કવિ નર્મદે જેને ‘પશ્ચિમ કેરા દેવ’ કહીને બીરદાવ્યા છે તે શ્રી સોમેશ્વર (સોમનાથ) માત્ર સૌરાષ્ટ્ર – ગુજરાતનીજ નહિ પરંતુ દેશની શોભા સમાન છે. આપણાં પ્રાચીન વેદો પૈકી ઋગવેદમાં પણ તેનો ઉલ્લેખ છે.
યત્ર ગંગા ચ યમુના
યત્ર પ્રાચી સરસ્વતી !
યત્ર સોમેશ્વરો દેવસ્તત્ર
મામમૃતં કૃધિ !!
આ તીર્થનું આગવું મહત્વ હતું અને વર્તમાનમાં પણ લોકશ્રધ્ધાનો જુવાળ ભગવાન સોમનાથના દર્શને ધસી જતો જોઇ શકાય છે. ક. મા. મુનશીએ ‘જય સોમનાથ’ માં લખ્યું છે તેમ યાત્રીઓ લોહચુંબકની જેમ ખેંચાઇને સોમનાથના દર્શનમાટે આવે છે. ‘જય સોમનાથ’ ના નારાનો ઉન્નત પ્રતિસાદ સાગરના નિરંતર ઉછળતા અને આથડતા સમુદ્રના મોજાઓમાંથી અનુભવી શકાય છે. આ મંદિરનો વિધ્વંસ છ-છ વાર થયો હોવા છતાં શ્રધ્ધા, ભક્તિ તથા શક્તિને કારણે મંદિરનું પુન: નિૃમાણ થયું છે. સોમનાથ અંગેની વિગતો અનેક સ્થળોએ આલેખવામાં આવી છે પરંતુ ઇતિહાસકાર તેમજ નિવૃત્ત સનદી અધિકારી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇનું દળદાર પુસ્તક ‘પ્રભાસ અને સોમનાથ’ એ આ તીર્થ વિશે ચીવટપૂર્વક તૈયાર કરાયેલા દસ્તાવેજ સમાન છે. ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીએ આવા સુંદર દસ્તાવેજ સમાન પુસ્તકને અંતરના ઉમળકાથી મે-૧૯૬૫માં વધાવ્યું હતું. ત્યારબાદ આ ગ્રંથ અપ્રાપ્ય થતાં સોમનાથ ટ્રસ્ટે તેનું પુન: પ્રકાશન કરાવ્યું હતું. પ્રવીણ પ્રકાશન – રાજકોટ તરફથી પણ તેનું પ્રકાશન થયું છે.
સોમનાથનું હાલનું મંદિર એ તેના સાતમા ઐતિહાસિક પુન: નિર્માણની ફલશ્રતિ રૂપે ભાતીગળ કથા છે. આ અંતિમ પુન: નિર્માણ સાથે સરદાર વલ્લભભાઇ પટેલનું નામ અભીન્ન રીતે જોડાયેલું છે. સ્વપ્નદ્રષ્ટા સરદારના ૧૩ નવેમ્બર – ૧૯૪૭ના દ્રઢ સંકલ્પનું આ પરિણામ છે. પોતાના શુભ સંકલ્પની ઘોષણા સરદાર સાહેબે તેજ દિવસે કરી. દીર્ઘદ્રષ્ટા ગાંધીજીની સલાહ પ્રમાણે મંદિરના પુન: નિર્માણના નાણાં સરકાર પાસેથી નહિ પરંતુ સમાજ પાસેથી લેવાનો નિર્ણય થયો. સૌ પ્રથમ જામનગરના રાજવી જામ સાહેબ તેમજ આરઝી હકુમતના નેતા શાળમદાસ ગાંધીએ નોંધપાત્ર રકમ પુન: નિર્માણના કાર્ય માટે આપી. કનૈયાલાલ મુનશી જેવા મોટા ગજાના કાયદાના જાણકાર વ્યક્તિએ સોમનાથ ટ્રસ્ટનું ટ્રસ્ટડીડ તૈયાર કર્યું. વિખ્યાત મંદિર સ્થપતિ પ્રભાશંકર સોમપુરાએ આલેખ તૈયાર કર્યો. ૧૯ એપ્રિલ-૧૯૫૦ના રોજ ભૂમિપૂજન સાથે મંદિરના બાંધકામનો પ્રારંભ થયો. ભૂમિપૂજન સૌરાષ્ટ્રના તે સમયના મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબરના હસ્તે થયું. સરદારના સંકલ્પની પરિપૂર્તિ માટેના એક ઐતિહાસિક કાર્યનો આરંભ થયો. ૧૯૫૧ના મે મહીનામાં મહાદેવના લિંગનું પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે સરદાર સાહેબ પોતાના સંકલ્પની સિધ્ધિ નીરખવા હયાત ન હતા તેનો ઘણાંને રંજ હતો. પ્રતિષ્ઠાપનનું આ કાર્ય સંપન્ન કરવા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ખાસ ઉપસ્થિત રહ્યા. આ મંદિરના દિગ્વિજય દ્વાર સનમુખ જોકે સરદારની પૂર્ણ કદની પ્રતિમા આજે પણ સરદાર સાહેબના સંકલ્પની પૂર્તિ સમાન આ કાર્યની સાક્ષી પૂરાવતી ઊભી છે. સોમનાથ એ ખરા અર્થમાં આપણાં શ્રધ્ધાકેન્દ્ર ઉપરાંત આપણું સંસ્કારતીર્થ છે. ક. મા. મુનશીએ આલેખી તે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતી આ જ્વલંત કથા છે. સદ્દભાગ્યે સોમનાથ ટ્રસ્ટના ઉત્તરોત્તર આવેલા વહીવટકર્તાઓએ સમગ્ર મંદિરના સંકુલનો વિકાસ નોંધપાત્ર રીતે કરેલો છે. યાત્રિકો માટેની સુવિધાઓ વિકસાવવામાં ટ્રસ્ટનો સિંહફાળો છે.
સોમનાથના મંદિરની તેમજ તેની ભવ્યતાની કીર્તિ હમેશા આકાશગામી રહી છે. ઇતિહાસકારોના મતે અગીયારમી સદીમાં પણ આવી કીર્તિ તથા સમૃધ્ધિથી આકર્ષિત થઇને મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પરનું આક્રમણ કર્યું. મહમૂદનો સામનો કરી શકે તેવા શક્તિશાળી રાજાઓના સંયુક્ત પ્રયાસોની ઉણપને કારણે મહમૂદનું કાર્ય સરળ બન્યું હતું. આક્રમક બાદશાહ સામે અનેક વીરોએ નાના મોટા જૂથોમાં શસ્ત્રો ઉપાડ્યા અને પોતાના અમૂલ્ય બલિદાન પણ આપ્યા તે હકીકતપણ નોંધવામાં આવી છે. જેમકે મહમૂદના માર્ગમાં ઉત્તર ગુજરાતના સૂર્યમંદિરના સ્થાનથી જાણીતા મોઢેરામાં વીસ હજાર યોધ્ધાઓ માથું મૂકીને આક્રમણકારી સામે લડ્યા પરંતુ મહમૂદની વિશાળ શક્તિ સામે તેઓનો પરાજય નિશ્ચિત હતો. મહમૂદના સૈન્યમાં ત્રીસ હજાર ઘોડેસ્વાર સૈનિકો તેમજ ચોપન હજાર જેટલા પ્રમાણમાં ઓછી વધતી તાલીમ પામેલા સૈનિકો હતા. સૌ સૈનિકોને સોમનાથની લૂંટમાંથી સંપત્તિનો ભાગ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ઇતિહાસકારોના મતે મહમૂદ રાજનીતિ અને યુધ્ધકૌશલ્યમાં પ્રવીણ હતો. અખંડ હિન્દુસ્તાનના રાજવીઓ એકઠા થઇને વ્યૂહાત્મક રીતે મહમૂદનો સામનો કરવાનું ચૂકી ગયા જેના પરિણામો અનેક સામાન્ય લોકોને ભોગવવા પડ્યા. રાજવીઓની કીર્તિ પણ ઝંખવાઇ ગઇ. મહમૂદે સોમનાથનો ધ્વંશ કર્યો તે તેની હિન્દુસ્તાન પરની સોળમી સવારી કે આક્રમણ હતું. મુખ્યત્વે દ્રવ્યના લોભથી થયેલા આ આક્રમણોએ અનેક પ્રદેશોની સમૃધ્ધિ તથા સ્મારકોનો નાશ કર્યો હતો. જગતના કોઇપણ રાજવીના ભંડારમાં ન હોય તેટલા દ્રવ્યની પ્રાપ્તિ કરવા માટે તેણે પોતાને મળેલી બાતમી પરથી તથા ચોક્કસ આયોજન સાથે સોમનાથ પર આક્રમણ કર્યું હતું. મંદિરનો વિધ્વંસ કરી અઢળક સંપત્તિની લૂંટ કરી હતી. ત્યારબાદ ગુજરાતના પરાક્રમી રાજવી સિધ્ધરાજ જયસિંહે અગિયારમી સદીમાં રાજ્ય કારભારની ધૂરા સંભાળી હતી. સિધ્ધરાજ જયસિંહના મૃત્યુ પછી બારમી સદીના મધ્યભાગે કુમારપાળે રાજ્યગાદી સંભાળી હતી. જૈનાચાર્ય હેમચન્દ્રસુરિની આજ્ઞા મુજબ કુમારપાળે સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો. મંદિરની પુન: પ્રતિષ્ઠા સમયે હેમચન્દ્રાચાર્યે લિંગની વિધિવત પૂજા કરી અને સર્વધર્મ સમભાવને પૂર્તિ કરે તેવા આશીર્વચન આપ્યા.
દરેક આક્રમણ વખતે સોમનાથ મંદિરના રક્ષણ માટે પ્રાણ આપનાર ભીન્ન ભીન્ન વીરોમાં હમીરજી ગોહિલ તથા વેગડા ભીલના નામનો ગૌરવભેર ઉલ્લેખ થાય છે. હમીરજી એ લાઠીના રાજવી કલાપીના પ્રતાપી પૂર્વજ હતા. કલાપીએ પોતાના પ્રતાપી પૂર્વજની વીરતાની સ્મૃતિ કાયમ રહે તે માટે ‘હમીરજી ગોહિલ’ નામનું કાવ્ય લખ્યું હતું. જયમલ્લભાઇ પરમારે પણ હમીરજી ગોહિલના વીરત્વપૂર્ણ ઇતિહાસની વિગતો લખી છે જેને રાજકોટના પ્રવીણ પ્રકાશને પ્રકાશિત કરી છે. (સોમનાથ અને હમીરજી ગોહિલ) દિલ્હીમાં મહમ્મદ તખલખ બીજાની રાજ્યગાદીના સમયે તેના સૂબા તરીકે ઝફરખાનને નિયુક્ત કર્યો હતો. તેણે સોમનાથ પર આક્રમણની તૈયારી કરી અને આગળ વધ્યો ત્યારે હમીરજી ગોહિલે માત્ર બસ્સો જેટલા પોતાના મિત્ર યોધ્ધાઓના સમૂહને લઇને સોમનાથની રક્ષા માટેના પ્રયાસો કર્યા. ગિર પંથકમાં જેની આણ પ્રવર્તતી હતી તેવા સરદાર વેગડા ભીલની હમીરજીને સહાય મળી તે નોંધપાત્ર છે. વિના રોકટોકે સોમનાથને રોળી નાખવાના ઝફરખાનના સ્વપ્નને આ બન્ને વીરોએ અટકાવ્યું હતું. વેગડા ભીલ તથા હમીરજીની યશગાથા ઉજ્વળ છે. ગણતરીના વીરોએ પોતાની કાયા પડે નહિ ત્યાં સુધી સોમનાથની શાન જાળવી હતી. લોકસમૂહ થકી પોતાના શ્રધ્ધાસ્થાનની રક્ષાનું આ એક જ્વલંત ઉદાહરણ છે. લોકકવિએ હમીરજીને બીરદાવ્યા. આઇ લાખબાઇ નામના ચારણ આઇએ હમીરજીના મરશિયા (મરણ પછીના વિલાપને સબંધિત ગાન) ગાયા અને તેના મોતને ઉજળું કર્યું. હમીરજીના શૌર્યને વર્ણવતા આઇ લાખબાઇ કહે છે :
વેલો આવ્યો વીર,
સખાતે સોમૈયા તણી,
હિલોળવા હમીર,
ભાલાની અણીએ ભીમાઉત.
મોટા ભાગના ઇતિહાસકારોએ બહારના આવા આક્રમણ સામે તત્કાલિન રાજા-મહારાજાઓ એકત્રિત થઇને આયોજનબધ્ધ રીતે આક્રમણકારીઓનો પ્રતિકાર કરી શક્યા નહિ તેની નોંધ લીધી છે. આ હકીકત સામે મોઢેરાના વીરો, હમીરજી ગોહીલ કે વેગડો ભીલ જેવા ઉજળા ઉદાહરણો પણ છે કે જેઓ નિશ્ચિત પરાજયની સંભાવના છતાં સામી છાતીએ લડ્યા અને શહીદી વહોરી. આ સાથેજ સોમનાથ સમાન પોતાના શ્રધ્ધાકેન્દ્ર જેવા દેવ સંકુલની રક્ષા માટે સામાન્ય લોકો પણ માથુ હાથમાં લઇને લડ્યા. તેમને કોઇ લાલચ કે સંપત્તિ પ્રાપ્ત કરવાની મહેચ્છા ન હતી. ઇતિહાસમાં જેમના નામોનો ઉલ્લેખ નથી તેવા ‘અણપૂછ્યા – અણપ્રીછેલા કોઇના અજાણ લાડીલા’ (ઝવેરચંદ મેઘાણી) એ આ ઇતિહાસની ખરી શોભા છે. વેગડાજીની આગેવાનીમાં લડતા ભીલોની વીરતાને બીરદાવ્યા સિવાય લોકકવિ કેવી રીતે શાંત રહી શકે ? આવી બીરદાવલી ઇતિહાસના પૃષ્ઠો પર મોજુદ છે.
અહરાણ અકળ દળ હૈદળ પૈદળ,
મ્લેચ્છોના દળ આવી પડ્યા,
દેવોને દેવળ મચિયા ખળભળ
વાદળ વાદળ ટીડ વળ્યા
ભૂજબળ ભાલાળા આભ કપાળા
કામઠિયાળા કૂદી પડ્યા,
દુશ્મનને દળવા તરક તગડવા
ભારથ લડવા ભીલ ચડ્યા.
સામાન્ય લોકોની આ અસામાન્યતા એ સમાજની મહામૂલી મૂડી દરેક કાળમાં રહી છે. મેઘાણીએ તેનેજ બીરદાવી છે. ગાંધીજીએ પણ આ સામાન્ય લોકોની ચેતનાને જાગૃત કરીનેજ વિશ્વની તે સમયની અજેય ગણાતી મહાસત્તાને પડકારી હતી.
સોમનાથ મંદિરના સંકુલમાં હમીરજી ગોહિલની પ્રતિમા આજે પણ તેના વીરત્વની છડી પોકારતી ઊભી છે. આ વીરત્વની ઘટના પંદરમી સદીની હોવાનો મત શંભુપ્રસાદ દેસાઇનો છે. સોમેશ્વર દેવના કેન્દ્રસમાન સ્થાન સાથે આપણાં ઇતિહાસની એક મહત્વની કડી જોડાયેલી છે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૨૮/૦૬/૨૦૨૧.
Leave a comment