વિનોબાજીનું સ્મરણ કરવું તે કોઇપણ કાળમાં સાંપ્રત છે. ગાંધીજીના જીવનની જેમ બાબાના જીવન તથા તેમની અખંડ વિચારયાત્રામાંથી આજની આપણી અનેક કઠીન સમસ્યાઓના ઉકેલ માટેની દિશા મળી શકે તેમ છે. તેઓ આ ધરતી પર ૧૮૯૫માં અવતર્યા. આથી હમણાંજ (૧૯૨૦માં) તેમના જન્મની સવા શતાબ્દી સંપન્ન થઇ. આપણે વ્યક્તિગત રીતે કે સામુહિક રીતે બાબા (વિનોબાજી માટે માનથી ઉપયોગમાં લેવાતો શબ્દ)ને કેટલા યાદ કર્યા તેનો વિચાર કરવો અસ્થાને નથી. ગાંધીજી કે વિનોબાજીની વિસ્મૃતિ એ આપણીજ સામુહિક ખોટ છે. એ ખોટ અન્ય કોઇ રીતે ભરપાઇ થઇ શકે તેવી નથી. ઋગવેદની એક સુંદર પંક્તિ રમેશભાઇ સંઘવી (ભૂજ)એ બાબાને યાદ કરતાં ટાંકી છે. જે થોડામાં ઘણું કહી જાય તેવી સચોટ છે.
‘‘ એતાવાનસ્ય મહિમા, અ તો જયાયાંશ્ચ પુરુષ: ’’
એટલો તો એના કામનો મહિમા છે પરંતુ એ પુરુષ તો એના કરતાયે મોટો છે. ગાંધી કે વિનોબાના કામનો મહિમા કરીએ તો પણ તેમનું સાંગોપાંગ દર્શન તેમાંથી મળવું મુશ્કેલ છે. આ મહાપુરુષો તો તેમના કામના મહિમાના બંધનમાં પણ ક્યા બાંધી શકાય તેવા છે ? ‘‘બાથમાં ન આવે’’ તેવા આ જીવન છે. ગીતા, ગાંધી, ગરીબ, ગામડું અને ગાય એ બાબાના જીવનમાં ભરપૂર રીતે છવાયેલા રહ્યા. ઉપરાંત સર્વધર્મ મમભાવનું મંગળ ગાન બાબાના નિત્ય જીવનમાંથી સતત પ્રગટતું તથા પમરતું રહ્યું. લોકારણ્યની બરાબર મધ્યમાં એકાંત સેવતા વિનોબાજીએ અનેક ગાંધી વિચારોને વાસ્તવિક જીવનમાં પ્રગટ કરી બતાવ્યા. ગાંધી એક સંભવ કરી શકાય, ઠોસ કાર્યમાં ઉતારી શકાય તેવું જીવન તથા દર્શન છે એ વાત વિનોબાજી સિવાય કોણ કરી શક્યું હોત ? બાબાજ તમામ અર્થમાં બાપુના વૈચારીક વારસ હતા. ગાંધી વિચારની જ્યોત ગાંધીજીના ગયા પછી પણ અડધી સદીથી વધારે સમય માટે તેમણે પ્રગટાવી તથા પ્રસરાવી હતી. આઝાદ થયેલા આપણા દેશની અનેક સમસ્યાઓને મૂળમાંથી ઉખેડવા માટે ગાંધી વિચારની પ્રસ્તુતિનું તેમણે નજરોનજર જોઇ શકાય તેવા કાર્યો થકી પ્રમાણ આપ્યું હતું. કોઇ નિરાળી દુનિયાનો આ અવધૂત યાત્રી પોતાના કર્મયજ્ઞ, જ્ઞાનયજ્ઞ તેમજ વાકયજ્ઞથી આપણને સૌને ધન્ય કરીને ગયો. સમાજજીવનને સતાવતા કે પડકારતા મૂળભૂત પ્રશ્નો માટે રાજકારણમાં જઇને કોઇ પ્રયાસ કરવાના બદલે સર્વોચ્ચ સત્તા સમાન લોકસમુહ સાથે રહીને કાર્યો અસ્ખલિત રીતે કરતા રહેવાનો જીવનમંત્ર તેમણે સતત ધારણ કર્યો. ગાંધીજીના ગયા પછી વિનોબાજી જેવું તથા જેટલું લોકહીતનું કાર્ય તેમજ શિવત્વનો સંદેશ કોઇ આપી શક્યું નથી. એ વાત પણ એટલીજ મહત્વની છે કે વિનોબાજીની ઉજ્વળ વિચારજ્યોતમાંથીજ જયપ્રકાશ નારાયણ, દાદા ધર્માધિકારી કે આપણાં રવિશંકર મહારાજ જેવી અનેક ચીનગારીઓ સ્વતંત્ર હિન્દુસ્તાનના પ્રગટતી લોકોએ જોઇ છે તેમજ તેમને અનુસર્યા છે. બાબા કહેતા : ‘હું સુપ્રીમ સિમેટીંગ ફેક્ટર છું’ કારણ કે હું કોઇ પક્ષમાં નથી. સતત બદલાતા રહેવાની તેમજ નિરંતર વહેતા રહેવાની વિનોબાવૃત્તિ જગતમાં જ્વલ્લે જોવા મળે તેવી ઘટના છે.
૧૮૯૫ની ૧૧મી સપ્ટેમ્બરે વિનોબાજીનો જન્મ થયો. કોંકણ પ્રદેશના રાયગઢ જિલ્લામાં ગાગોદા નામના ગામમાં તેઓનું અવતરણ થયું. આ તો એક માહિતી થઇ પરંતુ તુકારામ કહેતા તેમ બાબાનું નિવાસસ્થાન તો ‘ભૂવનત્રયી’ ત્રણે ભૂવનમાં હતું. માતા રૂકમિણીદેવીના સંસ્કારે તેમનું બાળપણ મહોર્યું. માતાને નિત્ય સાંગોપાંગ પૂજા પછી પરમાત્મા સાથે આંખમાં અશ્રુધારા સાથે સંવાદ કરતી જોઇને બાળમનમાં કોઇ અનંત તત્વ સાથેનું અનુસંધાન થયું અને સ્વાધ્યાયના બળે તે આજીવન ટકી રહ્યું. માતાને નિત્ય પ્રભાતે ઘંટી પર બેસી મીઠી હલકથી અભંગ કે ભજન ગાતી જોઇને બાળ વિનોબાના મનમાં સંતોની વાણીનું ઊંડું સંસ્કાર સિંચન થયું. માતાના આ સંસ્કારના માધ્યમથી તુકારામ – જ્ઞાનદેવ તથા શંકરાચાર્યની વાણી સુધી બાબા પહોંચ્યા, તેને પામ્યા અને તેનો સુમધુર અર્ક આપણાં સુધી પહોંચાડ્યો. સંત – આચાર્ય તેમજ ઋષિ વિનોબાએ આજીવન પોતાના ધ્યેયપૂર્ણ કર્મયોગથી માનવીય ગરીમાને અનોખુંબળ તથા તેજ પ્રદાન કર્યા. માતા પોતાના પુત્રનું સહજ ઘડતર કરવામાં કેવા સ્વાભાવિક પ્રયોગો કરે છે તે રૂકમિણીબાઇ તથા વિનોબાના કેટલાક સંવાદમાં પ્રગટ થાય છે. બાબાએ લખ્યું છે કે તેમના ઘરના ફળિયામાં એક ફણસનું ઝાડ હતું. જ્યારે સીઝનમાં પહેલું ફણસ ઝાડ પર ઉગે ત્યારે તેના ટૂકડા કરી નાના એવા ગામના દરેક ઘરે પહોંચાડવા માટે બાળક વિનોબાને માતા મોકલી આપે. આમ કરવા પાછળનું કારણ સમજાવતા માતા કહે : ‘જે બીજાને દે તેજ દેવ’ બાળવયે વિનોબાને આ અમૃત ફળ સમાન વિચાર મા પાસેથી મળ્યો. જે અમૃત તેમણે જગતના ચરણે ધરી દીધું. ખવડાવીને ખાવાનો આ સંસ્કાર કદાચ પહેલી નજરે સરળ લાગે પરંતુ જગતના આજના અનેક પ્રશ્નોનો અસરકારક ઉકેલ આ સહેલા દેખાતા વિચારબીજમાં પડેલો છે. ફળનો એકાદ ભાગ બીજાઓને વહેંચી શકાય. તેજ રીતે માણસ પોતાના હીસ્સાની જમીનમાંથી માત્ર છઠ્ઠો ભાગ આસપાસમાંજ રહેતા જમીન વિહોણાને કેમ ન આપી શકે ? ભૂદાનના આ ક્રાંતિકારી વિચારનું બીજ પુત્રમાં રોપી દેવામાં માતાનો આ વ્યવહાર કારણભૂત બન્યો હોય તેમ માનવાને ચોક્કસ કારણ છે. ઉપદેશથી નહિ પરંતુ વ્યવહારથીજ આવા સંસ્કારની વૃધ્ધિ થઇ શકે છે. આજના સંદર્ભમાં વિચાર કરીએ તો દુનિયાના અનેક લોકોની દારુણ સ્થિતિ સામે નાની સંખ્યાના અમુક લોકો નિરંતર સમૃધ્ધ થતા જાય છે. નજરે નિહાળી શકાય તેવી આ વરવી વાસ્તવિક્તાને કોઇ આધારપુરાવાની જરૂર નથી. છતાં પણ અનેક અભ્યાસ કે સંશોધનના તારણો આવી આર્થિક અસમાનતાને આંકડાના બળે સમજાવે છે. આવી અસમાનતાને સ્થાને ટૂકડામાંથી ટૂકડો આપવાનો વિચાર સંતોની વાણીમાંથી પ્રગટ થયો. ગાંધીજી તથા વિનોબાજીએ તેને તાર્કીક રીતે સમજાવ્યો. અનેક ઉદાહરણોથી તેની પુષ્ટિ કરી. ભૂખ્યા જનોની પીડામાંથી પેદા થતો કોઇ નકસલવાદ કે સમાજને આંચકો આપે તેવા હિંસાના કૃત્યો જો નિયંત્રણમાં લાવવા હશે તો ગાંધી તથા વિનોબાના આ વિચાર તરફ વળ્યા સિવાય કોઇ બીજો ઉપાય આજે પણ દેખાતો નથી. કાયદાની ઉપયોગિતા છેજ પરંતુ તેના બળે આસમસ્યા સર્વગ્રાહી રીતે ઉકેલી શકાય તેવી નથી તેમ કહેવાની ભાગ્યેજ જરૂર છે. વિનોબા ૧૯૫૧ના એપ્રિલ માસમાં આંધ્રના તેલંગાણા પ્રદેશના પોચમપલ્લી ગામમાં ગયા. સામ્યવાદી વિચારણસરણીનો પ્રભાવ આ ગામ પર હતો. ગામમાં કુલ વસતીના મોટાભાગના લોકો જમીન વિહોણા હતા. જે લોકો પાસે જમીનની માલિકી હતી તેમની પાસે મોટા પ્રમાણમાં ખેતીની જમીનનો જથ્થો હતો. આ ઊડીને આંખે વળગે એવી અસમાનતામાંથીજ દ્વેષભાવ તથા વેરભાવ થવાની સંભાવના રહે છે. ગામમાં આથી નાના-મોટા સંઘર્ષ પણ થતા રહેતા હતા. પોલીસ બંદોબસ્તના સહારે સરકારના કાયદો – વ્યવસ્થા જાળવવાના ઉપાયો કારગત નીવડતા ન હતા. આવા ગામમાં બાબાની સભામાં એક ભૂમિવિહોણાએ પોતાનું ગુજરાત ચાલી શકે તેટલી ખેતીની જમીન અપાવવા આગ્રહભરી વિનંતી કરી. વિનોબાજીએ સરકારમાંરજૂઆત આપીને કંઇક કરવાનો વિચાર પ્રથમ તો કર્યો. લોકશાહી વ્યવસ્થાની સરકારમાં આમ કરવું તે સ્વાભાવિક પણ ગણાય. પરંતુ સરકારી રાહે આ કામનો નિકાલ ક્યારે થાય તેની તેમને ખાતરી ન હતી. વિનોબાજીએ સહેજે ગામના જમીનદાર લોકો તરફ દ્રષ્ટિ કરીને પૂછ્યું : તમારામાંથી કોઇ આ ભૂમિવિહોણા ભાંડુને ગુજરાન ચલાવવા માટે જમીનનો ટૂકડો આપી શકાશે ?’’ જાણે કે એક ચમત્કાર થયો. ગામના એક જમીનદાર નામે રામચન્દ્ર રેડ્ડીએ પોતાની ૧૦૦ એકર જમીન આપવા સ્વેચ્છાએ તૈયારી બતાવી. સભા સ્તબ્ધ થઇ ગઇ. રામચન્દ્રમાં સૂતેલો રામ જાગ્યો હશે તેમ જરૂર કહી શકાય. ભૂદાનની ગંગોત્રીનું પ્રથમ અને પાવન દર્શન બાબાને અહીંથીજ થયું. બાબાને તે રાત્રે ઊંઘ ન આવી. સમગ્ર દેશના ભૂમિહીનોને ગુજરાન ચાલે તેટલી જમીન આ સમજાવટની પધ્ધતિથીજ ન મળી શકે ? ઇશ્વર ઉપરાંત ગણિત અને વિજ્ઞાન પર આધાર રાખીને ધારણા બાંધતા ઋષિ વિનોબાનો ભૂદાન મેળવવાનો સંકલ્પ દ્રઢ થયો. કામ આગળ ધપાવવાનો ઇશ્વરી સંકેત તેમણે સાંભળ્યો અને ભૂદાન યજ્ઞનો આરંભ થયો. અર્થશાસ્ત્રીઓ કે સત્તાધિશો માટે જે ગણતરી તેમજ પધ્ધતિ અજાણી કે કદાચ અસ્વીકાર્ય હતી તે વિનોબાજીએ પ્રભુકપાથી અને ગાંધીના પારસમણી સ્પર્શથી અપનાવી તથા ભૂદાનની સફળતાનો ઠોસ ઇતિહાસ એ વાસ્તવિક બન્યો. કર્મયોગી વિનોબાએ કર્મયજ્ઞના બળે તેને સાર્થક કર્યો. એક અભૂતપૂર્વ ઇતિહાસનું સર્જન થયું. કરુણાના કહેણ અને સ્નેહના ભાવથી આરંભાયેલો આ યજ્ઞ પ્રજ્વલિત કરવામાં ઉત્તમ માનવીય તત્વોને કારણે ચેતના પ્રગટી હતી. એમ જૂઓ તો કોણ માનવા તૈયાર હતું કે અહિંસાના બળે આઝાદી મળી શકે ? પરંતુ ગાંધી નામના સૂર્યના તેજ તથા કર્મ પ્રધાન પ્રયાસોથી જગતને એક નવા ઇતિહાસનું પ્રત્યક્ષ દર્શન થયું. વિનોબાજીના ભૂદાનયજ્ઞમાં પણ આજ બાબતનું પુનરાવર્તન થયું. ભૂદાન યજ્ઞનો પ્રારંભ થયો ત્યારે દેશ આઝાદ હતો. આપણીજ સરકારો કેન્દ્રમાં અને રાજ્યોમાં સત્તાસ્થાને હતી. વિનોબાજીનો વ્યક્તિગત પ્રભાવ પણ શાસનકર્તાઓ પર હોય તે સ્વાભાવિક છે. છતાં પણ બાબાએ રાજ દરબારમાં જવાના બદલે લોક દરબારમાં જવાનું ગણતરીપૂર્વક પસંદ કર્યું. સંઘર્ષ કે સત્તાના બળની જગાએ માનવમાં પડેલા આતમરામને જગાડવાનો આ અદ્વિતીય પ્રયાસ હતો. આપનાર તથા ગ્રહણ કરનાર બન્નેની ગરીમા વધતી હતી. કડવાશનો રંજ માત્ર અનુભવ એકે પક્ષમાં રહેતો ન હતો. લોકમાનસમાં પરિવર્તન લાવવાનો આ યજ્ઞ હતો. લોકવિચારનું પરિવર્તન એ મહદ્દ અંશે સ્થાયી તેમજ દીર્ઘ હોય છે તે વાત આ વ્યવહારુ આચાર્ય સંપૂર્ણપણે સમજી શક્યા હતા. સમાજમાં HAVES અને HAVESNOT તો મોટો તફાવત હોય તો એ સ્વસ્થ સમાજની નિશાની નથી. આજની આપણી ઘણી બધી અશાંતિના મૂળમાં આવી બે વર્ગ વચ્ચેથી આર્થિક ખાઇ મોટાભાગે જવાબદાર છે. આચાર્ય વિનોબાની લગભગ સાત દાયકા પહેલાની સમજ તથા પ્રતિતિ આજે પણ એટલીજ સંદર્ભયુક્ત છે. આથી ગાંધી – વિનોબાના વિચારો એ શાશ્વત વિચારો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.
સંતોના વચન તથા શાસ્ત્રોના અધ્યયનને કારણે ઋષિ વિનોબામાં સર્વ પ્રકારે વાણી – વિવેક તેમજ વિચાર વિવિકેનું સર્વાંગી દર્શન થાય છે. તુલસીદાસજી લખે કે ‘કવિ ન ર્હું મૈં, ન ચતુર કહાઉ, મતિ અનુરૂપ રામ ગુન ગાઉં ! આ વિવેક તુલસીનો છે. વિનોબાજીએ ગાંધીજીની એકાદશ વ્રત પર ‘મંગળ પ્રભાત’ નામે પુસ્તિકા લખી છે. વિનોબાજીને ગાંધીબાપુના એકાદશી વ્રતનો ભારે મહિમા છે. મરાઠીમાં લખાયેલી આ કૃતિના પ્રારંભેજ જાણે તુલસીદાસની વાણી બોલતા હોય તેમ બાબા લખે છે :
પ્રેરણા પરમાત્માચી, મહાત્માચી પ્રસન્નતા,
વાણી સંતકૃપેચી, વિન્યાચી કૃતિશૂન્યતા.
બાબાનું પોતાનું કંઇ જ નહિ. બધો યશ સંતો – ગાંધી તથા પરમાત્માને અર્પણ કરવાનો આ ભાવ અનન્ય છે. માનવ હ્રદયમાં ધરબાઇને પડેલી ભલાઇમાં તેમનો સંપૂર્ણ વિશ્વાસ છે. આથીજ તેઓ હમેશા કહેતા કે તેમની જિંદગીનું મુખ્ય કામ એ માનવમાત્રના દિલોને જોડવાનું છે. જમનાલાલ બજાજની ઇચ્છા તેમજ આગ્રહને કારણે બાપુએ વિનોબાને વર્ધા મોકલ્યા. ૧૯૨૧માં વર્ધા આશ્રમનો શુભ પ્રારંભ થયો. અનેકવિધ પ્રયોગો થકી તેમજ વિનોબાની હાજરીથી વર્ધા આશ્રમ દેશમાં ચર્ચાનો વિષય બન્યો. સમગ્ર દેશમાં એ બાબતમાં ઉત્સુક્તા હતી કે બાપુ વ્યક્તિગત સત્યાગ્રહમાં સૌથી પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કરશે. વિનોબાજીના પૂર્ણ વ્યક્તિત્વનો તેમજ તેમની સાધનાનો આદર કરતા મહાત્માએ ૧૯૪૦માં વિનોબાને પ્રથમ સત્યાગ્રહી તરીકે જાહેર કર્યા. બાબાની આ પસંદગીમાં મહાત્માના વિવેક તથા દ્રષ્ટિના દર્શન થાય છે.
વિનોબાજી અંતે તો એક મુમુક્ષુ સાધક હતા. ‘ગીતાઇ’ તથા ‘ગીતા પ્રવચનો’ નું પુસ્તક વાંચતા તેમની આ સરળ તેમજ સુપાચ્ય વિદ્વતાના દર્શન થાય છે. ‘ચરૈવેતિ ચરૈવેતિ’ નો નિરંતર મંત્ર તેમના જીવનમાં સાર્થક થયો છે. બાબા ગીતા, જપુજી, કુરાન તથા બાઇબલના આકંઠ અભ્યાસુ હતા. દરેકમાં ઇશ્વરી અંશનું તેમને દર્શન થયું હતું. ‘હું પુસ્તકને નહિ, ઇશ્વરને જ પકડું છું’ વિનોબાના આ નાના વિધાનમાં તેમની સાર ગ્રહણ કરવાની વૃત્તિનું દર્શન થાય છે. જ્ઞાન તથા કર્મનું તેમણે ઉચિત સંતુલન કર્યું. શિક્ષણમાં તથા જીવનમાં પણ કર્મ કે પરિશ્રમનો મહિમા તેમણે બુલંદ સ્વરે ગાયો. ગાંધીજીએ દીનબંધુ એન્ડ્રુઝને લખ્યું હતું : ‘વિનોબા એ આશ્રમનું દુર્લભ રત્નછે. તેઓ લેવા નહિ પરંતુ આપવા આવ્યા છે.’ ઝવેરાતના પારખુ ગાંધીજીનું આ મૂલ્યાંકન વિનોબાની મહત્તાનું ઉચિત સન્માન કરે છે. સંત વિનોબાએ કદી દોશ દર્શન કર્યુંજ નહિ. પોતાની ટીકા થાય તેવા પ્રસંગોએ પણ બાબા સ્વસ્થ અને સમતોલ રહ્યા. દોશ દર્શન એ ભીંત છે અને ગુણદર્શન બારણું છે તે ઉક્તિ તેઓ જીવી ગયા.
ભારત સરકારે ખૂબજ ઉચિત નિર્ણય કરીને ૧૯૮3માં તેમને મરણોત્તર ‘ભારત રત્ન’નો ખિતાબ આપ્યો. જોકે કોઇ બાહ્ય લટકણીયાના આ સંત મહોતાજ ન હતા. હા, ભારત રત્ન ખિતાબની શોભા બાબાના નામ સાથે જોડાવાથી જરૂર વધી હશે.
‘‘વિનોબા નિષ્ફળ ગયા તેમ તમને લાગે છે ? તેમની સાથે રહીને તમે પણ આ નિષ્ફળતાનો ભાગ બન્યા હો તેવી કોઇ લાગણી થાય છે ?’’ દાદા ધર્માધિકારીને કોઇએ પૂછ્યું. દાદાનો ઉત્તર સાંભળવા જેવો છે. ‘‘અન્ય લોકો સાથે રહીને સફળ થવા કરતા વિનોબા સાથે રહીને નિષ્ફળ થવામાં પણ સાર્થક્તા છે.’’ એમ જૂઓ તો જીસસ, બુધ્ધ કે ગાંધી પણ સ્થાયી સ્વરૂપે સમાજ પરિવર્તનમાં ક્યાં સફળ થયા છે ? પરંતુ આ બધા લોકોના કર્મ તથા ઉપદેશ થકી માનવજીવનના સંભવિત ઉત્તમ ગુરુશિખરનું દર્શન થયું છે. વિનોબાજીનું જીવન તથા તેમના વિચારો કાળના આકરા પ્રવાહમાં ઝાંખા પાંખા થાય તેવા નથી.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૧૫/૦૭/૨૦૨૧.
Leave a comment