: સંસ્કૃતિ : : બીજી ઓક્ટોબર, ગાંધી, ગોળમેજી પરિષદ અને બાળકો :

કિંગ્સલી હોલ (લંડન-૧૯૩૧)ની આસપાસ રહેતા બાળકો પોતાની વાત પોતાના મિત્રો સાથે કરવા ઉતાવળા બન્યા છે. એક બાળક કહે છે : 

‘‘મેં મિસ્ટર ગાંધીને જોયા. મેં એમને અગાસી પર જોયા. એમણે મારી તથા મારા મિત્રો સામે હાથ હલાવ્યો !’’ વાત કરતા કરતા આનંદ વિભોર થતા બાળકને તેનો મિત્ર એટલીજ ઉત્કંઠતાથી જવાબ વાળે છે : ‘‘હા, હા, મેં પણ એમને જોયા’’ થોડાજ વખતમાં બાળકોના બે ભાગ પડી જાય છે. એક ભાગ એવા બાળકોનો કે જેમણે ગાંધીને જોયા છે તેનો ઊભરાતો આનંદ છે. બીજું દળ એવા બાળકોનું છે જેમણે ગાંધીને હજુ જોયા નથી પરંતુ આ સુકલકડી કાયાને જોવા ઝંખે છે. આ વિસ્તારના બાળકો માતાપિતાના આગ્રહથી પરાણે શાળાએ જાય છે. માતાઓ સમજાવે છે કે ગાંધી તો દિવસે મિટીંગો માટે અહીંથી જશે. આથી તમને જોવા નહિ મળે. સાંજે પાછા આવી જશે. આથી બાળકો દોડતાં દોડતાં શાળાએથી ઘેર આવે છે. ગાંધી રોકાયા છે તે કિંગ્સલી હોલની ઊંચી અગાસી તરફ ડોક ઊંચી કરીને સતત જોયા કરે છે. ગાંધી વહેલા કે મોડા પાછા આવે છે. તેમના બે ત્રણ સાથીઓ ગાંધીજી સાથે વાત કરતા કરતા અગાશીમાં ચાલતા દેખાય છે. જેવી આ વાતચીત પૂરી થાય કે તરતજ ગાંધી પૂરા હેતથી તેમજ અનોખી સ્ફૂર્તિથી પોતાની રાહ જોતાં બાળકો સામે ઘણીવાર સુધી હાથ હલાવે છે. બાળકો ગાંધીના આ વર્તનથી ખુશખુશાલ થાય છે. આ વિજેતા બાળકો પોતાના ઘેર કોઇક જૂદાજ કેફ સાથે પ્રવેશ કરે છે. હા, એમણે ગાંધીને જોયા અને ગાંધીએ પણ તેમને જોયા તે વાતનો તેમને અનોખો આનંદ છે. 

આ બધી ગતિવિધિઓ વચ્ચે એક દિવસ બાળકોને સમાચાર મળ્યા કે જેનાથી તેઓના આનંદનો પાર રહ્યો નહિ. લગભગ ત્રણેક મહિનાના યુરોપના પ્રવાસમાં જેમની એક – એક મીનીટનો કાર્યક્રમ ગોઠવાયેલો હતો તેવા ગાંધીએ કિંગ્સલી હોલની આસપાસ રહેતા બાળકોને ખાસ હોલમાં નોતર્યા હતા. ગાંધીને પ્રત્યક્ષ અને નજીકથી મળવા માટે ગરીબ મજૂરોની વસતી ધરાવતા આ વિસ્તારના બાળકોને દિલથી જેની ઇચ્છા હતી તેવી તક મળી ગઇ ! બાળકોએ તે અવિસ્મરણીય દિવસે કિંગ્સલી હોલમાં પ્રિય મિત્ર ગાંધીને મળવા ઊંચા શ્વાસે પ્રવેશ્યા. કોઇ શિષ્ટાચારની કે ગાંધીની સગવડ – અગવડની ચિંતા રાખવામાં આવી ન હતી. ગાંધી પણ મિત્ર ભાવે અને સ્નેહાળ નજરે એક સાદા પાટિયા પર બેઠા હતા. છોકરા – છોકરીઓ ગાંધીને વીંટળાઇ વળ્યા. મોટી બહેનો હતી તેણે કાળજીથી નાના ભાઇઓને આગળ ધકેલ્યા. છોકરાઓ મોટા હતા તેમણે પોતાની નાની બહેનોની સંભાળ લઇ તેમને ગાંધી બેઠા હતા તે દિશામાં નજીક દોરી ગઇ. અહીં લેખિકા જે બાળમંદિર ચલાવે છે તે લખે છે કે અમારી આ શેરીઓના બાળકો પોતાના નાના ભાઇ બહેનોની પૂરી કાળજી લેવા ટેવાયેલા છે. (લેખિકા : ડોરીસ લેસ્ટર) ગાંધીજી પણ આ ફિરસ્તા જેવા બાળકોની કંપનીમાં ખુશ હતા. હસતા હસતા વાતો કરતા હતા. બાળકો તેમને તન્મય થઇને સાંભળતા હતા. પછી ગાંધી બાળકોને પૂછે છે : ‘‘કોઇ છોકરો તમને મારે તો તમે શું કરો છો ?’’ વિનોદ સાથે તેઓ કહે : ‘‘ધોલ સાથે ધોલ અને ધબ્બા સાથે ધબ્બો. એમજને ? એથી કોઇ સારો રસ્તો ખરો ?’’ બાળકો વિસ્ફારીત નયનોથી આ ઊલટતપાસનો એક એક શબ્દ માણતા હતા. સામા પક્ષે બાળકો પણ બરાબર ખીલ્યા ગાંધીને તેઓ ફટાફટ જવાબો આપતા હતા. મુલાકાત અને સંવાદ લાંબા ચાલ્યા. બાળકોના હૈયામાં મિસ્ટર ગાંધી કોતરાઇ ગયા.

  બાળકોની આ ટોળી મિત્ર ગાંધીની વાતો સાંભળી ઘેર ગઇ. આ બાળકોમાં જેન નામની એક ચાર વરસની બાળકી પણ હતી. આ બાળકીના પિતા થોડા દિવસ પછી ગાંધીજીને મળ્યા અને કહ્યું : ‘‘ મારે આપની સાથે ઝઘડો કરવો છે. ગાંધી હસતા હસતા કહે : ‘‘શાનો કજિયો છે ?’’ પેલો કહે : ‘‘મિ. ગાંધી, જુઓને મારી નાની દિકરી જેન રોજ સવારે મને ઉઠાડે છે અને ઉઠાડતા ઉઠાડતા મારે છે. હું ગુસ્સામાં ઊઠું તો કહે છે : હવે તમે સામે નહિ મારતા કારણકે મારા મિત્ર ગાંધીએ અમને કહ્યું છે કે કોઇ મારે તો કદી સામે ન મારવું !’’ બાપુ અને બાળકીના પિતા હસી પડ્યા. પાડોશમાં રહેતો સાડા ત્રણ વરસનો પીટર પોતાના ઘરના રસોડામાં ફરતો ફરતો ‘ગાંધી ડોસા, ગાંધી ડોસા’ એમ લલકારતો હતો. તેની મા એ રોક્યો : ‘‘ ના, પીટર ગાંધી ડોસા ન કહેવાય. એ અવિવેક ગણાય. એ માયાળુ માણસને મિસ્ટર ગાંધી એમ માનથી સંબોધવા જોઇએ.’’ નાનો પીટર થોડીવાર થંભીને વિચાર કરવા લાગ્યો. મિસ્ટર ગાંધી સંબોધન તેને ખાસ જચ્યું નહિ. થોડીવાર વિચારી પ્રસન્નતાથી લલકારે છે : ‘‘ગાંધી અંકલ ! ગાંધી અંકલ !’’ આખું ઘર ગાંધીકાકાના નાદ સાથે ગુંજતું થયું. બાપુ સમય કાઢીને બાળમંદિરમાં પણ ગયા. ગાંધી અંકલ બાળમંદિર છોડીને જતા હતા તેનો બાળકોને ખેદ થયો. પણ તેમણે જોયુંકે બહાર લોકોનું ટોળું તેમની રાહ જોતું ઊભું હતું. ગાંધી પણ મને કમને આ બાળકોની ગમતી કંપની છોડીને ‘રાજકીય દાવપેચની શતરંજ’ સમાન ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગયા. ગાંધીના અહીંના રોકાણ દરમિયાન બીજી ઓક્ટોબર આવી. બાળકોએ ‘વહાલા ગાંધીકાકા’ ના સંબોધનથી પત્ર લખ્યો અને સાથે ભેટ મોકલી ! બાળકોની ભેટ ગાંધી સાચવીને હિન્દ લાવ્યા. બાળકોને જેલમાંથી આભારનો જવાબ તા.૨૦-૦૧-૩૨ના રોજ લખ્યો. કારણકે ગોમેજી પરિષદ બાદ સરકારે તેમની ધરપકડ કરી હતી. બાપુની સંપૂર્ણ યુરોપયાત્રાનો આંખે દેખ્યો અહેવાલ મ્યુરીએલ લેસ્ટરે લખ્યો છે.

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૦૬/૦૯/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑