: સંસ્કૃતિ : : સંતોના બાગનું મહેકતું પુષ્પ : સંત ત્રિકમ સાહેબ :

સંતો તેમજ તેમની વાણીએ સમાજને હમેશા સંવાદિતા તેમજ સ્નેહપૂર્ણ સમન્વયની અમૂલ્ય ભેટ આપી છે. મધ્યયુગના અનેક સંતોની વાણીના પ્રતાપે આપણું સમાજ જીવન વિશેષ ઉજળું થયું છે. બાહ્ય આક્રમણો કે વિપત્તિઓ સામે ટટ્ટાર ઊભું રહી શક્યું છે. ધર્માંધતા સામે સમાજને રક્ષણ તથા પ્રેરણા પૂરા પાડ્યા છે. અહીં કોઇ વિતંડાવાદને સ્થાન નથી. સાંપ્રદાયિક બંધનો પણ નથી. પરમ તત્વ સાથે સીધો સંબંધ તેમજ સંવાદ છે. સંતોની દ્રષ્ટિ સર્વ સમાવેશક છે. ‘અઢારે વરણ’ સામે તેમની દ્રષ્ટિ અમીભરી છે. જ્ઞાતિ કે સ્ત્રી પુરૂષનો ભેદ આ સંતોને સહેજ પણ મંજૂર નથી. કહેવાતા સ્થાપિત મૂલ્યોને પડકારવા આ સંતો કેટલીકવાર બગાવતની વાણીમાં બોલ્યા છે. નરસિંહ ઉન્નત નાદે ગાય  છે : 

એવા રે અમે એવા

તમે કહો તો વળી તેવા

ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો

તો કરશું દામોદરની સેવા.

ત્રિકમ સાહેબ એ આજ સંતોની ઉજળી આકાશગંગાનો એક સ્વયં પ્રકાશિત હિસ્સો છે. નરોત્તમ પલાણ ત્રિકમ સાહેબને ‘સમન્વયનું સંતાન’ કહે છે તે સર્વથા ઉચિત છે. સંતોની આ પરંપરામાં મહેનતકશ વર્ગના અનેક નામો સામે આવે છે. આ સંતો પરજીવી નથી. રાજવીઓ કે શ્રેષ્ઠિઓની દયા પર નિર્ભર નથી. આતો અલખધણીના આરાધક છે. બાવડાના બળે મજૂરી કરીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. એટલુંનજ નહિ પરંતુ અભયાગતને કદી ભૂખ્યો – તરસ્યો પાછો જવા દેતા નથી. કબીર વણકર છે, ધાગામાં જ્ઞાન પરોવીને જગતને ચકિત કરે છે. નામદેવ દરજી કામ કરે છે. રબારી સમાજના રતન સમાન દેવીદાસ દેહની પીડાથી ત્રસ્ત થયેલા અનેક દુ:ખીજનોની ભાવથી સેવા કરે છે. આયરની દિકરી અમરમા એ સંસારાના કોડ નાની ઉંમરે નીતારીને સંતના ચરણોમાં માનવસેવાનો ભેખ લઇને બેઠા છે. ત્રિકમ સાહેબ (૧૭૨૬-૧૮૦૧) પણ આ પરંપરાની ઉજળી ધરોહરને વિશેષ શોભાયમાન કરનાર ભક્ત છે. કવિ છે તથા સમાજસેવક પણ છે. તેઓ સમગ્ર સમાજ પર હેત વર્ષા કરીને હરિને પામવાના પ્રયાસ કરે છે. સંત ત્રિકમદાસનો જન્મ વાગડ (કચ્છ)માં કાગનોરા ડુંગરની તળેટીમાં વસેલા રામવાવ ગામમાં થયો હોવાનું નોંધાયું છે. જેમનું સમાજ પર મોટું ઋણ છે તેવા રવિભાણ સંપ્રદાયના એ સુપ્રસિધ્ધ સંત છે. સમાજ જેને ઉતરતી જાતિ તરીકે ગણતો હતો તેવી જ્ઞાતિમાં ત્રિકમ સાહેબ પ્રગટ્યા હતા. રવિભાણ સંપ્રદાયના સંત એટલે પોતાના જ્ઞાનરૂપી સૂર્યથી તેઓ ઝળહળી ઊઠ્યા હતા. જાણીતો દુહો છે જે જાતિના બદલે જ્ઞાનનું વિશેષ મૂલ્ય છે તે સમજાવવા પ્રયાસ કરે છે. 

જાતિના પૂછો સાધુકી,

પૂછ લિજિયે જ્ઞાન,

મોલ કરો તલવારકા,

પડા રહનદો મ્યાન.

ગુરુનું સ્થાન તથા માન એ રવિભાણ પરંપરામાં ખૂબ ઊંચું છે. ત્રિકમ સાહેબ પણ રામગુરુનો પ્રસાદ પામ્યા છે. રામગુરુનું દર્શન એ ત્રિકમ સાહેબના જીવનનો મહત્વનો પડાવ છે. રામગુરુના ધૂણાને સંકોરતા તેમજ તેની પવિત્ર અગ્નિને સતત પ્રજ્વાળતા રહેતા ત્રિકમ સાહેબ ભક્તિના ઊંડા રંગે રંગાયેલા છે. ત્રિકમ સાહેબની આ ઉત્કટ ભક્તિના પ્રતાપે ખીમ સાહેબ જેવા સમર્થ ગુરુ તેમને પ્રાપ્ત થાય છે. જગતની સચરાચર જીવસૃષ્ટિ તરફનો ભાવ એ સંતોના જીવનમાં વણાયેલી વૃત્તિ છે. ત્રિકમ સાહેબ, તેમના પિતા તેમજ સમગ્ર પરિવાર ખેતી તથા વણાટ કામમાં પરસેવો રેડીને પેટ ભરે છે. આ સ્થિતિમાં પણ તેમના અંતરની ઉદારતા ઘણી ઊંડી છે. ત્રિકમ સાહેબની ઉદારતાનો ભાવ પ્રગટ કરતો એક કિસ્સો નોંધાયો છે. જીવમાત્ર તરફ અનન્ય ભાવ એ ત્રિકમ સાહેબના લોહીમાં વણાયેલી બાબત છે. ગામડાઓમાં ખેતી કરતા શ્રમિકો એ પોતાના પાકને બચાવવાના હેતુથી પંખીઓને ઉડાડવા માટે ખાસ વ્યવસ્થા કરતા હોય છે. માંચડા પર બેસીને પણ ખેડૂતો ગોફણની મદદથી દૂર સુધી નાના પથ્થર ઉડાડીને પંખીઓને ઊભા પાકના દાણા ચણતા રોકતા હોય છે. પંખીઓ માટે તો આ ખુલ્લું તથા રેઢુ પડેલું ધાન્ય એજ જીવતર ટકાવવાનો એક માર્ગ છે. ત્રિકમ સાહેબ પણ પોતાના ધાન્યથી લચી પડેલા બાજરાના પાકનું રક્ષણ કરવા બેઠા હતા. પોતે સંસારી હતા પરંતુ સંસારની માયા – મમતાથી પર હતા. આથી આ ભોળા પંખીઓને ઉડાડી મૂકવાની રીતથી તેઓનો આત્મા ડંખતો હતો. તેથી તેઓ તે પ્રમાણે કરતા ન હતા. આથી આસપાસના વિસ્તારના પણ તમામ પક્ષીઓ આ ઉદાર મનના ધરતીપુત્રની દયાવૃત્તિને કારણે નીરાંત કરીને દાણા આરોગતા હતા. પક્ષીઓની પ્રસન્નતાથી ત્રિકમ સાહેબ વિશેષ પ્રસન્ન હતા. ‘વિશાળે આ જગ વિસ્તારે નથી એકજ માનવી’ વાળી કવિ ઉમાશંકરની જાણીતી પંક્તિના હૂબહૂ અમલની આ ઉત્તમ ઘડી હતી. ત્રિકમ સાહેબની આ ઘટનાના સંદર્ભમાં વિનોબાજીની ભૂદાનયાત્રાનો એક પ્રસંગ યાદ આવે છે. બાબા પોતાની દીર્ઘ પદયાત્રામાં ગામડાઓ તેમજ ખેતરો ખૂંદતા વિચરણ કરતા હતા. વહેલી સવારના પહોરમાં તેઓ જોતાં કે ઘણાં ખેડૂતો પોતાનો ઊભો પાક ચણી જતા પક્ષીઓને ઉડાડતા ન હતા. વિનોબાજી પદયાત્રામાં થોડો વિરામ લઇને ખેડૂતોને પૂછે છે કે તેઓ પોતાના પાકને નુકસાની કરતા આ પક્ષીઓને ઉડાડતા કેમ નથી. ખેડૂતો વિનયથી જવાબ આપે છે : ‘‘બાબા,આ તો રામ પ્રહર છે. વહેલી સવારના આપ્રહરમાં તો પક્ષીઓને ઉડાડી શકાય નહિ.’’ જાણ્યે અજાણ્યે ભીતરમાં ભંડારેલી આ ભાવના એ પણ અગણિત સંતોની વાણીના પ્રભાવે વિકસી હશે તેમ જરૂર કહી શકાય. ત્રિકમ સાહેબ જેવા સંતોની વાણીનું આજે પણ એટલુંજ મૂલ્ય છે. તેમની વાણી ગંગોત્રીની ધારા સમાન નિર્મળ તથા જનહીતકારી છે. ડૉ. નાનાલાલ ગોહિલ તેમજ ડૉ. સુનિલ જાદવના અભ્યાસપૂર્ણ ગ્રંથોમાંથી અનેક સંતોના જીવન તથા કવનનું વિગતે દર્શન થાય છે. આ સંતો આપણાં જીવનનું ચાલકબળ બન્યા છે. તેમના જીવનમાં જાત-પાત કે કોઇ સંપ્રદાયના બંધનો નથી. સંતોનો સમર્પણ ભાવ પ્રેમલક્ષણા ભક્તિ તેમજ ગુણ પરત્વેનો છે. રામાનુજાચાર્યએ લખ્યું છે : 

ન જાતિ: કારણં લોકે ગુણા: કલ્યાણ હેતવ:

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૧૩/૦૯/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑