: સંસ્કૃતિ : : મહાનાયકની મહાવ્યથા : ગાંધીજી અને આઝાદી પર્વ :

કવિગુરુ ટાગોરની અમર કાવ્યપંક્તિઓમાંજ ‘કાંટા રાને, લોહી નીગળતે ચરણે’ એકલા જવાનો પડકાર છે. (અનુવાદ : મહાદેવભાઇ દેસાઇ) કોને ખબર હતી કે આઝાદીના જનક સમાન આ મહાનાયકનું મન મુક્ત થયેલી રાજધાની દિલ્હી ઠરતું ન હતું. દેશમાં ચાલતા ભાઇ-ભાઇ વચ્ચેના વેરાગ્નિને ઠારવા તેઓ એક યુવાનને પણ શરમાવે તેવી સ્ફૂર્તિથી ફરતા હતા. જોકે તેમના મનમાં આજી સ્થિતિ અંગે ઘેરો વિવાદ હતો. બાપુની ૧૯૪૭ની કલકત્તા – નોઆખલીની આ મુલાકાતો આ વાતના જીવંત ઉદાહરણ સમાન હતી. તે મુલાકાતો અગાઉ થયેલી લાહોર, કાશ્મીર તેમજ વચ્ચેના સ્થળો કે જ્યાંથી બાપુ પસાર થયા ત્યાં તેમના વચનોએ જનમાનસમાં પરીવર્તન કર્યું. લોર્ડ માઉન્ટબેટને લખ્યું હતું તેમ આ વન-મેન-આર્મીની સત્યનિષ્ઠા એક લશ્કર પણ ન કરી શકે તેવું કામ કરતી હતી. માર્ગમાં જ્યાં ટ્રેન થોભતી હતી ત્યાં લોકોના પ્રચંડ ટોળા જમા થતા હતા. ભૂતકાળને ભૂલીને ‘જાગ્યા ત્યાંથી સવાર’ નો પ્રેરક સંદેશ બાપુ વિતરણ કરતા જતા હતા. બિહારમાં તેમણે ફરી રચનાત્મક પ્રવૃત્તિ તથા પેટને પોષણ મળી રહે તે માટે કાંતણ જેવા શ્રમનો માર્ગ બતાવ્યો. મહાત્મા બંગાળ પહોંચ્યા ત્યારે ત્યાં કોંગ્રેસના ડૉ. પ્રફુલચન્દ્ર ઘોષના મંત્રીમંડળે કાર્યભાર સંભાળ્યો હતો. બંગાળના ભાગલા થતાં પૂર્વ બંગાળમાં – હાલના બંગલા દેશમાં – પણ મુસ્લિમ લીગના  નેતૃત્વ હેઠળ નવી સરકાર બની હતી. ૧૯૪૬ના ઉત્તરાર્ધથી કલકત્તામાં અશાંતિ ફેલાયેલી હતી. લૂંટફાટ તેમજ આગ લગાડવાના બનાવો સામાન્ય હતા. કોમ કોમ વચ્ચે અવિશ્વાસની એક ખાઇનું સર્જન થયું હતું. બાપુની આ સૌથી મોટી ચિંતા હતી. નોઆખલી જવાનો તેમનો નિર્ણય હતો. ત્યાંની હિંસક ઘટનાઓથી તેઓ વ્યથિત હતા. પરંતુ કલકત્તાના ભયગ્રસ્ત લોકોની સ્થિતિ જોઇને તેઓએ થોડો સમય કલકત્તામાં ગાળવાનું નક્કી કર્યું.

સ્વતંત્ર થયેલા દેશમાં તે સમયે સદીઓથી હળી મળીને રહેનારી પ્રજાના ભીન્ન ભીન્ન વર્ગો એકમેક સામે લડતા હતા તે એક વિકટ સમસ્યા ઇતિહાસના પાને નોંધાયેલી છે. આપણાં દુર્ભાગ્યની આ દાસ્તાન છે. બ્રિટિશરોના આગમન પહેલા સામાજિક સ્તરે મહદ્દ અંશે શાંતિ રહેતી હતી. ઘર્ષણ થાય તેની પણ મર્યાદિત અસર હતી. એકબીજાના ધર્મ, સંતજનો કે ફકીરો સામે સાર્વત્રિક માનનો ભાવ રહેવા પામતો હતો. ૧૮૫૭નો સંગ્રામ પણ એકત્રિત થઇને દિલ્હીના બાદશાહની આગેવાની હેઠળ લડાયો હતો. જ્યાં સંસ્કૃતિ જોડે છે ત્યાં ધર્મ જુદા પાડી શકતો નથી તે એક મહત્વનું તારણ પણ છે. ૧૯૪૭માં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હશે તેના અનેક કારણો હશે. અંગ્રેજોની કુટનીતિ તથા અમુક નેતાઓની ટૂંકી દ્રષ્ટિ એ પણ મહત્વના કારણો હતા.

  બાપુ આ સમયગાળામાં દિલ્હીથી દૂર રહ્યા પરંતુ પોતાના કુટુંબના સભ્યો જેવા સાથીઓને તેમણે નિયમિત પત્રો લખીને તેમની ગતિવિધિથી વાકેફ કર્યા છે. ૧૩મી ઓગસ્ટ-૧૯૪૭ના દિવસે બાપુ વલ્લભભાઇને કલકત્તાથી પત્ર લખે છે. પોતે હવે તોફાનગ્રસ્ત વિસ્તારમાં લોકોની વચ્ચેરહેવા જાય છે તેની જાણ કરે છે. સરદારસાહેબ ઊંડી ચિંતાના ભાવ સાથે આ જોખમી તેમજ ગંદકીથી ભરપૂર જગાએ રહેવા જતા ગાંધીને પત્ર લખે છે. સ્થિતિની નિયમિત જાણકારી આપવા વિનંતી કરે છે. બાપુ તેમજ તેમની ટીમના સાથીઓ કલકત્તામાં આવા સ્થળે રહેવા ગયા. ઉશ્કેરાયેલા ટોળાઓએ બાપુના અત્યારે અહીં આવવાના નિર્ણયનો વિરોધ કર્યો. લોકો પોતાના પર પડેલી અકારણ વિપત્તિઓથી ત્રસ્ત હતા તે ગાંધીજી જોઇ તેમજ સમજી શકતાહતા. થોડા લોકોએ બાપુ રહેતા હતા તે રૂમના ભાગ ઉપર પથ્થરમારો કર્યા. હોરેસ અલેકઝાંડર નામના બાપુના સાથીએ બારીઓ બંધ કરી તો કાચ પર પથ્થરો લાગવાથી કાચ ચોતરફ વેરણ છેરણ થઇને પડ્યા. બાપુએ શાંતિપૂર્વક તેમજ તર્કબધ્ધ રીતે ટોળામાંથી કેટલાક લોકો સાથે લાંબી ચર્ચાઓ કરી. બાપુનું વ્યક્તિત્વ, વિચાર અને તેને અનુરૂપ વર્તન દ્વારા ફરી એક ચમત્કાર થયો. બીજા દિવસે શાંતિનો અણસાર દેખાતા ટોળાનો ભાગ એવા એક યુવાને કહ્યું : ‘આ ડોસો તો જાદુગર છે. મુશ્કેલીઓ ચાહે એટલી ભારે હોય તો પણ હાર જાણતો જ નથી !’ પોલીસની જગાએ આવા યુવાનો બાપુની સેવા માટે તેમજ તેમના ક્ષેમ કુશળ માટે ખડાપગે ઊભા રહેવા લાગ્યા. બળ્યા ઝળ્યા કલકત્તામાં ૧૫મી ઓગસ્ટનો ઉત્સવ એકતાના દ્રષ્યો સાથે શાંતિથી ઉજવાયો. જોકે બાપુ તો ૧૫મી ઓગસ્ટ-૧૯૪૭ના દિવસે વહેલી સવારે બે વાગે પોતાના નિત્યક્રમથી પણ થોડા વહેલા ઊઠ્યા. પોતાના મહાન સાથી મહાદેવ દેસાઇની એ દિવસે પાંચમી મૃત્યુ તિથિ હતી. બાપુએ ઉપવાસ કર્યો. સવારની પ્રાર્થના પછી ભગવત ગીતાનો સંપૂર્ણ પાઠ મહાદેવને યાદ કરીને કરાવ્યો. નિર્લેપતાનો આવો ભાવ એ ઇતિહાસમાં ભાગ્યેજ કોઇના વ્યક્તિત્વમાં જોવા મળે છે. 

૧૫મી ઓગસ્ટ દિલ્હીમાં ઉજવવા આ મહાત્માને વિનંતીઓ થઇ હતી. સુધીર ઘોષ, પંડિતજી અને સરદાર સાહેબના પ્રતિનિધિ તરીકે બાપુને દિલ્હી આવવાનું નિમંત્રણ આપવા આવ્યા. મોડી સાંજે આવેલા સુધીર ઘોષ પોતાની વાત શરૂ કરે તે પહેલાજ બાપુપૂછે છે : ‘સુધીર તે ભોજન કર્યું ?’ સુધીરબાબુ ના કહે છે. બાપુ પહેલા તેમને જમાડવાની સૂચના આપે છે. જમતાં જમતાં સુધીરબાબુ વિચારે છે કે ગાંધી આખા દેશના ભલે બાપુ હોય, મારી તો તેમણે માતા જેટલી કાળજી લીધી. (જિગરના મીરા : નારાયણ દેસાઇ) સુધીરબાબુ દિલ્હી જવા રવાના થયા ત્યારે પાનખરની એ ઋતુમાં આંગણામાં પડેલા એક ખર્યા પાનને હાથમાં લઇ બાપુ કહે છે : ‘‘સુધીર, મારી હાલત આ ખર્યા પાન જેવી છે. મારા દિલ્હી આવવાથી શો ફેર પડે ?’’ સુધીરબાબુની આંખમાંથી ટપકેલા આંસુએ પાંદડાંને ભીંજવ્યું. બાપુ સ્વસ્થતાથી કહે છે : ‘‘પાન ભલે ખર્યું હોય, તારા આંસુએ તેને લીલું બનાવ્યું.’’ 

ઇતિહાસના એક મહત્વના વળાંકે ઊભેલા અડીખમ ગાંધીજીએ જે સમસ્યાઓ વાણી – વર્તન તથા વિવેકથી ઉકેલી તે સદાકાળ પ્રેરણાદાયક બને તેવી છે.  

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૦૧/૦૯/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑