ગાંધીજીના સાનિધ્યમાં જેઓ ઘડાયા અને ગાંધીની વિદાય પછી પણ એકજહ નિષ્ઠાથી ગાંધીને માર્ગે ચાલ્યા હોય તેવા જૂજ નેતાગણમાં સૌરાષ્ટ્રના ઉછરંગરાય ઢેબરનો સામાવેશ થાય છે. વહીવટી બાબતોમાં ગાંધીજીની સાદગી તથા સરદાર સાહેબની દ્રઢતાનો સુભગ સમન્વય ઢેબરભાઇમાં થયેલો જોઇ શકાય છે. ૧૯૦૫ના સપ્ટેમ્બર માસની એકવીસમી તારીખે ઢેબરભાઇનો જન્મ તેમના મોસાળના ગામમાં થયો હતો. જામનગર જિલ્લાનું ગંગાજળા ગામ એ તેમનું જન્મસ્થાન હતું. ઢેબરભાઇના પિતા નવલશંકરભાઇ મહાત્મા ગાંધીના સહાધ્યયી હતા. કિશોર વયના ઢેબરભાઇ યુવાન થયા ત્યાં સુધી મુંબઇ રહ્યા અને કાયદાનો અભ્યાસ કર્યો. હાઇકોર્ટ પ્લીડરની કસોટીમાં પાર ઉતરીને તેઓએ રાજકોટમાં વકીલાત શરૂ કરી. તેઓની છાપ એક બાહોશ તેમજ નિષ્ઠાવાન વકીલ તરીકે હતી. ત્યારબાદ ઢેબરભાઇ ૧૯૪૮ થી ૧૯૫૪ સુધી સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી પદે રહ્યા. ૧૯૫૫માં તેઓ દેશની તે સમયની સૌથી મજબૂત ગણાતી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ થયા. આ રીતે પંડિત નહેરુનો ભાર તેમણે હળવો કર્યો. કોંગ્રેસ પ્રમુખ તરીકેની તેમની પસંદગી સ્વાભાવિક રીતેજ પંડિત જવાહરલાલ નહેરુએ કરી હતી.
તેઓ હમેશા ઢેબરભાઇ નામથીજ જાણીતા બન્યા. ઢેબર એ તેમની અટક હતી. ઢેબરભાઇ ગયા તેને ચાર દાયકાથી વધારે સમય થયો. આજની સ્થિતિમાં તેમનું સ્મરણ કરવાનું કોઇ ખાસ કારણ હોઇ શકે ? આવો પ્રશ્ન કદાચ થાય તો તે અસ્થાને નથી. ઢેબરભાઇની જ્યારે વાત કરીએ છીએ ત્યારે તેમના કેટલાક સ્વભાવગત તથા સહજ ગુણોનું સ્મરણ કરીએ છીએ. જાહેર જીવનમાં કે વ્યક્તિગત જીવનની ઉચ્ચતમ નિષ્ઠામાં આજે પણ ઢેબરભાઇના વિચારો તથા રહેણી કરણીનું સંપૂર્ણ મહત્વ છે. જીવન જીવવાનું અને કાર્ય કરવાનું આ એક એવું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે ગમે તે કાળમાં તે સંદર્ભયુક્ત છે. માર્ગદર્શક તથા પ્રેરક બને તેવું છે. માટે આ ગુણદર્શનનું દરેક કાળમાં મહત્વ છે. ગાંધીજીના જીવનની જેમ ઢેબરભાઇના જીવન પર પણ ટોલ્સટોયના વિચારોની ઊંડી અસર હતી. ઉપરાંત ભગવદ્દ ગીતા એ તેમના પ્રેરણાના સ્ત્રોત સમાન હતી.
તેમના જીવનમાં ૧૯૨૭ થી ૧૯૩૬નો ગાળો એ સફળ વકીલનો રહ્યો. પરંતુ આ વ્યવસાયમાં પણ કેટલાક મૂળભૂત ધોરણો કે સત્ય તેમજ ન્યાયપ્રિયતાના ધોરણો ન જાળવી શકાય તો ઢેબરભાઇને એ ધીકતી કમાણીનો લોભ સહેજ પણ ન હતો. વ્યવહારમાં વકીલાતના ભિન્ન ભિન્ન કેસોમાં અસીલોની અપેક્ષા ગમે તે ભોગે કેસ જીતવાની રહેતી હતી. પરિણામે તેઓ આ કમાણી આપતા વ્યવસાયને છોડવા તૈયાર થયા. ગાંધીના રાજકોટ આગમન સમયે તેમની સાથે મુલાકાત થઇ. બાપુ સો ગરણે ગાળીને પાણી પીવા વાળા ચોક્કસ માણસ હતા. ગાંધીજીને લાગ્યું કે ઢેબરભાઇએ વકીલાત છોડવાનો નિર્ણય ઉતાવળે કરેલો છે. આથી બાપુએ ઢેબરભાઇને વકીલાત છોડવાનું કારણ પૂછ્યું. ઢેબરભાઇએ સ્પષ્ટ શબ્દોમાં વકીલાતના વ્યવસાયમાં પોતાને થતી માનસિક અસુવિધાની વાત બાપુને સમજાવી. ઉપરાંત તેમણે બાપુને કહ્યું કે તેઓ રાજકારણમાં જવાના બદલે ગામડામાં જઇ રચનાત્મક કાર્યો માંગે છે. જો કે ઢેબરભાઇની શક્તિ તેમજ તે સમયની જરૂરિયાતને લક્ષમાં રાખી ગાંધીજીએ તેમને રાજકોટમાંજ રહેવા જણાવ્યું. બાપુનો આદેશ એ ઢેબરભાઇને મન આખરી હતો.તેઓ રાજકોટમાંજ સ્થિર થયા. રાજકોટ એ ખરા અર્થમાં તેમની કર્મભૂમિ સમાન બન્યું. કોઇપણ વ્યવસાય કે જેમાં કમાણીની સારી તક હોય છતાં માત્ર સિધ્ધાંત ખાતર આત્માના અવાજને અનુસરીને તેને તિલાંજલી આપવી તે વાત સાંપ્રત સમયમાં આશ્ચર્ય થાય તેવી છે. કદાચ એ કાળનો માહોલ જૂદો હશે તેમ પણ માની શકાય. મહાત્મા ગાંધીએ ધીકતી કમાણી કરતી વકીલાતનો વ્યવસાય છોડીને આફિક્રામાં આશ્રમ જીવન શરૂ કર્યું. મોરારજીભાઇએ પણ મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીની નોકરી છોડીને સ્વાતંત્ર્યની લડાઇના સૈનિક બન્યા. નજીકના ભૂતકાળમાં જોઇએ તો કિરીટભાઇ જોશી ભારતીય વહીવટી સેવાની ફરજમાંથી રાજીનામું આપીને મહર્ષિ અરવિંદની વ્યવસ્થા તેમજ વિચારસરણીને અનુરૂપ જીવન જીવવાનું નક્કી કર્યું અને તે રીતે સમર્પિત જીવન જીવી ગયા. ઢેબરભાઇ પણ આજ પરંપરાના એક ઉજળા ઉદાહરણ સમાન છે. જીવન જીવવાનો એક અભિગમ નક્કી કર્યા પછી ગમે તે ભોગે તેને વળગી રહેવાની આ વૃત્તિએ જગતને ઉમદા તથા ઉપયોગી માણસોની ભેટ આપી છે. ગાંધીજી તથા સરદારના નેતૃત્વ હેઠળ ૧૯૩૯માં રાજકોટ સત્યાગ્રહ થયો તેમાં પણ ઢેબરભાઇનો મહત્વનો ફાળો હતો. કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)ના રાજકારણની કેટલીક વિશિષ્ટતાઓ હતી જેનો ઊંડો અભ્યાસ ઢેબરભાઇને હતો. આથીજ સૌરાષ્ટ્રના નાના રજવાડાઓને આસપાસના મોટા રજવાડાસાથે ભેળવી દેવાની દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓએ કરેલી વાત ઢેબરભાઇને ગળે ન ઉતરી. તેમણે પોતાના મતની તાર્કીક્તા પૂરવાર કરતા કહ્યું કે દેશી રાજ્યોનું કોન્ફેડરેશન કરવાની જામ સાહેબની યોજના આપણે માન્ય કરી ન હતી તો આ યોજના કેમ કરી શકાય ? દિલ્હીમાં બેઠેલા વી. પી. મેનન અને બીજા સચિવોની વિચારેલી આ યોજના હતી, પરંતુ ઢેબરભાઇના વિચારો સાથે સંમત થઇને સરદાર સાહેબે આ યોજનાનું અમલીકરણ થતું અટકાવ્યું હતું. સમયે કરવટ બદલી. ભાવનગરના ઉમદા વિચારો વાળા રાજવી કૃષ્ણકુમારસિંહજીએ ગાંધીજીના ચરણોમાં પોતાનું રાજ્ય ધરી દીધું. ભાવનગરનું પ્રેરક ઉદાહરણ તેમજ સરદાર સાહેબની દ્રષ્ટિને કારણે દેશી રજવાડાઓ સ્વતંત્ર દેશનો અભિન્ન ભાગ બન્યા. જૂનાગઢ નવાબની બેજવાબદારીને કારણે ઊભી થયેલી સ્થિતિને શામળદાસ ગાંધી તેમજ સૌરાષ્ટ્રના અન્ય અગ્રણીઓ કુશળતાથી સંભાળી શક્યા. આમ અંતે અનેક મણકાઓમાં વિખરાયેલું સૌરાષ્ટ્ર એક સુગ્રથિત માળામાં પરિવર્તીત થયું.
પેઢી દર પેઢીથી જેમના નામની હાક વાગતી હતી તેવા રજવાડા અને રાજવીઓનું સંઘ સરકાર સાથે જોડાણ એ અસામાન્ય ઐતિહાસિક ઘટના છે. પરંતુ આ કાર્ય કાગળ પર સંપન્ન થયા બાદ ખરી કસોટીઓ સામે આવે તે સમજી શકાય તેવી બાબત છે. દેશ આઝાદ થયો ત્યારબાદ આ રાજ્યોનું એકત્રિકરણ કરીને સૌરાષ્ટ્રના પ્રથમ સંયુક્ત રાજ્યની રચના કરવામાં આવી. મહાત્મા ગાંધીની આકસ્મિક વિદાય પછી ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ કાઠિયાવાડના સંયુક્ત રાજ્યનું ગઠન કરવામાં આવ્યું. જામસાહેબ દિગ્વિજયસિંહજી તેના રાજપ્રમુખ (આજના ગવર્નર જેવી જગા) થયા અને ભાવનગરના મહારાજા ઉપરાજપ્રમુખ બન્યા. મુખ્યમંત્રી પદ માટે ત્યારની નેતાગીરીમાં બળવંતરાય મહેતા સૌથી સિનિયર નેતા હતા. પરંતુ તેમણેજ ઢેબરભાઇના મુખ્યમંત્રી પદ માટેદરખાસ્ત કરી અને ઢેબરભાઇ સૌની પસંદગીથી મુખ્યમંત્રી પદે આવ્યા. આજની સ્થિતિના સંદર્ભમાં ભાવનગરના બળવંતરાય મહેતાનું આ વલણ આશ્ચર્યનજક લાગે છે. પરંતુ ગાંધીયુગ તેમજ ગાંધી વિચારની અસરને કારણે પોતાને મળી શકતું સત્તાનું પદ સ્વેચ્છાએ છોડી દેવાની આ વૃત્તિ તે કાળમાં એકથી વધારે કિસ્સાઓમાં જોવા મળી છે. વિધિની એ વક્રતા હતી કે કાઠિયાવાડના પ્રથમ સંયુક્ત રાજ્યના નિર્માણની મહત્વની ક્ષણે આ પ્રદેશ સાથે સતત સંકળાયેલા મહાત્મા ગાંધી ન હતા. ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે બાપુને નવા રાજ્યના ગઠનના પ્રસંગે હાજરી આપવાનું નિમંત્રણ આપવા ઢેબરભાઇ તથા રસીકભાઇ પરીખ ગયા હતા. સંજોગોવશાત બાપુને તે દિવસે પ્રાર્થના પહેલા તેઓ મળી ન શક્યા અને પ્રાર્થનામાં જતાંજ તે સદીના સર્વશ્રેષ્ઠ માનવે જગતમાંથી ચિર વિદાય લીધી. સૌરાષ્ટ્રના આ અગ્રણીઓ દુ:ખ સાથે કહેતા હતા. ‘‘આપણે આપણાં જીવનની સૌથી દુ:ખદ ઘટનાના શાક્ષી થવા રાજકોટથી દિલ્હી આવ્યા.’’ સરદાર સાહેબે કાઠિયાવાડના રાજ્યોના આ ગઠનને ગાંધી તર્પણનું કાર્ય ગણાવ્યું તે સર્વથા ઉચિત વાત હતી. ઢેબરભાઇના નેતૃત્વમાં બળવંતરાય મહેતા, રસિકલાલ પરીખ, નાનાભાઇ ભટ્ટ તેમજ મનુભાઇ શાહ જેવા પ્રતિષ્ઠિત નેતાઓએ નવા રાજ્યના વહીવટની કમાન સંભાળી. અહીં નોંધપાત્ર ઘટના એ જોવા મળે છે કે જાતિ, વર્ગ કે પ્રાદેશિક પ્રતિનિધિત્વનો વિચાર મંત્રીમંડળના ગઠનમાં ઓછો થતો હતો. વ્યક્તિગત ગુણવત્તા તેમજ કાર્યનિષ્ઠાના ધોરણો અગ્રસ્થાને હતા. નેતૃત્વ કરતા હોય તેઓ હમેશા પોતાને ટીમનોજ એક ભાગ સમજીને કાર્ય કરવાની પધ્ધતિ વિકસાવતા હતા.
ઢેબરભાઇના વહીવટની અનેક બાબતો આજે પણ પ્રેરણાદાયક બને તેવી છે. ગાંધીયુગના આ નેતાઓમાં સાદગી એ સહજ હતી. રાજકોટમાં ઢેબરભાઇ મુખ્યમંત્રીને મળી શકતા મોટા બંગલામાં જઇ શક્યા હોત. એ બાબત સ્વાભાવિક તેમજ અપેક્ષિત પણ હતી પરંતુ તેઓએ પોતે જ્યાં રહેતા હતા તે બે રૂમના મકાનમાંજ રહીને કાર્ય કરવાનું પસંદ કર્યું. ઉપરાંત થોડી ખુરસીઓનો ઉમેરો કરીને ઘરમાં જે સાદું ફર્નિચર હતું તેનોજ ઉપયોગ કરીને મુખ્યમંત્રી તરીકેના કાર્યને આગળ ધપાવ્યું. રાજપ્રમુખ જામસાહેબને એકવાર કોઇએ પૂછ્યું હતું : આપ કોઇવાર ઢેબરભાઇને ત્યાં કેમ પધારતા નથી ? હળવી રમૂજ સાથે જામસાહેબે ઉત્તર આપ્યો : ‘‘કેવી રીતે જાઉં ? હું સારી રીતે બેસી શકું તેવી ખુરસી પણ તમને ત્યાં નથી.’’ અલમસ્ત શરીર સંપત્તિ ધરાવતા આ રાજવી વાતચીતમાં હળવા થઇ શકતા હતા.
ઢેબરભાઇ તેમના નાના આવાસમાં રોજ સવારે અસંખ્ય અરજદારોને મળતા અને શાંતિથી તેમને સાંભળતા હતા. નિત્યક્રમમાં લગભગ બે કલાક જેટલો સમય આ કામ માટે તેઓ ફાળવતા. સમગ્ર રાજ્ય વ્યવસ્થા બદલી હતી અને ગોરા હાકેમો કે સર્વસત્તાધિશ રાજવીઓની જગાએ લોક સમહુને પોતાની સરકાર હોવાની પ્રતિતિ થાય તેવી ભૂમિકા ઊભી કરવાનો ઢેબરભાઇનો આ જાગૃત પ્રયાસ હોય તેમ લાગે છે. સલામતીની વ્યવસ્થાઓ આજના સંદર્ભમાં જોઇએ તો નહિવત હતી. પોતાના આગેવાન કોઇ દોર – દમામ કે ખર્ચાળ વ્યવસ્થાઓ સિવાય સહેજે મળે તો સામાન્યમાં સામાન્ય માણસની હિમ્મત પણ ખુલતી હતી અને તેના મનની વાત પ્રગટ થતી હતી. બદલાયેલી રાજ્ય વ્યવસ્થાનો આભાસ માત્ર કાયદાઓ પસાર કરાવીનેજ ન કરી શકાય. શાસક તથા લોક વચ્ચેના સહજ તેમજ નિરંતર સંપર્ક થકીજ સમસ્યાઓના મૂળમાંથી નિવારણનો માર્ગ શોધી શકાય અને લોક સહયોગ પણ મેળવી શકાય તેનું આ એક ઉજળું ઉદાહરણ છે. સાદાઇ તથા બીન ખર્ચાળ વ્યવસ્થા ઊભી કરવી અને ટકાવી રાખવી તે મહત્વની વાત છે. જાહેર નાણાંનો દુર્વ્યય એ સ્વસ્થ રાજ્યની નિશાની નથી. સમય પ્રમાણે વ્યવસ્થા જરૂર બદલી શકાય પરંતુ જાહેર નાણાંમાંથી વ્યય થતી રકમનું જાહેર હિતમાં કેટલું વળતર આપે છે તે વાત નજર બહાર રહેવી જોઇએ નહિ. સૌરાષ્ટ્રની પ્રથમ સરકારનો આ સંદેશ આજે પણ પ્રસ્તુત છે.
જમીન તથા તેની માલિકીની બાબતને લઇને જગતભરમાં અનેક સંઘર્ષ થયા છે જેની શાક્ષી ઇતિહાસ આપે છે. જનીમ માલિકો એ લાંબા સમય સુધી સૌથી વધારે સમૃધ્ધ ગણાતા હતા. જમીન એ વ્યક્તિગત આવકના તેમજ રાજ્યની મહેસૂલી આવકના મુખ્ય સ્ત્રોત સમાન હતું. શહેરીકરણ તેમજ ઔદ્યોગિકરણ થયા પહેલા ખેતીની જમીન તેજ ગુજરાત ચલાવવા માટેનું મહત્વનું સાધન મોટા ભાગના સમાજ માટે હતું. આજે પણ જી.ડી.પી.નો મહત્વનો ભાગ ખેતીમાંથી આવે છે પરંતુ ઔદ્યોગિક રોજગારી તેમજ સર્વીસ સેકટરની આવકનો હિસ્સો ક્રમશ: વધ્યો છે. જમીનની માલિકી મુખ્યત્વે શાસકો પાસે હતી. તેમના ભાયાતો વચ્ચે ઉત્તરોત્તર વહેંચાતી હતી. ખેતી કરનાર અને પોતાનો લોહી-પસીનો રેડનાર ખેડૂત એ માત્ર ગણોતીયો કે જમીન પર કામ કરનાર મજૂર હતો. તેની મહેનત પર જમીનદારો તાગડધીન્ના કરતા હતા. દેશ આઝાદ થયો ત્યારબાદ પણ આ સ્થિતિમાં કોઇ ઝડપી તથા પરિણામલક્ષી ઉપાયો ન થયા. આથી આઝાદ દેશમાં પણ ધરતીનો તાત ખેડૂત તેમજ ખેતમજૂર ઠેરના ઠેર રહ્યા. જમીન બીલકુલ ન હોય તેવાની સ્થિતિ તો વધારે ગંભીર બની. આ વાત સ્વતંત્ર દેશમાં વિનોબાજીની ગાંધી દ્રષ્ટિમાં આવી. અસામનતામાં જીવતા સમાજમાં વર્ગવિગ્રહ થવાની શક્યતા વિનોબાજીને સમજાઇ અને તેલંગણાના પોચમપલ્લી ગામથી ભૂદાન આંદોલનનો ઐતિહાસિક પ્રારંભ થયો. સરકાર પર આધાર રાખવાને બદલે વિનોબાજીએ માનવહ્રદયમાં પડેલી ભલાઇને ચેતનવંતી કરી ભૂદાન આંદોલનની અહાલેક જગાવી જેના ચમત્કારિક પરિણામો જગતે જોયા અને ઇતિહાસમાં નોંધાયા. સૌરાષ્ટ્રમાં ખેતીની લગભગ મોટા ભાગની જમીનો પર રાજવીઓ – ભાયાતો તેમજ ગિરાસદારોની માલિકી હતી. ઢેબરભાઇ તથા રસિકલાલ પરીખની નજરમાં આ સ્થિતિ હતીજ. આ ઐતિહાસિક વિસંગતતા દૂર કરવા માટેના વિચારો સૌરાષ્ટ્ર સરકારે કર્યા. આ કામ પણ આવેશ કે ઉતાવળથી કરવાના બદલે સૌરાષ્ટ્ર સરકારે પધ્ધતિસરનો અભ્યાસ કરીને કર્યું. એક અનુભવી તેમજ નિષ્ઠાવાન નિવૃત્ત અધિકારી જનાર્દન માદનના અધ્યક્ષસ્થાને રીફોર્મ્સ કમિશનની રચના કરી. તલસ્પર્શી અભ્યાસના અંતે આ કમિશને ન્યાયી કહેવાય તેવો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો. સરકારના ચીફ સેક્રેટરી બી. આર. પટેલ તેમજ પાનાચંદ મહેતા જેવા દ્રષ્ટિવાન અધિકારીઓ પૂર્ણ નિષ્ઠાથી સરકારના આ કામમાં જોડાયા તેમજ અનેક વહીવટી ગુંચો ઉકેલી. મનુભાઇ શાહ – વૈકુંઠભાઇ મહેતા તથા પ્રોફેસર કર્વે જેવા નાણાંકીય બાબતોના જાણકાર લોકોએ પણ આયોજન પૂર્ણ કરવામાં મહતવનો ભાગ ભજવ્યો. ઢેબરભાઇની સરકારે ‘ખેડે તેની જમીન’ નું સૂત્ર વહેતું કર્યું અને જાગૃતિની મશાલ પ્રગટાવી. હિતેન્દ્ર દેસાઇના પિતા કનૈયાલાલ દેસાઇનું પણ માર્ગદર્શન મળ્યું. ૧૯૪૯ તેમજ ૧૯૫૧માં જમીનદારીની નાબુદીને કાયદાઓ પસાર થયા. અહિંસક ક્રાંતિના આ યજ્ઞમાં કેટલાક હિત ધરાવતા તત્વોએ હિંસા પણ આદરવાના સક્રિય પ્રયાસો કર્યા પરંતુ ઢેબરભાઇની સરકારે રાજકીય કુનેહથી તેમજ દ્રઢતાથી તેનો ઉકેલ કર્યો. ઉકેલની આ સમગ્ર પ્રક્રિયા દેખાય તેટલી સરળ ન હતી. દેશી રજવાડાઓ સાથે વાટાઘાટોના માધ્યમથી કામ પાર પાડવાની ઢેબરભાઇની વિચક્ષણતાનું તેમાં દર્શન થાય છે. સંપત્તિની આ ન્યાયી વહેંચણી ન થઇ હોત તો દેશના અનેક ભાગોમાં થયું છે તેમ નકસલવાદ જેવા હિંસાત્મક સંઘર્ષ સૌરાષ્ટ્રમાં પણ થયા હોત તે વાતમાં તથ્ય છે. ખેતીની જમીનમાં પેઢી દર પેઢીથી પોતાનું લોહી રેડનાર ગણોતીયો જમીન માલિક બન્યો. Un to this Last ની ચિંતા આ સરકારે કરી અને તે માટે ઠોસ પગલા ભર્યા. આ સાથેજ ધ્રુણાત્મક કહી શકાય તેવી વેઠપ્રથા પણ નાબુદ કરી.
દેવેન્દ્રભાઇ દેસાઇ, જયરામભાઇ પટેલ તેમજ વી. આર. મહેતાના આપણે ઋણી છીએ કે તેમણે ઢેબરભાઇના જીવન તેમજ કાર્યો – ગ્રંથસ્થ કરી – કરાવીને આ વાતો જીવંત રાખી છે. ઢેબરભાઇનું દ્રષ્ટિ બિંદુ તેમજ વહીવટી સૂઝ તરફ કાળજીથી દ્રષ્ટિપાત કરીએ તો આજે પણ વહીવટમાં કે રાજકીય જીવનમાં કાર્ય કરતા લોકોને માર્ગદર્શન મળી શકે તેમ છે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૧૯/૦૭/૨૦૨૧.
Leave a comment