કેટલાક લોકોમાં વહીવટની શક્તિ જન્મજાત હોય છે. તેવા લોકોને આપણે GIFTED કહી શકીએ. વહીવટમાં સૂઝ ધરાવવાની બાબતમાં શિવદાનભાઇ આવા ગુણીયલ અધિકારી હતા. એક સારા વહીવટકર્તામાં સમજવાની અને સમજાવવાની એમ બન્ને કળા હોવી જરૂરી છે. આ ઉપરાંત ઉદારતા અને સાથી કર્મચારીઓ સાથે સુમેળભર્યા સંબંધો એ તો વહીવટમાં સફળતાના મૂળભૂત ગુણો છે. સરકારી સેવાના મારા વર્ષોના અનુભવમાં આવા બીજા કેટલાક દાખલાઓ પણ જોયા છે તે મહાનુભાવોની પણ અત્યારે સ્મૃતિ થાય છે. વર્ષો પહેલા જ્યારે સહકાર વિભાગમાં કામ કરવાની તક મને મળી ત્યારે એક વાતનું સુખદ આશ્ચર્ય થયું. સહકાર વિભાગમાંજ વર્ષો પહેલા કામ કરતા હતા અને નિવૃત્ત થયા હતા તેવા કે. ડી. ઉધાસ (કાનજીભાઇ ઉધાસ) સાહેબને પ્રસંગોપાત નાના મોટા કર્મચારીઓ ખૂબ આદરપૂર્વક યાદ કરતા હતા. ઉધાસ સાહેબની કામ કરવાની તેમજ કામ લેવાની શક્તિ એમ બન્ને બાબતના જીવંત દાખલા કર્મચારીઓ ઘણીવાર સંભળાવતા રહેતા હતા. કાનજીભાઇના નાનાભાઇ બચુભાઇ ઉધાસ (બી. ડી. ઉધાસ) ત્યારે સહકાર વિભાગમાંજ કામ કરતા હતા અને તેમની છાપ પણ એક સૌજન્યશીલ અધિકારી તરીકેની હતી તે મને સ્પષ્ટ યાદ છે. કે. ડી. ઉધાસ સાહેબ માટે એક વાત વારંવાર સાંભળવા મળતી. અનેક કર્મચારીઓ ઉધાસ સાહેબ માટે કહેતા : ‘‘(કે. ડી. ઉધાસ) સાહેબ પાસે ગમે તે પ્રશ્ન લઇને જઇએ તો સાહેબ તેનો નિકાલ સત્વરે તથા સહજ રીતે કરી આપતા… ઉપરાંત સાહેબના સ્વરમાં હમેશા સ્નેહનો રણકાર સાંભળવા મળતો.’’ આ બન્ને બાબત નાની કે સામાન્ય નથી. મીઠા શબ્દોમાં સાચી દિશાની સમજાવટ કરવાની શક્તિ એ સફળ વહીવટકર્તાની પાયાની આવડત છે. કુદરતને પણ જીભ ઉપર મીઠાશ રહે તેજ પસંદ હશે તેમ એક શાયરે સરસ – સરળ શબ્દોમાં સમજાવ્યું છે : શાયર લખે છે :
‘ કુદરતકો ના પસંદથી
સખ્તી જૂબાન મેં,
પૈદા હુઇ ન ઇસલીયે
હડ્ડી જૂબાનમેં ’
ડાડા મેકણ કહેતા :
‘ જીઓ તો ઝેર મ થીયો,
સક્કર થીઓ સેણ,
મરી વેંધા માડુઆ,
રોંધા ભલેં જા વેણ.’
આવા આપણા સરળ તથા સુવાચ્ય શબ્દોમાં સાચી વાત સમજાવવાની શક્તિ ધરાવતા અધિકારીઓમાં ઉધાસ સાહેબ ઉપરાંત પ્રવિણભાઇ પથાભાઇ બોક્ષાને પણ એક સફળ વહીવટી અધિકારી તરીકે જોવાની તક મને મળી છે. આ દિશામાંજ પોતાના ગુણને આધારે ચાલનારાઓમાં શિવદાનભાઇ ઝૂલાનું નામ હમેશા સ્મરણમાંરહેશે તેમજ તેમના જીવનમાંથી શીખવાનું પણ મળતું રહેશે.
વહીવટ અને તેમાં પણ જાહેર વહીવટ એ કળા તેમજ વિજ્ઞાન બન્ને છે. કળા એટલા માટે કે તેમાં સર્જનાત્મક તથા ભાવનાત્મક પાસાઓને ઉમેરવાનો અવકાશ છે. વિજ્ઞાન એ અર્થમાં કે આ પ્રકારનો વહીવટ કેટલાક પૂર્વાનુમાનો, ધારણઓ તથા સ્થાપીત નિયમો તેમજ પ્રણાલીકાઓને કેન્દ્રમાં રાખીને થવો જોઇએ. ઘણાં અંગ્રેજી તેમજ કેટલાક ગુજરાતી વહીવટકર્તાઓએ વહીવટના આવા પાસાઓ તેમજ અનુભવોનું સુરેખ દસ્તાવેજીકરણ કરેલું છે. આથીજ આ પ્રકારના માપદંડ તેમજ વાસ્તવિક ઉદાહરણો ધ્યાનમાં લેતાં શિવદાનજીના વહીવટી કાર્યમાં વ્યક્તિગત કૌશલ્ય કે સર્જનાત્મક્તા જોઇ શકાય છે. અમદાવાદ જિલ્લાના તેમના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકેના વહીવટી સમય દરમિયાન તે સમયના બૃહદ ધંધુકા તાલુકાના એક ગામમાં ગરીબો – વંચિતો માટેની મફત ઘરથાળના ગાળા (PLOTS) માટેની યોજનાના અમલીકરણ બાબતમાં તેઓ વાત કરતા હતા તે સ્મૃતિમાં છે. સ્વાભાવિક રીતેજ આ ગામના કહેવાતા સુખી – સંપન્ન વર્ગના કેટલાક કુટુંબો આવી કાર્યવાહી ન થાય તેમ કોઇ ને કોઇ વ્યક્તિગત કારણોસર ઇચ્છતા હતા. ગરીબવર્ગના લોકોને રહેવા અધિકૃત જગા પર મકાન નહિ હોવાથી રહેણાંકના પ્લોટની જમીન તેમને ફાળવી આપવામાં આવે તેવી માંગણી હતી. શિવદાનભાઇ પહેલાના અધિકારીઓ ગામના આવા વિવાદાસ્પદ વાતાવરણને કારણે નિર્ણય કરી શક્યા ન હતા. આથી જરૂરિયાતમંદ લોકોને ન્યાય મળતો ન હતો. શિવદાનભાઇએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે આ પ્રશ્ન પૂરી નિષ્ઠા તેમજ મક્કમતાથી હાથ ધરવા પ્રયાસ કર્યો. બન્ને વર્ગના લોકો સાથે અલગ અલગ તેમજ ત્યારબાદ તેમના આગેવાનો સાથે સંયુક્ત રીતે વાટાઘાટો કરી. માગણી કરનારા લોકોને ન્યાય મળે તેવો વિશ્વાસ બેઠો તથા કાર્યને અટકાવનાર લોકોને સારા સમજાવટના શબ્દોમાં પરંતુ ‘મક્કમ’ સંદેશો મળી ગયો. આવા પ્રયાસોનું પરિણામ નિશ્ચિત તથા ત્વરિત પણ હોય છે. ઘરવિહોણા જરૂરિયાતમંદ લોકોને પ્લોટસ ફાળવીને તેના કબજા સોંપવામાં આવ્યા. એ ગામના લોકો વર્ષો બાદ પણ પોતાને મદદ કરનારા વિકાસ અધિકારી સાહેબને ભૂલી શકતા ન હતા તેવા એકથી વધારે કિસ્સા તેમણે અવિધિસર રીતે વાત કરતા કરતા મને સંભળાવ્યા હતા. મારા મનમાંતેથી તેમના માટે એક નિશ્ચિત છાપ તથા આદર ઊભા થયા હતા. જેના કારણમાં તેમની આ વહીવટી શક્તિ તથા સૂઝ હતા. આજ રીતે કચ્છ જિલ્લાના તેમના કાર્યકાળ દરમિયાન ગ્રામ પંચાયતના મહેસૂલી વેરા ઊઘરાવવાની બાબતમાં તેમણે કરેલી અસરકારક કામગીરી તેમની સાથે કામ કરતા લોકો પાસેથી મારા સાંભળવામાં આવી હતી.તેમના માટે એક કહી શકાય કે નિયમોની જાણકારી તેમજ સૂઝ તથા મોટા વર્ગના હિતમાં તેનું અર્થઘટન એ બે જાહેર વહીવટના મૂળભૂત ગુણોનું તેમનામાં અનુભવયુક્ત સંયોજન હતું. તેમના પોતાના વતનના ગામ સુરપૂરા તેમજ આસપાસના ગામોના સતત સંપર્કના કારણે તેમનો આ ગ્રામ્યજીવન સાથેનો સંપર્ક જીવંત રહેવા પામ્યો હતો. તેઓ કદી ગામડાઓ કે ગામડાઓના પ્રશ્નો બાબતમાં ‘કટ ઓફ’ થયા ન હતા.
જાહેર ક્ષેત્રના વહીવટમાં ઘણાં આપણાં નવા અધિકારીઓ આવે છે. તેમાંથી પણ કેટલાક લોકોએ સ્વબળે પોતાની છાપ સારી કામગીરીના માધ્યમથી ઊભી કરી છે. આવા તમામ લોકોને શિવદાનભાઇ ઝૂલાના જીવનમાંથી ઘણું શીખવાનું – સમજવાનું મળી શકે તેમ છે. વ્યક્તિગત રીતે મને પણ તેમનામાંથી ઘણું શીખવા – સમજવાનું મળ્યું હતું. આથી શિવદાનભાઇને તેમજ મોટા ગજાના કવિ દાદની સ્મૃતિને વંદન કરવાના ‘ચરજ’ ના પ્રયાસનું સ્વાગત છે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૦૫/૦૭/૨૦૨૧.
Leave a comment