ્દોમાં લખે છે : ‘‘ તેમનું ઉપનામ સુંદર છે દર્શક. સામેનું તેમજ પાછળનું બધુંજ દ્રષ્ટિમાં ભરી લેનાર. પોતાની સાથે જે પ્રગટ થવા કરે છે તેને પણ દ્રષ્ટિમાં સમાવવા મથનાર ’’ દર્શકના સર્જનો જોઇએ તો જીવાતા જીવનમાંથી તેમને સર્જનની વિપુલ સામગ્રી મળી છે. 

દર્શકદાદા પોતાની જાણીતી કૃતિ ‘સોક્રેટિસ’ માટે કહે છે કે આ કૃતિ તેમણે ‘નિરાંતે તેમજ પ્રસન્નતાપૂર્વક’ લખી છે. કૃતિ ખૂબ વંચાઇ છે અને વખણાઇ છે. એક સંવાદમાં સોક્રેટિસ મીડિયા (બીજુ એક પાત્ર)ને કહે છે :

‘‘ જાડાં લૂગડા, પૌષ્ટિક ખોરાક, સાદો આસવ અને સહેજે મળતો આનંદ એટલું મેળવવાથી વધારે આગળ જવું એટલે યુધ્ધ સિવાય કશુંય હાથમાં ન આવે. ’’

મીડીયા કહે : ‘‘ મને જાડાં લૂગડાં ન ફાવે ’’ જવાબ મળે છે : ‘‘તો યુધ્ધ ફાવવું જોઇએ’’ લડાઇના વર્ષોમાં લડાઇ તરફનો આ મહાનાયકનો અણગમો વધ્યો હતો. દર્શકદાદાએ સોક્રેટિસની આ વાત કે વિચાર લખીને કોઇપણ ભોગે સતત મેળવવાની ઝંખના કરતા સમાજ સામે લાલબત્તી ધરી છે. સોક્રેટિસે જે સત્ય પ્રગટ કર્યું તેનેજ મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન તથા નેલ્સન મંડેલાએ દોહરાવ્યું. આ બધું હોવા છતાં જગતમાં મોટા ભાગના લોકોને જે હોય તેનાથી સંતોષ હોય તેમ દેખાતું નથી. સરવાળે દુનિયામાં મમત્વના કારણે અનેક લોહીયાળ જંગ થતાં રહ્યા છે. 

વાચનથી વિમુખ થતાં લોકો એ આપણાં માટે ચિંતાનો વિષય થવો જોઇએ. ‘‘દર્શક વાચનને તપ ગણતાં’’ (રઘુવીર ચૌધરી) આથી ‘વાગીશ્વરીના કર્ણફૂલો’ એ એક ઉત્તમ કક્ષાના વાચક તેમજ દ્રષ્ટિવંત આસ્વાદકે માણેલી અનેક રચનાઓનો મહિમા કર્યો છે. આ કર્ણફૂલો સદાકાળ સૌરભ પ્રગટાવતા રહે તેવા છે. 

શિક્ષણના ક્ષેત્રમાં તેમનું અપ્રતીમ યોગદાન છે. બાળશિક્ષણનો તેમણેખૂબ મહીમા કર્યો છે. વિશ્વશાંતિ તેમને બાળશિક્ષણના સુચારુ આયોજનમાં દેખાય છે. દર્શકદાદાએ કવિતાઓ લખી નથી પરંતુ અનેક જાણીતા સર્જકોની કવિતાઓ તે રસપૂર્વક ભણાવતા હતા. દર્શકના લેખનમાં આવતી ગરીમા તેમજ પ્રસન્નતા તેમના જીવનમાં પણ પ્રગટી છે. આથી દર્શકની વાણી વિશેષ આસ્વાદ્ય તેમજ આકર્ષક બની રહી છે. તેમણે સર્જેલું ગોપાળબાપાનું પાત્ર (ઝેર તો પીધાં છે જાણી જાણી) સચોટ તથા વાસ્તવિક્તાથી ભરપૂર છે. દર્શકદાદાના અપ્રતિમ યોગદાનને ગુજરાત કે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ કદી વિસરી નહિ શકે. દર્શક નામધારી આ સર્જકની ફૂટપ્રિન્ટ ઝાંખી પાંખી થાય તેવી નથી. 

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૧૩/૦૯/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑