કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરે તેમાં કશું નવું કે અજાણ્યું નથી. પરંતુ જે કોન્ટ્રાક્ટરો તેમને કામમાં જોડે છે તેઓ ઘણા બધા કિસ્સામાં કામદારોને તેમનું કાયદેસરનું વળતર આપતા નથી. મૂળ માલિક એટલે કે ‘PRINCIPAL’ જે આ કામ તેની ફેકટરી કે બીઝનેસ યુનિટ માટે કરાવે છે તે લોકો કદાચ કામદારને મળવાપાત્ર નિયમસરનું વળતર ચૂકવતા હોય તો પણ વચ્ચેની કડી સમાન કોન્ટ્રાક્ટર કે ઇજારદાર આ પૂરી રકમ કામદારને આપતા નથી. કામદારોના કલ્યાણ માટે પ્રોવિડન્ડ ફંડ કે ગ્રેજ્યુઇટી જેવા નિયમો કાગળ પર હોય છે ખરા પરંતુ વ્યવહારમાં તેનો અમલ થતો નથી. એમ પણ નથી કે માલિકો કે સમાજના અન્ય લોકોને આ વાતની ખબર નથી પરંતુ તેઓનું મહદ્દ અંશે આ બાબત તરફ વિવિધ કારણોસર દુર્લક્ષ સેવે છે. આ વલણ પહેલા હતું અને આજે નહિ હોય તેમ માનવું તે ભ્રમમાં રહેવા બરાબર છે. ‘આઉટસોર્સીંગ’ ની બોલબાલા વાળા આજના સમયમાં કદાચ કામદારોના કે નીમ્ન શ્રેણીના કર્મચારીઓની સ્થિતિ બદતર થઇ હોવાની સંભાવના છે. આવી સ્થિતિમાં એક કામદાર મહિલાની વ્યથા નિવારણ માટે સ્વેચ્છાએ કેસ લડનાર અનોખા વકીલની ઇલાબહેન ભટ્ટે લખેલી વાત વાંચીને કપરા કાળમાંપણ એક શાંતિ કે રાહતનો અનુભવ થાય છે. વાત કંઇક આમ બની છે.
ટેકસ્ટાઇલ મિલમાં કામ કરતા એક મહિલાને નિયમસર મળવાપાત્ર પગારથી ઓછો પગાર મળતો હતો. બહેનને તે વાતની પીડા હતી. કાયદો હોવા છતાં તેનો અમલ થતો નથી તેની નારાજગી બહેનના મનમાં રહ્યા કરતી હતી. કાયદો તો હોય પણ અમલ કરવાની ફરજ કોણ પાડે ? દરેક રીતે શસક્ત એવા મિલ માલિક કે કોન્ટ્રાક્ટર સામે એક રોજનું રળીને રોજ ખાતી મહિલા કેવી રીતે બાથ ભીડે ? કદાચ સંઘર્ષનો પ્રયાસ કરે તો પણ જે કંઇ મળે છે તે ઝૂંટવાઇ જવાની સંભાવના રહે. કોણ મદદ કરે ? અમદાવાદની શોભા વધારે તેવા એક પરગજુ વકીલે ફી લીધા સિવાય બહેનનો કેસ હાથમાં લીધો. દરેક બાબતનો સમાવેશ કરીને પોતાના સ્વભાવ પ્રમાણે ઊંડા અભ્યાસ બાદ ધારદાર બ્રીફ તૈયાર કરી. કોન્ટ્રેકટેડ લેબરને નિયમિત લેબરની વ્યાખ્યામાં કાયદાની જોગવાઇ તથા હેતુને ધ્યાનમાં લઇ બેસાડ્યા અને તાર્કીક દલીલો સાથે પોતાની વાત રજૂ કરી. હાઇકોર્ટમાં જવું પડ્યું. કેસની વિગતો જોતાં વિદ્વાન ન્યાયમૂર્તિઓએ કામદારની તરફેણમાં વિસ્તૃત ચૂકાદો આપ્યો. અનેક કામદારોને સ્વાભાવિક રીતેજ તેનો લાભ થાય. “Workman engaged through an agency is also workman” નો સિધ્ધાંત કોર્ટે દોહરાવ્યો. વ્યથિત મહિલાની વ્યથા દૂર થઇ. આવું કામ નિષ્ઠા – ખંત તથા વળતરની સહેજ પણ અપેક્ષા રાખ્યા સિવાય કરનાર માનવવાદના મશાલચી દરુ સાહેબને આપણે ભૂલીએ તો એ ખોટ આપણી છે. ચન્દ્રકાન્ત દરુને સૌ દરુ સાહેબના નામથી ઓળખતા હતા. અમદાવાદ શહેરની તથા ગુજરાત રાજ્યની એ શોભા સમાન હતા તેમ કહેવામાં સહેજપણ અતિશયોક્તિ નથી. ૨૦૧૬માં તેમની જન્મ શતાબ્દી મહોત્સવ નીમીત્તે દરુ સાહેબને કેન્દ્રમાં રાખીને સ્મૃતિગ્રંથ તૈયાર થયો. શતાબ્દી ઉજવણી સમિતિ તથા આ ગ્રંથને કાળજીતથા ચિવટથી તૈયાર કરનાર ગૌતમ ઠાકરના આપણે ઋણી છીએ. દરુ સાહેબનું જીવન ચિરકાળ સુધી પ્રેરણા આપી શકે તેવું છે.
માનવ ગરીમા તથા માનવ સ્વાતંત્ર્યની વાત માનવેન્દ્રનાથ રોયે (એમ. એન. રોય) કરી. સમગ્ર ગતિવિધિઓના કેન્દ્રમાં મનુષ્યજ રહે અને તેના હિતમાંજ વ્યવસ્થાઓ ગોઠવાય તે વાતજ રોમાંચક લાગે છે. લિંકન – મંડેલા કે ગાંધી જેવા લોકો માનવ માત્રના સ્વાતંત્ર્ય તથા કલ્યાણ માટે જીવનભર ઝઝૂમ્યા હતા. કાયદાઓથી કોઇ ભેદભાવ થતો હોય તો તે કાયદાનેજ નિર્મૂળ કરવા અનેક માનવસમાજના હિતચિંતકોએ મશાલ પકડી. તેના પરિણામો પણ આવ્યા. મીઠા પરના અન્યાયી તેમજ આકરા વેરા સામેનો મહાત્મા ગાંધીનો સત્યાગ્રહ તે આવુંજ એક જ્વલંત ઉદાહરણ છે. પરંતુ યુગે યુગે આ સિધ્ધાંતનું વ્યાપક પ્રતિપાદન કરવા વિનોબાજી કે જયપ્રકાશ નારાયણ જેવા લોકોએ પણ અહાલેક જગાવી. તેમાં કડવાશ કે દ્વેષ ન હતા પરંતુ પોતાની વાત મક્કમ રીતે રજૂ કરવાની અથાક શક્તિ હતી. આ સંઘર્ષમાં જે પણ ભોગવવાનું આવે તે ભોગવવાની સંપૂર્ણ તૈયારી હતી. દરુસાહેબ એ આ ઉજળી પરંપરાના હજુ ગઇકાલ સુધી આપણી વચ્ચે રહેલા ધારક તેમજ વાહક હતા. જ્યાં જ્યાં સામાન્ય લોકોની સ્થિતિ માટે લડવાનો કે સ્વાતંત્ર્ય જાળવણી માટે સંઘર્ષ કરવાનો હોય ત્યાં દરુસાહેબે મશાલ ઊંચકી છે. કટોકટીના કપરા કાળમાં ‘ભૂમિપુત્ર’ નું પ્રકાશન રોકવાના સરકારના પ્રયાસ સામે આ સ્વાતંત્ર્યના પુરસ્કર્તા વકીલ મજબૂત દિવાલ બનીને ઊભા રહ્યા. પોતાની તર્કબધ્ધ કાનૂની દલીલોથી પ્રિસેન્સરશીપની અમૂક જોગવાઇઓ તેમણે હાઇકોર્ટના ચૂકાદાથી રદ કરાવી. સ્તબ્ધ તથા હતોત્સાહ થયેલા પૂરા દેશમાં ભૂમિપુત્રના આ ચૂકાદાએ સંઘર્ષની કેડી બતાવી. સામાન્ય કુટુંબમાં જન્મેલા દરુસાહેબ સ્વબળથી તેમજ ઊંડી પ્રતિબધ્ધતાથી એક તેજસ્વી તારકની માફક આ સમયે ઝળકી ઉઠેલા હતા. તેમની કાનૂની વિદ્વતા દેશના અનેક જાણકારોએ જોઇ તથા પ્રમાણી હતી.
ઇસવીસન પૂર્વે થયેલા મહાન દાર્શનીક સોક્રેટીસને તત્કાલિન સત્તાધિશોએ બંદીવાન બનાવ્યો. એક નિર્ણાયક પંચે સોક્રેટીસ પર કામ ચલાવ્યું. દોષ માત્ર એટલોજ કે વિચારનું મહત્વ કે વિચારની સ્વતંત્ર અભિવ્યક્તિ એ શાસકો માટે અકળાવનારી હતી. સોક્રેટીસને મૃત્યુદંડ આપવામાં આવ્યો. સોક્રેટિસને મૃત્યુદંડ કે ગાંધીની નિર્મમ હત્યાથી તેમના વિચારો પણ નિર્મૂળ થશે તેવી કેટલાક લોકોની ભ્રમણા ખોટી પૂરવાર થઇ. વિચારની આ સ્વતંત્રતા તેમજ રેશનલ એપ્રોચને કારણે અનેક લોકોના ભોગ લેવામાં છતાં આવા મરજીવાઓ નિરંતર રાખમાંથી ઊભા થતા રહ્યા છે. દરુ સાહેબની પણ ૧૯૭૫માં ધરપકડ થઇ. તેઓ આઠ મહીના જેલમાં રહ્યા. સ્વાભાવિક રીતેજ સાધન સગવડ વચ્ચે રહેલા આ જીવે જેલના શારીરિક કષ્ટો કશી રાવ કે ફરિયાદ સિવાય સહન કર્યા. સાચા વિચારના પુરસ્કર્તા કે સ્વપ્ન સેવીને જગતે અનેક પ્રસંગોમાં પરેશાન કર્યાછે. મકરંદ દવેની એક પંક્તિ સ્મૃતિમાં આવે છે.
જેણે સપનાઓ વાવ્યા,
એને તો ભાઇ, આ દુનિયાએ
ખરાખરીના તાવ્યા.
દરુ સાહેબની ચિરવિદાય ૧૯૭૯માં થઇ ત્યારે તેમનું નામ ગુજરાતમાં ખૂબ જાણીતું થઇ ગયું હતું. તેઓ સ્વતંત્ર વિચારસરણી અને બંધનમુક્ત માનવ જીવનના પુરસ્કર્તા હતા તે વાતની વાતની પ્રતિતિ સૌને થઇ હતી. આપણે ત્યાં જેમણે કોઇપણ ભોગે માનવ સ્વાતંત્ર્યની તરફેણ કરી તેવા મહાત્મા ગાંધી, માનવેન્દ્રનાથ રોય (એમ.એન.રોય) તથા લોકશાહીના જાગૃત પ્રહરી જયપ્રકાશ નારાયણના તેઓ વૈચારીક વારસ હતા. બાબુભાઇ જશભાઇ પટેલે તેમને શ્રધ્ધાંજલિ આપતા યથાર્થ જણાવ્યું કે લાંબા જેલ જીવનથી દરુ સાહેબની શારીરિક શક્તિઓનો ખાસ્સો ક્ષય થયો હતો પરંતુ તેઓ આ સ્થિતિમાં પણ મક્કમ હતા. વૈચારિક શક્તિ તેમજ વીરતાનો આવો સુભગ સમન્વય જ્વલ્લેજ જોવા મળે તેવો છે. એમ. એન. રોયના વિચારોની ઊંડી છાપ દરુ સાહેબના જીવનમાં જોવા મળે છે. જગતના ઇતિહાસની એ નોંધપાત્ર બાબત છે કે ઐતિહાસિક રશિયન ક્રાંતિના પ્રણેતા લેનિનના વિચારોને અપનાવનાર પ્રખર માનવતાવાદી એમ. એન. રોયને સામ્યવાદ અને લેનિનના વિચારોમાં શ્રધ્ધા હતી. સમયનું પરિવર્તન થયું. સામ્યવાદમાં પણ સરમુખત્યારશાહીના લક્ષણ જણાતાં રોય જેવા વૈચારિક વ્યક્તિત્વને તેમાં વિશાળ માનવ સમાજની ગુલામીના દર્શન થયા. રોય જેવા મૂળભૂત રીતે માનવવાદના જાગૃત મશાલચી આ બાબતનો સ્વીકાર કરે નહિ. માનવ પોતેજ પોતાનો ભાગ્યવિધાતા છે તેજ સિધ્ધાંત જે એમ. એન. રોયે પુરસ્કૃત કર્યો તેનોજ ભરપુર મહિમા જાળવવા દરુ સાહેબ તથા તેમના સાથીઓ જીવનભર ઝઝૂમ્યા. મુક્ત માનવનો અને તેના થકી મુક્ત જીવનનો વિચાર એજ રોમાંચક બાબત હતી જેને લઇને જગતના અનેક વિચારક વીરોએ પોતાનું જીવન હોડમાં મૂક્યું છે. શાસકો વિદેશી હોય કે આપણાં પોતાના હોય તો પણ માનવ વિચારની સંપૂર્ણ સ્વતંત્રતા માટેની અહાલેક મહાત્મા ગાંધી ઉપરાંત જયપ્રકાશ નારાયણ, એમ. એન. રોય તથા દરુ સાહેબ જેવા મરજીવાઓએ જગાવી હતી.
આપણાં દેશમાં કે જગતના અન્ય ભાગોમાં પણ સ્વતંત્ર વિચારસરણી તથા તર્કબધ્ધ વિચારધારામાં શ્રધ્ધા ધરાવતો એક વર્ગ જોવા મળે છે. કદાચ એ વર્ગ બહુમતીમાં ન પણ હોય છતાં પોતાની વાત સમજાવવામાં ઊભા થનારા જોખમો સામે આ વર્ગે માથું ટેકવ્યું નથી. ગુજરાતમાં પણ આવા પુણ્યશ્લોક લોકોની એક આગવી આકાશગંગા છે. ભોગીલાલ ગાંધી, ઇન્દુચાચા, પ્રાધ્યાપક પુરુષોત્તમ માવળંકર કે સી. ટી. દરુ જેવા કેટલાક લોકો આ વિશિષ્ટ કલબના સભ્યો છે. મહારાષ્ટ્રના વી. એમ. તારકુંડેને પણ અહીં યાદ કરવા ઉચિત છે. મૂડીવાદ, સામ્યવાદ કે સરકાર સંચાલિત કોઇ કહ્યાગરી વ્યવસ્થાના સ્થાને લોકને કેન્દ્રમાં રાખીને કોઇ વ્યવસ્થા ઊભી કરવાની આ મથામણ એ આપણો કાયમનો પડકાર છે તેની સૂઝ દરુ સાહેબ – તારકુંડે જેવા લોકોએ તર્કબધ્ધ આચરણ દ્વારા પ્રગટાવી. વિનોબાજીએ પોતાના અંદાજમાં આજ વાત પંડિત નહેરુજીના આગ્રહથી પ્લાનીંગ કમિશનને છેક ૧૯૫૦ના દાયકામાં કહી હતી. ‘સબાર ઉપર માનુષ’ ની આ ચિંતા એ કોઇપણ કાળે સ્વસ્થ સમાજ માટે ધ્યાન અને નિસબતનો વિષય બનવો જોઇએ. દરુ સાહેબની જિંદગી તથા કરણીનો આ સંદેશ છે અને તેથી તે સાંપ્રત કાળમાં પણ એટલોજ મહત્વનો છે. સી. ટી. દરુની વિચારસરણી વૈજ્ઞાનિક, ધર્મનિરપેક્ષ, બુધ્ધિગમ્ય તથા ઉદારતાવાદી હતી. આ ગુણો તેમના જીવનમાં પણ અભિન્ન રીતે વણાયેલા હતા. ‘આટલો મોટો Intellectual giant આટલો સરળ – સહજ હોય તે આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે.’ ચીનુભાઇ વૈદ્યનું આ તારણ સર્વાંગ સાચું છે, પ્રતિતિકર છે.
દરુ સાહેબ સાથે જેલમાં ગયેલા સર્વોદયના કાર્યકર્તા તેમજ ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણમંત્રી નવલભાઇ શાહે લખેલી જેલ અનુભવની કેટલીક વાતોમાં દરુ સાહેબનો ઉલ્લેખ છે જે સ્વાભાવિક છે. નવલભાઇ દરુ સાહેબને પૂછે છે કે ‘‘આંતરિક કટોકટીની જે બાબત અન્યાયી લાગે તેનો તમે સક્રિય વિરોધ કરતા હતા. આથી જેલમાં જવાની તમારી તૈયારી હતી ?’’ દરુ સાહેબ કહે છે હું જે કરતો હતો તે કાયદેસર તથા બંધારણીય હતું છતાં જેલ જવાની શક્યતા તો હતીજ. જે દિવસે ધરપકડ થઇ ત્યારે તમારી મનોસ્થિતિ શી હતી તેનો જવાબ દરુ સાહેબ આપે છે : ‘ધરપકડ કરવા આવેલા પોલીસ અધિકારીએ કહ્યું કે તમારા ઘરની જડતી કરવી પડશે. મને થયું કે જડતીમાં બે ત્રણ કલાકનો સમય તો જશે. આથી હું મારા એકકન્ડિશન્ડ ઓરડામાં જઇને સૂઇ ગયો.’ મનની આ મક્કમતા તેમજ સ્વસ્થતામાંજ એક અણનમ વીરત્વનું રૂડું દર્શન થાય છે. ઘરમાં મળતી કેટલીક સુવિધાઓથી ટેવાયેલા આ સફળ એડવોકેટ જેલ જીવનની મુશ્કેલીઓ પણ નબળી તબીયત અને હસતા મુખ સાથે સ્વીકારે છે.
જગત આજે જે ત્રિભેટે આવીને ઊભું છે ત્યાં માત્ર અને માત્ર તર્કબધ્ધ ન્યાયપૂર્ણ તેમજ બુધ્ધિગમ્ય વિચારસરણીજ તેને ઉન્નતિના માર્ગે લઇ જઇ શકશે. અનેક પ્રકારના કુઠિત પૂર્ગગ્રહો – આગ્રહો છોડીને માનવવાદી વિચારસરણીને અપનાવવાનો વિકલ્પ હમેશા ખુલ્લોજ છે. આ દિશામાં સમાજ કે ખાસ કરીને યુવાનોને જોડવાનો કોઇપણ નાનો કે મોટો પ્રયાસ એ લાંબાગાળે પણ ફળદાયી બની રહે તેવું રોકાણ છે. તે દિશામાં જવાની ફરજ આપણી છે. જે.પી. – એમ. એન. રોય કે ચન્દ્રકાન્ત દરુના જીવનનો આજ સંદેશ છે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૦૨/૦૮/૨૦૨૧.
Leave a comment