૧૫મી ઓગસ્ટ – ૧૯૨૧ દરેક વર્ષની જેમ અસંખ્ય ભારતવાસીઓને ફરી એક વખત આપણી સ્વાધિનતાની મીઠી સ્મૃતિ કરાવીને વિદાય લે તે સ્વાભાવિક છે. સ્વાધિનતા કે સ્વતંત્રતા એ કોઇપણ નાગરિક સમાજ માટે નાની કે નગણ્ય વાત નથી. વિશ્વના અનેક ભાગના લોકો કે જેમને સ્વાતંત્ર્યની મુક્ત હવાનો લાભ મળી શકતો નથી. તેઓ આ પીડાને વધારે સારી રીતે સમજી શકે છે. સ્વતંત્રતાની મીઠાશનું ગાન આ ભાવ સાથેજ ઝવેરચંદ મેઘાણીએ ઊંડા ઊર્મિભાવથી ગાયું છે :
તારા નામમાં ઓ સ્વતંત્રતા
મીઠી આ શી વત્સલતા ભરી !
મુરદા મસાણેથી જાગતાં –
એવી શબ્દમાં શી સુધા ભરી !
પરંતુ પંદરમી ઓગસ્ટના આ શુભ દિવસે એક મહામના મહાત્માની તથા ૧૫મી ઓગસ્ટ – ૧૯૪૭ના દિવસની પણ સ્મૃતિ થવી જોઇએ. ૧૯૪૭ની આ સ્મૃતિમાં છલોછલ આનંદ તો હોયજ. સદીઓની પરાધિનતા પછી એક વિરાટ રાષ્ટ્ર મુક્તિની મીઠી લહેરખીનો અનુભવ કરે તે પોતેજ એક અસાધારણ ઘટના છે. દિલ્હી સહીત દેશના અનેક નગરો તેમજ ગામડાઓમાં સ્વાધિનતા પર્વના તે દિવસે પણ ખુશીનો કે ઉજાણીનો માહોલ હશે. મુક્તિના વિરાટ પ્રતિક સમા ઐતિહાસિક લાલકિલ્લા પરથી પંડિત જવાહરલાલ નહેરુએ ધ્વજ ફરકાવ્યો હશે ત્યારે દિલ્હીની રોશનીનો ઝગમગાટ અભૂતપૂર્વ રહ્યો હશે. દેશના તમામ ગણમાન્ય રાષ્ટ્રીય નેતાઓ દિલ્હીની આ ઉજવણીની ખુશાલીને પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન આપતા હશે. હા, આ તમામ ઉજવણીઓમાં માત્ર એક સુકલકડી કાયાની ત્યાં હાજરી ન હોવાની નોંધ અનેક માનવીઓએ ઊંડી ખીન્નતા સાથે લીધી હશે. મુક્તિગંગાના આ જનક પુરુષ દિલ્હીથી માઇલો દૂર બેઠા હતા. દ્વેષ તથા વેરભાવનાના ધુમ્મસમાં વિંટળાયેલા કલકત્તા શહેરમાં અનેક વિપરીત સંજોગોમાં પ્રેમ તથા ભાઇચારાનો સંદેશો સંભળાવવા જોખમ લઇને પણ સતત ભટકતા હતા. ‘ગાંધી પાછા જાઓ’ના નારા સાથે શહેરમાં પ્રવેશેલા આ વિરાટ વ્યક્તિએ માત્ર બે થી ત્રણ દિવસના ટૂંકા ગાળામાંજ પરિવર્તન કરાવ્યું હતું. જેમના સ્વરૂપને મેઘાણીએ ‘સૌમ્ય, રૌદ્ર, કરાળ, કોમળ.. બાપુ’ કહીને ગાયું હતું તેની શાંત, મક્કમ તથા સત્યવાણીએ કલકત્તા શહેરના જનમાનસમાં પરિવર્તન કરાવ્યું હતું. તોફાનોએ વિરામ લીધો હતો. આ ચમત્કાર હતો. દેશના અન્ય કેટલાક હિસ્સાઓમાં ભારે પોલીસ બંદોબસ્ત છતાં ખૂના મરકી ચાલુ રહ્યા હતા. આ હકીકતના સંદર્ભમાં હિન્દના છેલ્લા વાઇસરોય ૧૫ ઓગસ્ટ – ૧૯૪૭ પછી તરતજ બાપુને પત્ર લખે છે. વરિષ્ઠ તથા વિચક્ષણ અંગ્રેજ અધિકારીના પત્રના આ શબ્દોથી ગાંધીજીનું સુરેખ વ્યક્તિત્વ વિશેષ ઝળહળી ઉઠે છે. લોર્ડ માઉન્ટબેટન લખે છે :
‘પંજાબમાં અમારી પાસે પંચાવન હજાર સૈનિકો છે. આમછતાં વિશાળ પાયા પર ત્યાં રમખાણો ચાલી રહ્યા છે. બંગાળમાં અમારું દળ એક આદમીનું બનેલું છે – One Man Army – છતાં ત્યાં બિલકુલ રમખાણો નથી. એક લશ્કરી અમલદાર તરીકે તથા એક વહીવટકર્તા તરીકે આપને – એક આદમીના લશ્કરને – મુબારકબાદી છે. આપ તેને સ્વીકારશો’ ગાંધીજીની હાજરીનું આવું સટીક મૂલ્યાંકન આશ્ચર્ય તેમજ અહોભાવ પમાડે તેવું છે. બાપુ દિલ્હીથી ઘણાં દૂર હતા છતાં તેમની છાયા દિલ્હીમાં પણ કેટલી પ્રભાવી હતી તે સ્પષ્ટ કરવા માઉન્ટબેટન આ પત્રમાંજ લખે છે :
‘૧૫મી ઓગસ્ટે બંધારણસભામાં આપના નામનો ફક્ત ઉલ્લેખ થતાંની સાથેજ ઉમળકાભર્યો જયઘોષ થયો. આપે તે કદાચ કલકત્તામાં પણ સાંભળ્યો હશે. તે સમયે આપ ન હતા પરંતુ અમારા સૌના મન આપનાજ વિચારોથી ભરેલા હતા.’
મહાત્મા ગાંધી ૧૫મી ઓગસ્ટ – ૧૯૪૭ના મહાપર્વની ઉજવણી વેળાએ દિલ્હીમાંજ રહે તેવી જવાહરલાલ સહીત અનેક લોકોની ઇચ્છા હતી. ગાંધીજીને દેશના સર્વોચ્ચ નેતાઓ તરફથી આ વિનંતી કરતા પત્રો પણ ગયા હતા. પરંતુ આ મહાત્મા જૂદી માટીના બનેલા હતા. જૂન-૧૯૪૭થીજ બાપુના મનમાં એક ભારે ધમસાણ ચાલી રહ્યું હતું. ‘પૂર્ણાહુતિ’ માં પ્યારેલાલ લખે છે કે સ્વતંત્રતા મળ્યા પછી વેરઝેર તેમજ રાગદ્વેષના કારણે વાતાવરણ ડહોળવાની પૂરી સંભાવના મહાત્માને દેખાતી હતી. આમ થશે તો સ્વતંત્રતા ભસ્મીભૂત થઇ જશે તેમ બાપુ માનતા હતા. આથી તેમને લાગતું હતું કે કેન્દ્રમાં રહીને તેઓ ખાસ કશુ કરી શકશે નહિ. પ્રજાની રક્ષા તેમજ સલામતી માટે પોતાનું જીવન હોડમાં મૂકવા બાપુ પ્રતિબધ્ધ હોવાથી જોખમની આ નાજુક પળે પ્રજાની સાથે રહેવાનો તેમણે નિર્ણય કર્યો. કાશ્મિર ગયા. બીહાર ગયા. જે સમાચારો મળતા હતા તેના પરથી તેઓ કલકત્તા થઇને નોઆખલી (હાલ બંગલાદેશમાં) જવા માંગતા હતા. દિલ્હીના રોકાણને તેમણે બાજુએ રાખ્યું. તેમણે કહ્યું કે ‘ખપી જતાં સુધી લડનારી ચીંથરેહાલ પલ્ટન’ સાથેજ તેમનું રહેવું ઉચિત છે. દિલ્હીમાં નહિ. એ વાતની નોંધ લેવી જોઇએ કે તેમ ન કરવા માટે આ પ્રસંગે તેમને કોઇએ ખાસ આગ્રહ કર્યો નહિ. સૌને એ વાતની પ્રતિતિ હતી કે ૧૫મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી વિશે બાપુના જે વિચારો હતા તે જોતાં રંગરાગના આ અવસરે તેઓ દિલ્હીમાં અટૂલા થઇ જશે. દેશના તે સમયના માહોલમાં ઉજાણી સબંધી બાપુની આ મનોદશા તેમને અન્યથી જૂદા પાડતી હતી. વર્ષો સુધી જેમણે ગાંધીની છત્રછાયામાં રહીને કામ કર્યું હતું તે સર્વને છોડીને આ એકલવીર સત્યના માર્ગે એકલો દ્રઢતા સાથે પ્રયાણ કરે છે. મશાલ સરીખું આ જીવન પારકા તેલની આશાએ જીવાતું ન હતું. કવિગુરુ ટાગોરે લખ્યું હતું અને મહાદેવ દેસાઇએ જેનો સુંદર ભાવાનુવાદ કર્યો હતો તે કાવ્ય બાપુના આ મહાપ્રયાણને લાગુ પડે તેવું છે.
જો સૌના મ્હો શીવાય
ઓ રે ઓ રે ઓ અભાગી
સૌના મ્હો શીવાય,
જ્યારે સૌ બેસે મ્હો ફેરવી
સૌએ ડરી જાય, ત્યારે
હૈયું ખોલી અરે તું મ્હો મૂકી
તારાં મનનું ગાણું એકલો ગાને રે..
એકલો જાને રે..
કવિગુરુ ટાગોરની આ અમર કાવ્યપંક્તિઓમાંજ ‘કાંટા રાને, લોહી નીગળતે ચરણે’ એકલા જવાનો પડકાર છે. બાપુની ૧૯૪૭ની કલકત્તા – નોઆખલીની આ મુલાકાતો એ કંટકના માર્ગે જવાની વાતના જીવંત ઉદાહરણ સમાન હતી. તે મુલાકાતો અગાઉ થયેલી લાહોર, કાશ્મીર તેમજ વચ્ચેના સ્થળો કે જ્યાંથી બાપુ પસાર થયા ત્યાં તેમના વચનોએ જનમાનસમાં પરીવર્તન કર્યું. માર્ગમાં જ્યાં ટ્રેન થોભતી હતી ત્યાં લોકોના પ્રચંડ ટોળા જમા થતા હતા. ભૂતકાળને ભૂલીને ‘જાગ્યા ત્યાંથી સવાર’ નો પ્રેરક સંદેશ બાપુ વિતરણ કરતા જતા હતા. બિહારમાં તેમણે ફરી રચનાત્મક પ્રવૃત્તિ તથા પેટને પોષણ મળી રહે તે માટે કાંતણ જેવા શ્રમનો માર્ગ બતાવ્યો. મહાત્મા બંગાળ પહોંચ્યા ત્યારે ત્યાં કોંગ્રેસના ડૉ. પ્રફુલચન્દ્ર ઘોષના મંત્રીમંડળે કાર્યભાર સંભાળ્યો હતો. બંગાળના ભાગલા થતાં પૂર્વ બંગાળમાં – હાલના બંગલા દેશમાં – પણ મુસ્લિમ લીગના નેતૃત્વ હેઠળ નવી સરકાર બની હતી. ૧૯૪૬ના ઉત્તરાર્ધથી કલકત્તામાં અશાંતિ ફેલાયેલી હતી. લૂંટફાટ તેમજ આગ લગાડવાના બનાવો સામાન્ય હતા. કોમ કોમ વચ્ચે અવિશ્વાસની એક ખાઇનું સર્જન થયું હતું. બાપુની આ સૌથી મોટી ચિંતા હતી. નોઆખલી જવાનો તેમનો નિર્ણય હતો. ત્યાંની હિંસક ઘટનાઓથી તેઓ વ્યથિત હતા. પરંતુ કલકત્તાના ભયગ્રસ્ત લોકોની સ્થિતિ જોઇને તેઓએ થોડો સમય કલકત્તામાં ગાળવાનું નક્કી કર્યું.
સ્વતંત્ર થયેલા દેશમાં તે સમયે સદીઓથી હળી મળીને રહેનારી પ્રજાના ભીન્ન ભીન્ન વર્ગો એકમેક સામે લડતા હતા તે એક વિકટ સમસ્યા ઇતિહાસના પાને નોંધાયેલી છે. આપણાં દુર્ભાગ્યની આ દાસ્તાન છે. બ્રિટિશરોના આગમન પહેલા સામાજિક સ્તરે મહદ્દ અંશે શાંતિ રહેતી હતી. ઘર્ષણ થાય તેની પણ મર્યાદિત અસર હતી. એકબીજાના ધર્મ, સંતજનો કે ફકીરો સામે સાર્વત્રિક માનનો ભાવ રહેવા પામતો હતો. ૧૮૫૭નો સંગ્રામ પણ એકત્રિત થઇને દિલ્હીના બાદશાહની આગેવાની હેઠળ લડાયો હતો. જ્યાં સંસ્કૃતિ જોડે છે ત્યાં ધર્મ જુદા પાડી શકતો નથી તે એક મહત્વનું તારણ પણ છે. ૧૯૪૭માં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હશે તેના અનેક કારણો હશે. અંગ્રેજોની કુટનીતિ તથા અમુક નેતાઓની ટૂંકી દ્રષ્ટિ એ પણ મહત્વના કારણો હતા. ઐતિહાસિક લાહોરમાં ૧૯૨૯ના ડિસેમ્બરની ૩૧મી તારીખે પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા પ્રચંડ જનપ્રતિસાદ સાથે લેવામાં આવી હતી. કોઇ ભિન્નતાનો સુર ન હતો. તમામ વર્ગના લોકો ત્યારે સાથે હતા. ૧૯૪૭માં એજ લાહોરમાં ભયનું વાતાવરણ ફેલાયેલું હતું. ટૂંકી દ્રષ્ટિની રાજનીતિ કદાચ આ વણસતી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં કારણરૂપ બન્યા હોય તેમ કહી શકાય. દેશના અનેક નિર્દોષ નાગરિકોએ તેની ભારે કિમ્મત ચૂકવવી પડી. આપણી ભાષામાં કમળાબહેન પટેલની ‘મૂળસોતાં ઊખડેલા’ પુસ્તક આવી કેટલીક ભયાવહ કથાઓનું દર્શન કરાવે છે. ઇસ્મત ચુગદાઇ, ભીષ્મ સહાની તેમજ મન્ટોની કથાઓ પણ આ સામાજિક સંઘર્ષના તાણાંવાણાં સાહિત્યીક કૃતિઓમાં ઝીલવાનો નોંધપાત્ર પ્રયાસ કરે છે. આમાની કેટલીક અસરકારક વાતો શરીફાબહેન વીજળીવાલાની ચિવટ, નિષ્ઠા તેમજ નિસબતથી આપણાં લોકો સુધી પહોંચી છે. આ કપરાકાળમાં સ્ત્રીઓએ ભોગવવી પડેલી યાતાનાઓ જ્યાં અને ત્યાં જોઇ શકાય છે. આ બધું જોયા પછી બાપુને લાંબુ જીવવાનો ઉત્સાહ ઓસરી ગયો છે તેવું મનુબહેનની ડાયરીમાં નોંધાયું છે. મુક્તિના બીડાયેલા બારણાં તો ખુલ્યા પરંતુ ધર્મ કે જાતિના આધારે ઊભો થયેલો વેરભાવ એ મહાત્માની સૌથી મોટી ચિંતા હતી. બાપુની આ ચિંતા દુર્ભાગ્યે સાચી હતી. ગાંધીજીની વિદાય પછી આપણી સરકારો કેન્દ્ર તથા રાજ્યોમાં બની. પરંતુ કોમી હીંસાના ઝેરી અજગરને નાથવામાં આપણે અનેક કિસ્સાઓમાં સફળ રહ્યા નહિ. વસંત – રજબ જેવા અનેક વીરોના બલીદાન દેવાયા પરંતુ મૂળમાંથી આ રોગ ડામી શકાતો નથી. વર્ગવિગ્રહના ભિષણ પરિણામો ભોગવવા કરતા તેને મૂળમાંથીજ ડામવાનો ગાંધી સંદેશ કોઇપણ કાળે પ્રસ્તુત છે.
બાપુ આ સમયગાળામાં દિલ્હીથી દૂર રહ્યા પરંતુ પોતાના કુટુંબના સભ્યો જેવા સાથીઓને તેમણે નિયમિત પત્રો લખીને તેમની ગતિવિધિથી વાકેફ કર્યા છે. ૧૩મી ઓગસ્ટ-૧૯૪૭ના દિવસે બાપુ વલ્લભભાઇને કલકત્તાથી પત્ર લખે છે. પોતે હવે તોફાનગ્રસ્ત વિસ્તારમાં લોકોની વચ્ચેરહેવા જાય છે તેની જાણ કરે છે. સરદારસાહેબ ઊંડી ચિંતાના ભાવ સાથે આ જોખમી તેમજ ગંદકીથી ભરપૂર જગાએ રહેવા જતા ગાંધીને પત્ર લખે છે. સ્થિતિની નિયમિત જાણકારી આપવા વિનંતી કરે છે. બાપુ તેમજ તેમની ટીમના સાથીઓ કલકત્તામાં આવા સ્થળે રહેવા ગયા. ઉશ્કેરાયેલા ટોળાઓએ બાપુના અત્યારે અહીં આવવાના નિર્ણયનો વિરોધ કર્યો. લોકો પોતાના પર પડેલી અકારણ વિપત્તિઓથી ત્રસ્ત હતા તે ગાંધીજી જોઇ તેમજ સમજી શકતાહતા. થોડા લોકોએ બાપુ રહેતા હતા તે રૂમના ભાગ ઉપર પથ્થરમારો કર્યા. હોરેસ અલેકઝાંડર નામના બાપુના સાથીએ બારીઓ બંધ કરી તો કાચ પર પથ્થરો લાગવાથી કાચ ચોતરફ વેરણ છેરણ થઇને પડ્યા. બાપુએ શાંતિપૂર્વક તેમજ તર્કબધ્ધ રીતે ટોળામાંથી કેટલાક લોકો સાથે લાંબી ચર્ચાઓ કરી. બાપુનું વ્યક્તિત્વ, વિચાર અને તેને અનુરૂપ વર્તન દ્વારા ફરી એક ચમત્કાર થયો. બીજા દિવસે શાંતિનો અણસાર દેખાતા ટોળાનો ભાગ એવા એક યુવાને કહ્યું : ‘આ ડોસો તો જાદુગર છે. મુશ્કેલીઓ ચાહે એટલી ભારે હોય તો પણ હાર જાણતો જ નથી !’ પોલીસની જગાએ આવા યુવાનો બાપુની સેવા માટે તેમજ તેમના ક્ષેમ કુશળ માટે ખડાપગે ઊભા રહેવા લાગ્યા. બળ્યા ઝળ્યા કલકત્તામાં ૧૫મી ઓગસ્ટનો ઉત્સવ એકતાના દ્રષ્યો સાથે શાંતિથી ઉજવાયો. જોકે બાપુ તો ૧૫મી ઓગસ્ટ-૧૯૪૭ના દિવસે વહેલી સવારે બે વાગે ઊઠ્યા. પોતાના મહાન સાથી મહાદેવ દેસાઇની એ દિવસે પાંચમી મૃત્યુ તિથિ હતી. બાપુએ ઉપવાસ કર્યો. સવારની પ્રાર્થના પછી ભગવત ગીતાનો સંપૂર્ણ પાઠ કરાવ્યો.
૧૫મી ઓગસ્ટ દિલ્હીમાં ઉજવવા આ મહાત્માને વિનંતીઓ થઇ હતી. સુધીર ઘોષ, પંડિતજી અને સરદાર સાહેબના પ્રતિનિધિ તરીકે બાપુને દિલ્હી આવવાનું નિમંત્રણ આપવા આવ્યા. મોડી સાંજે આવેલા સુધીર ઘોષ પોતાની વાત શરૂ કરે તે પહેલાજ બાપુપૂછે છે : ‘સુધીર તે ભોજન કર્યું ?’ સુધીરબાબુ ના કહે છે. બાપુ પહેલા તેમને જમાડવાની સૂચના આપે છે. જમતાં જમતાં સુધીરબાબુ વિચારે છે કે ગાંધી આખા દેશના ભલે બાપુ હોય, મારી તો તેમણે માતા જેટલી કાળજી લીધી. (જિગરના મીરા : નારાયણ દેસાઇ) સુધીરબાબુ દિલ્હી જવા રવાના થયા ત્યારે પાનખરની એ ઋતુમાં આંગણામાં પડેલા એક ખર્યા પાનને હાથમાં લઇ બાપુ કહે છે : ‘‘સુધીર, મારી હાલત આ ખર્યા પાન જેવી છે. મારા દિલ્હી આવવાથી શો ફેર પડે ?’’ સુધીરબાબુની આંખમાંથી ટપકેલા આંસુએ પાંદડાંને ભીંજવ્યું. બાપુ સ્વસ્થતાથી કહે છે : ‘‘પાન ભલે ખર્યું હોય, તારા આંસુએ તેને લીલું બનાવ્યું.’’
ઇતિહાસના એક મહત્વના વળાંકે ઊભેલા અડીખમ ગાંધીજીએ જે સમસ્યાઓ વાણી – વર્તન તથા વિવેકથી ઉકેલી તે સદાકાળ પ્રેરણાદાયક બને તેવી છે.
દરેક પંદરમી ઓગસ્ટે આ વિરાટ પુરુષ ગાંધીની પુન: સ્મૃતિ થવી તે સ્વાભાવિક છે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૦૯/૦૮/૨૦૨૧.
Leave a comment