મુળજીભાઇ ગયા એ સમાચાર શૈલેશભાઇ લાંબાએ આપ્યા ત્યારે સ્વાભાવિક રીતેજ એક સ્નેહીને ગુમાવ્યાનો રંજ થયો. મુળજીબાપુની ભાતીગળ જીવન કથાનો ચિતાર તા.૦૮-૦૨-૧૯૩૫ થી તા.૧૩-૦૭-૨૦૨૧ સુધી જગતે જોયો. જીવનના છેલ્લા અનેક વર્ષો તેમણે ઉમદા પરગજુ વૃત્તિ સાથે પસાર કર્યા. દાનનો પ્રવાહ સતત વહેતો રહ્યો. કોઇ ઉતાવળમાં હોય તેમ ‘તરત દાન અને મહાપુણ્ય’ નો સિધ્ધાંત વાસ્તવિક જીવનમાં ચરીતાર્થ કર્યો. મને ખાતરી છે કે વ્યક્તિગત રીતે અનેક લોકો લાંબા સમય સુધી મુળજીભાઇની વિદાયથી વ્યથિત રહેશે. ઉપરાંત અનેક સંસ્થાઓ ચલાવતા આપણાં આદરણિય આગેવાનો પણ આ સમાચારથી ઊંડા આઘાતનો અનુભવ કરશે. મુળજીભાઇનો ‘જીવતો હોંકારો’ અનેક સંસ્થાઓ માટે સંકટની સાંકળ સમાન હતો. અલબત્ત વ્યક્તિગત ધોરણે પણ મુળજીબાપુની હૂંફ અનેક કુટુમ્બોને હતી તે જાણીતી બાબત છે. લંડન એ દૂરનું સ્થળ પરંતુ લગભગ પ્રતિવર્ષ મુળજીભાઇની દેશની મુલાકાત આ દૂરીની ખોટ ભરપાઇ કરતી હતી. આથી મુળજીભાઇના લાંબા ગામતરા પછી તેમનો મેળાપ હવે થશે નહિ તેની ગ્લાની અનેક લોકો અનુભવતા રહેશે. લોકસાહિત્યમાં લખાયું છે :
મળશું મેળે ખેળે
મળશું ગામ ગીયે,
નહિ મળીએ સજણા
જેદી ધરતીઢંક થીયે.
મુળજીભાઇનો નશ્વર દેહ ધરતીઢંક થયો પરંતુ તેમની ખ્યાતિ ચોમેર પ્રસરતી રહેશે તે નિશ્ચિત છે.
ચાંપબાઇમાના ચોરાથી શોભતું જાંબુડા ગામ એ આપણું ઐતિહાસિક ગામ છે. ચારણોને શોભે તેવી એક આખી પરંપરા ત્યાં પાંગરી છે. માત્ર ચારણ સમાજનેજ નહિ પરંતુ ઇતર સમાજને પણ જેમના માટે આદરભાવ છે તેવા અનેક રત્નો જાંબુડાએ સમગ્ર પ્રદેશને આપેલા છે. મુળજીબાપુ પણ જાંબુડાની આ ધરતીનુંજ સંતાન. પાલીયા સાહેબ તરીકે આપણે જેમને ઓળખીએ છીએ તેમના પિતા હરસુરબાપુ આફ્રિકામાં નોકરી કરતા હતા તે વાતનું એક મહત્વનું ઐતિહાસિક અનુસંધાન પણ છે. હરસુરબાપુની પ્રેરણા તેમજ પ્રોત્સાહનના કારણે આપણાં કેટલાક ભાઇઓ જે આફ્રિકા ગયા તેમાં મુળજીબાપુના કુટુમ્બનો પણ સમાવેશ થાય છે. યુગાન્ડાની પ્રતિકૂળ રાજકીય અનિશ્ચિતતાને કારણે અનેક કુટુંબોએ યુ.કે. તરફ પ્રયાણ કર્યું અને ત્યાંજ ઠરીઠામ થયા. અનિશ્ચિતતાના આ કપરા કાળમાં પણ આ વિશ્વ પ્રવાસીઓ સ્વસ્થ રહ્યા અને તેમાંથી પાર પડી વિશેષ પ્રગતિ કરી. વિદેશમાં જઇને કમાણી કરવી તે એક વાત છે પરંતુ ત્યાં ગયા પછી પણ વતનમાં રહેલા ભાંડુઓ તરફ અમીદ્રષ્ટિ રાખવી તે મુળજીભાઇના લોહીમાં પડેલા સંસ્કાર હતા. આથી જ્યાં જેટલી બની શકે તેટલી મહત્તમ મદદ મોકલવાનો એક સંકલ્પ મુળજીભાઇએ દ્રઢ મનોબળ સાથે કર્યો તેને આજીવન વળગી રહ્યા. મદદ કરવાના આ સંકલ્પની શક્તિને કારણે તેઓ જૈફ ઉમ્મરે પણ કાર્યરત રહ્યા. મીઠા સાથે કેટલાક કડવા અનુભવો પણ તેમને થયા હશે. આમછતાં, મનમાં કડવાશનો સહેજ પણ ભાવ લાવ્યા સિવાય તેમણે સૌને આપવાનો યજ્ઞ સતત પ્રજ્વલિત રાખ્યો. આપણાં સૌના લાડીલા વડીલ લખુબાપુ (લખુભાઇ લીલા) ઘણીવાર કહેતા કે જૂનાગઢની કન્યા છાત્રાલયના નિર્માણ તેમજ નિભાવમાં મુળજીભાઇએ હમેશા ઉદારતાયુક્ત વલણ દાખવ્યું છે. આવુંજ વલણ જામનગર – ભાવનગર તેમજ ગુજરાતની આપણી અન્ય સંસ્થાઓ માટે પણ દાખવ્યું છે. પોતાના કે પારકા એવો કોઇ ભેદ આ ગુણીપુરુષે રાખ્યો નથી. પોતાની ચિરવિદાય પહેલા પણ તેમણે દેશમાં આવવાની તૈયારીની વાત કેટલાક લોકો સાથે કરી હતી. આ યાત્રાનો હેતુ પણ સ્વાભાવિક રીતેજ સમાજહીતના કાર્યોમાં આહૂતિ આપવાનો હતો. ટેલીફોન પર પણ જ્યારે જ્યારે તેમની સાથે વાત થતી હતી ત્યારે સમાજની સંસ્થાઓ તરફની તેમની લાગણી હમેશા વ્યક્ત કરતા હતા.
મુળજીભાઇના ભાણેજ લંડન સ્થિત આપણાં પ્રતાપભાઇ જાળફવા તેમજ હસુભાઇ લાંબાએ કહ્યું કે કોઇ ભાગ્યશાળીનેજ મળે તેવું પીડા કે વ્યાધિ રહીત મૃત્યુ મુળજીભાઇને મળ્યું. છેલ્લી ઘડી સુધી કાર્યરત રહ્યા અને ભગવદ્દ ગીતાનો કર્મયોગ જીવનભર આચરીને ગયા. ભગવતી આઇ સોનબાઇમાની અસીમ કૃપાનેકારણે અને આઇમા તરફની તેમની ઊંડી શ્રધ્ધાને કારણે મુળજીબાપુ જીવનની ઝંઝાવાતો સામે પણ અડીખમ રહીને ઉદારતાના ગિરીશિખરનું દર્શન કરાવી ગયા. તેમની સ્મૃતિ તેમના કામો થકી કાયમ રહેશે તે નિશ્ચિત છે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૨૬/૦૭/૨૦૨૧.
Leave a comment