: સંસ્કૃતિ : : સંવત્સરી, મહાત્મા ગાંધી અને શ્રીમદ્દ રાજચન્દ્ર :

જન્માષ્ટમીથી શરૂ થતી તહેવારોની એક સળંગ હારમાળા કદાચ કોરોના કાળમાં પણ નૂતન આશા તેમજ આનંદનું એક મીઠું દર્શન કરાવે તો તે આશીર્વાદરૂપ ગણાશે. અલબત્ત, સાવચેતીમાંજ સલામતી છે તે હકીકત તરફ દુર્લક્ષ થવું ન જોઇએ. જાગૃત નાગરિકોની એ પ્રથમ ફરજ છે. તહેવારોની આ હારમાળામાંજ સંવત્સરીના સુભગ સમન્વયનું એક આગવું મૂલ્ય છે. જન્માષ્ટમી હોય, સંવત્સરી હોય કે પતેતીનું પર્વ હોય, એ દરેક સમયે એક સ્વસ્થ સમાજ તરીકે આપણે તે તહેવારની પાછળના ધર્મ સંબંધી ઇતિહાસ તેમજ તત્વને સમજવાનો પ્રયાસ કરીએ તો તેનો એક આગવો આનંદ હોય છે. કથાઓ, વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ ભલે ભિન્ન હોય પરંતુ તે દરેક માન્યતા કે ધર્મ પ્રેરીત તત્વદર્શન લગભગ સમાન હોય છે. નાતાલ, સંવત્સરી કે મકરસંક્રાંતિના પાવન પર્વો પ્રેમ તથા કરુણાના ધાગાથી એકબીજા સાથે જોડાયેલા છે. આથીજ ધર્મના મૂળતત્વો એ સમાજને જોડવાનું કામ કરે છે તેમ કહેવાય છે. ધર્મની સાચી સમજ જ્ઞાનથી કેળવાય છે. માહિતી વિસ્ફોટના આ યુગમાં માહિતી તથા જ્ઞાન વચ્ચેની ભેદરેખા પણ સમજવી પડશે. અલબત્ત, જ્ઞાનપ્રાપ્તિના માર્ગમાં માહિતીનું એક મૂલ્ય છે. જ્ઞાન વિશેની એક સુંદર વાત શ્રીમદ્દ રાજચન્દ્રે લખી છે તે સમજવા જેવી છે. શ્રીમદ્દ કહે છે :

‘‘ જ્ઞાન એ દોરો પરોવી હોય તેવી સોય છે. સોય ખૂબજ લઘુ સ્વરૂપે હોય છતાં જો તેમાં દોરો પરોવેલ હોય તો તે ખોવાતી નથી. આ રીતેજ જ્ઞાન હોય તો સંસારમાં ભૂલું પડાતું નથી. ’’

ભગવદ્દ ગીતાએ પણ જ્ઞાનનું વિશિષ્ટ મૂલ્ય આંકેલું છે. સંવત્સરી એ સમ્યક દ્રષ્ટિથી કેળવાયેલા જ્ઞાનનું – ઉપાસનાનું પર્વ છે તેમ કહેવામાં ઔચિતય છે. મુમુક્ષુતા એ જ્ઞાન માર્ગે તથા શ્રધ્ધા – ભક્તિ સાથે પ્રાપ્ત કરવાનું સરળ બને છે. ૧૮૯૧માં મહાત્મા ગાંધી બેરિસ્ટર થઇને હિન્દુસ્તાનમાં પાછા આવે છે ત્યારે શ્રીમદ્દ રાજચન્દ્ર સાથે તેમનો પ્રથમ પરિચય મુંબઇમાં થાય છે. યુવાન બેરિસ્ટર ગાંધીને શ્રીમદ્દમાં શુધ્ધ જ્ઞાની પુરુષનું દર્શન થાય છે. મહાત્માએ આ વાત લખી છે. તેઓ ‘સત્યના પ્રયોગો’ માં કહે છે : ‘‘ જે મનુષ્ય (શ્રીમદ્દના સંદર્ભમાં) લાખોના સોદાની વાત કરી લઇને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહિ પરંતુ શુધ્ધ જ્ઞાનીની છે. ’’ મહાત્મા ગાંધી પર શ્રીમદ્દના વિશાળ જ્ઞાન વૈભવની અસરના માધ્યમથી બાપુના સમગ્ર જીવન પર જૈન દર્શનની અસર જણાય છે. જોકે મૂળમાં જોઇએ તો આ ભિન્ન ભિન્ન દર્શનમાં પણ અંતિમ લક્ષ તો પરમ તત્વની પ્રાપ્તિ માટેનુંજ છે. નરસિંહે લખ્યું છે :

ઘાટ ઘડિયા પછી

નામ રૂપ જૂજવા,

અંતે તો હેમનું હેમ હોયે

ગ્રંથિમુક્ત થયા પછી ભિન્ન વિચારધારા કે માન્યતા બંધનકર્તા થતા નથી. આવી વિશાળ ગ્રંથિમુક્ત કે બંધનમુક્ત થવાની આ દશાને જ શ્રીમદ્દ ‘અપૂર્વ અવસર’ તરીકે ઓળખાવે છે.

અપૂર્વ અવસર એવો

ક્યારે આવશે !

ક્યારે થઇશું બાહ્યાંતર

નિર્ગ્રંથ જો !

મહાત્મા ગાંધીના જીવનનો માર્ગ નરસિંહ મહેતાએ વધાવ્યા છે તેવા વૈષ્ણવજન બનવાની અને ટકી રહેવાની દિશામાં છે. ગાંધી જેવા કર્મઠ વૈષ્ણવ પણ શ્રીમદ્દથી પ્રભાવિત થયા છે. શ્રીમદ્દની વિચારશક્તિ, લેખનશક્તિ તથા વિશિષ્ટ કહેવાય તેવી કવિત્વશક્તિ તરુણ વયેજ પ્રગટ પ્રગટ થઇ હતી અને તેમના સંપર્કમાં આવનારા અનેક લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. મહાત્મા ગાંધી પણ તેમાના એક હતા. ગાંધીજીના જીવનમાં ડગલે અને પગલે પ્રગટ થતા પ્રેમ, અહિંસા તેમજ કરુણાના પ્રસંગો થકી તેમના વિચારો પર જૈન તત્વજ્ઞાનની પણ એક અસર જોઇ શકાય છે. આથી ગાંધી માર્ગે ચાલનારા જૈનમુનિ સંતબાલજીએ કહેલી વાત ઉચિત લાગે છે. સંતબાલજી લખે છે : ‘‘ગાંધીજીને સાચા અર્થમાં ઓળખવા શ્રીમદ્દ રાજચન્દ્રના વિચારોને પાયામાં રાખવા પડશે.’’ ગાંધીજીના જીવનમાં પ્રગટ થતો પ્રાણીમાત્રની સેવાનો ભાવ પણ જૈનદર્શનના એક મહત્વના અંગ સમાન છે. 

શ્રીમદ્દ રાજચન્દ્ર તેમજ મહાત્મા ગાંધી બન્ને મહાનુભાવોનું પ્રાગટ્ય સ્થાન સૌરાષ્ટ્ર છે. મોરબી પાસેના વવાણિયા ગામમાં ૧૮૬૭માં જન્મેલા રાયચંદ મહાત્મા ગાંધીથી ઉમ્મરમાં બે વર્ષ મોટા હતા. જીવનમાં સંપૂર્ણ નિર્લેપતા તેમજ અસંગપણાનો ઊંડો ભાવ એ શ્રીમદ્દના જીવનનો અભિન્ન ભાગ જણાય છે.

માનવીના આ મૂલ્યવાન જીવનમાં શંકરાચાર્યજીએ કહ્યું છે તેમ મનુષ્યત્વ, મુમુક્ષત્વ તેમજ સત્ પુરુષનો સંશ્રય એ મહાન આશીર્વાદ સમાન છે. અહીં વાલીયામાંથી વાલ્મીકી થવાનો પૂર્ણ અવસર છે. ગાફેલ રહો કે માર્ગ ચૂકો તો અંધકારની ખીણમાં ગબડી પડવાનો પણ જીવનની દરેક ક્ષણે સંભવ છે. શ્રેય અને પ્રેયના આ સમાંતર ઉપલબ્ધ થતા માર્ગોમાં પસંદગી કરવાની વેળાએ નચિકેતાનો વિવેક એ આપણી વિચારશક્તિ કે આધ્યાત્મિક ઉન્નતિ પર અવલંબિત છે. બેરિસ્ટર ગાંધી તેમજ શ્રીમદ્દની નિરક્ષિર પારખવાની સતેજ દ્રષ્ટિએ તેમને અન્યથી અદકેરા પૂરવાર કર્યા હતા. શ્રીમદ્દના જીવનમાં આધ્યાત્મિક્તાની અસાધારણ અસર કિશોર વયથીજ હોવા છતાં સંસારત્યાગ માટે માતા પિતાની અનુમતિ મળી નહિ. લગ્નજીવન પણ આ કારણોસરજ પ્રારંભ કરવાનું થયું. તેઓ જોકે ગ્રહસ્થાશ્રમમાં જોડાયા પરંતુ આત્મોન્નતિના માર્ગનો ત્યાગ ન કર્યો. તેમાંથી વિચલિત પણ ન થયા. શ્રીમદ્દ તથા શ્રી રામકૃષ્ણદેવ એ બન્નેના જીવનના આ બાબતની સામ્યતા જોઇ શકાય છે. તેમની જળકમળવત રહેવાની શક્તિ એ તેમના જીવનમાં અભિન્ન રહેલી આધ્યાત્મિક સજાગતાનું દર્શન કરાવે છે. ગાંધીને શ્રીમદ્દના જીવનનું આ સત્વ સ્પષ્ટ રીતે દેખાય છે. આ સમગ્ર ઘટનામાં ઠાલો ઉપદેશ કે વચનોના આટાપાટા નથી પરંતુ જીવન વ્યવહારમાં થતું આ સ્પષ્ટ દર્શન મોહનદાસ ગાંધીને પ્રભાવીત કરે છે. ગાંધીજીના જીવનનું પ્રેરકબળ પણ આ અધ્યાત્મ છે. આથી દિવસના તમામ શ્રમથી થાકેલા કે કેટલીકવાર વ્યથિત થયેલા ગાંધી પણ પ્રાર્થનામાંજ સ્થાયી શાંતિની શોધ નિરંતર કરતા રહે છે. સંવત્સરીના પાવન પર્વે જીવમાત્ર પ્રત્યે પ્રેમ તથા કરુણાનો ભાવ અંતરમાં પ્રગટાવવાનો સંદેશ જીવનમાં ધારણ કરવો એજ સંવત્સરી પર્વની સાર્થક્તા છે.

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૦૧/૦૯/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑